પ્રેરિતોનાં કાર્યો
૧ વહાલા થિયોફિલ, ઈસુએ સેવા શરૂ કરી ત્યારથી તેમણે જે કાર્યો કર્યાં અને જે શિક્ષણ આપ્યું એ વિશે મેં તને પહેલા પુસ્તકમાં લખ્યું હતું.+ ૨ એમાં એ સમયનો અહેવાલ છે, જ્યારે ઈસુએ પોતાના પસંદ કરેલા પ્રેરિતોને* પવિત્ર શક્તિ* દ્વારા સૂચનાઓ આપી હતી+ અને ત્યાર પછી તેમને સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા હતા.+ ૩ મરણનું દુઃખ સહન કર્યા પછી, ઈસુએ પ્રેરિતોને ઘણા પુરાવા આપીને બતાવ્યું કે તે જીવે છે.+ તે તેઓને ૪૦ દિવસ સુધી દેખાયા અને ઈશ્વરના રાજ્ય વિશે વાતો કરી.+ ૪ જ્યારે ઈસુ પ્રેરિતોને મળ્યા ત્યારે તેમણે આજ્ઞા આપી, “યરૂશાલેમ છોડીને જશો નહિ.+ પણ પિતાએ તમને જે ભેટનું વચન આપ્યું છે, એ પૂરું થાય એની રાહ જોતા રહેજો.+ એ વચન વિશે તમે મારી પાસેથી સાંભળ્યું છે. ૫ ખરું કે, યોહાન પાણીથી બાપ્તિસ્મા* આપતો હતો, પણ થોડા જ દિવસોમાં તમે પવિત્ર શક્તિથી બાપ્તિસ્મા લેશો.”+
૬ શિષ્યો ભેગા થયા ત્યારે તેઓએ ઈસુને પૂછ્યું, “માલિક, શું તમે આ સમયે ઇઝરાયેલનું રાજ્ય ફરીથી સ્થાપી રહ્યા છો?”+ ૭ તેમણે તેઓને કહ્યું: “એ સમયો અથવા દિવસો વિશે તમારે જાણવાની જરૂર નથી. એ સમયો અને દિવસો ઠરાવવાનો અધિકાર પિતાએ પોતાની પાસે રાખ્યો છે.+ ૮ પણ પવિત્ર શક્તિ તમારા પર આવશે ત્યારે, તમને બળ મળશે.+ તમે યરૂશાલેમમાં,+ આખા યહૂદિયા અને સમરૂનમાં+ અને પૃથ્વીના છેડા સુધી*+ મારા સાક્ષી થશો.”+ ૯ ઈસુ આ વાતો કહી રહ્યા પછી, શિષ્યો હજુ જોતા હતા એવામાં ઈસુને ઉપર લઈ લેવામાં આવ્યા અને તેઓની નજર સામે વાદળે તેમને ઢાંકી દીધા.+ ૧૦ તે ઉપર જતા હતા ત્યારે, શિષ્યો તેમને એકીટસે જોઈ રહ્યા. એ સમયે સફેદ કપડાં પહેરેલા બે માણસો+ અચાનક તેઓની બાજુમાં આવીને ઊભા રહ્યા. ૧૧ તેઓએ કહ્યું: “ઓ ગાલીલના માણસો, તમે કેમ આકાશ તરફ જોઈ રહ્યા છો? આ ઈસુ, જેમને તમારી પાસેથી ઉપર આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તેમને જે રીતે તમે આકાશમાં જતા જોયા, એ જ રીતે તે પાછા આવશે.”
૧૨ પછી તેઓ જૈતૂન પર્વતથી યરૂશાલેમ પાછા આવ્યા.+ એ પર્વત યરૂશાલેમની નજીક, આશરે એક કિલોમીટરના અંતરે છે.* ૧૩ યરૂશાલેમ પહોંચ્યા પછી, તેઓ જ્યાં રોકાતા હતા ત્યાં ઉપરના ઓરડામાં ગયા. ત્યાં પિતર સાથે યોહાન અને યાકૂબ અને આંદ્રિયા, ફિલિપ અને થોમા, બર્થોલ્મી અને માથ્થી, અલ્ફીનો દીકરો યાકૂબ, ઉત્સાહી કહેવાતો સિમોન અને યાકૂબનો દીકરો યહૂદા હતા.+ ૧૪ તેઓ બધા એકમનથી સતત પ્રાર્થના કરતા હતા. તેઓની સાથે ત્યાં અમુક સ્ત્રીઓ,+ ઈસુની માતા મરિયમ અને ઈસુના ભાઈઓ પણ હતાં.+
૧૫ એ દિવસોમાં, જ્યારે આશરે ૧૨૦ લોકો ભેગા થયા હતા, ત્યારે પિતરે ભાઈઓ આગળ ઊભા થઈને કહ્યું: ૧૬ “ભાઈઓ, પવિત્ર શક્તિએ દાઉદ દ્વારા યહૂદા વિશે ભવિષ્યવાણી કરી હતી, જે પૂરી થાય એ જરૂરી હતું.+ યહૂદા સૈનિકોને ઈસુ પાસે લઈ ગયો જેઓ તેમને પકડવા આવ્યા હતા.+ ૧૭ તે અમારામાંનો એક ગણાતો હતો+ અને તેને આ સેવાકાર્યમાં ભાગ મળ્યો હતો. ૧૮ (એ માણસે દુષ્ટ કાર્યની કમાણીથી એક ખેતર ખરીદ્યું.+ તે ઊંધા માથે પટકાયો અને તેનું પેટ ફાટી ગયું,* તેનાં બધાં આંતરડાં બહાર આવી ગયાં.+ ૧૯ યરૂશાલેમના બધા રહેવાસીઓને આ વાતની જાણ થઈ. તેથી એ ખેતર તેઓની ભાષામાં હકેલ્દમા, એટલે કે “લોહીનું ખેતર” કહેવાયું.) ૨૦ કેમ કે ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખેલું છે, ‘તેની રહેવાની જગ્યા ઉજ્જડ થઈ જાય અને એમાં કોઈ વસે નહિ’+ અને ‘દેખરેખ રાખનાર તરીકેની જવાબદારી કોઈ બીજો લઈ લે.’+ ૨૧ તેથી એ જરૂરી છે કે તેનું સ્થાન એવો કોઈ માણસ લે, જે એ આખા સમય દરમિયાન અમારી સાથે હતો જ્યારે આપણા માલિક ઈસુએ અમારી વચ્ચે રહીને કાર્યો કર્યાં હતાં,* ૨૨ એટલે કે ઈસુએ યોહાન દ્વારા બાપ્તિસ્મા લીધું+ ત્યારથી લઈને તેમને અમારી પાસેથી ઉપર લઈ લેવામાં આવ્યા+ ત્યાં સુધી તે અમારી સાથે હોય. અમારી જેમ એ માણસે પણ ઈસુને મરણમાંથી જીવતા થયેલા* જોયા હોય.”+
૨૩ એટલે ભાઈઓએ બે નામ આપ્યાં, યૂસફ અને માથ્થિયાસ. યૂસફ તો બર્સબા અને યુસ્તસ તરીકે પણ ઓળખાતો હતો. ૨૪ પછી તેઓએ પ્રાર્થના કરી: “ઓ યહોવા,* તમે બધા લોકોનાં દિલ જાણો છો.+ તમે આ બંનેમાંથી કોને પસંદ કર્યો છે એ જણાવો, ૨૫ જેથી તે એ સેવાકાર્ય અને પ્રેરિત તરીકેની સોંપણી મેળવી શકે, જે છોડીને યહૂદા પોતાના માર્ગે ચાલ્યો ગયો હતો.”+ ૨૬ એટલે તેઓએ ચિઠ્ઠીઓ* નાખી+ અને માથ્થિયાસની પસંદગી થઈ. પછી ૧૧ પ્રેરિતો સાથે તે પણ પ્રેરિત ગણાયો.*