“શેતાનની સામા થાઓ”
“શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.”—યાકૂબ ૪:૭.
“આજે ભગવાન ભૂલાઈ ગયા, પણ શેતાન ભૂલાયો નથી,” એવું એક ફ્રેન્ચ લેખકે કહ્યું હતું. એમાં તેણે આજની દુનિયાનો અસલી રંગ બતાવ્યો છે. મનુષ્યોમાં પરમેશ્વર તો નહિ, પણ શેતાન વસી ગયો છે. આજે ‘સર્વ પ્રકારનાં ખોટાં પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારોથી,’ શેતાન લોકોને ભમાવીને મોતના મોંમાં ધકેલી રહ્યો છે. (૨ થેસ્સાલોનીકી ૨:૯, ૧૦) જો કે આ “છેલ્લા સમયમાં,” શેતાન ખાસ કરીને પરમેશ્વરના ભક્તો સામે લડે છે. અભિષિક્ત ખ્રિસ્તીઓ, જેઓ “ઈશ્વરની આજ્ઞાનું પાલન કરનાર અને ઈસુએ પ્રગટ કરેલા સત્યને વળગી રહેનાર” છે, તેઓ સાથે શેતાન લડતો રહે છે. (૨ તીમોથી ૩:૧; સંદર્શન ૧૨:૯, ૧૭, પ્રેમસંદેશ) તેથી, અભિષિક્ત ખ્રિસ્તીઓ અને બીજાં ઘેટાં, એટલે આપણે બહુ જ સાવચેત રહેવું જોઈએ.
૨ શેતાન જેવો કપટી કોઈ જ નથી! તે લોકોને છેતરવામાં પહેલો નંબર લઈ જાય છે. તેણે સાપનો વેશ લઈને હવાને છેતરી. તેણે ચાલાકીથી હવાને આવું કંઈક કહ્યું કે “તને તો સુખી જ થવું છે ને? એમાં પરમેશ્વરનું કહેવું માનવાની વાત ક્યાં આવી? એ માટે તો તું પોતે નિર્ણય લઈ શકે છે.” (ઉત્પત્તિ ૩:૧-૬) હવે લગભગ ચાર હજાર વર્ષો પછીનો વિચાર કરો. પ્રેષિત પાઊલે કોરીંથી મંડળના અભિષિક્ત ખ્રિસ્તીઓની ચિંતા કરી. પણ શા માટે? પાઊલને ડર હતો કે શેતાન કપટથી હવાની જેમ તેઓનો પણ શિકાર કરશે, તો શું? તેથી તેમણે લખ્યું: “જેમ સાપના ચાલાકીભર્યા જૂઠાણાથી હવા છેતરાઈ ગઈ, તેમ તમારું મન દુષિત થઈ જાય અને તમે ખ્રિસ્તની સંપૂર્ણ અને શુદ્ધ ભક્તિ તજી દો, એવી મને બીક લાગે છે.” (૨ કોરીંથી ૧૧:૩, પ્રેમસંદેશ) આજે પણ શેતાન લોકોને ભમાવે છે અને મગજ ફેરવી નાખે છે. હવાની જેમ, ખરું છે એ ખોટું અને જે ખોટું છે એ ખરું માની લેવા, તે ખ્રિસ્તીઓને છેતરી શકે છે. આમ, તે આપણને યહોવાહ અને ઈસુના દુશ્મનો બનાવી શકે છે.
૩ શેતાન એવો શિકારી છે, જે શિકારની આગળ ચાલાકીથી જાળ બિછાવે છે. શેતાનની જાળમાં ન ફસાવા માટે, આપણે ‘પરમેશ્વરની છાયામાં રહેવું જોઈએ.’ મા-બાપની છાયામાં એક બાળક સલામતી અનુભવે છે. યહોવાહને પૂરા દિલથી ભજીશું તો આપણે પણ એવી જ છાયામાં સલામતી અનુભવીશું. (ગીતશાસ્ત્ર ૯૧:૧-૩, IBSI) એવી છાયા યહોવાહ આપણને બાઇબલ, પવિત્ર આત્મા કે શક્તિ અને તેમના મંડળ દ્વારા આપે છે. ‘શેતાનની કુયુક્તિઓ સામે દૃઢ રહેવા’ આપણને એની ખૂબ જ જરૂર છે. (એફેસી ૬:૧૧) ‘કુયુક્તિઓ’ ભાષાંતર થયેલા ગ્રીક શબ્દનો અર્થ “કપટ,” “ચાલાકી” કે “છેતરપીંડી” પણ થઈ શકે. હા યહોવાહના લોકોને જાળમાં ફસાવવા, શેતાન બધી જ ચાલાકી અને કપટ કરશે.
રોમન સમયમાં શેતાનની જાળ
૪ પહેલી અને બીજી સદીના ખ્રિસ્તીઓ એવા સમયમાં રહેતા હતા, જે રોમન સામ્રાજ્યના સોનેરી દિવસો હતા. એ સુખ-શાંતિને કારણે વેપાર-ધંધો પણ તેજીમાં હતો. એના કારણે ખાનદાન કુટુંબો પાસે નવરાશનો ઘણો સમય રહેતો. લોકોને નવરા બેસી રહેવાનું ગમતું નહિ, એટલે તેઓ જાતજાતના મનોરંજનો ગોઠવતા. વર્ષમાં અમુક વાર તો તેઓને જેટલા કામના દિવસો, એટલા જ રજાના દિવસો પણ હતા. સરકાર લોકોને કરના પૈસામાંથી જ ખાવા-પીવા અને મોજ-મઝાના જલસા કરાવતી હતી.
૫ શું એવા સંજોગો ખ્રિસ્તીઓ માટે જોખમી હતા? હા, એમાં કોઈ શંકા નથી. પ્રેષિતોના જમાના પછી, ટર્ટુલિયન જેવા લેખકોની ચેતવણી પરથી એ સાબિત થાય છે. એ લેખકો પ્રમાણે, નવરાશના સમયમાં લોકો જે કરતા, એ ખ્રિસ્તીઓ માટે ખૂબ જોખમી હતું. એક ફાંદો તો એ હતો કે તેઓના તહેવારો અને રમતો જૂઠા દેવોના માનમાં હતા. (૨ કોરીંથી ૬:૧૪-૧૮) થિયેટરોમાં સંસ્કૃતિ પર નાટકો હોય તોપણ, એ લાજ-શરમ વિનાના હતાં. વળી, એમાં ઢીસૂમ-ઢીસૂમ અને કાપા-કાપી તો હતા જ. પરંતુ, લોકોનાં મન એનાથી પણ ન ધરાયાં. તેથી, તેઓને ગમતા જાતીયતા ઉશ્કેરતા મૂંગા નાટકો રજૂ કરવામાં આવ્યાં. ઇતિહાસનો એક લેખક, કાર્કોપીનો (અંગ્રેજી પુસ્તક રોમનું રોજનું જીવનમાં) કહે છે: “આવા નાટકોમાં સ્ત્રીઓને બધાં કપડાં કાઢી નાખવાની છૂટ હતી . . . એમાં લોહીની નદીઓ વહેતી. . . . આવા નાટકોમાં જાણે ઉકરડાની ગંદકી ભરી હતી. પરંતુ, લોકોને એ બધું ગમતું હતું. આવું બધું જોઈને તેઓના રુંવાટા ઊભા થઈ જતા ન હતા. કેમ નહિ? તેઓએ તો ઘણી વાર થિયેટરોમાં ઠંડા કલેજે લોકોને કસાઈની જેમ એકબીજાની કતલ કરતા જોયા હતા. તેઓ હવે પથ્થર દિલના થઈ ગયા હતા.”—માત્થી ૫:૨૭, ૨૮.
૬ તમાશો બતાવવા માટે, થિયેટરોમાં પહેલવાનો એકબીજા સાથે અને જંગલી જાનવરો સાથે લડતા. અરે, ઘણી વખત તો તેઓ માર્યા પણ જતા. મનોરંજનના નામે એમાં ગુલામો, ગુનેગારો અને ઘણા ખ્રિસ્તીઓને પણ જંગલી જાનવરો સામે નાખવામાં આવતા. એ રીતે શેતાન ચાલાકીથી કુકર્મો, વાસના અને હિંસા પ્રત્યેની લોકોની લાગણી પથ્થર જેવી બનાવતો હતો. જેથી, લોકો એની લતે ચડી જાય, અરે એના વગર જાણે તેઓ જીવી પણ ન શકે. જો રોમના ખ્રિસ્તીઓએ શેતાનની ચાલાકીનો શિકાર ન બનવું હોય તો, એક જ માર્ગ હતો: એવા થિયેટરો અને મનોરંજનથી બાર ગાઉ દૂર રહે!—૧ કોરીંથી ૧૫:૩૨, ૩૩.
૭ એ સમયે સ્ટેડિયમમાં થતી રથોની દોડ જોવાની પણ ઘણાને મજા આવતી હશે. પરંતુ, મોટે ભાગે લોકો મારા-મારી પર આવી જતા હોવાથી, એ પણ ખ્રિસ્તીઓ માટે એક ફાંદો હતી. ત્રીજી સદીના એક લેખકે જણાવ્યું કે, અમુક તો બાંયો ચડાવીને લડવા ઊભા થતા. વળી, કાર્કોપીનો જણાવે છે કે સ્ટેડિયમની પાછળ ‘જોષીઓ અને વેશ્યાઓનો ધંધો પણ સારો જામતો.’ ખરેખર, એવા સ્ટેડિયમો ખ્રિસ્તીઓ માટે ન હતા!—૧ કોરીંથી ૬:૯, ૧૦.
૮ ખ્રિસ્તીઓ માટે હજુ કોઈ ફાંદા હતા? હા, એ સમયે નાહવાની ખાસ જાણીતી જગ્યાઓ હતી. પરંતુ, નહાવા-ધોવામાં શું ખોટું છે? જરા વિચારો: ઘણી એવી જગ્યાઓમાં મસાજ થતો, જિમ્નેશિયમ હતા, જુગારના અડ્ડા અને ખાવા-પીવાની પણ ‘સગવડ’ હતી. જો કે સ્ત્રીઓ કે પુરુષોએ નહાવાના સમય જુદા જુદા હતા, છતાં મોટે ભાગે સ્ત્રી-પુરુષો સાથે નહાય, એ ચલાવી લેવામાં આવતું. એલેક્ઝાંડ્રિયાના ક્લેમેન્ટે લખ્યું: “નાહવાની એવી જગ્યાઓમાં સ્ત્રી-પુરુષો સાથે જાય એ ચાલતું. પછી તેઓ કોઈ જાતની લાજ-શરમ વિના મન ફાવે એ કરતા.” આમ, શેતાને ‘કાયદેસર’ જગ્યાને ફાંદો બનાવ્યો હોય શકે. જેમ કહેવત છે કે “ચેતતો નર સદા સુખી,” તેમ ખ્રિસ્તીઓ એવી જગ્યાઓથી દૂર જ રહ્યા!
૯ રોમના સોનેરી દિવસોમાં લોકો નવરા પડે, એટલે જુગાર રમતા. રથોની દોડ પર પણ જુગાર રમાતો. ખ્રિસ્તીઓ એનાથી દૂર જ રહીને એ જાળમાં ફસાયા નહિ. હોટેલો કે એવા રહેઠાણોના અડ્ડાઓમાં પણ છાની-છૂપી રીતે જુગાર રમાતો. અરે, લખોટી જેવી વસ્તુથી પણ જુગાર રમાતો. જુગારથી જાણે લોકો રંગમાં આવી જતા, કેમ કે એનાથી તેઓ રાતો-રાત કરોડપતિ બનવાના સપના જોવા માંડતા. (એફેસી ૫:૫) વળી, એવી હૉટલોમાં કામ કરતી સ્ત્રીઓ મોટા ભાગે વેશ્યાઓ હતી, જે એક બીજો ફાંદો હતો. રોમન રાજમાં રહેતા ખ્રિસ્તીઓ માટે એવા અમુક ફાંદા શેતાને ચાલાકીથી ગોઠવ્યા હતા. શું આજે પણ એમ જ નથી?
આજે શેતાનના ફાંદાઓ
૧૦ ખરું જોતાં, શેતાનની ચાલાકી અને કપટ આજે કંઈ જુદા નથી. ‘શેતાન ફાવી ન જાય,’ એ માટે પ્રેષિત પાઊલે કોરીંથી મંડળના ભાઈ-બહેનોને કડક સલાહ આપી. તેમણે કહ્યું: “આપણે તેની [શેતાનની] યુક્તિઓથી અજાણ્યા નથી.” (૨ કોરીંથી ૨:૧૧) આજે ઘણા દેશોમાં રોમન રાજ જેવી જ હાલત છે. ઘણા લોકો પાસે મોજ-શોખ માટે ઘણો જ સમય હોય છે. સરકારી લોટરીઓ તો ગરીબોને પણ સપનાની દુનિયામાં પહોંચાડી દે છે. આજે લોકોએ મનોરંજન માણવા દૂર જવું પડતું નથી. રમત-ગમતના સ્ટેડિયમો ખીચોખીચ ભરેલા હોય છે, જ્યાં જુગાર પણ રમાતો હોય છે. અરે, ઘણી વાર લોકો અને રમનારા પોતે પણ મારા-મારી કરે છે. બેશરમ સંગીતની દુનિયામાં લોકો ડૂબેલા રહે છે. વળી આપણને શરમાવે એવા નાટકો, ફિલ્મો અને ટીવી પ્રોગ્રામો પાછળ લોકો ગાંડા બને છે. અમુક દેશોમાં સ્ત્રી-પુરુષોએ સાથે નહાવાનું બહુ જાણીતું છે. વળી, દરિયા કિનારાએ કપડાં વગરના લોકો જોવા કંઈ નવી વાત નથી. અગાઉના ખ્રિસ્તીઓની જેમ જ, આજે પણ યહોવાહના ભક્તોને દુન્યવી મોજ-શોખની જાળમાં ફસાવવા, શેતાન આકાશ પાતાળ એક કરી રહ્યો છે.
૧૧ આજે ડગલેને પગલે ટેન્શન હોવાથી, આપણને બધાને રજા લેવાનું કે આરામ કરવાનું ગમે છે. ઘણા દેશોમાં લોકો હોલીડે કરે છે. પહેલાંના ખ્રિસ્તીઓને પણ ટેન્શન હતું. પરંતુ, અમુક રમત-ગમતો અને જગ્યાઓ શેતાનનો ફાંદો હોવાથી તેઓએ પસંદગી કરવાની હતી. આજે પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે ટેન્શન દૂર કરવા આપણે શું કરીએ છીએ. વળી, આપણે હોલીડેમાં જઈએ તો સાવચેત રહેવાની જરૂર છે કે ત્યાંની હોટેલો રોમન સમય જેવી ન હોય. શા માટે? એનું કારણ એ છે કે શેતાન કુકર્મો અને દારૂની જાળમાં આપણામાંના અમુકને ફસાવી ચૂક્યો છે. પાઊલે કોરીંથીના ખ્રિસ્તીઓને લખ્યું: “ભૂલશો મા; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ ન કરો; કેમકે કેટલાએકને દેવ સંબંધી જ્ઞાન નથી.”—૧ કોરીંથી ૧૫:૩૩, ૩૪.
૧૨ આપણે હવાના કિસ્સામાંથી જોઈ ગયા કે કઈ રીતે શેતાને તેને છેતરીને કપટથી ભૂલાવી. (૨ કોરીંથી ૧૧:૩) આજે, શેતાન આપણને આવી રીતે પણ છેતરી શકે: આપણે એવું વિચારી શકીએ કે જો હું દુનિયાના દોસ્તો સાથે પાર્ટી કરું કે ફરવા જાઉં, તો હું તેઓને સત્ય વિષે વાત કરી શકું. કોને ખબર તેઓ સત્ય સ્વીકારે પણ ખરા. પરંતુ, દુઃખની વાત છે કે અમુક એમ કરવા જતાં યહોવાહને છોડીને, શેતાનનો શિકાર બની ગયા છે. (હાગ્ગાય ૨:૧૨-૧૪) અમુક અસલી-નકલી બે રૂપમાં જીવે છે. આ જાળમાં શેતાને ચાલાકીથી ઇંટરનેટ દ્વારા કેટલાકને ફસાવ્યા છે. આમ તેઓ શેતાનને ખુશ કરે છે, પણ ‘ઈશ્વરના પવિત્ર આત્માને દુઃખી’ કર્યો છે.—એફેસી ૪:૩૦, પ્રેમસંદેશ.
૧૩ શેતાન છૂપી રીતે જાદુ-ટોનાથી આપણી આગળ બીજો એક ફાંદો ગોઠવે છે. પરંતુ, આપણે કહીશું કે ‘હું તો કદી પણ મેલી વિદ્યામાં ફસાઈશ નહિ.’ તોપણ, જ્યારે ફિલ્મો, ટીવી સીરિયલો, કૉમ્પ્યુટર ગેમ્સ, અરે બાળકોનાં પુસ્તકો અને કૉમિક્સની વાત આવે છે, ત્યારે ‘એ તો ચાલે’ એમ કરીને આપણે ચલાવી લેતા નથી? ભલેને એમાં ઢીસૂમ-ઢીસૂમ હોય કે જાદુ-ટોના હોય. જરા વિચારો, શું આપણે એમ કરવું જોઈએ? યહોવાહ આપણને સલાહ આપે છે કે, બંડખોર માણસના માર્ગમાં કાંટા અને ફાંદા છે; જેને જિંદગી વહાલી છે તે તેનાથી દૂર રહે છે. (નીતિવચનો ૨૨:૫) ‘આ જગતનો દેવ’ શેતાન છે. તેથી, તેના જગતના જે મનોરંજન પાછળ લોકો ગાંડા બન્યા હોય, એ વિષે ચેતો: નક્કી દાળમાં કંઈ કાળું છે!—૨ કોરીંથી ૪:૪; ૧ યોહાન ૨:૧૫, ૧૬.
ઈસુ શેતાનના ફાંદામાં ફસાયા નહિ
૧૪ ઈસુએ શેતાનની સામા થઈને, તેને નસાડી મૂકવામાં સારો દાખલો બેસાડ્યો. ઈસુ બાપ્તિસ્મા પામ્યા અને ૪૦ દિવસ ઉપવાસ કર્યા પછી, શેતાને તેમનું પરીક્ષણ કર્યું. (માત્થી ૪:૧-૧૧) ઈસુએ ઉપવાસ કર્યા પછી તેમને કકડીને ભૂખ લાગી હતી. શેતાને કપટી રીતે એ સંજોગોનો લાભ લીધો. શેતાને તેમને લાલચ આપી: ‘જો તું યહોવાહનો પુત્ર હોય તો ચમત્કાર કરીને પથ્થરોની રોટલી બનાવી દે.’ ઈસુએ પુનર્નિયમ ૮:૩ જણાવીને, પોતાના લાભ માટે ચમત્કાર કરવાની ચોખ્ખી ના પાડી. આમ, તેમણે યહોવાહનાં વચનો પહેલા મૂક્યાં.
૧૫ આ પરીક્ષણથી આપણે શું શીખીએ છીએ? તમે એક વાતની નોંધ લીધી? શેતાને ઈસુની આગળ કોઈ જાતીય પાપની લાલચ મૂકી નહિ. કેમ નહિ? તેને ખબર હતી કે ઈસુ એમાં ફસાશે નહિ, પણ તેને લાગતું હતું કે ઈસુ રોટલીની લાલચમાં ફસાઈ જશે. એ જ રીતે આજે યહોવાહના લોકોનો શિકાર કરવા, શેતાન કેવી લાલચોની પસંદગી કરે છે? આપણા સંજોગો પ્રમાણે તે જુદી જુદી લાલચો આપણી સામે મૂકે છે. પરંતુ, આજે શેતાન કઈ રીતે વધારે સફળ થઈ રહ્યો છે? તે જાતીય વાસનાની જાળમાં યહોવાહના લોકોને ફસાવી ચૂક્યો છે. પરંતુ, ગભરાશો નહિ! ઈસુને પગલે ચાલીને આપણે પણ શેતાનની સામા થઈ શકીએ છીએ. આમ આપણે લાલચોને ઘસીને ના પાડી શકીએ છીએ. શેતાન જ્યારે તેમની પાછળ પડી ગયો, ત્યારે દરેક વખતે ઈસુએ એને લગતી કલમો કહીને તેનો સામનો કર્યો. આપણે પણ જાતીય લાલચોથી દૂર રહેવા ઉત્પત્તિ ૩૯:૯ અને ૧ કોરીંથી ૬:૧૮ જેવી કલમો યાદ રાખીએ.
૧૬ પહેલી રીત નિષ્ફળ જવાથી શેતાન બીજી રીત અજમાવે છે. તે ઈસુને મંદિરની ઊંચી દિવાલ પર લઈ જઈને કહે છે: ‘જો તું યહોવાહનો પુત્ર હોય તો, નીચે કૂદકો માર. તારા પિતા તો તેના દૂતો મોકલીને તને ઝીલી લેશે.’ ઈસુ પુનર્નિયમ ૬:૧૬ જણાવીને, યહોવાહની પરીક્ષા કરવાની ના પાડે છે. જો કે શેતાન આપણને એમ કરવાનું કહેશે નહિ. પરંતુ, તે આપણને બીજી કોઈ રીતે યહોવાહની પરીક્ષા કરવા લલચાવી શકે છે. જેમ કોઈ હઠીલું બાળક આગ પાસે જવાની જીદ કરે અને દાઝે, તેમ શું આપણે બને એટલી હદે દુનિયાની ફેશન અને મોજ-શોખના તાલમાં તાલ મીલાવી ચાલીએ છીએ? એમ હોય તો, આપણે યહોવાહની પરીક્ષા કરીએ છીએ. આપણામાં અને તોફાની બાળકમાં શું ફરક રહ્યો? તેથી, ચાલાક શિકારીની જેમ શેતાન આપણો પીછો કરશે, જેથી તક મળતા જ આપણો શિકાર કરી શકે. આમ તે આપણને યહોવાહના દુશ્મન બનાવી દેશે.
૧૭ ત્રીજી વાર, શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું. આ વખતે શેતાને ઈસુને ફક્ત એક જ વાર તેના પગે લાગવા કહ્યું. એના ઇનામમાં તે ઈસુને દુનિયાના બધા જ રાજ્યોની ઑફર કરે છે. પરંતુ, ઈસુ એકના બે ન થયા. તેમણે શાસ્ત્રમાંથી બતાવ્યું કે તે ફક્ત પોતાના પિતા, યહોવાહને જ નમશે. (પુનર્નિયમ ૫:૯; ૬:૧૩; ૧૦:૨૦) શેતાન કંઈ આપણને દુનિયાના દેશોની ઑફર કરવાનો નથી. પરંતુ, તે દુનિયાની ધનદોલત અને ચીજ-વસ્તુઓના ઝગમગાટની લાલચ જરૂર બતાવે છે. અરે ઘણી વખત તો ‘સમાજમાં મારું મોટું નામ હોય’ એવા સપના પણ બતાવે છે. ઈસુની જેમ, શેતાનની એ બધી લાલચોને ઠોકર મારીને, શું આપણે ફક્ત યહોવાહને જ વળગી રહીએ છીએ? જો એમ હોય તો, ઈસુના કિસ્સામાં બન્યું હતું તેમ, આપણને પણ ‘શેતાન મૂકીને જતો’ રહેશે. (માત્થી ૪:૧૧) ચાલો આપણે યહોવાહની સલાહને આપણું જીવન બનાવી દઈએ, અને એમ શેતાનનો સામનો કરીએ. ઈસુના શિષ્ય યાકૂબે લખ્યું: “શેતાનની સામા થાઓ, એટલે તે તમારી પાસેથી નાસી જશે.” (યાકૂબ ૪:૭) એક ભાઈએ યહોવાહના સાક્ષીઓની ફ્રાંસની બ્રાંચ ઑફિસને લખ્યું: “શેતાન ખરેખર કપટી છે. સખત મહેનત કરવા છતાં, મારી લાગણીઓ પર લગામ રાખવી બહુ મુશ્કેલ લાગે છે. જો કે યહોવાહની મદદથી હું ટકી રહ્યો છું. આમ હું સત્યને મારા પૂરા દિલથી વળગી રહ્યો છું.”
શેતાનની સામે થવા યહોવાહની મદદ
૧૮ યહોવાહ પરમેશ્વર આપણને ‘શેતાનની કુયુક્તિઓ [દુષ્ટ ચાલાકીઓ] સામે દૃઢ રહેવા’ તૈયાર કરે છે. (એફેસી ૬:૧૧-૧૮) જેમ કોઈ કામ કરવા કમર કસે, તેમ સત્ય માટેનો પ્રેમ આપણને યહોવાહની ભક્તિ કરવા તૈયાર કરશે. યહોવાહના ઊંચાં ધોરણો એક બખ્તર બનીને આપણા દિલનું રક્ષણ કરશે. શાંતિનો સંદેશ આપવા આપણા પગ આપણને ઉત્સાહથી પ્રચાર કરવા લઈ જશે. એ આપણને યહોવાહને વળગી રહેવા મદદ કરશે. આપણો વિશ્વાસ એક ઢાલ જેવો છે. એનાથી “દુષ્ટના બળતા ભાલાઓ,” એટલે કે શેતાનની કપટી લાલચોથી આપણને રક્ષણ મળશે. યહોવાહનાં વચનો પૂરાં થવાની ખાતરી જાણે હેલ્મેટ જેવી છે. એ આપણા વિચારોનું રક્ષણ કરે છે અને મનની શાંતિ આપે છે. (ફિલિપી ૪:૭) બાઇબલ બેધારી તરવાર જેવું છે. એ શેતાનની જાળમાં ફસાયેલા લોકોને છોડાવવા ખૂબ જ મદદ કરે છે. ઈસુની જેમ, શેતાનની સામે થઈને આપણે બાઇબલથી પોતાનું રક્ષણ પણ કરી શકીએ છીએ.
૧૯ આમ શેતાનની સામા થવા યહોવાહ આપણને જરૂર રક્ષણ આપે છે. એ માટે આપણે તેમને વારંવાર પ્રાર્થના કરતા રહીએ. તેમ જ ‘તેમના સર્વ હથિયારો’ પહેરીને તૈયાર રહીએ. (યોહાન ૧૭:૧૫; ૧ કોરીંથી ૧૦:૧૩) જો કે યાકૂબે જણાવ્યું કે ‘શેતાનની સામા થવું,’ એ જ પૂરતું નથી. પરંતુ, સૌથી મહત્ત્વનું એ છે કે આપણે યહોવાહને આધીન રહીએ. એક મા-બાપની જેમ તે આપણને ખૂબ જ ચાહે છે. (યાકૂબ ૪:૭, ૮) હવે તમે પૂછશો કે આપણે યહોવાહને કઈ રીતે આધીન રહી શકીએ? ચાલો આપણે હવે પછીના લેખમાં એ જોઈએ.
આપણો જવાબ શું છે?
• રોમન સમયના ખ્રિસ્તીઓ આગળ શેતાને કયા ફાંદાઓ મૂક્યા?
• શેતાન કઈ દુષ્ટ ચાલાકીઓથી આપણે ફસાવવાનો પ્રયત્ન કરે છે?
• ઈસુ કઈ રીતે શેતાનના ફાંદાઓમાં ફસાયા નહિ?
• શેતાનની સામે થવા યહોવાહ આપણને કઈ રીતોએ મદદ કરે છે?
[Questions]
૧. આજે દુનિયા કેવી છે, અને શા માટે આપણે સાવચેત રહેવું જોઈએ?
૨. શેતાને હવાને કઈ રીતે છેતરી, અને પ્રેષિત પાઊલને કઈ ચિંતા હતી?
૩. યહોવાહની છાયા શું છે?
૪. પહેલી-બીજી સદીમાં ખ્રિસ્તીઓ કેવા સમયમાં રહેતા હતા?
૫, ૬. (ક) ખ્રિસ્તીઓ માટે રોમન થિયટરો શા માટે એક ફાંદો હતા? (ખ) શેતાને કઈ જાળ બીછાવી હતી અને એનો શિકાર ન બનવા ખ્રિસ્તીઓએ શું કરવાનું હતું?
૭, ૮. (ક) ખ્રિસ્તીઓ માટે રથોની દોડ શા માટે એક ફાંદો હતી? (ખ) રોમની નાહવાની જગ્યાઓ કેમ શેતાનનો ફાંદો હોય શકે?
૯. ખ્રિસ્તીઓએ બીજા કયા ફાંદાઓથી ચેતવાનું હતું?
૧૦. આજની હાલત પણ કઈ રીતે રોમન રાજ જેવી જ છે?
૧૧. નવરાશનો ટાઈમ પાસ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ?
૧૨. આજે શેતાન કઈ રીતોથી યહોવાહના સેવકોને ફસાવે છે?
૧૩. શેતાનનો બીજો એક છૂપો ફાંદો શું છે, અને યહોવાહ આપણને કઈ સલાહ આપે છે?
૧૪. ઈસુએ કઈ રીતે શેતાનના પહેલા પરીક્ષણનો સામનો કર્યો?
૧૫. (ક) ઈસુને ફસાવવા શેતાને કઈ લાલચ પસંદ કરી? (ખ) યહોવાહના સેવકોને ફસાવવા શેતાન કઈ રીતે વધારે સફળ થયો છે, અને આપણે કઈ રીતે એનાથી દૂર રહી શકીએ?
૧૬. (ક) શેતાને બીજી વખત ઈસુનું કઈ રીતે પરીક્ષણ કર્યું? (ખ) યહોવાહની પરીક્ષા કરવા માટે, શેતાન કઈ રીતોથી આપણને લલચાવી શકે?
૧૭. (ક) શેતાને કઈ રીતે ઈસુનું ત્રીજું પરીક્ષણ કર્યું? (ખ) યાકૂબ ૪:૭ આપણને કઈ રીતે લાગુ પડી શકે?
૧૮. શેતાનની સામા થવા યહોવાહ આપણને કઈ રીતે તૈયાર કરે છે?
૧૯. આપણે બીજું શું કરવાની જરૂર છે?
[ચિત્રનું મથાળું on page v૯]
ઈસુ અડગ રહીને, શેતાનની સામા થયા
[પાન ૧૦ પર ચિત્રો]
પહેલી સદીમાં ખ્રિસ્તીઓએ રોમન મોજ-શોખ માટે ચોખ્ખી ના પાડી
[ક્રેડીટ લાઈન]
The Complete Encyclopedia of Illustration/J. G. Heck