વાચકો તરફથી પ્રશ્નો
ઈસુ ક્યારે પ્રમુખ યાજક બન્યા? નવો કરાર પાકો થવો અને નવો કરાર શરૂ થવો, શું એ બંનેમાં કોઈ ફરક છે?
ઈસવીસન ૨૯માં ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે તે પ્રમુખ યાજક બન્યા. એ શા પરથી કહી શકાય? બાપ્તિસ્મા વખતે ઈસુ ઈશ્વરની “ઇચ્છા” પૂરી કરવા આગળ આવ્યા. એનો અર્થ થાય કે ઈસુએ ખુશીથી માણસો માટે પોતાના જીવનનું બલિદાન આપવા તૈયારી બતાવી. (ગલા. ૧:૪; હિબ્રૂ. ૧૦:૫-૧૦) ઈશ્વરની ઇચ્છાને એક વેદી સાથે સરખાવી શકાય. ઈસુએ પોતાનું જીવન આપ્યું એ તો જાણે વેદી પર બલિદાન આપવા જેવું હતું. એ વેદી ઈસુના બાપ્તિસ્મા પછી અસ્તિત્વમાં આવી. ઈસુના બલિદાનના આધારે યહોવાની શુદ્ધ ભક્તિ કરવા માટેની ગોઠવણને એક મંદિર સાથે સરખાવી શકાય. એનો અર્થ થાય કે એ મંદિર પણ ઈસુના બાપ્તિસ્મા પછી અસ્તિત્વમાં આવ્યું હશે. મંદિરની સૌથી મુખ્ય વસ્તુ એની વેદી હોય છે. એવી જ રીતે, યહોવાની શુદ્ધ ભક્તિ કરવા માટેની ગોઠવણમાં સૌથી મહત્ત્વનું ઈશ્વરની ઇચ્છા છે.—માથ. ૩:૧૬, ૧૭; હિબ્રૂ. ૫:૪-૬.
ઈસુના બલિદાનના આધારે યહોવાની ભક્તિ કરવા માટેની એ ગોઠવણ શરૂ થઈ. એટલે જાણે એ મંદિર અસ્તિત્વમાં આવ્યું. મંદિર માટે એક પ્રમુખ યાજકની જરૂર પડે છે. એટલે ઈસુને પ્રમુખ યાજક તરીકે ‘પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા અને તેમને બળ આપવામાં આવ્યું.’ (પ્રે.કા. ૧૦:૩૭, ૩૮; માર્ક ૧:૯-૧૧) ઈસુએ બલિદાન આપ્યું અને તેમને સજીવન કરવામાં આવ્યા, એ પહેલાં તેમને પ્રમુખ યાજક બનાવવામાં આવ્યા હતા. એવું કઈ રીતે કહી શકાય? હારૂન અને તેમના પછી થયેલા બીજા પ્રમુખ યાજકના દાખલા પરથી આપણને એનો જવાબ મળે છે.
નિયમશાસ્ત્ર પ્રમાણે, મંડપના અને પછીથી મંદિરના પરમ પવિત્ર સ્થાનમાં ફક્ત પ્રમુખ યાજક જઈ શકતા હતા. પવિત્ર સ્થાન અને પરમ પવિત્ર સ્થાન વચ્ચે એક પડદો હતો. પ્રાયશ્ચિતના દિવસે પ્રમુખ યાજક એ પડદો પાર કરીને પરમ પવિત્ર સ્થાનમાં જતા હતા. (હિબ્રૂ. ૯:૧-૩, ૬, ૭) હારૂન અને બીજાઓ, પ્રમુખ યાજક બન્યા પછી એ “પડદાની પાર” ગયા હતા. એવી જ રીતે, યહોવાના મંદિર એટલે કે તેમની શુદ્ધ ભક્તિ માટેની ગોઠવણમાં ઈસુ મરણ પહેલાં પ્રમુખ યાજક બન્યા હતા. પછીથી ‘એ પડદો જે તેમનું શરીર છે’ એને પાર કરીને તે સ્વર્ગમાં ગયા હતા. (હિબ્રૂ. ૧૦:૨૦) એટલે પાઊલે ઈસુ માટે કહ્યું હતું કે તે “પ્રમુખ યાજક બનીને આવ્યા.” અને “તે વધારે મહત્ત્વના અને વધારે સંપૂર્ણ મંડપમાંથી પસાર થયા. એ મંડપ હાથે બનાવેલો ન હતો.” એ મંડપ તો સ્વર્ગ હતું.—હિબ્રૂ. ૯:૧૧, ૨૪.
નવો કરાર ક્યારે પાકો થયો અને ક્યારે શરૂ થયો એ બેમાં કોઈ ફરક નથી. શા માટે? કારણ કે ઈસુએ સ્વર્ગમાં યહોવાને આપણા માટે પોતાના શરીરની કિંમત ચૂકવી ત્યારે નવો કરાર શરૂ થયો કે પાકો થયો હતો. એ માટે ત્રણ પગલાં ભરવામાં આવ્યાં. ચાલો એ વિશે વધારે જોઈએ.
પહેલું પગલું, ઈસુ યહોવા આગળ હાજર થયા. બીજું પગલું, તેમણે પોતાનું બલિદાન આપીને યહોવાને કિંમત ચૂકવી. ત્રીજું પગલું, ઈસુએ આપેલી એ કિંમત યહોવાએ સ્વીકારી. એ ત્રણ પગલાં ભર્યાં પછી નવા કરારની શરૂઆત થઈ.
યહોવાએ ક્યારે ઈસુના બલિદાનનો સ્વીકાર કર્યો એ વિશે બાઇબલ ખાસ કંઈ બતાવતું નથી. એટલે આપણે કહી શકતા નથી કે નવો કરાર કયા દિવસે પાકો થયો. પણ આપણને એ ખબર છે કે પચાસમા દિવસના દસ દિવસ પહેલાં ઈસુ સ્વર્ગમાં પહોંચી ગયા હતા. (પ્રે.કા. ૧:૩) એનો અર્થ થાય કે એ દસ દિવસની અંદર કોઈ એક સમયે ઈસુએ પોતાના બલિદાનની કિંમત યહોવાને ચૂકવી હશે અને યહોવાએ એ સ્વીકારી હશે. (હિબ્રૂ. ૯:૧૨) એટલે એ નવો કરાર શરૂ થયો એનો પૂરાવો પચાસમા દિવસે સાફ જોવા મળ્યો. (પ્રે.કા. ૨:૧-૪, ૩૨, ૩૩) એટલે કહી શકાય કે એ વખતે નવો કરાર ચોક્કસ શરૂ થઈ ગયો હતો.
થોડા શબ્દોમાં કહીએ તો નવો કરાર ત્યારે પાકો થયો કે શરૂ થયો જ્યારે ઈસુએ આપેલી કિંમત યહોવાએ સ્વીકારી અને અભિષિક્તોને એ કરાર હેઠળ લાવ્યા. નવા કરારના પ્રમુખ યાજક ઈસુ જ્યારે મધ્યસ્થ બન્યા ત્યારથી એ કરાર અમલમાં આવ્યો.—હિબ્રૂ. ૭:૨૫; ૮:૧-૩, ૬; ૯:૧૩-૧૫.