યહોવાહનો સેવક ‘આપણા અપરાધોને લીધે વીંધાયો’
‘આપણા અપરાધોને લીધે તે વીંધાયો, આપણાં પાપોને લીધે તે કચડાયો, તેના ઘાથી આપણને સાજાપણું મળ્યું છે.’—યશા. ૫૩:૫.
૧. મેમોરિયલ વખતે આપણે શું યાદ કરીએ છીએ? કઈ ભવિષ્યવાણી આપણને હજુ મદદ કરશે?
મેમોરિયલ પ્રસંગે આપણે ઈસુની કુરબાની યાદ કરીએ છીએ. આપણે વિચારીએ છીએ કે કઈ રીતે યહોવાહે જે ધાર્યું હતું એ પૂરું થાય છે. કઈ રીતે ઈસુની કુરબાનીથી યહોવાહનું નામ પવિત્ર મનાય છે. કઈ રીતે સાબિત થાય છે કે યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક છે. ઈસુની કુરબાની વિષે યશાયાહ ૫૩:૩-૧૨માં પહેલેથી ઘણું જણાવવામાં આવ્યું છે. એ જણાવે છે કે ઈસુએ કેટલું સહેવું પડશે. તેમની કુરબાનીથી સ્વર્ગમાં જનારા માટે અને “બીજાં ઘેટાં” માટે કયા આશીર્વાદો આવશે.—યોહા. ૧૦:૧૬.
૨. યશાયાહની ભવિષ્યવાણી શાની સાબિતી આપે છે? એની આપણા પર કેવી અસર થશે?
૨ યહોવાહે પોતાના સેવક વિષે, યશાયાહ દ્વારા ભવિષ્યવાણી કરી હતી. અરે, ઈસુ પૃથ્વી પર આવ્યા એના લગભગ ૭૦૦ વર્ષ પહેલાં, યહોવાહે જણાવ્યું કે ઈસુ ગમે એવી કસોટીમાં પણ બેવફા નહિ બને. એ જ સાબિતી આપે છે કે યહોવાહને ઈસુમાં સો ટકા ભરોસો હતો. એ ભવિષ્યવાણીની ચર્ચા કરીએ એમ, યહોવાહમાં આપણી શ્રદ્ધા વધશે. આપણે ઈસુની વધારે કદર કરીશું.
લોકોએ ‘ધિક્કાર કર્યો અને કદર કરી નહિ’
૩. યહુદીઓએ કેમ ઈસુને આવકાર આપવો જોઈતો હતો? પણ તેઓએ શું કર્યું?
૩ યશાયાહ ૫૩:૩ વાંચો. સ્વર્ગમાં યહોવાહ અને ઈસુ વચ્ચે બાપ-દીકરાનો સંબંધ હતો. ઈસુ ઇન્સાનને પાપ અને મોતની જંજીરમાંથી આઝાદ કરવા, સ્વર્ગ છોડીને પૃથ્વી પર આવ્યા! (ફિલિ. ૨:૫-૮) મુસાના નિયમ કરાર પ્રમાણે, પાપોની માફી માટે પ્રાણીઓનાં અર્પણો ચડાવવામાં આવતાં. એ બતાવતાં હતાં કે ઈસુની કુરબાનીથી હંમેશ માટે પાપોની માફી મળશે. (હેબ્રી ૧૦:૧-૪) ભલે બધા નહિ, તોય યહુદીઓ એ મસીહની રાહ જોતા હતા. (યોહા. ૬:૧૪) તોપણ ઈસુ આવ્યા ત્યારે, તેઓએ તેમનો ‘ધિક્કાર કરીને કદર કરી નહિ.’ યશાયાહે કહ્યું એ સાચું પડ્યું. યોહાને પણ લખ્યું: “તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર [સ્વીકાર] કર્યો નહિ.” (યોહા. ૧:૧૧) વર્ષો પછી પીતરે યહુદીઓને જણાવ્યું, ‘આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યો, જેને તમે પકડાવ્યો, અને પીલાતે તેને છોડી દેવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેનો નકાર કર્યો. તમે તે પવિત્ર તથા ન્યાયીનો નકાર કર્યો.’—પ્રે.કૃ. ૩:૧૩, ૧૪.
૪. ઈસુએ બીમારી કે ‘દરદનો અનુભવ’ કેવી રીતે કર્યો?
૪ યશાયાહે એ પણ જણાવ્યું કે ઈસુ બીમારી કે ‘દરદના અનુભવી’ બનશે. ખરું કે ઈસુ અમુક વાર થાકી ગયા હતા, પણ કદી બીમાર પડ્યા હોય એવું બાઇબલ કહેતું નથી. (યોહા. ૪:૬) તોપણ તેમણે પ્રચાર કર્યો ત્યારે, લોકોની બીમારી જોઈ. હમદર્દીને લીધે ઈસુએ તેઓને સાજા કર્યા. (માર્ક ૧:૩૨-૩૪) યશાયાહે કહ્યું તેમ, “તેણે આપણાં દરદ માથે લીધાં છે, ને આપણાં દુઃખ વેઠ્યાં છે.”—યશા. ૫૩:૪ક; માથ. ૮:૧૬, ૧૭.
જાણે કે ‘ઈશ્વરથી માર પામેલા’
૫. ઘણા યહુદીઓના મત પ્રમાણે ઈસુ કેમ માર્યા ગયા? એનાથી ઈસુના દુઃખમાં કઈ રીતે વધારો થયો?
૫ યશાયાહ ૫૩:૪ખ વાંચો. ઘણા લોકો સમજતા ન હતા કે કેમ ઈસુએ દુઃખ સહીને મરવું પડશે. તેઓ માનતા હતા કે ઈશ્વર તેમને પીડા આપીને સજા કરે છે. (માથ. ૨૭:૩૮-૪૪) યહુદીઓએ કહ્યું કે ઈસુ તો ઈશ્વરની નિંદા કરે છે. (માર્ક ૧૪:૬૧-૬૪; યોહા. ૧૦:૩૩) હકીકતમાં ઈસુ ન તો પાપી હતા, ન તો ઈશ્વરની નિંદા કરનાર. તે યહોવાહને દિલોજાનથી ચાહતા હતા. એટલે ઈશ્વરની નિંદા કરનાર તરીકે માર્યા જવાથી તેમને કેટલું દુઃખ થયું હશે! તોપણ તેમણે રાજી-ખુશીથી યહોવાહની ઇચ્છા પૂરી કરી.—માથ. ૨૬:૩૯.
૬, ૭. યહોવાહે કઈ રીતે પોતાના સેવકને ‘કચર્યો’? કઈ રીતે એમ કરવાની યહોવાહની “મરજી” હતી?
૬ યહોવાહે ઈસુ વિષે કહ્યું કે ‘જુઓ, આ મારો સેવક, એ મારો પસંદ કરેલો છે.’ (યશા. ૪૨:૧) યશાયાહની ભવિષ્યવાણી પ્રમાણે લોકો માનતા હતા કે ઈસુ જાણે ‘ઈશ્વરથી માર પામેલા’ હતા. એટલું જ નહિ, “યહોવાહની મરજી તેને કચરવાની હતી.” (યશા. ૫૩:૧૦) એનો અર્થ શું થાય?
૭ શેતાને કહ્યું હતું કે યહોવાહને વિશ્વ પર રાજ કરવાનો કોઈ હક નથી. સાથે સાથે સ્વર્ગના અને પૃથ્વી પરના બધાય ભક્તોની વફાદારી પર શંકા ઉઠાવી. (અયૂ. ૧:૯-૧૧; ૨:૩-૫) પણ ઈસુ સોએ સો ટકા યહોવાહને વળગી રહીને, શેતાનને જોરદાર જવાબ આપ્યો. યહોવાહે ઈસુને દુશ્મનોને હાથે મરવા દીધા, જાણે કે ‘કચરાવા’ દીધા. એનાથી યહોવાહને ઘણું જ દુઃખ થયું. તોપણ જ્યારે ઈસુ તેમને વળગી રહ્યા, ત્યારે યહોવાહને તેમના પર કેટલો ગર્વ થયો હશે! (નીતિ. ૨૭:૧૧) પસ્તાવો કરનારા લોકોને ઈસુની કુરબાનીથી જે આશીર્વાદો મળશે, એ વિચારીને યહોવાહ કેટલા ખુશ થયા હશે.—લુક ૧૫:૭.
“આપણા અપરાધોને લીધે તે વીંધાયો”
૮, ૯. (ક) ઈસુ કઈ રીતે ‘આપણા અપરાધોને લીધે વીંધાયા?’ (ખ) પીતરે એ કઈ રીતે સમજાવ્યું?
૮ યશાયાહ ૫૩:૬ વાંચો. સર્વ ઇન્સાનને આદમથી પાપ અને મરણનો વારસો મળ્યો છે. એમાંથી છૂટવાનો કોઈ માર્ગ ન હતો. આપણે ભૂલાં પડેલાં ઘેટાં જેવાં હતા. (૧ પીત. ૨:૨૫) આદમે જે ગુમાવ્યું એ કોઈ ઇન્સાન પાછું ખરીદી શકતા નથી. (ગીત. ૪૯:૭) યહોવાહે પ્રેમને લીધે, પોતાના પસંદ કરેલા સેવક ઈસુ ‘પર આપણા સર્વનાં પાપનો ભાર મૂક્યો.’ ઈસુ ‘આપણા અપરાધોને લીધે વીંધાયા અને કચડાયા.’ આમ ઈસુ આપણાં પાપોને લીધે થાંભલા પર જડાયા અને મરણ પામ્યા.
૯ પીતરે લખ્યું: “એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમકે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ.” પછી યશાયાહની ભવિષ્યવાણીમાંથી પીતરે ઉમેર્યું: “તેના ઘાઓથી તમે સાજા થયા.” (૧ પીત. ૨:૨૧, ૨૪; યશા. ૫૩:૫) આ રીતે ઇન્સાન યહોવાહ સાથે નાતો બાંધી શકે છે. પીતરે જણાવ્યું: ‘ખ્રિસ્તે એક વેળા પાપોને સારૂ, એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું, કે જેથી તે આપણને ઈશ્વરની પાસે પહોંચાડે.’—૧ પીત. ૩:૧૮.
‘વધને માટે લઈ જવાતા હલવાન જેવો’
૧૦. (ક) ઈસુ વિષે બાપ્તિસ્મા કરનાર યોહાને શું કહ્યું? (ખ) કઈ રીતે યોહાનના શબ્દો સાચા પડ્યા?
૧૦ યશાયાહ ૫૩:૭, ૮ વાંચો. ઈસુને જોઈને બાપ્તિસ્મા કરનાર યોહાને કહ્યું: ‘જુઓ, ઈશ્વરનું હલવાન, કે જે જગતનું પાપ હરણ કરે છે!’ (યોહા. ૧:૨૯) ઈસુ વિષે આમ કહ્યું ત્યારે, યોહાનના મનમાં આ શબ્દો હોય શકે: ‘હલવાન વધ કરવા માટે લઈ જવામાં આવે છે.’ (યશા. ૫૩:૭) યશાયાહે એમ પણ કહ્યું કે “તેણે પોતાનો આત્મા [જીવ] મરણ પામતા સુધી રેડી દીધો.” (યશા. ૫૩:૧૨) ઈસુ મરણ પામ્યા એના થોડા સમય પહેલાં, અગિયાર દોસ્તોને વાઇનનો ગ્લાસ આપીને કહ્યું: “નવા કરારનું એ મારૂં લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને સારૂ વહેવડાવવામાં આવે છે.”—માથ. ૨૬:૨૮.
૧૧, ૧૨. (ક) ઇસ્હાકની જેમ ઈસુ પણ શું કરવા તૈયાર હતા? (ખ) મેમોરિયલ વખતે યહોવાહનો અહેસાન કેમ માનવો જોઈએ?
૧૧ ઇસ્હાકની જેમ ઈસુ પણ રાજીખુશીથી પોતાની કુરબાની આપવા તૈયાર હતા. (ઉત. ૨૨:૧, ૨, ૯-૧૩; હેબ્રી ૧૦:૫-૧૦) જોકે ઇસ્હાકની કુરબાની પાછળ ઈબ્રાહીમનો હાથ હતો. (હેબ્રી ૧૧:૧૭) એ જ રીતે, ઈસુની કુરબાની પાછળ યહોવાહનો હાથ છે. તેમણે પોતાના દીકરાનું અર્પણ કર્યું, એમાં ઇન્સાન માટેનો પ્રેમ છલકાય છે.
૧૨ ઈસુએ કહ્યું કે ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહા. ૩:૧૬) પાઊલે પણ લખ્યું: ‘આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારૂ મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.’ (રૂમી ૫:૮) એ માટે મેમોરિયલ વખતે ઈસુના મરણની યાદ કરીએ. પણ સૌથી વધારે તો યહોવાહનો અહેસાન માનીએ, કેમ કે એ કુરબાનીની ગોઠવણ તેમણે કરી છે.
સેવક “ઘણાઓને ન્યાયી ઠરાવશે”
૧૩, ૧૪. કઈ રીતે ઈસુએ ‘ઘણાઓને ન્યાયી ઠરાવ્યા’ છે?
૧૩ યશાયાહ ૫૩:૧૧, ૧૨ વાંચો. યહોવાહે કહ્યું: “મારો ન્યાયી સેવક પોતાના જ્ઞાનથી ઘણાઓને ન્યાયી ઠરાવશે.” કઈ રીતે? બારમી કલમ જણાવે છે કે તે સેવકે “અપરાધીઓને સારૂ મધ્યસ્થી કરી” કે વચ્ચે પડ્યા. આદમને લીધે આપણે સર્વ ‘અપરાધીઓ’ છીએ અને “પાપનો મૂસારો [બદલો] મરણ” છે. (રૂમી ૫:૧૨; ૬:૨૩) યહોવાહ અને પાપી ઇન્સાનો વચ્ચે ફરીથી નાતો બાંધવા ઈસુએ “મધ્યસ્થી” કરી. યશાયાહનો ૫૩મો અધ્યાય કહે છે: “આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાને માટે તેને શિક્ષા થઈ, ને તેના સોળથી [ઘાથી] આપણને સાજાપણું મળ્યું છે.”—યશા. ૫૩:૫.
૧૪ ઇન્સાનોનાં પાપ પોતાને માથે લઈને ઈસુ મરણ પામ્યા. આમ તેમણે ‘ઘણાઓને ન્યાયી ઠરાવ્યા.’ પાઊલે ઈસુ વિષે લખ્યું: “તેનામાં સર્વ પ્રકારની સંપૂર્ણતા રહે; એમ બાપને પસંદ પડ્યું; અને તેના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેની મારફતે તે પોતાની સાથે સઘળાંનું સમાધાન કરાવે; પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.”—કોલો. ૧:૧૯, ૨૦.
૧૫. (ક) પાઊલે જણાવ્યું તેમ “આકાશમાંનાં” કોણ છે? (ખ) મેમોરિયલમાં કોણ રોટલી અને વાઇન લે છે અને શા માટે?
૧૫ એ “આકાશમાંનાં” કોણ છે? તેઓ “સ્વર્ગીય તેડાના ભાગીદાર” છે, એટલે કે ઈસુ સાથે રાજ કરવા પસંદ કરાયેલા છે. તેઓ ‘જીવન માટે ન્યાયી’ ગણાય છે. (હેબ્રી ૩:૧; રૂમી ૫:૧, ૧૮) યહોવાહ તેઓને પોતાના દીકરાઓ તરીકે સ્વીકારે છે. યહોવાહ પોતે ખાતરી આપે છે કે તેઓ “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” છે. તેઓ રાજાઓ અને યાજકો બનશે. (રૂમી ૮:૧૫-૧૭; પ્રકટી. ૫:૯, ૧૦) તેઓ ‘ઈશ્વરના ઈસ્રાએલ’ અને ‘નવા કરારના’ ભાગ બને છે. (યિર્મે. ૩૧:૩૧-૩૪; ગલા. ૬:૧૬) એટલે તેઓ મેમોરિયલમાં રોટલી અને વાઇન લે છે. ઈસુએ વાઇન વિષે કહ્યું કે “આ પ્યાલો તમારે સારૂ વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.”—લુક ૨૨:૨૦.
૧૬. “પૃથ્વી પરનાં” કોણ છે? તેઓને યહોવાહની સામે કઈ રીતે ન્યાયી ગણવામાં આવે છે?
૧૬ તો પછી “પૃથ્વી પરનાં” કોણ છે? એ તો પૃથ્વી પર અમર જીવનની આશા રાખનારા છે. તેઓએ ઈસુની કુરબાનીમાં ભરોસો મૂકીને ‘પોતાનાં વસ્ત્ર ધોયાં, અને તેમના રક્તમાં ઊજળાં કર્યાં.’ ઈસુ તેઓને પણ યહોવાહની સામે ન્યાયી ઠરાવે છે. યહોવાહ તેઓને દીકરાઓ નહિ, પણ મિત્રો તરીકે સ્વીકારે છે. તેઓને “મોટી વિપત્તિમાંથી” બચવાની આશા આપે છે. (પ્રકટી. ૭:૯, ૧૦, ૧૪; યાકૂ. ૨:૨૩) તેઓ નવા કરારનો ભાગ નથી અને સ્વર્ગમાં જવાના નથી. એટલે મેમોરિયલમાં રોટલી કે વાઇન લેતા નથી. તેઓ ફક્ત એ પ્રસંગ ઊજવે છે.
યહોવાહ અને ઈસુનો અહેસાન માનીએ
૧૭. યશાયાહની ભવિષ્યવાણી મેમોરિયલ માટે તૈયાર થવા કેવી મદદ કરે છે?
૧૭ યહોવાહના પસંદ કરેલા સેવક વિષેની ભવિષ્યવાણીમાંથી ઘણું શીખવા મળે છે! એ આપણને મેમોરિયલ માટે તૈયાર કરે છે. ‘આપણા વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરનાર ઈસુની તરફ લક્ષ રાખવા’ વધારે મદદ મળી છે. (હેબ્રી ૧૨:૨) ઈસુ કંઈ શેતાન જેવા નથી. ઈસુ હંમેશાં યહોવાહના કહેવા પ્રમાણે જ જીવે છે. તે માને છે કે યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક છે. ઈસુને લોકો પર બહુ જ પ્રેમ. તેમણે તેઓને યહોવાહ વિષે શીખવ્યું. બીમારીમાંથી સાજા કર્યા. યહોવાહ સાથે ફરીથી નાતો બાંધવા મદદ કરી. આ રીતે સાબિત કરી આપ્યું કે યહોવાહના રાજ્યના રાજા બનશે ત્યારે ઈસુ હજુ શું કરશે. એ રાજમાં “તે પૃથ્વી પર ધર્મ [ન્યાય] સ્થાપિત કરશે.” (યશા. ૪૨:૪) “વિદેશીઓને પ્રકાશ આપનાર” હોવાથી, તેમણે હોંશથી યહોવાહના રાજ્યનો પ્રચાર કર્યો. આપણે પણ એમ જ કરીએ.—યશા. ૪૨:૬.
૧૮. આપણે યહોવાહ અને તેમના સેવકનો અહેસાન કેમ માનીએ છીએ?
૧૮ યશાયાહની ભવિષ્યવાણી આપણને યહોવાહની વધારે કદર કરવા મદદ આપે છે. તેમણે પોતાના પુત્રની કુરબાની આપણા માટે આપી. ઈસુનું દુઃખ જોઈને યહોવાહ ઘણા જ દુઃખી થયા. ઈસુ તેમને વળગી રહ્યા, એનાથી તેમનું દિલ ખુશીઓથી ભરાઈ ગયું. ઈસુએ યહોવાહનું નામ પવિત્ર મનાવ્યું. યહોવાહને જ વિશ્વ પર રાજ કરવાનો હક છે, એ સાબિત કરી આપ્યું. શેતાનને સાવ જૂઠો ઠરાવ્યો. ઈસુ આપણાં પાપ માથે લઈને મરણ પામ્યા. સ્વર્ગમાં જનારા અને પૃથ્વી પર રહેનારા સર્વ ભક્તોને યહોવાહ સામે ન્યાયી ઠરાવ્યા. મેમોરિયલમાં આપણે યહોવાહ અને તેમના સેવકનો પૂરા દિલથી અહેસાન માનીએ! (w09 1/15)
મુખ્ય મુદ્દા
• કઈ રીતે ઈસુને ‘કચરવાની’ યહોવાહની “મરજી” હતી?
• ઈસુ કયા અર્થમાં ‘આપણા અપરાધોને લીધે વીંધાયા’?
• કઈ રીતે સેવકે ‘ઘણાઓને ન્યાયી ઠરાવ્યા?’
• યશાયાહની ભવિષ્યવાણી મેમોરિયલ માટે તૈયાર થવા તમને કેવી મદદ કરે છે?
[પાન ૨૬ પર ચિત્ર]
‘તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર કરી નહિ’
[પાન ૨૬ પર ચિત્ર]
“બીજાં ઘેટાં” મેમોરિયલમાં રોટલી કે વાઇન લેતા નથી