યોહાન
૧ સૃષ્ટિ ઉત્પન્ન કરવામાં આવી એ પહેલાં, શરૂઆતમાં શબ્દ* હતો.+ શબ્દ ઈશ્વર સાથે હતો+ અને શબ્દ ઈશ્વર જેવો હતો.+ ૨ તે શરૂઆતમાં ઈશ્વરની સાથે હતો. ૩ બધું જ તેના દ્વારા ઉત્પન્ન કરવામાં આવ્યું+ અને એવું કંઈ જ ન હતું જે તેના વગર ઉત્પન્ન કરવામાં આવ્યું હોય.
૪ તેના દ્વારા જીવન અસ્તિત્વમાં આવ્યું. એ જીવન મનુષ્યો માટે પ્રકાશ હતું.+ ૫ અંધકારમાં એ પ્રકાશ ઝળહળે છે,+ પણ અંધકાર એને હોલવી શક્યો નથી.
૬ ઈશ્વરે એક માણસને મોકલ્યો, જેનું નામ યોહાન હતું.+ ૭ આ માણસ એક સાક્ષી તરીકે આવ્યો, જેથી પ્રકાશ વિશે તે સાક્ષી આપે+ અને બધા પ્રકારના લોકો તેના દ્વારા ભરોસો મૂકે. ૮ તે પોતે પ્રકાશ ન હતો,+ પણ પ્રકાશ વિશે તેણે સાક્ષી આપવાની હતી.
૯ સાચો પ્રકાશ દુનિયામાં હજુ આવવાનો હતો. એવો પ્રકાશ જે દરેકને અજવાળું આપે.+ ૧૦ શબ્દ દુનિયામાં હતો+ અને દુનિયા તેના દ્વારા ઉત્પન્ન થઈ.+ પણ દુનિયા તેને ઓળખતી ન હતી. ૧૧ તે પોતાના ઘરે આવ્યો, પણ તેના પોતાના લોકોએ તેનો સ્વીકાર કર્યો નહિ. ૧૨ પણ જેઓએ તેનો સ્વીકાર કર્યો એ બધાને તેણે ઈશ્વરનાં બાળકો બનવાનો અધિકાર આપ્યો,+ કારણ કે તેઓ તેના નામમાં શ્રદ્ધા રાખતા હતા.+ ૧૩ તેઓનો જન્મ માબાપની કે પોતાની* કે માણસની ઇચ્છાથી નહિ, પણ ઈશ્વરની ઇચ્છાથી થયો હતો.+
૧૪ આ રીતે શબ્દ મનુષ્ય બન્યો+ અને આપણી વચ્ચે રહ્યો. આપણે તેનું ગૌરવ જોયું, એવું ગૌરવ જે પિતા પાસેથી એકના એક દીકરાને*+ મળે છે. તે ઈશ્વરની કૃપાથી* અને સત્યથી ભરપૂર હતા. ૧૫ (યોહાને તેમના વિશે સાક્ષી આપી. તે પોકારી ઊઠ્યો: “આ એ જ છે જેમના વિશે મેં કહ્યું હતું, ‘મારા પછી આવનાર મારાથી મહાન છે, કારણ કે તે મારા પહેલાંથી જીવે છે.’”)+ ૧૬ તે અપાર કૃપા અને સત્યથી ભરપૂર છે. એટલે આપણે બધાએ તેમની પાસેથી પુષ્કળ અપાર કૃપા મેળવી છે. ૧૭ મૂસા દ્વારા નિયમશાસ્ત્ર* આપવામાં આવ્યું હતું,+ પણ ઈસુ ખ્રિસ્ત* દ્વારા અપાર કૃપા+ અને સત્ય આપવામાં આવ્યાં.+ ૧૮ કોઈ માણસે ઈશ્વરને કદી પણ જોયા નથી.+ પણ એકના એક દીકરા,+ જે ઈશ્વર જેવા છે* અને જે પિતાની બાજુમાં છે,*+ તેમણે ઈશ્વર વિશે સમજણ આપી છે.+
૧૯ યરૂશાલેમથી યહૂદીઓએ યાજકો* અને લેવીઓને મોકલીને યોહાનને પુછાવ્યું, “તું કોણ છે?”+ ૨૦ યોહાને જવાબ આપવાની ના પાડી નહિ, પણ કબૂલ કર્યું કે “હું ખ્રિસ્ત નથી.” ૨૧ તેઓએ પૂછ્યું: “તો પછી શું તું એલિયા છે?”+ તેણે કહ્યું: “હું તે નથી.” “શું તું પ્રબોધક* છે?”+ તેણે જવાબ આપ્યો: “ના!” ૨૨ એટલે તેઓએ પૂછ્યું: “તું છે કોણ? અમને કહે, જેથી અમને મોકલનારાઓને અમે જવાબ આપી શકીએ. તારે પોતાના વિશે શું કહેવું છે?” ૨૩ તેણે કહ્યું: “હું એ જ છું જેના વિશે પ્રબોધક યશાયાએ કહ્યું હતું+ કે વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ સીધો કરો.’”+ ૨૪ જેઓ ત્યાં આવ્યા હતા, તેઓને ફરોશીઓએ* મોકલ્યા હતા. ૨૫ તેઓએ તેને સવાલ પૂછ્યો: “જો તું ખ્રિસ્ત કે એલિયા કે પ્રબોધક નથી, તો તું કેમ બાપ્તિસ્મા* આપે છે?” ૨૬ યોહાને જવાબ આપ્યો: “હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. તમારી વચ્ચે એક માણસ ઊભા છે, જેમને તમે ઓળખતા નથી. ૨૭ મારા પછી જે આવે છે, તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.”+ ૨૮ આ બધું યર્દન પાર બેથનિયામાં બન્યું, જ્યાં યોહાન બાપ્તિસ્મા આપતો હતો.+
૨૯ બીજા દિવસે તેણે ઈસુને પોતાની તરફ આવતા જોયા. તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું,*+ જે દુનિયાનું+ પાપ દૂર કરે છે!+ ૩૦ આ એ જ છે જેમના વિશે મેં કહ્યું હતું: ‘મારા પછી એક માણસ આવે છે. તે મારાથી મહાન છે, કારણ કે મારા પહેલાંથી તે જીવે છે.’+ ૩૧ ભલે હું તેમને ઓળખતો ન હતો, પણ તે ઇઝરાયેલ આગળ જાહેર થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા આપતો આવ્યો છું.”+ ૩૨ યોહાને આમ કહીને પણ સાક્ષી આપી: “મેં આકાશમાંથી કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ* ઊતરતી જોઈ અને એ તેમના પર રહી.+ ૩૩ હું તેમને ઓળખતો ન હતો. પણ પાણીથી બાપ્તિસ્મા આપવા માટે મને મોકલનારે કહ્યું હતું: ‘તું જેના પર પવિત્ર શક્તિ ઊતરતી અને રહેતી જુએ,+ તે જ પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા આપનાર છે.’+ ૩૪ મેં એ જોયું છે અને મેં એવી સાક્ષી આપી છે કે તે જ ઈશ્વરના દીકરા છે.”+
૩૫ બીજા દિવસે ફરીથી યોહાન પોતાના બે શિષ્યો સાથે ઊભો હતો. ૩૬ ઈસુને ત્યાંથી પસાર થતા જોઈને તેણે કહ્યું: “જુઓ, ઈશ્વરનું ઘેટું!”+ ૩૭ તેની વાત સાંભળીને એ બે શિષ્યો ઈસુની પાછળ પાછળ ગયા. ૩૮ ઈસુએ ફરીને જોયું તો તેઓ પાછળ આવતા હતા. એટલે તેમણે પૂછ્યું: “તમારે શું જોઈએ છે?” તેઓએ કહ્યું: “રાબ્બી (જેનો અર્થ થાય, “ગુરુજી”), તમે ક્યાં રહો છો?” ૩૯ તેમણે કહ્યું: “તમે પોતે આવીને જુઓ.” એટલે તેઓ ગયા અને જોયું કે તે ક્યાં રહે છે. તેઓ એ દિવસે તેમની સાથે રોકાયા. ત્યારે સાંજના આશરે ચાર વાગ્યા હતા.* ૪૦ યોહાનનું કહેવું સાંભળીને ઈસુની પાછળ જનારા બે શિષ્યોમાંથી એક આંદ્રિયા+ હતો. તે સિમોન પિતરનો ભાઈ હતો.૪૧ પહેલા તે પોતાના ભાઈ સિમોનને મળ્યો અને કહ્યું: “અમને મસીહ*+ મળ્યા છે!” (જેનો અર્થ થાય, “ખ્રિસ્ત.”) ૪૨ આંદ્રિયા તેને ઈસુ પાસે લઈ ગયો. ઈસુએ તેને જોઈને કહ્યું: “તું યોહાનનો દીકરો સિમોન+ છે. તું કેફાસ (ગ્રીક, “પિતર”) કહેવાશે.”*+
૪૩ બીજા દિવસે ઈસુ ગાલીલ જવા માંગતા હતા. તે ફિલિપને+ મળ્યા ત્યારે તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.” ૪૪ ફિલિપ બેથસૈદા શહેરનો હતો, આંદ્રિયા અને પિતર પણ ત્યાંના હતા. ૪૫ ફિલિપ નથાનિયેલને+ મળ્યો અને કહ્યું: “મૂસાના નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં લખાણોમાં જેમના વિશે લખવામાં આવ્યું છે, તે અમને મળ્યા છે. તે નાઝરેથના ઈસુ, યૂસફના+ દીકરા છે.” ૪૬ પણ નથાનિયેલે કહ્યું: “શું નાઝરેથમાંથી કંઈ પણ સારું આવી શકે?” ફિલિપે તેને કહ્યું: “તું પોતે આવીને જો.” ૪૭ ઈસુએ નથાનિયેલને પોતાની તરફ આવતો જોયો. તેમણે તેના વિશે કહ્યું: “જુઓ! એક સાચો ઇઝરાયેલી, જેનામાં કંઈ કપટ નથી.”+ ૪૮ નથાનિયેલે તેમને પૂછ્યું: “તમે મને કેવી રીતે ઓળખો છો?” ઈસુએ જવાબ આપ્યો: “ફિલિપે તને બોલાવ્યો એ પહેલાં તું અંજીરના ઝાડ નીચે હતો ત્યારે મેં તને જોયો હતો.” ૪૯ નથાનિયેલ બોલી ઊઠ્યો: “ગુરુજી,* તમે ઈશ્વરના દીકરા છો, તમે ઇઝરાયેલના રાજા છો!”+ ૫૦ ઈસુએ કહ્યું: “મેં તને અંજીરના ઝાડ નીચે જોયો હતો, એવું મેં કહ્યું એટલે તું મારામાં ભરોસો મૂકે છે? તું આના કરતાં પણ ઘણાં મોટાં કામ જોશે.” ૫૧ પછી ઈસુએ કહ્યું: “હું તમને બધાને સાચે જ કહું છું કે તમે સ્વર્ગ ખૂલી ગયેલું અને ઈશ્વરના દૂતોને* માણસના દીકરાની* પાસે ઊતરતા અને ચઢતા જોશો.”+