પહેલો શમુએલ
૧૫ પછી શમુએલે શાઉલને કહ્યું: “યહોવાએ પોતાના ઇઝરાયેલી લોકો પર રાજા તરીકે તમારો અભિષેક કરવા મને મોકલ્યો હતો.+ હવે યહોવા જે કહે છે એ સાંભળો.+ ૨ સૈન્યોના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળીને રસ્તામાં હતા ત્યારે, અમાલેકીઓએ તેઓનો વિરોધ કર્યો. તેઓ ઇઝરાયેલ સાથે જે રીતે વર્ત્યા, એનો હું અમાલેકીઓ પાસેથી હિસાબ લઈશ.+ ૩ જાઓ, અમાલેકીઓને મારી નાખો.+ તેઓનો નાશ કરો,+ તેઓ પાસે જે કંઈ છે એ બધાનો વિનાશ કરો. તમારે તેઓને બચાવવા નહિ.* પુરુષ હોય કે સ્ત્રી, ધાવણું છોકરું હોય કે બાળક, બળદ હોય કે ઘેટું, ઊંટ હોય કે ગધેડું, એ બધાંને તમારે મારી નાખવાં.’”+ ૪ શાઉલે પોતાના માણસોને ભેગા કર્યા અને ટલાઈમમાં તેઓની ગણતરી કરી. ત્યાં ૨,૦૦,૦૦૦ પાયદળ સૈનિકો અને યહૂદાના ૧૦,૦૦૦ માણસો હતા.+
૫ શાઉલ અને તેનું સૈન્ય અમાલેકીઓના શહેર પાસે જઈને ખીણ નજીક સંતાઈ ગયા. ૬ પછી શાઉલે કેનીઓને કહ્યું:+ “જ્યારે ઇઝરાયેલીઓ ઇજિપ્તમાંથી નીકળ્યા હતા, ત્યારે તમે તેઓ પર કૃપા* બતાવી હતી.+ એટલે તમે અમાલેકીઓ વચ્ચેથી નીકળી જાઓ. એવું ન થાય કે તેઓ સાથે હું તમારો પણ સફાયો કરી નાખું.”+ એ સાંભળીને કેનીઓ અમાલેકીઓ વચ્ચેથી નીકળી ગયા. ૭ પછી શાઉલે હવીલાહથી+ લઈને ઇજિપ્ત પાસે આવેલા શૂર+ સુધી અમાલેકીઓને મારી નાખ્યા.+ ૮ શાઉલે અમાલેકીઓના રાજા અગાગને+ જીવતો પકડ્યો, પણ બીજા બધા લોકોનો તલવારથી વિનાશ કર્યો.+ ૯ શાઉલ અને તેના માણસોએ અગાગને મારી નાખ્યો નહિ.* તેઓએ ઘેટાં-બકરાં, ઢોરઢાંક, તાજાં-માજાં પશુઓ અને જે કંઈ સારું હતું એ બધું રહેવાં દીધું.+ તેઓ એ બધાંનો નાશ કરવા ચાહતા ન હતા. પણ નકામી અને નાખી દેવાની દરેક ચીજવસ્તુઓનો તેઓએ વિનાશ કર્યો.
૧૦ પછી યહોવાએ શમુએલને આ સંદેશો આપ્યો: ૧૧ “શાઉલને રાજા બનાવીને મને ઘણું દુઃખ* થાય છે. તેણે મને છોડી દીધો છે અને તેણે મારું કહેવું માન્યું નથી.”+ શમુએલ ખૂબ દુઃખી થઈ ગયો અને તેણે આખી રાત યહોવાને કાલાવાલા કર્યા.+ ૧૨ શમુએલ સવારે વહેલો ઊઠીને શાઉલને મળવા ગયો. પણ શમુએલને કહેવામાં આવ્યું: “શાઉલ કાર્મેલ ગયો હતો+ અને ત્યાં તેણે પોતાને માટે સ્તંભ ઊભો કર્યો.+ પછી તે ત્યાંથી ગિલ્ગાલ ગયો.” ૧૩ શમુએલ આખરે શાઉલ પાસે આવી પહોંચ્યો. શાઉલે તેને કહ્યું: “યહોવા તમને આશીર્વાદ આપો. મેં યહોવાના કહેવા પ્રમાણે બધું કર્યું છે.” ૧૪ શમુએલે કહ્યું: “તો પછી ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનો અવાજ કેમ મારા કાને પડે છે?”+ ૧૫ શાઉલે કહ્યું: “એ બધું અમાલેકીઓ પાસેથી લાવ્યા છીએ. તમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવવા લોકો સારામાં સારાં ઘેટાં-બકરાં અને ઢોરઢાંક બચાવી લાવ્યાં છે. પણ બીજાં બધાંનો અમે પૂરેપૂરો વિનાશ કર્યો છે.” ૧૬ એ સાંભળીને શમુએલે શાઉલને કહ્યું: “બહુ થયું! યહોવાએ કાલે રાતે મને જે કહ્યું એ સાંભળો.”+ શાઉલે કહ્યું: “બોલો.”
૧૭ શમુએલે કહ્યું: “જ્યારે તમને ઇઝરાયેલનાં કુળોના આગેવાન બનાવવામાં આવ્યા અને જ્યારે યહોવાએ તમને ઇઝરાયેલ પર રાજા બનાવ્યા,+ ત્યારે શું તમે પોતાને સાવ મામૂલી ગણતા ન હતા?+ ૧૮ પછી યહોવાએ તમને એક કામ સોંપીને કહ્યું: ‘જા, પાપી અમાલેકીઓનો વિનાશ કર!+ તેઓનો પૂરેપૂરો વિનાશ ન થાય, ત્યાં સુધી તેઓ સામે લડાઈ કર.’+ ૧૯ તો પછી તમે યહોવાની આજ્ઞા કેમ ન પાળી? તમે તો લોભ કરીને લૂંટ પર તૂટી પડ્યા+ અને યહોવાની નજરે જે ખરાબ હતું એ કર્યું.”
૨૦ શાઉલે કહ્યું: “પણ મેં તો યહોવાની આજ્ઞા પાળી છે. યહોવાએ મને જે કામ સોંપ્યું હતું, એ જ કરવા હું ગયો હતો. હું અમાલેકીઓના રાજા અગાગને પકડી લાવ્યો અને મેં અમાલેકીઓનો નાશ કર્યો.+ ૨૧ પણ લોકોએ વિનાશને લાયક વસ્તુઓમાંથી સૌથી સારાં ઘેટાં અને ઢોરઢાંક લઈ લીધાં, જેથી ગિલ્ગાલમાં તમારા ઈશ્વર યહોવાને બલિદાન ચઢાવી શકે.”+
૨૨ શમુએલે કહ્યું: “શું યહોવાને અગ્નિ-અર્પણો અને બલિદાનો* ગમે છે+ કે યહોવાની આજ્ઞાઓ પાળીએ એ ગમે છે? બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે+ અને ઘેટાંની ચરબી+ ચઢાવવા કરતાં તેમની વાત માનવી વધારે મહત્ત્વનું છે. ૨૩ ઈશ્વર સામે બંડ કરવું,+ એ તો જોષ જોવાનું પાપ કરવા બરાબર છે.+ ઘમંડી બનવું એ જાદુવિદ્યા અને મૂર્તિપૂજા* કરવા બરાબર છે. તમે યહોવાની આજ્ઞા નકારી છે,+ એટલે તેમણે પણ તમને રાજા તરીકે નકારી દીધા છે.”+
૨૪ શાઉલે શમુએલને કહ્યું: “મેં પાપ કર્યું છે. યહોવાની આજ્ઞા અને તમારા હુકમો મેં સાંભળ્યાં નથી. હું માણસોથી ડરી ગયો અને મેં તેઓના કહેવા પ્રમાણે કર્યું. ૨૫ હવે મહેરબાની કરીને મારું પાપ માફ કરો. મારી સાથે ચાલો, જેથી હું યહોવાની ભક્તિ કરી શકું.”+ ૨૬ શમુએલે તેને કહ્યું: “હું તમારી સાથે નહિ આવું. તમે યહોવાની આજ્ઞા નકારી છે, એટલે યહોવાએ પણ તમારો નકાર કર્યો છે. ઇઝરાયેલ પર તમારું રાજ લાંબું નહિ ટકે.”+ ૨૭ શમુએલ પાછો જવા ફર્યો ત્યારે, શાઉલે તેના ઝભ્ભાની* કોર પકડી લીધી અને એ ફાટી ગઈ. ૨૮ શમુએલે તેને કહ્યું: “આવી જ રીતે યહોવાએ તમારી પાસેથી આજે ઇઝરાયેલનું રાજ લઈ લીધું છે. તે બીજા કોઈને એ રાજ આપશે, જે તમારા કરતાં સારો છે.+ ૨૯ ઇઝરાયેલના મહિમાવંત ઈશ્વર+ ક્યારેય ખોટા પડતા નથી+ કે પોતાનું મન બદલતા નથી.* તે કંઈ મનુષ્ય જેવા નથી કે પોતાનું મન બદલ્યા કરે.”*+
૩૦ એ સાંભળીને શાઉલે કહ્યું: “મેં પાપ કર્યું છે. પણ મારા લોકોના વડીલો સામે અને ઇઝરાયેલીઓ સામે મારું માન રાખો. મારી સાથે ચાલો, જેથી હું તમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરું.”+ ૩૧ તેથી શમુએલ શાઉલની સાથે ગયો અને શાઉલે યહોવાની ભક્તિ કરી. ૩૨ ત્યાર બાદ શમુએલે કહ્યું: “અમાલેકીઓના રાજા અગાગને મારી પાસે લાવો.” અગાગ અચકાતો અચકાતો* શમુએલ પાસે ગયો. તેણે તો વિચાર્યું હતું કે ‘મરણનું જોખમ ટળી ગયું છે.’ ૩૩ પણ શમુએલે કહ્યું: “જેમ તારી તલવારે સ્ત્રીઓને બાળકો વગરની કરી દીધી, તેમ તારી મા પણ બાળક વગરની થશે.” એમ કહીને શમુએલે ગિલ્ગાલમાં યહોવા આગળ તલવારથી અગાગના ટુકડે-ટુકડા કરી નાખ્યા.+
૩૪ પછી શમુએલ રામા ગયો અને શાઉલ પોતાના ઘરે ગિબયાહ ગયો. ૩૫ શમુએલ જીવ્યો ત્યાં સુધી તેણે શાઉલનું મોં જોયું નહિ. તે શાઉલને લીધે શોક મનાવતો રહ્યો.+ શાઉલને ઇઝરાયેલનો રાજા બનાવવાને લીધે યહોવાને દુઃખ થયું.*+