પરીક્ષણોનો સામનો કરતી વિધવાઓને મદદ કરવી
બાઇબલમાં વિધવા તરીકે રૂથ અને તેની સાસુ નાઓમીનો અહેવાલ ખૂબ જાણીતો છે. તેઓ બંને વિધવા હતી. પરંતુ, નાઓમીએ તો પોતાના પતિને જ નહિ, સાથે બે પુત્રોને પણ ગુમાવ્યા હતા, જેમાંનો એક પુત્ર રૂથનો પતિ હતો. તેઓ ખેતીપ્રધાન સમાજમાં રહેતી હતી અને ખેતીવાડીનું કામ મોટા ભાગે પુરુષો પર નિર્ભર હોવાથી, ખરેખર તેઓની સ્થિતિ બહુ જ કરુણ હતી.—રૂથ ૧:૧-૫, ૨૦, ૨૧.
તેમ છતાં, નાઓમીને સારી મિત્ર અને દિલાસો આપનાર તરીકે તેની પુત્રવધૂ રૂથ મળી હતી, જે તેને છોડીને જવા માંગતી ન હતી. સમય જતાં, રૂથ નાઓમી માટે “સાત દીકરા કરતાં પણ વધારે” સાબિત થઈ, કેમ કે રૂથને નાઓમી પ્રત્યે જ નહિ, પરંતુ પરમેશ્વર પ્રત્યે પણ ખૂબ પ્રેમ હતો. (રૂથ ૪:૧૫) નાઓમીએ રૂથને તેના મોઆબી કુટુંબીજનો તથા સગાંવહાલાઓ પાસે પાછા જવાનું કહ્યું ત્યારે, ક્યારેય નોંધવામાં આવ્યો ન હોય એવો વફાદારી બતાવતો હૃદયસ્પર્શી જવાબ રૂથે આપ્યો: “જ્યાં તું જાય છે ત્યાં જ હું જવાની; અને જ્યાં તું રહેશે ત્યાં જ હું રહેવાની; તારા લોક તે મારા લોક, ને તારો દેવ તે મારો દેવ થશે; જ્યાં તું મરશે ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ; જો મોત સિવાય બીજું કંઈ મને તારાથી જુદી પાડે, તો યહોવાહ મારૂં મોત આણે ને એથી પણ વધારે દુઃખ દે.”—રૂથ ૧:૧૬, ૧૭.
રૂથનું સારું વલણ યહોવાહ પરમેશ્વરના ધ્યાન બહાર ગયું નહિ. તેમણે નાઓમી અને રૂથના નાના પરિવારને આશીર્વાદિત કર્યો અને છેવટે રૂથે ઈસ્રાએલી પુરુષ બોઆઝ સાથે લગ્ન કર્યું. તેઓનું બાળક, ઈસુ ખ્રિસ્તનું પૂર્વજ બન્યું અને નાઓમીએ તેની પોતાના બાળકની જેમ કાળજી લીધી. આ ઇતિહાસ બતાવે છે કે યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખનારી અને તેમના પર ભરોસો મૂકનારી વિધવાઓથી પરમેશ્વર કેટલા ખુશ થાય છે. વધુમાં, બાઇબલ જણાવે છે કે કસોટીનો સામનો કરતી વિધવાઓની કાળજી લેનારાઓને પણ પરમેશ્વર મૂલ્યવાન ગણે છે. તેથી, આજે આપણી મધ્યે જે વિધવાઓ છે તેઓને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?—રૂથ ૪:૧૩, ૧૬-૨૨; ગીતશાસ્ત્ર ૬૮:૫.
મદદ કરો છતાં, બધી બાબતમાં માથું ન મારો
તમે વિધવાઓને મદદ કરવા માંગતા હોવ તો જરૂર હોય એવી કોઈ ખાસ બાબતની મદદ કરો, પરંતુ તેઓની બધી જ બાબતોમાં માથું ન મારો. એવું કહેવાનું ટાળો કે, “તમને કંઈ જરૂર હોય તો કહેજો.” એમ કહેવું એ, ઠંડીથી ધ્રૂજતા અને ભૂખ્યા માણસને ‘તાપ, અને તૃપ્ત થા’ કહીને કંઈ મદદ નહિ કરવા બરાબર છે. (યાકૂબ ૨:૧૬) ઘણા લોકો એવા હોય છે કે તેઓને કશાની જરૂર હોય તોપણ માંગતા નથી; એને બદલે તેઓ મનમાં ને મનમાં દુઃખી થયા કરે છે. તેથી, તેઓને મદદ કરવા ઇચ્છતા હોવ તો તેઓને શાની જરૂર છે એ જાણી લેવા નિર્ણાયકતાની જરૂર છે. બીજી તર્ફે, તેઓની બધી જ બાબતમાં માથું મારીએ તો તેઓની લાગણીઓ દુભાઈ શકે. તેથી જ, બાઇબલ બીજાઓ સાથે વ્યવહારમાં સમતોલપણું જાળવવા પર ભાર મૂકે છે. બાઇબલ નિઃસ્વાર્થ બનીને બીજાનું ભલું કરવાનું ઉત્તેજન આપે છે, પરંતુ બીજાની બધી જ બાબતોમાં માથું નહિ મારવાનું પણ એ યાદ દેવડાવે છે.—ફિલિપી ૨:૪; ૧ પીતર ૪:૧૫.
રૂથે નાઓમી પ્રત્યે આવું સમતોલ વલણ બતાવ્યું. પોતાની સાસુને વફાદાર રહી છતાં, રૂથે તેમને કોઈ બાબતમાં દબાણ ન કર્યું. તેણે સમજદારી વાપરીને પોતાના અને નાઓમી માટે ખોરાક મેળવવા પહેલ કરી, એટલું જ નહિ, તે નાઓમીનું કહ્યું પણ માનતી હતી.—રૂથ ૨:૨, ૨૨, ૨૩; ૩:૧-૬.
એ વાત સાચી છે કે દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ અલગ હોય શકે. આગળના લેખમાં ઉલ્લેખ કરેલી સાન્ડ્રા કહે છે: “હું તણાવનો સામનો કરતી હતી ત્યારે, મને જે વહાલા અને પ્રેમાળ મિત્રોની જરૂર હતી એવા મિત્રો હંમેશા મારી સાથે રહેતા હતા.” બીજી બાજું, આગળના લેખમાં ઉલ્લેખ કરેલી ઈલેનને એકાંતની જરૂર હતી. તેથી, કોઈને મદદરૂપ થવું હોય તો, આપણે સમતોલપણું જાળવીને વ્યક્તિની જરૂરિયાત મુજબ તેને એકાંત આપવું જોઈએ અને તેને જરૂર હોય ત્યારે તેની સાથે પણ રહેવું જોઈએ.
કુટુંબે ટેકો આપવો
ઉષ્માભર્યું, પ્રેમાળ કુટુંબ વિધવાને ખાતરી કરાવી શકે કે તે આ સંજોગોનો સામનો કરી શકશે. જોકે, કુટુંબના અમુક સભ્યો બીજાઓ કરતાં વધુ મદદ કરી શકે છતાં, દરેકે પોતાનાથી બનતી બધી જ મદદ કરવી જોઈએ. “જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંનાં છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ટ થતાં તથા પોતાનાં માબાપના ઉપકારનો બદલો વાળતાં શીખે; કેમકે એ દેવને પ્રિય છે.”—૧ તીમોથી ૫:૪.
ઘણી વિધવાઓને આર્થિક મદદની જરૂર ન પણ હોય. કેટલીક વિધવાઓ પાસે પોતાનું જીવન ગુજારવા માટે પૂરતા નાણાં હોય છે અને અમુક દેશોમાં ઘણી વિધવાઓને ભથ્થું મળતું હોય છે. પરંતુ વિધવાને જરૂર હોય એવી બાબતોમાં કુટુંબના સભ્યોએ મદદ કરવી જ જોઈએ. વિધવાના કોઈ નજીકના સગાઓ ન હોય અથવા તેઓ હોય છતાં મદદ કરી શકે એવી સ્થિતિમાં ન હોય ત્યારે, બાઇબલ સાથી વિશ્વાસુઓને મદદ કરવા ઉત્તેજન આપે છે: “વિધવાઓની અને અનાથોની તેઓનાં દુઃખની વખતે મુલાકાત લેવી . . . એજ દેવની, એટલે બાપની, આગળ શુદ્ધ તથા નિર્મળ ધાર્મિકતા છે.”—યાકૂબ ૧:૨૭.
આ બાઇબલ સિદ્ધાંતને લાગુ કરનારાઓ ચોક્કસ વિધવાઓને આદર આપે છે. (૧ તીમોથી ૫:૩) વ્યક્તિને આદર આપવાનો અર્થ એ વ્યક્તિ પ્રત્યે માન બતાવવું થાય છે. તેઓને આદર આપવાથી, તેઓ પોતાને મહત્ત્વના, કાળજી લેવાયેલા અને આદરપાત્ર અનુભવે છે. તેઓને એવું નહિ લાગે કે બીજાઓ જવાબદારી સમજીને મદદ કરી રહ્યા છે. રૂથ પોતે પણ થોડા સમય માટે વિધવા હતી છતાં, તેણે સ્વેચ્છાથી અને પ્રેમાળ રીતે નાઓમીની શારીરિક અને લાગણીમય જરૂરિયાતની કાળજી રાખીને આદર આપ્યો. હકીકતમાં, રૂથના સારા વલણને કારણે તેની બીજાઓ પર બહુ સારી છાપ પડી. તેથી જ તેના ભાવિ પતિએ તેને કહ્યું: “મારા નગરના તમામ લોકો જાણે છે, કે તું સદ્ગુણી સ્ત્રી છે.” (રૂથ ૩:૧૧) એ જ સમયે, નાઓમીનો પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ, સમતોલ વલણ અને રૂથ તેના માટે જે કરતી એની તે ઊંડી કદર બતાવતી હોવાથી, રૂથને પણ નાઓમી માટે બધું જ કરવાનું ગમતું હતું. નાઓમી, આજની વિધવાઓ માટે કેવું સુંદર ઉદાહરણ!
પરમેશ્વરની નજીક જાઓ
કુટુંબના સભ્યો અને મિત્રો, મરણ પામેલા જીવનસાથીની ખોટ પૂરી કરી શકતા નથી. એ કારણે, સાથી ગુમાવનાર વ્યક્તિ, ખાસ કરીને ‘કરુણાના પિતા તથા સર્વ દિલાસાના દેવ, જે સર્વ વિપત્તિમાં દિલાસો આપે છે’ તેમની નજીક જાય એ ખૂબ મહત્ત્વનું છે. (૨ કોરીંથી ૧:૩, ૪) એક ભક્તિભાવવાળી વિધવા, આન્નાનું ઉદાહરણ લો કે જે ઈસુના જન્મ સમયે ૮૪ વર્ષની હતી.
આન્નાના સાત વર્ષના લગ્ન જીવન પછી તેના પતિનું મરણ થયું. એ સમયે તેણે દિલાસા માટે પરમેશ્વર પર આધાર રાખ્યો. “તે મંદિરમાંથી નહિ ખસતાં રાતદિવસ ઉપવાસ તથા પ્રાર્થનાઓ સહિત ભક્તિ કર્યા કરતી.” (લુક ૨:૩૬, ૩૭) આન્નાએ જે ભક્તિ કરી હતી એનો શું યહોવાહે કંઈ બદલો આપ્યો? હા! જગતના તારણહાર બનનાર બાળકને જોવાનો લહાવો આપીને પરમેશ્વરે તેના માટેનો પ્રેમ એક ખાસ રીતે બતાવ્યો. એનાથી આન્નાને કેટલો આનંદ અને દિલાસો મળ્યો હશે! સાચે જ, તેણે ગીતશાસ્ત્ર ૩૭:૪ના સત્યને પોતાના જીવનમાં અનુભવ્યું: “તું યહોવાહમાં આનંદ કરીશ; અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે.”
સાથી ખ્રિસ્તીઓ દ્વારા પરમેશ્વર મદદ કરે છે
ઈલેન જણાવે છે: “ડેવિડના મરણ પછી લાંબા સમય સુધી, મને શારીરિક રીતે કંઈને કંઈ દુઃખાવો થતો રહેતો, જાણે કોઈ મારી પાંસળીઓમાં છરી ભોંકતું હોય એમ મને લાગતું હતું. મેં વિચાર્યું કે અપચો થતો હશે. પરંતુ, એક દિવસે દુખાવો એટલો વધી ગયો કે મને લાગ્યું કે મારે ડૉક્ટર પાસે જવું જ પડશે. મારી પરિસ્થિતિથી સારી એવી વાકેફ એક આત્મિક બહેન અને બહેનપણીએ મને જણાવ્યું કે મનમાં ભરી રાખેલા દુઃખને કારણે મને દુખાવો થાય છે. તેથી તેણે મને મદદ અને દિલાસા માટે યહોવાહને પ્રાર્થના કરવાનું જણાવ્યું. મેં એ સમયે જ તેની સલાહ માનીને, પરમેશ્વરને હૃદયપૂર્વક મનોમન પ્રાર્થના કરી કે મારા દુઃખમાંથી મને બચાવો અને તેમણે મને બચાવી!” ત્યાર પછી ઈલેનનો ભાર હળવો થઈ ગયો અને જલદી જ તેનો શારીરિક દુઃખાવો પણ જતો રહ્યો.
મંડળના વડીલો મિત્રભાવે, દુઃખી થઈ ગયેલી વિધવાઓ સાથે વાત કરી શકે. વડીલો સતત આત્મિક ટેકાથી અને કુનેહ તથા સમજદારીથી દિલાસો આપીને, તેઓને પરીક્ષણના સમયે પણ યહોવાહની નજીક આવવામાં મદદ કરી શકે. જરૂર હોય તો, વડીલો ભૌતિક રીતે મદદ કરવાની ગોઠવણ કરી શકે. આવા દયાળુ, નિર્ણાયકતાવાળા વડીલો ખરેખર “વાયુથી સંતાવાની જગા” બની શકે.—યશાયાહ ૩૨:૨; પ્રેરિતોનાં કૃત્યો ૬:૧-૩.
પૃથ્વીના નવા રાજા તરફથી કાયમી દિલાસો
બે હજાર વર્ષ પહેલાં જેને જોવાનો વૃદ્ધ આન્નાએ આનંદ માણ્યો, તે હવે પરમેશ્વરના સ્વર્ગીય રાજ્યના મસીહી રાજા બન્યા છે. તેમની આ સરકાર મરણ સહિત દુઃખનાં બધાં જ કારણોને કાઢી નાખશે. આ સંબંધી પ્રકટીકરણ ૨૧:૩, ૪ કહે છે: “જુઓ, દેવનો મંડપ માણસોની સાથે છે, . . . તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.” શું તમે નોંધ્યું કે આ કલમમાં “માણસો” વિષે વાત કરવામાં આવી છે? હા, માનવીઓ મરણ અને એનાથી આવતા બધા જ દુઃખ અને શોકમાંથી મુક્તિ મેળવશે.
પરંતુ એનાથી પણ વધુ સારા સમાચાર રહેલા છે! બાઇબલ મરણ પામેલાઓ માટે પુનરુત્થાનની પણ આશા આપે છે. “એવી વેળા આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની [ઈસુની] વાણી સાંભળશે; અને . . . નીકળી આવશે.” (યોહાન ૫:૨૮, ૨૯) ઈસુએ લાજરસને મરણમાંથી ઉઠાડ્યો હતો તેમ, તેઓ માનવો તરીકે જીવતા થશે, આત્મિક પ્રાણીઓ તરીકે નહિ. (યોહાન ૧૧:૪૩, ૪૪) ત્યાર પછી ‘સારાં કામ કરનારાઓʼને સંપૂર્ણતા આપવામાં આવશે. યહોવાહ પોતાનો “હાથ ખોલીને સર્વ સજીવોની ઈચ્છાને તૃપ્ત” કરશે ત્યારે, તેઓ એક પિતા કાળજી લેતા હોય એમ અનુભવ કરશે.—ગીતશાસ્ત્ર ૧૪૫:૧૬.
પોતાના પ્રિયજનોને મરણમાં ગુમાવનાર વ્યક્તિઓને પુનરુત્થાનની આશામાં ભરોસો રાખવાથી ખૂબ દિલાસો મળે છે. (૧ થેસ્સાલોનીકી ૪:૧૩) તેથી, તમે વિધવા હોવ તો, દિલાસા માટે “નિત્ય પ્રાર્થના કરો,” જેથી તમારો દરરોજનો અલગ અલગ બોજો હળવો કરવા મદદ મળે. (૧ થેસ્સાલોનીકી ૫:૧૭; ૧ પીતર ૫:૭) દરરોજ બાઇબલ વાંચવા સમય કાઢો, જેથી પરમેશ્વરના વિચારોથી તમને દિલાસો મળી શકે. એમ કરશો તો, વિધવા હોવાને કારણે તમારે સામનો કરવા પડતાં પરીક્ષણો અને દુઃખોમાં પણ તમે જોઈ શકશો કે યહોવાહ ખરેખર શાંતિ મેળવવા તમને મદદ કરી શકે છે.
[પાન ૫ પર બ્લર્બ]
કો ઈને મદદ કરવી હોય તો, અમુક સમયે તેને એકાંત આપીને અને જરૂર હોય ત્યારે સાથે રહીને સમતોલપણું જાળવવું જોઈએ
[પાન ૭ પર ચિત્ર]
વૃદ્ધ વિધવા આન્નાને પરમેશ્વરે આશીર્વાદિત કરી