આજ્ઞા પાળવી, યહોવાહની નજરે અનમોલ
“મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ.”—નીતિવચનો ૨૭:૧૧.
૧. આજે દુનિયા કેવી થઈ ગઈ છે?
આજે દુનિયા કેવી થઈ ગઈ છે? લોકો કહેશે કે ‘હું કોઈનું માનું કે ન માનું, મારી મરજી!’ પવિત્ર શાસ્ત્ર એનું કારણ જણાવે છે: ‘લોકો વગર વિચાર્યે વર્તતા હતા. શેતાનની આધીનતામાં હતા. અત્યારે પણ ઈશ્વરની આજ્ઞાઓનો ભંગ કરનારના હૃદયમાં શેતાન કામ કરી રહ્યો છે.’ (એફેસી ૨:૧, ૨, IBSI) શાસ્ત્ર જણાવે છે કે ઈશ્વરનો વિરોધી શેતાન છે. અત્યારે દુનિયા તેના હાથમાં છે, એટલે લોકોને તે પોતાના ઇશારે નચાવે છે. પહેલી સદીમાં પણ તેણે એમ જ કર્યું હતું. હવે તો તે વધારે ઝનૂની બન્યો છે, કેમ કે તેને સ્વર્ગમાંથી પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો છે. એમ લગભગ પહેલા વિશ્વયુદ્ધના સમયે બન્યું.—પ્રકટીકરણ ૧૨:૯.
૨, ૩. આપણે યહોવાહનું કહેવું કેમ માનવું જોઈએ?
૨ આપણે જાણીએ છીએ કે યહોવાહે આપણું સર્જન કર્યું છે. તે આપણા માલિક છે, ખુદા છે, ભગવાન છે. (ગીતશાસ્ત્ર ૧૪૮:૫, ૬; પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૪; કોલોસી ૧:૧૩; પ્રકટીકરણ ૪:૧૧) ઈશ્વરભક્ત મુસાના જમાનાનો વિચાર કરો. ઈસ્રાએલી લોકો જાણતા હતા કે યહોવાહ જ સરજનહાર અને દુખિયાના બેલી છે. મુસાએ તેઓને જણાવ્યું: ‘યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું.’ (પુનર્નિયમ ૫:૩૨) ઈશ્વરનું કહેવું માનવામાં તેઓનું જ ભલું હતું. તોપણ, તેઓએ એમ ન કર્યું.
૩ આપણે યહોવાહની આજ્ઞા પાળવી કે ન પાળવી? તમને શું લાગે છે? એકવાર ઈશ્વરે પોતાના ભક્ત શમૂએલને રાજા શાઊલ પાસે આ સંદેશો આપવા મોકલ્યા: ‘અર્પણ કરતાં આજ્ઞાનું પાલન સારું છે.’ (૧ શમૂએલ ૧૫:૨૨, ૨૩) એવું કેમ? ચાલો આપણે જોઈએ.
‘યજ્ઞ કરતાં આજ્ઞા પાળવી સારી’
૪. આપણે યહોવાહને શું આપી શકીએ છીએ?
૪ યહોવાહ બધી વસ્તુના બનાવનાર છે, તે જ બધાના માલિક છે. તો શું આપણે તેમને કંઈક આપી શકીએ? હા, એક અનમોલ ચીજ આપી શકીએ. યહોવાહ પોતે કહે છે કે “મારા દીકરા, જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદ પમાડ, કે મને મહેણાં મારનારને હું ઉત્તર આપું.” (નીતિવચનો ૨૭:૧૧) આપણે યહોવાહનું કહેવું માનીએ, એ તેમને મન બહુ મોટી વાત છે. યહોવાહનો વેરી શેતાન તેમને મહેણાં-ટોણાં મારે છે. તે કહે છે કે કોઈ પણ માણસ પર તકલીફ આવે તો તે ભગવાનને ભૂલી જશે. જરા વિચારો કે આપણે જુદી જુદી નાત-જાતના છીએ. સંજોગો અલગ-અલગ છે. તોપણ આપણા જેવી મામૂલી વ્યક્તિ, ઈશ્વરનું કહેવું માનીને બતાવી શકીએ કે કદીએ તેમનો સાથ નહિ છોડીએ!
૫. યહોવાહની આજ્ઞા નહિ પાળવાથી તેમને કેવું લાગે છે? દાખલો આપો.
૫ આપણે યહોવાહની આજ્ઞા પાળીએ કે ન પાળીએ, એનાથી તેમને કંઈ ફરક પડે છે? હા ચોક્કસ પડે છે. માનો કે કોઈને ડાયાબિટીસ થાય. તેને ખાવા-પીવામાં પરેજી પાળવાનું કહેવામાં આવે. તોપણ તે મન ફાવે એ ખાય-પીએ છે. તેનું ભલું ચાહનાર ડૉક્ટરને કેવું લાગશે? એવી જ રીતે આપણે યહોવાહનું કહેવું ન માનીએ તો તેમને કેવું લાગશે? તેમનું દિલ રડી ઊઠે છે. (ગીતશાસ્ત્ર ૭૮:૪૦, ૪૧) શું કામ? યહોવાહ જાણે છે કે મન ફાવે એમ જીવવાથી દુઃખી થવાય છે.
૬. યહોવાહની આજ્ઞા પાળવા આપણને શું મદદ કરશે?
૬ આપણે જીવનમાં ડગલે ને પગલે કઈ રીતે યહોવાહના કહેવા પ્રમાણે ચાલી શકીએ? રાજા સુલેમાને યહોવાહને પ્રાર્થના કરી કે તેમનું ‘હૃદય’ સમજુ અને ‘વિવેકી’ બને. તે ‘ખરાખોટાનો ભેદ પારખીને’ ઈસ્રાએલી લોકોનો ઇન્સાફ કરવા ચાહતા હતા. (૧ રાજાઓ ૩:૯) આજે દુનિયામાં બધાને મન ફાવે તેમ જીવવું છે, કોઈનું કહેવું માનવું નથી. એના લીધે આપણે પણ સુલેમાનની જેમ સમજુ દિલ માટે પ્રાર્થના કરીએ, જેથી ખરું-ખોટું પારખી શકીએ. આપણા દિલને એ રીતે ઘડવા યહોવાહ કેવી રીતે મદદ આપે છે? બાઇબલ, બાઇબલ પર લખાયેલાં પુસ્તકો, મિટિંગો અને મંડળના વડીલોની મદદ આપે છે. ચાલો આપણે એનો ભરપૂર લાભ ઉઠાવીએ.
૭. યહોવાહને અર્પણો કરતાં પૂરા દિલથી કરેલી ભક્તિ કેમ વધારે પસંદ છે?
૭ પહેલાંના જમાનામાં યહોવાહે પોતાના ભક્તોને અમુક અર્પણો ચડાવવાંની આજ્ઞા આપી હતી. યહોવાહે એમ પણ જણાવ્યું કે એ અર્પણો કરતાંય બીજું કંઈક વધારે અનમોલ હતું. એ શું હતું? પૂરા દિલથી યહોવાહનું કહેવું માનવું. (નીતિવચનો ૨૧:૩, ૨૭; હોશીઆ ૬:૬; માત્થી ૧૨:૭) જો અર્પણ ચડાવનાર ફક્ત કરવા ખાતર અર્પણ ચઢાવે તો શું કામનું? પણ જો તે દિલથી અર્પણ ચડાવતો હશે, તો ચોક્કસ યહોવાહની બધી આજ્ઞાઓ પાળશે જ. યહોવાહને આપણાં અર્પણની ભૂખ નથી. તેમને તો પૂરા દિલથી કરેલી ભક્તિની ભૂખ છે. દિલથી કરેલી ભક્તિ તેમની નજરે અનમોલ છે!
આપણે આવા ન બનીએ
૮. શાઊલે કેમ યહોવાહની કૃપા ગુમાવી?
૮ પહેલાંના જમાનાના રાજા શાઊલનો વિચાર કરો. તેમનો દાખલો બતાવે છે કે યહોવાહનું કહેવું માનવું કેમ આપણા જ લાભમાં છે. શાઊલ ભલા-ભોળા રાજા હતા. તે પોતાને ‘તુચ્છ જેવા,’ જાણે પોતે કંઈ જ નથી એમ માનતા. પરંતુ, સમય જતાં તે બદલાયા અને ઘમંડી બન્યા. મન ફાવે તેમ વર્તવા લાગ્યા. (૧ શમૂએલ ૧૦:૨૧, ૨૨; ૧૫:૧૭) એક વખત શાઊલના દુશ્મન પલિસ્તીઓ ચડી આવ્યા. યહોવાહે શમૂએલને રાજા શાઊલ પાસે મોકલ્યા, જેથી રાજાને સંદેશો આપે અને યહોવાહને અર્પણ ચઢાવે. શાઊલે શમૂએલની રાહ જોવાની હતી. રાજાએ રાહ જોઈ પણ તેમને લાગ્યું કે શમૂએલ મોડું કરે છે. લોકો આમ-તેમ વિખેરાઈ જાય છે. એટલે શાઊલે પોતે “દહનીયાર્પણ ચઢાવ્યું.” યહોવાહને એ ન ગમ્યું. આખરે ઈશ્વરભક્ત શમૂએલ આવી પહોંચ્યા. શાઊલ રાજા બહાના કાઢવા લાગ્યા કે શમૂએલ મોડા પડ્યા, એટલે યહોવાહની કૃપા મેળવવા “મન દુખાવીને” તેમણે અર્પણ ચઢાવ્યું. રાજાને મન અર્પણ ચડાવવું વધારે અગત્યનું હતું. નહિ કે એ અર્પણ શમૂએલ ચડાવે એવી આજ્ઞા પાળીને તેમની રાહ જોવી. શમૂએલે તેમને જણાવ્યું: ‘તેં મૂર્ખાઈ કરી છે; તારા ઈશ્વર યહોવાહે તને જે આજ્ઞા આપી, તે તેં પાળી નથી.’ એના કારણે શાઊલે યહોવાહની કૃપા ગુમાવી.—૧ શમૂએલ ૧૦:૮; ૧૩:૫-૧૩.
૯. કેવી રીતે શાઊલે બહાનાં કાઢીને યહોવાહની આજ્ઞા તોડી?
૯ શું શાઊલ રાજા એમાંથી કંઈ શીખ્યા? ના! અમુક સમય પછી યહોવાહે શાઊલને અમાલેકની પ્રજાનો પૂરેપૂરો નાશ કરવાની આજ્ઞા આપી. તેમણે જાનવરોનો પણ નાશ કરવાનો હતો. કેમ એવું? કેમ કે અમાલેકીઓએ કોઈ વાંક-ગુના વગર ઈસ્રાએલી પ્રજાને હેરાન કરી હતી. શાઊલે ‘હવીલાહથી તે શૂર સુધી અમાલેકીઓને માર્યા.’ પછી ઈશ્વરભક્ત શમૂએલ શાઊલ રાજાને મળવા આવ્યા. જીત મેળવીને રાજા તો ફૂલ્યા સમાતા ન હતા. તેમણે શમૂએલને કહ્યું: “યહોવાહ તને આશિષ દે; મેં યહોવાહની આજ્ઞા પૂરેપૂરી પાળી છે.” હકીકતમાં શાઊલ અને લોકોએ એમ કર્યું ન હતું. તેઓએ અમાલેકી રાજા અગાગને જીવતો રાખ્યો હતો. ‘ઘેટાં, બળદો, અને જનાવરોમાંથી ઉત્તમ ઉત્તમને, હલવાનોને, તેમ જ સારી સારી બધી વસ્તુઓને બચાવી’ હતી. શાઊલે ફરીથી બહાનાં કાઢ્યાં કે ‘લોકો તેઓને લાવ્યા છે; કેમ કે તારા ઈશ્વર યહોવાહની આગળ યજ્ઞ કરવા સારૂ તેઓએ ઘેટાં તથા બળદોમાંથી ઉત્તમ ઉત્તમ બચાવ્યાં છે.’—૧ શમૂએલ ૧૫:૧-૧૫.
૧૦. કઈ શિખામણ શાઊલે ના માની?
૧૦ શમૂએલે શાઊલને કહ્યું: “પોતાની વાણી પળાયાથી યહોવાહ જેટલો રાજી થાય છે, તેટલો દહનીયાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારૂં છે, અને ઘેટાની ચરબી કરતાં વચન માનવું સારૂં છે.” (૧ શમૂએલ ૧૫:૨૨) યહોવાહે જે જાનવરોનો નાશ કરવાનું નક્કી કર્યું હતું, એનાં અર્પણ તે કઈ રીતે સ્વીકારી શકે? ના જ સ્વીકારે!
બધી રીતે યહોવાહનું કહેવું માનીએ
૧૧, ૧૨. (ક) આપણે ભક્તિ કરવા માટે જે પ્રયત્નો કરીએ છીએ એનાથી યહોવાહને કેવું લાગે છે? (ખ) કઈ રીતે વ્યક્તિ પોતાને છેતરી શકે છે?
૧૧ આજે પણ યહોવાહના ભક્તો કસોટી છતાં તેમનો સાથ છોડતા નથી. લોકો સાંભળે કે ન સાંભળે, પ્રચાર કરતા જ રહે છે. નોકરી-ધંધાનું ટેન્શન હોવા છતાં, મિટિંગ ચૂકતા નથી. આ બધું જોઈને યહોવાહને આપણા પર કેટલો ગર્વ થતો હશે! યહોવાહની ભક્તિ દિલથી અને પ્રેમથી કરીએ તો, તેમની નજરમાં એ અનમોલ છે. ભલે કોઈ આપણી મહેનતની કદર ન કરે, પણ યહોવાહ એ જુએ છે. તે આપણને ભૂલશે નહિ.—માત્થી ૬:૪.
૧૨ યહોવાહની પૂરા દિલથી ભક્તિ કરવા દરેક બાબતમાં તેમનું કહેવું માનવું જોઈએ. જો કોઈ વ્યક્તિ એમ ધારે કે પોતે અમુક રીતે તો યહોવાહની પૂરા મનથી ભક્તિ કરે જ છે. પછી પોતે લફરાં કરે, મન ફાવે એમ જીવે, કોઈને શું? એ રીતે તો આપણે બીજાને નહિ, પોતાને જ છેતરીએ છીએ. એવી ભૂલ કદી ન કરીએ!—ગલાતી ૬:૭, ૮.
૧૩. આપણે એકલા હોઈએ ત્યારે પણ કઈ રીતે યહોવાહનું જ કહેવું માનીએ?
૧૩ ચાલો આપણે પોતાના દિલમાં ડોકિયું કરીએ: ‘શું હું રોજ-બ-રોજના કામમાં એકલો હોઉં ત્યારે પણ યહોવાહનું કહેવું માનું છું?’ ઈસુએ ખરું જ કહેલું કે “જે બહુ થોડામાં વિશ્વાસુ છે તે ઘણામાં પણ વિશ્વાસુ છે; અને જે બહુ થોડામાં અન્યાયી છે તે ઘણામાં પણ અન્યાયી છે.” (લુક ૧૬:૧૦) શું આપણે ઘરમાં જ્યાં કોઈ જોતું નથી ત્યાં પણ એવી રીતે વર્તીએ છીએ જેથી શરમાવું ન પડે? આનો જવાબ આપણું અસલી રૂપ બતાવશે. (ગીતશાસ્ત્ર ૧૦૧:૨) ઘણા દેશોમાં ઘર-ઘરમાં કૉમ્પ્યુટર આવી ગયાં છે. અમુક બટન દબાવો કે ઘર-બેઠા બેશરમ અને ખરાબ સીન જોવા મળે. થોડાં વર્ષો પહેલાં એવું ન હતું. એવા સીન જોવા સંતાઈ સંતાઈને કોઈ બદનામ જગ્યાએ જવું પડતું. પણ ઈસુએ આ સલાહ આપી: “સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” શું આપણે એ સલાહ પાળીને, બેશરમ અને ખરાબ સીન જોવાને પણ નફરત કરીશું? (માત્થી ૫:૨૮; અયૂબ ૩૧:૧, ૯, ૧૦; ગીતશાસ્ત્ર ૧૧૯:૩૭; નીતિવચનો ૬:૨૪, ૨૫; એફેસી ૫:૩-૫) મારફાડ, કાપાકાપી બતાવતા ટીવી પ્રોગ્રામો વિષે શું? શું આપણે યહોવાહની આજ્ઞા પાળીએ છીએ, જે ‘દુષ્ટ તથા જુલમીની નફરત કરે છે?’ (ગીતશાસ્ત્ર ૧૧:૫) દારૂના નશામાં મસ્ત રહેનારા વિષે શું? ખરું કે દારૂડિયા ન બનવું એમ તો બાઇબલ જણાવે જ છે. પણ “ઘણો દ્રાક્ષારસ” પીવાની આદત ન પડી જાય, એનીયે ચેતવણી આપે છે.—તીતસ ૨:૩; લુક ૨૧:૩૪, ૩૫; ૧ તીમોથી ૩:૩.
૧૪. પૈસાની બાબતમાં કઈ રીતે યહોવાહની આજ્ઞા પાળી શકીએ?
૧૪ પૈસાની વાત આવે એમાં પણ ધ્યાન રાખવાની જરૂર છે. શું આપણે રાતોરાત માલામાલ થઈ જવા કંઈ પણ કરવા તૈયાર છીએ? ટૅક્સ ન ભરવો પડે એટલે શોર્ટ-કટ શોધીએ છીએ? જાત-જાતની સ્કીમ શોધીને કાયદા-કાનૂન તોડવા તૈયાર છીએ? કે પછી યહોવાહ સામે દિલ સાફ રાખવા આ આજ્ઞા પાળીએ છીએ: “દરેકને તેના જે હક હોય તે આપો: જેને કરનો તેને કર.”—રૂમી ૧૩:૭.
પ્રેમને લીધે આજ્ઞા પાળવી
૧૫. આપણે કેમ યહોવાહનું કહેવું માનીએ છીએ?
૧૫ યહોવાહના કાયદા-કાનૂન પાળવામાં આપણું જ ભલું છે. દાખલા તરીકે, જો આપણે સ્મોકિંગ ન કરીએ, સંસ્કારી જીવન જીવીએ, કોઈનું લોહી લઈએ નહિ કે આપીએ નહિ, તો આપણે અમુક રોગોના ભોગ બનતા બચી શકીશું. બાઇબલમાં એવી સલાહ પણ છે, જે પાળવાથી પૈસે-ટકે ફાયદો થાય છે. સમાજમાં માન વધે છે. (યશાયાહ ૪૮:૧૭) યહોવાહની આજ્ઞા પાળવાનું મુખ્ય કારણ દિલમાંથી ઊભરાતો આપણો પ્રેમ છે. આપણે સ્વાર્થી નથી કે કંઈ ફાયદો થાય તો જ તેમની આજ્ઞા પાળીએ. (અયૂબ ૧:૯-૧૧; ૨:૪, ૫) યહોવાહ મારી-મચકોડીને આજ્ઞા પાળવાનું નથી કહેતા. પણ આપણે પોતાની મરજીથી તેમનું કહેવું કરીએ છીએ, કેમ કે આપણે તેમને દિલોજાનથી ચાહીએ છીએ.—રૂમી ૬:૧૬, ૧૭; ૧ યોહાન ૫:૩.
૧૬, ૧૭. (ક) ઈસુએ કેવી રીતે બતાવ્યું કે તે યહોવાહને દિલોજાનથી ચાહતા હતા? (ખ) આપણે કેવી રીતે ઈસુને પગલે ચાલી શકીએ?
૧૬ ઈસુ યહોવાહને દિલોજાનથી ચાહતા હતા. આજ્ઞા પાળવામાં તેમણે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો. (યોહાન ૮:૨૮, ૨૯) સ્વર્ગમાં પણ ઈસુએ કદી યહોવાહની આજ્ઞા તોડી ન હતી. પૃથ્વી પર એની હજુ વધારે સાબિતી મળી. પૃથ્વી પર રહીને ‘જે સંકટો સહન કર્યાં, તેથી તે આજ્ઞાપાલન શીખ્યા.’ (હેબ્રી ૫:૮, ૯) ઈસુએ ‘વધસ્તંભના મરણને આધીન થઈને પોતાને નમ્ર કર્યા.’ (ફિલિપી ૨:૭, ૮) સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર રહેનારા દરેકને યહોવાહની ભક્તિમાં મદદ આપવા, ઈસુ જ મુખ્ય યાજક તરીકે યોગ્ય છે.—હેબ્રી ૪:૧૫; ૧ યોહાન ૨:૧, ૨.
૧૭ આપણે પણ ઈસુને પગલે ચાલી શકીએ. યહોવાહની મરજી એ જ આપણી મરજી બનાવી શકીએ. (૧ પીતર ૨:૨૧) આપણે યહોવાહને દિલથી ચાહીને તેમની આજ્ઞાઓ રાજી-ખુશીથી પાળીએ. ભલે ગમે એવા સંજોગો હોય કે એમ કરવું મુશ્કેલ હોય. (રૂમી ૭:૧૮-૨૦) યહોવાહની આજ્ઞા પાળવા આપણે મંડળના ભાઈઓનું કહેવું પણ માનીશું. ભલે તેઓ પણ આપણા જેવા જ ઇન્સાન છે, ભૂલો કરી બેસે છે. (હેબ્રી ૧૩:૧૭) કોઈ આપણને જુએ કે ન જુએ, પણ યહોવાહનું કહેવું માનીએ એ તેમની નજરમાં અનમોલ છે.
૧૮, ૧૯. જો યહોવાહની આજ્ઞા રાજી-ખુશીથી પાળીશું તો શું થશે?
૧૮ આજે આપણે કઈ કઈ રીતે યહોવાહની આજ્ઞા પાળી શકીએ? કદાચ આપણે તેમના માર્ગે ચાલવા કસોટી સહેવી પડે. (પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯) યહોવાહ દુનિયાની ખરાબીનો અંત લાવે ત્યાં સુધી લોકોને તેમના વિષે શીખવતા રહેવું પડે. (માત્થી ૨૪:૧૩, ૧૪; ૨૮:૧૯, ૨૦) દુનિયાના ઘણા ટેન્શન માથે હોય તોપણ, ભાઈ-બહેનો સાથે મિટિંગમાં ભેગા મળતા રહેવું પડે. આ બધી રીતે આપણે યહોવાહનું કહેવું માનીએ, એ તેમની નજર બહાર રહી જતું નથી. આપણે હજુયે વધારે શું કરી શકીએ? આપણા તન-મન પર કાબૂ રાખીને બૂરાઈને નફરત કરીએ. યહોવાહની નજરે જે સારું છે, એ જ જિંદગીની રાહ બનાવીએ!—રૂમી ૧૨:૯.
૧૯ આપણે શીખી ગયા તેમ, યહોવાહને યોગ્ય અર્પણો ચડાવીએ એ તેમને ગમે છે. પણ તેમની આજ્ઞા રાજી-ખુશીથી પાળીએ, પ્રેમને લીધે પાળીએ, એ તેમને વધારે ગમે છે. (નીતિવચનો ૩:૧, ૨) આમ કરીશું તો આપણા પર તેમના આશીર્વાદોનો કોઈ પાર નહિ રહે, કેમ કે ‘જેઓ ખંતથી તેમને શોધે છે તેઓને તે ફળ આપે છે.’—હેબ્રી ૧૧:૬. (w 07 6/15)
આપણે કેવો જવાબ આપીશું?
• આપણે યહોવાહને શું આપી શકીએ છીએ?
• શાઊલે કેવી ભૂલો કરી?
• યહોવાહ અર્પણો કરતાં આજ્ઞાપાલન ચાહે છે, એમ તમે શા માટે માનો છો?
• તમે કેમ યહોવાહની આજ્ઞા પાળો છો?
[Picture on page 21]
રાજા શાઊલે કેમ યહોવાહની કૃપા ગુમાવી?