‘છોકરાં, માબાપની આજ્ઞાઓ માનો’
‘છોકરાં, પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો; કેમ કે એ યોગ્ય છે.’—એફેસી ૬:૧.
૧. ચેતવણીને ધ્યાન આપવાથી કઈ રીતે આપણો જીવ બચી શકે?
કાળાં કાળાં વાદળો છવાઈ જાય. વીજળીના કડાકા સંભળાય. સુસવાટા મારતો પવન વાય. આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય. કરાના વરસાદથી બચવા આપણે તરત સલામત જગ્યા શોધીશું. આપણને ‘નવાઈ પમાડે એવી રીતે રચવામાં’ આવ્યા છે કે આપણે પારખી શકીએ છીએ કે જીવ જોખમમાં છે. (ગીતશાસ્ત્ર ૧૩૯:૧૪) એવી ચેતવણી ધ્યાનમાં લીધી હોવાથી, કદાચ આજે આપણે જીવતા છીએ. પણ અમુકે ચેતવણીને આંખ આડા કાન કર્યા હોવાથી જીવ ગુમાવ્યો છે.
૨. બાળકોને કેવી ચેતવણીની જરૂર છે? તેઓએ કેમ માબાપનું માનવું જોઈએ?
૨ બાળકોએ જીવનનાં જોખમો વિષે જાણવાની જરૂર છે. એના વિષે બાળકોને ચેતવવાની જવાબદારી માબાપની છે. તમને કદાચ મમ્મી-પપ્પાના આ શબ્દો યાદ હશે, “સ્ટવને ના અડીશ, દાઝી જઈશ.” “ઊંડા પાણીમાં ના જઈશ, ડૂબી જઈશ.” “આજુબાજુ જોઈને રસ્તો ક્રોસ કરજે.” દુઃખની વાત છે કે અમુક બાળકો માનતાં નથી, એટલે કડવો અનુભવ કરવો પડે છે. અરે, ઘણી વાર જીવ પણ ગુમાવી બેસે છે. માબાપનું માનવું ‘યોગ્ય છે.’ આપણા ભલા માટે છે. (નીતિવચનો ૮:૩૩) બીજું એક વચન કહે છે કે આપણે માબાપનું કહેવું કરીએ, તો ઈસુને પણ “ગમે છે.” અરે, ખુદ યહોવાહે આજ્ઞા આપી છે કે માબાપનું સાંભળો.—કોલોસી ૩:૨૦; ૧ કોરીંથી ૮:૬.
આજ્ઞા પાળવાના આશીર્વાદો
૩. ખરું જીવન શું છે? બાળકોને એ આશીર્વાદ કેવી રીતે મળી શકે?
૩ આપણે મમ્મી-પપ્પાનું કહેવું માનીએ તો સુખેથી જીવી શકીએ છીએ. ભાવિમાં પણ ખરા જીવનનો આનંદ માણીશું. (૧ તીમોથી ૪:૮; ૬:૧૯) ખરું જીવન એટલે શું? ઈશ્વરની નવી દુનિયામાં હંમેશ માટે સુખ-શાંતિનું જીવન. ઈશ્વરે વચન આપ્યું છે કે તેમની આજ્ઞાઓ દિલથી પાળનારને આવું જીવન મળશે. એમાંની એક મહત્ત્વની આજ્ઞા છે: ‘તમારા બાપનું તથા તમારી માનું સન્માન કરો (તે પહેલી વચનયુક્ત આજ્ઞા છે), એ સારુ કે તમારું ભલું થાય, અને પૃથ્વી પર તમારું જીવન લાંબું થાય.’ તેથી બાળકો તમે માબાપની આજ્ઞા પાળશો તો, સુખી થશો. તમારું ભાવિ ઊજળું હશે અને હંમેશ માટે પૃથ્વી પર સુખ-શાંતિનું જીવન જીવશો.—એફેસી ૬:૨, ૩.
૪. બાળકો કઈ રીતે ઈશ્વરનું કહેવું માની શકે? એનાથી શું લાભ થાય છે?
૪ બાળકો તમે માબાપનું કહેવું માનો છો ત્યારે પરમેશ્વરનું કહેવું માનો છો. તેમણે જ માબાપનું માનવાની આજ્ઞા આપી છે. બાઇબલ કહે છે, “હું યહોવાહ તારો દેવ છું, ને તારા લાભને અર્થે હું તને શીખવું છું.” (યશાયાહ ૪૮:૧૭; ૧ યોહાન ૫:૩) માબાપનું માનવાથી બાળકોને કેવી રીતે લાભ થાય છે? એમ કરવાથી માબાપને ઘણી ખુશી થાય છે. તેઓ તમારું જીવન ખુશીઓથી ભરાઈ જાય એના માટે બનતું બધું જ કરશે. (નીતિવચનો ૨૩:૨૨-૨૫) ખાસ તો ઈશ્વર બહુ ખુશ થશે અને ઘણી રીતોએ આશીર્વાદ આપશે. ઈસુએ કહ્યું: “જે કામો તેને [યહોવાહને] ગમે છે તે હું નિત્ય કરૂં છું.” (યોહાન ૮:૨૯) ચાલો આપણે જોઈએ કે યહોવાહે કેવી રીતે ઈસુને આશિષ આપી અને તેમનું રક્ષણ કર્યું.
ઈસુ એક કુશળ કારીગર
૫. કેવી રીતે કહી શકીએ કે ઈસુ સારા કારીગર હતા?
૫ ઈસુના દત્તક પિતા યુસફ સુથાર હતા. ઈસુ ઘરમાં મોટા દીકરા હતા. તે પિતા પાસેથી સુથારી કામ શીખ્યા. (માત્થી ૧૩:૫૫; માર્ક ૬:૩; લુક ૧:૨૬-૩૧) ઈસુ કેવા સુથાર હતા? ઈસુ સ્વર્ગમાં હતા, એ વખતે પોતાને ડહાપણ સાથે સરખાવતા કહે છે: “કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતું; અને હું દિન-પ્રતિદિન તેને સંતોષ આપતું હતું.” ઈસુ સ્વર્ગમાં પણ કુશળ કારીગર હતા. તેમનાથી યહોવાહ બહુ ખુશ હતા. આ બતાવે છે કે પૃથ્વી પર હતા ત્યારે ઈસુ ચોક્કસ સારા સુથાર હશે.—નીતિવચનો ૮:૩૦; કોલોસી ૧:૧૫, ૧૬.
૬. (ક) શાના પરથી કહી શકીએ કે ઈસુએ ઘરના કામમાં મદદ કરી હશે? (ખ) બાળકો કેવી રીતે ઈસુને પગલે ચાલી શકે?
૬ બાઇબલ જણાવે છે કે જૂના જમાનામાં પણ બાળકો રમતા હતા. અમુક વાર ઈસુ પણ રમ્યા હશે. (ઝખાર્યાહ ૮:૫; માત્થી ૧૧:૧૬, ૧૭) શું ઈસુએ ઘરના કામમાં મદદ કરી હશે? ચોક્કસ! ઈસુનો પરિવાર ગરીબ હતો. બાળકોમાં તે મોટા હતા. એટલે ઈસુએ સુથારી કામ શીખવાની સાથે સાથે ઘરમાં પણ મદદ કરાવી હશે. પછીથી ઈસુએ પ્રચાર કરવા પોતાનું જીવન ખર્ચી નાખ્યું. સુખ-સગવડ જતાં કર્યાં. (લુક ૯:૫૮; યોહાન ૫:૧૭) વહાલાં બાળકો, તમે કઈ રીતે ઈસુને પગલે ચાલી શકો? શું મમ્મી-પપ્પા તમને રૂમ સાફ કરવા કે બીજાં કામો કરવાનું કહે છે? યહોવાહને ભજવા મિટિંગમાં આવવા કહે છે? યહોવાહ વિષે બીજાઓને જણાવવા કહે છે? એવા સંજોગોમાં જરા વિચારો કે બાળક તરીકે ઈસુએ શું કર્યું હોત!
બાઇબલ સારી રીતે શીખનાર અને શીખવનાર
૭. (ક) ઈસુએ પાસ્ખાપર્વ માટે કોની સાથે મુસાફરી કરી? (ખ) યરૂશાલેમથી પાછા ફરતા ઈસુ ક્યાં રહી ગયા? તે ત્યાં શું કરતા હતા?
૭ દરેક ઈસ્રાએલી પુરુષે વર્ષમાં ત્રણ વાર યહુદી તહેવારો ઊજવવા, યહોવાહના મંદિરે જવાનું હતું. (પુનર્નિયમ ૧૬:૧૬) ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે તેમનો આખો પરિવાર પાસ્ખાપર્વ માટે યરૂશાલેમ ગયો. તેઓની સાથે મરિયમની બહેન સલોમીનું કુટુંબ પણ હતું. સલોમીના પરિવારમાં પતિ ઝબદી અને પુત્રો યાકૂબ અને યોહાન હતા. એ પુત્રો પછીથી ઈસુના શિષ્યો બન્યા.a (માત્થી ૪:૨૦, ૨૧; ૧૩:૫૪-૫૬; ૨૭:૫૬; માર્ક ૧૫:૪૦; યોહાન ૧૯:૨૫) યરૂશાલેમથી પાછા ફરતા યુસફ અને મરિયમને લાગ્યું કે ઈસુ પોતાનાં સગાં સાથે હશે. એટલે ઈસુ પાછળ રહી ગયા એની તેઓને ખબર ન પડી. આખરે ત્રણ દિવસ પછી ઈસુ મંદિરમાં મળી આવ્યા. તેઓએ ઈસુને ‘મંદિરમાં ધર્મગુરુઓની વચમાં બેઠેલા, તેઓનું સાંભળતા તથા તેઓને સવાલો પૂછતા જોયા.’—લુક ૨:૪૪-૪૬.
૮. ઈસુ મંદિરમાં શું કરતા હતા? લોકોને શા માટે નવાઈ લાગી?
૮ ઈસુ ધર્મગુરુઓને કેવા “સવાલો” પૂછતા હતા? ફક્ત માહિતી મેળવવા જ તે સવાલો પૂછતા ન હતા. અહીં ‘સવાલો’ માટે જે ગ્રીક શબ્દ વાપર્યો છે, એનો અર્થ થાય કે અદાલતમાં પૂછવામાં આવે એવા પ્રશ્નો. આ બતાવે છે કે ૧૨ વર્ષની ઉંમરે પણ ઈસુ પાસે શાસ્ત્રનું ઘણું જ્ઞાન હતું. તેમના જ્ઞાનથી ધર્મગુરુઓ પણ વિચારમાં પડી ગયા! બાઇબલ કહે છે, ‘જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી નવાઈ પામ્યા.’—લુક ૨:૪૭.
૯. ઈસુની જેમ તમે પણ કઈ રીતે બાઇબલનું જ્ઞાન લઈ શકો?
૯ નાનકડા ઈસુના જ્ઞાનથી ધર્મગુરુઓને નવાઈ લાગી. તમને શું લાગે બાળકો, ઈસુએ કેવી રીતે એ જ્ઞાન મેળવ્યું હશે? ઈસુનાં માબાપ ઈશ્વરભક્તો હતાં. તેઓએ બાળપણથી જ ઈસુને તેમને માર્ગે ચાલવાનું શીખવ્યું હતું. (નિર્ગમન ૧૨:૨૪-૨૭; પુનર્નિયમ ૬:૬-૯; માત્થી ૧:૧૮-૨૦) યુસફ બાળપણથી ઈસુને સભાસ્થાનમાં (સિનેગોગ) લઈ જતા. ત્યાં કલમો વાંચીને એની ચર્ચા કરવામાં આવતી. શું તમારાં માબાપ પણ તમારી સાથે બાઇબલમાંથી સ્ટડી કરે છે? તમને મિટિંગમાં લઈ જાય છે? ઈસુએ પોતાનાં માબાપની કદર કરી તેમ તમે પણ કરો છે? ઈસુની જેમ તમે પણ જે શીખો છો એ બીજાઓને જણાવો છો?
ઈસુએ માબાપનું કહેવું માન્યું
૧૦. (ક) ઈસુ ક્યાં હશે એની તેમનાં માબાપને કેમ ખબર હોવી જોઈએ? (ખ) બાળકો માટે ઈસુએ કેવો દાખલો બેસાડ્યો?
૧૦ ત્રણ દિવસ પછી ઈસુને મંદિરમાં જોઈને, મરિયમ અને યુસફને કેવું લાગ્યું હશે? ચોક્કસ તેઓને ‘હાશ’ થઈ હશે! ઈસુને થયું કે પોતાનાં માબાપને ખબર હોવી જોઈએ કે પોતે ક્યાં હશે. યુસફ અને મરિયમ બંને જાણતા હતા કે ઈસુનો જન્મ ચમત્કારથી થયો હતો. ખરું કે તેઓ ઈસુ વિષે બધું જ જાણતા ન હતા. પણ થોડું ઘણું તો જાણતા હતા. જેમ કે, ઈસુ જીવન બચાવનાર બનશે. ઈશ્વરના રાજ્યના રાજા બનશે. (માત્થી ૧:૨૧; લુક ૧:૩૨-૩૫; ૨:૧૧) એટલે ઈસુએ તેઓને પૂછ્યું: “તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતાં નહોતાં કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ?” પછી ઈસુ માબાપનું માનીને નાઝરેથ પાછા ફર્યા. બાઇબલ કહે છે, ‘તે તેઓને આધીન રહ્યા. અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી.’—લુક ૨:૪૮-૫૧.
૧૧. ઈસુના દાખલામાંથી યુવાનો શું શીખી શકે?
૧૧ હંમેશાં માબાપનું માનીને ઈસુને પગલે ચાલવું શું તમને સહેલું લાગે છે? કે પછી તમને લાગે છે કે માબાપને આજની દુનિયાની શું ખબર? શું તમને લાગે છે કે તેમના કરતાં તમને વધારે ખબર છે? ખરું કે તમે મોબાઇલ, કૉમ્પ્યુટર કે ઇલેક્ટ્રોનિક સાધનો વિષે ઘણું જાણતા હોય શકો. પણ ઈસુનો વિચાર કરો. ‘તેમની બુદ્ધિથી તથા તેમના ઉત્તરોથી’ ધર્મગુરુઓને પણ નવાઈ લાગી. ઈસુ પાસે વધારે જ્ઞાન કે તમારી પાસે? તોપણ ઈસુ તેમનાં માબાપને આધીન રહ્યા. તેમને પણ દરેક વખતે માબાપના કહેવા પ્રમાણે કરવું સહેલું નહિ લાગ્યું હોય. છતાં તેમણે યુવાનીમાં પણ માબાપને “આધીન રહેવાનું” ચાલુ રાખ્યું. યુવાનો, ઈસુના દાખલામાંથી તમે શું શીખી શકો?—પુનર્નિયમ ૫:૧૬, ૨૯.
આજ્ઞા પાળવી સહેલી નથી
૧૨. માબાપનું માનવાથી કેવી રીતે જીવન બચે છે?
૧૨ શું હંમેશાં માબાપનું માનવું સહેલું છે? ચાલો આપણે થોડાં વર્ષો પહેલાં બનેલો બનાવ વિચારીએ. બે છોકરીઓ અને જોન નામનો છોકરો ઘરે જતા હતા. રસ્તામાં એક્સપ્રેસ હાઈવે આવતો હતો. છોકરીઓએ બ્રિજ ચઢીને જવાને બદલે, દોડીને હાઈવે ક્રોસ કરવાનો વિચાર કર્યો. જોન બ્રિજ તરફ ચાલવા લાગ્યો. પેલી છોકરીઓએ તેને કહ્યું, “જોન, ચાલને અમારી સાથે?” જોને ના પાડી ત્યારે એક છોકરીએ ટોણો માર્યો, ‘એક નંબરનો ડરપોક!’ જોને હિંમતથી કહ્યું, ‘મારે મમ્મીનું સાંભળવું જોઈએ.’ જોન બ્રિજ પર હતો ત્યારે તેણે જોરદાર બ્રેકનો અવાજ સાંભળ્યો. નીચે જોયું તો છોકરીઓ કાર સાથે અથડાઈ હતી. એક છોકરીનું ત્યાં જ મોત થયું. બીજી છોકરીનો પગ કચડાઈ ગયો હોવાથી કાપવો પડ્યો. છોકરીઓની મમ્મીએ તેઓને બ્રિજ ચઢીને આવવા કહ્યું હતું. તેણે જોનની મમ્મીને કહ્યું: “કાશ, મારી છોકરીઓએ જોનની જેમ મારું માન્યું હોત તો કેવું સારું!”—એફેસી ૬:૧.
૧૩. (ક) શા માટે તમારે માબાપનું માનવું જોઈએ? (ખ) કેવા સંજોગોમાં બાળકોએ માબાપનું ન માનવું જોઈએ?
૧૩ યહોવાહે શા માટે કહ્યું છે કે “તારા બાપનું તથા તારી માનું સન્માન કર”? એક કારણ તો એ કે માબાપનું માનીને તમે ઈશ્વરનું માનો છો. બીજું કે માબાપને તમારા કરતાં વધારે અનુભવ છે. દાખલા તરીકે, આગલા ફકરામાં આપણે એક ઍક્સિડન્ટની વાત કરી. પાંચ વર્ષ પહેલાં જોનની મમ્મીની સહેલીના છોકરાએ પણ એ હાઈવે ક્રોસ કરતા જીવ ગુમાવ્યો હતો. કદાચ તમને દર વખતે માબાપનું સાંભળવું અઘરું લાગે. પણ ઈશ્વર ચાહે છે કે તમે માબાપનું માનો. જો તમારાં માબાપ કે બીજાઓ તમને જૂઠું બોલવાનું કે ચોરી કરવાનું કહે તો શું કરશો? અથવા ઈશ્વરને ન ગમે એવાં કોઈ કામ કરવા કહે તો શું કરશો? એવા કિસ્સામાં તમારે ‘માણસોના કરતાં ઈશ્વરનું વધારે માનવું જોઈએ.’ બાઇબલ કહે છે કે “પ્રભુમાં તમારાં માબાપની આજ્ઞાઓ માનો.” એટલે કે ઈશ્વરના નિયમો તૂટતા ન હોય એવી બધી જ બાબતોમાં માબાપનું કહેવું માનવું જોઈએ.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯.
૧૪. જેનામાં કોઈ પાપ જ ન હોય, એના માટે આજ્ઞા પાળવી કેમ સહેલી લાગી શકે? પણ શા માટે તેણે આજ્ઞા પાળવાનું શીખવું જોઈએ?
૧૪ ઈસુમાં કોઈ પાપ ન હતું. તે ‘નિર્દોષ હતા, પાપીઓથી અલગ’ હતા. (હેબ્રી ૭:૨૬) હાલમાં આપણે બધા પાપી છીએ. ભૂલો કરીએ છીએ. પણ માનો કે તમે એવા હો કે કોઈ ભૂલ જ ન કરો. (ઉત્પત્તિ ૮:૨૧; ગીતશાસ્ત્ર ૫૧:૫) એમ હોત તો શું તમારા માટે માબાપનું સાંભળવું હંમેશાં સહેલું હોત? ઈસુએ પણ આજ્ઞા પાળવા વિષે વધારે શીખવું પડ્યું. બાઇબલ કહે છે, ‘ઈસુ પુત્ર હતા, છતાં તેમણે જે જે સંકટો સહન કર્યાં તેથી તે આજ્ઞાપાલન શીખ્યા.’ (હેબ્રી ૫:૮) સ્વર્ગમાં ઈસુને જે શીખવાની જરૂર ન હતી, એ આજ્ઞાપાલન કઈ રીતે પૃથ્વી પર મુશ્કેલીઓ સહીને શીખ્યા?
૧૫, ૧૬. ઈસુ કેવી રીતે આજ્ઞા પાળવાનું શીખ્યા?
૧૫ યહોવાહના માર્ગદર્શનથી યુસફ અને મરિયમે નાનપણમાં ઈસુનો જીવ બચાવ્યો. (માત્થી ૨:૭-૨૩) પણ પછીથી યહોવાહે પોતાના રક્ષણની એ વાડ ખસેડી લીધી. ઈસુએ હરેક રીતે બેહદ દુઃખ-તકલીફો સહન કર્યાં. બાઇબલ કહે છે કે ઈસુએ મદદ માટે “મોટે ઘાંટે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા.” (હેબ્રી ૫:૭) આવું ક્યારે બન્યું?
૧૬ ખાસ કરીને પૃથ્વી પર ઈસુના છેલ્લા કલાકો હતા ત્યારે, તેમને બેવફા બનાવવા શેતાને આભ-જમીન એક કર્યા. ઈસુને એ ચિંતા કોરી ખાતી હતી કે લોકો પોતાને ગુનેગાર ઠરાવીને મારી નાખશે, એનાથી યહોવાહનું નામ બદનામ થશે. તેમણે ગેથસેમાનેના બાગમાં ‘આગ્રહથી પ્રાર્થના કરી; અને તેમનો પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.’ થોડા કલાકો પછી ઈસુને વધસ્તંભ પર એટલી પીડા થતી હતી કે તેમણે “આંસુસહિત પ્રાર્થના” કરી. (લુક ૨૨:૪૨-૪૪; માર્ક ૧૫:૩૪) આમ તે ‘સંકટો સહન કરીને આજ્ઞાપાલન શીખ્યા.’ પોતાના પિતાના દિલને ખુશ કર્યું. આજે ઈસુ સ્વર્ગમાં રાજા છે. આપણે આજ્ઞા પાળવા જે દુઃખો સહન કરીએ છીએ એ તે અનુભવે છે.—નીતિવચનો ૨૭:૧૧; હેબ્રી ૨:૧૮; ૪:૧૫.
આજ્ઞા પાળવાનું શીખીએ
૧૭. શિક્ષા વિષે કેવા વિચારો કેળવવા જોઈએ?
૧૭ માબાપ તમને શિક્ષા કરે તો, એ બતાવે છે કે તેઓ તમારું ભલું ચાહે છે. તમને ખૂબ પ્રેમ કરે છે. બાઇબલ કહે છે, “એવો કયો દીકરો છે, કે જેને બાપ શિક્ષા કરતો નથી?” જો માબાપ તમારું ભલું કરવા, તમને સુધારવા શિક્ષા ન કરે, તો એ દુઃખની વાત કહેવાય. બાળકો, યહોવાહ તો તમને ખૂબ પ્રેમ કરે છે. તે તમને સુધારવા શિક્ષા પણ કરે છે. “શિક્ષા થાય ત્યારે આનંદ નહિ પણ દુઃખ થાય છે, પણ પાછળથી આપણને ખબર પડે છે કે શિક્ષાને પરિણામે આપણે કૃપા અને સદ્ગુણોમાં વૃદ્ધિ પામીએ છીએ.”—હિબ્રૂ ૧૨:૭-૧૧, IBSI.
૧૮. (ક) પ્રેમાળ શિક્ષા શેનો પુરાવો છે? (ખ) પ્રેમથી શિક્ષા કરવાથી બાળકો ઘડાયાં હોય, એવા અનુભવો જણાવો.
૧૮ ઈસુએ રાજા સુલેમાનની સૂઝ-સમજની વાત કરી હતી. બાળકોને સુધારવા માબાપે પ્રેમથી શિક્ષા કરવી જોઈએ, એના વિષે રાજાએ કહ્યું, “જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.” એમ પણ કહ્યું કે જેને શિક્ષા મળે છે, તે કદાચ પોતાના જીવને મોતનાં મોંમાંથી બચાવી લે છે. (નીતિવચનો ૧૩:૨૪; ૨૩:૧૩, ૧૪; માત્થી ૧૨:૪૨) એક બહેન નાની હતી ત્યારે મિટિંગમાં મસ્તી કરતી. તેના પપ્પા કહેતા કે ‘ઘરે આવ તને સીધીદોર કરી દઈશ.’ આજે આ બહેન પરણેલી છે. તે કહે છે કે ‘પપ્પાએ શિસ્ત આપી, એનાથી હું ઘડાઈ. આજે હું સુખી છું.’
૧૯. શા માટે માબાપનું માનવું જોઈએ?
૧૯ શું તમારાં માબાપ તમને જીવની જેમ ચાહે છે? તમારી સાથે સમય વિતાવે છે? પ્રેમથી તમને શિક્ષા પણ કરે છે? જો હા તો તેઓની કદર કરો. તેઓનું કહેવું માનો. ઈસુએ પણ યુસફ અને મરિયમનું કહેવું માન્યું હતું. યહોવાહે આજ્ઞા આપી છે કે માબાપનું સાંભળો. એનાથી તમને પોતાને જ લાભ થશે, ‘પૃથ્વી પર તમારું જીવન લાંબું થશે.’—એફેસી ૬:૨, ૩. (w 07 2/15)
[Footnote]
a યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલું પુસ્તક ઇનસાઇટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ વૉલ્યૂમ ૨, પાન ૮૪૧ જુઓ.
આપણે શું કહીશું?
• માબાપનું કહેવું માને તો બાળકોને શું ફાયદા થઈ શકે?
• માબાપનું કહેવું માનીને, ઈસુએ બાળકો માટે કેવો દાખલો બેસાડ્યો?
• ઈસુ કેવી રીતે આજ્ઞાપાલન શીખ્યા?
[Picture on page 20]
૧૨ વર્ષના ઈસુ શાસ્ત્ર સારી રીતે જાણતા હતા
[Picture on page 22]
ઈસુ મુશ્કેલીઓ સહીને કેવી રીતે આજ્ઞા પાળવાનું શીખ્યા?