કોરીંથીઓને બીજો પત્ર
૬ ઈશ્વરની સાથે કામ કરનારા તરીકે+ અમે તમને આ અરજ પણ કરીએ છીએ: ઈશ્વરની અપાર કૃપાનો સ્વીકાર કરીને એનો હેતુ ભૂલી ન જતા.+ ૨ કેમ કે ઈશ્વર કહે છે: “કૃપા* બતાવવાના સમયે મેં તારું સાંભળ્યું અને ઉદ્ધારના દિવસે મેં તને મદદ કરી.”+ જુઓ! ઈશ્વર કૃપા બતાવે એ સમય અત્યારે જ છે. જુઓ! ઉદ્ધારનો દિવસ અત્યારે જ છે.
૩ અમે કોઈ પણ રીતે ઠોકર ખાવાનું કારણ આપતા નથી, જેથી અમારી સેવાનો કોઈ દોષ કાઢવામાં ન આવે.+ ૪ પણ અમે બધી રીતે બતાવી આપીએ છીએ કે અમે ઈશ્વરના સેવકો છીએ:+ ઘણું સહન કરીને, મુસીબતો વેઠીને, તંગી સહીને, તકલીફો ઉઠાવીને,+ ૫ માર ખાઈને, કેદમાં રહીને,+ હુલ્લડોનો સામનો કરીને, સખત મહેનત કરીને, ઉજાગરા કરીને, ભૂખ વેઠીને;+ ૬ શુદ્ધ જીવનથી, જ્ઞાનથી, ધીરજથી,+ દયાથી,+ પવિત્ર શક્તિથી, ઢોંગ વગરના પ્રેમથી,+ ૭ સાચી વાતોથી, ઈશ્વરના બળથી;+ જમણા હાથમાં* અને ડાબા હાથમાં* સત્યનાં હથિયારો દ્વારા,+ ૮ માન અને અપમાન દ્વારા, બદનામી અને વખાણ દ્વારા એ બતાવીએ છીએ. અમને દગાખોર ગણવામાં આવ્યા, છતાં અમે સચ્ચાઈથી વર્તીએ છીએ. ૯ અજાણ્યા જેવા ગણવામાં આવ્યા, છતાં અમે જાણીતા થયા છીએ. મોતના મોંમાં* છીએ, છતાં જુઓ! અમે જીવતા છીએ.+ સજા થયેલા* લોકો જેવા છીએ, છતાં અમે મરણને સોંપાયા નથી.+ ૧૦ અમે શોક કરનારા જેવા ગણાયા, છતાં હંમેશાં ખુશ રહીએ છીએ. અમે ગરીબ જેવા ગણાયા, છતાં ઘણાને ધનવાન બનાવીએ છીએ. અમે કંગાળ જેવા છીએ, છતાં અમારી પાસે બધું જ છે.+
૧૧ ઓ કોરીંથના લોકો, અમે છૂટથી તમારી સાથે વાત કરી છે અને અમે અમારા દિલના દરવાજા ખુલ્લા રાખ્યા છે. ૧૨ અમે તમારા માટે દિલના દરવાજા બંધ કર્યા નથી,*+ પણ તમે અમારા માટે દિલના દરવાજા બંધ કરી દીધા છે. ૧૩ હું જાણે મારાં બાળકોને કહેતો હોઉં એમ કહું છું કે, તમે પણ તમારા દિલના દરવાજા ખોલી નાખો.+
૧૪ શ્રદ્ધા ન રાખનારા સાથે અસમાન ઝૂંસરીથી* ન બંધાઓ.*+ કેમ કે સત્ય અને અસત્ય વચ્ચે કેવી સોબત?+ અજવાળાને અંધારા સાથે શું લેવાદેવા?+ ૧૫ ખ્રિસ્તને શેતાન* સાથે શું લાગે-વળગે?+ શ્રદ્ધા રાખનાર અને શ્રદ્ધા ન રાખનાર વચ્ચે શું સરખાપણું?+ ૧૬ ઈશ્વરના મંદિરને મૂર્તિઓ સાથે શું સંબંધ?+ કેમ કે આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ,+ જેમ ઈશ્વરે કહ્યું છે: “હું તેઓ વચ્ચે રહીશ+ અને તેઓ વચ્ચે ચાલીશ. હું તેઓનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોકો થશે.”+ ૧૭ “‘એ માટે, તેઓ વચ્ચેથી બહાર નીકળી આવો અને પોતાને અલગ કરો,’ યહોવા* કહે છે, ‘અશુદ્ધ વસ્તુને અડકતા નહિ’”+ અને “‘હું તમારો સ્વીકાર કરીશ.’”+ ૧૮ “સર્વશક્તિમાન ઈશ્વર યહોવા* કહે છે, ‘હું તમારો પિતા થઈશ+ અને તમે મારાં દીકરા-દીકરીઓ થશો.’”+