લૂક
૯ પછી તેમણે બાર શિષ્યોને ભેગા કર્યા. તેમણે તેઓને બધા દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો+ અને બીમારીઓ મટાડવાની શક્તિ આપી.+ ૨ તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને લોકોને સાજા કરવા મોકલ્યા. ૩ તેમણે તેઓને કહ્યું: “મુસાફરી માટે કંઈ લેવું નહિ. લાકડી નહિ કે ખોરાકની થેલી નહિ, રોટલી નહિ કે પૈસા* નહિ, બે કપડાં* પણ નહિ.+ ૪ તમે કોઈ ઘરમાં જાઓ ત્યારે, એ શહેરમાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.+ ૫ જ્યાં પણ લોકો તમારો સ્વીકાર ન કરે, ત્યાં એ શહેરમાંથી નીકળતી વખતે તમારા પગની ધૂળ ખંખેરી નાખો,* જેથી તેઓ વિરુદ્ધ સાક્ષી મળે.”+ ૬ પછી તેઓ આખા વિસ્તારમાં ગામેગામ બધે ખુશખબર જાહેર કરતા અને રોગ મટાડતા ગયા.+
૭ જે બન્યું હતું એ બધું જિલ્લા અધિકારી* હેરોદે* સાંભળ્યું. તે ઘણી મૂંઝવણમાં મુકાયો, કેમ કે અમુક કહેતા હતા કે યોહાનને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે.+ ૮ પણ બીજાઓ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે. કેટલાક કહેતા હતા કે અગાઉના સમયના કોઈ પ્રબોધક ઊઠ્યા છે.+ ૯ હેરોદે કહ્યું: “મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું હતું.+ તો પછી હું જેના વિશે આ વાતો સાંભળું છું એ છે કોણ?” તે તેમને જોવા માંગતો હતો.+
૧૦ પ્રેરિતો પાછા આવ્યા ત્યારે, તેઓએ જે બધું કર્યું હતું એ ઈસુને જણાવ્યું.+ તે તેઓને પોતાની સાથે લઈને બેથસૈદા નામના શહેરમાં એકાંત જગ્યાએ ચાલ્યા ગયા.+ ૧૧ પણ લોકો એ જાણી ગયા અને તેમની પાછળ પાછળ ગયા. ઈસુએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. તે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.+ ૧૨ દિવસ ઢળવા આવ્યો ત્યારે બાર પ્રેરિતોએ તેમની પાસે આવીને કહ્યું: “ટોળાને વિદાય આપો, જેથી તેઓ આસપાસનાં ગામોમાં અને સીમમાં જાય. તેઓ ત્યાં રહેવાની જગ્યા અને ખોરાક શોધી શકે, કેમ કે અહીં આપણે ઉજ્જડ જગ્યાએ છીએ.”+ ૧૩ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”+ તેઓએ કહ્યું: “અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી વગર કંઈ નથી, સિવાય કે અમે જઈને આ સર્વ લોકો માટે ખોરાક ખરીદી લાવીએ.” ૧૪ ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. તેમણે શિષ્યોને કહ્યું: “આશરે ૫૦-૫૦ના સમૂહમાં તેઓને બેસાડો.” ૧૫ તેઓએ એમ કર્યું અને એ બધાને બેસાડ્યા. ૧૬ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. તેમણે રોટલી તોડી અને ટોળાને વહેંચવા માટે શિષ્યોને આપી. ૧૭ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+
૧૮ પછી ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને પૂછ્યું: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+ ૧૯ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન, કોઈ કહે છે એલિયા, કોઈ કહે છે અગાઉના સમયના કોઈ પ્રબોધક ઊઠ્યા છે.”+ ૨૦ તેમણે તેઓને પૂછ્યું: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો: “ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત.”+ ૨૧ તેમણે તેઓને કડક શબ્દોમાં સૂચના આપી કે તેઓ આ વાત કોઈને જણાવે નહિ.+ ૨૨ પણ તેમણે કહ્યું: “માણસના દીકરાએ ઘણી સતાવણી સહેવી પડશે. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેને ધિક્કારશે. તેને મારી નાખવામાં આવશે+ અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+
૨૩ પછી તે બધાને કહેવા લાગ્યા: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે+ અને દરરોજ પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ ૨૪ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+ ૨૫ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે, પણ પોતાનું જીવન ગુમાવે અથવા એને નુકસાન થાય તો એનાથી શો લાભ?+ ૨૬ જો કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના મહિમામાં, પિતાના મહિમામાં અને પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.+ ૨૭ હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક એવા છે, જેઓ ઈશ્વરનું રાજ્ય નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”+
૨૮ ઈસુએ આ શબ્દો કહ્યા એના આશરે આઠ દિવસ પછી તે પિતર, યોહાન અને યાકૂબને લઈને પ્રાર્થના કરવા પહાડ પર ચઢ્યા.+ ૨૯ તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. તેમનાં કપડાં સફેદ થઈને ચળકવા લાગ્યાં. ૩૦ જુઓ! બે માણસો તેમની સાથે વાત કરતા હતા. તેઓ મૂસા અને એલિયા હતા. ૩૧ તેઓનો મહિમા ઝળહળતો હતો. તેઓ ઈસુની વિદાય વિશે વાતો કરવા લાગ્યા, જે યરૂશાલેમથી થવાની હતી.+ ૩૨ પિતર અને તેની સાથેના બીજા ભરઊંઘમાં હતા. પણ તેઓ જાગી ગયા ત્યારે, તેઓએ ઈસુનો મહિમા જોયો.+ તેમની સાથે ઊભેલા બે માણસોને પણ જોયા. ૩૩ તેઓ તેમનાથી છૂટા પડતા હતા ત્યારે, પિતરે ઈસુને કહ્યું: “શિક્ષક, આપણે અહીં રહીએ એ સારું છે. અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” તે શું બોલતો હતો એની તેને ખબર ન હતી. ૩૪ તે આ વાતો બોલતો હતો ત્યારે, એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. તેઓ વાદળથી ઘેરાવા લાગ્યા ત્યારે ગભરાયા. ૩૫ પછી વાદળમાંથી અવાજ+ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.+ તેનું સાંભળો.”+ ૩૬ તેઓને અવાજ સંભળાયો ત્યારે ઈસુ એકલા જ નજરે પડ્યા. પણ તેઓ ચૂપ રહ્યા. તેઓએ જે જોયું, એના વિશે એ દિવસોમાં કોઈને કંઈ જણાવ્યું નહિ.+
૩૭ પછીના દિવસે તેઓ જ્યારે પહાડ પરથી નીચે ઊતર્યા, ત્યારે મોટું ટોળું તેમની પાસે આવ્યું.+ ૩૮ જુઓ! ટોળામાંથી એક માણસે મોટા અવાજે કહ્યું: “ગુરુજી, હું તમને આજીજી કરું છું કે મારા દીકરા તરફ જુઓ. તે મારો એકનો એક દીકરો છે.+ ૩૯ જુઓ, ખરાબ દૂત તેને વશમાં કરે છે અને અચાનક તે ચીસ પાડી ઊઠે છે. તે તેને એવો મરડી નાખે છે કે તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગે છે. તે તેને ઘાયલ કરીને માંડ માંડ છોડે છે. ૪૦ મેં તમારા શિષ્યોને એ કાઢવા ઘણા કાલાવાલા કર્યા, પણ તેઓ એને કાઢી શક્યા નહિ.” ૪૧ ઈસુએ કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી,+ હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? મારે તમારું ક્યાં સુધી સહન કરવાનું? તારા દીકરાને અહીં લાવ.”+ ૪૨ પણ તે પાસે આવતો હતો એવામાં ખરાબ દૂતે તેને જમીન પર પછાડ્યો અને સખત રીતે મરડી નાખ્યો. ઈસુએ ખરાબ દૂતને ધમકાવ્યો. તેમણે છોકરાને સાજો કર્યો અને તેના પિતાને પાછો સોંપ્યો. ૪૩ ઈશ્વરના આ મહાન પરાક્રમથી તેઓ બધા દંગ રહી ગયા.
ઈસુ જે કામો કરી રહ્યા હતા એને લીધે તેઓ સર્વ નવાઈ પામ્યા. એવામાં તેમણે શિષ્યોને કહ્યું: ૪૪ “આ વાત ધ્યાનથી સાંભળો અને યાદ રાખો, કેમ કે માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.”+ ૪૫ પણ તે જે કહેતા હતા એ શિષ્યો સમજ્યા નહિ. એ તેઓથી છુપાવેલું હતું, જેથી તેઓ એ સમજી શકે નહિ. તેઓ આ વિશે તેમને સવાલ પૂછતા ગભરાતા હતા.
૪૬ પછી તેઓ દલીલ કરવા લાગ્યા કે તેઓમાં સૌથી મોટું કોણ.+ ૪૭ તેઓનાં દિલમાં શું છે એ જાણીને, ઈસુએ એક બાળકને પોતાની બાજુમાં ઊભું રાખ્યું. ૪૮ તેમણે કહ્યું: “જે કોઈ મારા નામને લીધે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+ તમારામાં જે કોઈ પોતાને સૌથી નાનો ગણે છે, તે મોટો છે.”+
૪૯ યોહાને કહ્યું: “ગુરુજી, અમે એક માણસને તમારા નામે દુષ્ટ દૂતો કાઢતા જોયો. અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.”+ ૫૦ ઈસુએ કહ્યું: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારી સાથે છે.”
૫૧ તેમના સ્વર્ગમાં જવાના દિવસો પાસે આવ્યા*+ હોવાથી, તેમણે યરૂશાલેમ જવા મનમાં ગાંઠ વાળી. ૫૨ તેમણે પોતાની આગળ સંદેશવાહકો મોકલ્યા. તેઓ સમરૂનીઓના* એક ગામમાં ગયા, જેથી તેમના માટે તૈયારીઓ કરે. ૫૩ પણ લોકોએ ઈસુનો આવકાર કર્યો નહિ,+ કેમ કે તેમણે યરૂશાલેમ જવાનો પાકો નિર્ણય લીધો હતો. ૫૪ યાકૂબ અને યોહાને+ આ જોયું ત્યારે તેઓએ કહ્યું: “માલિક, શું તમે ચાહો છો કે અમે આકાશમાંથી આગ વરસાવીએ અને તેઓનો નાશ કરીએ?”+ ૫૫ પણ તે તેઓની તરફ ફર્યા અને તેઓને ધમકાવ્યા. ૫૬ પછી તેઓ બીજે ગામ ગયા.
૫૭ તેઓ માર્ગમાં ચાલતા હતા ત્યારે કોઈકે તેમને કહ્યું: “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ૫૮ પણ ઈસુએ તેને કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને માથું ટેકવવાની પણ જગ્યા નથી.”+ ૫૯ પછી તેમણે બીજાને કહ્યું: “મારો શિષ્ય થા.” એ માણસે કહ્યું: “માલિક, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.”+ ૬૦ તેમણે તેને કહ્યું: “મરેલાઓને+ દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે. પણ તું જા અને ઈશ્વરના રાજ્ય વિશે બધે જણાવ.”+ ૬૧ બીજા એકે પણ કહ્યું: “માલિક, હું તમારી પાછળ આવીશ. પણ પહેલા મારા ઘરના બધાને આવજો કહી આવવાની રજા આપો.” ૬૨ ઈસુએ તેને કહ્યું: “જે માણસ હળ પર હાથ મૂકે અને પાછળ જુએ,+ તે ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય નથી.”+