“મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ”
પ્રેમ રાખવા તથા સારાં કાર્યો કરવા પ્રેરતી સભાઓ
ટૉરોંટોથી ટોકિયો, અને મોસ્કોથી મોન્ટેવિડીઓ, યહોવાહના લાખો સાક્ષીઓ અઠવાડિયામાં અનેક વખતે પરમેશ્વરને ભજવા માટે ભેગા મળે છે. તેઓમાંના કેટલાક નોકરી પરથી થાકીને આવતા પુરુષો, ઘરકામ કરતી પત્નીઓ અને શાળા પછી પોતાની સાથે ઉત્સાહી નાના બાળકોને લઈને આવતી માતાઓનો પણ સમાવેશ થાય છે. વળી, કેટલાક તો અપંગ, ઘરડા, બીમાર ખ્રિસ્તી ભાઈબહેનો અને અનેક લોકો દુઃખ સહન કરતા ધીમે ધીમે ચાલતા આવતા હોય છે. તેમ જ વિધવાઓ, અનાથો અને ઉદાસ ભાઈબહેનો, તેઓ સર્વને ખાસ દિલાસાની જરૂર છે.
યહોવાહના સાક્ષીઓ સભાઓમાં જવા માટે અનેક પ્રકારનાં વાહનનો ઉપયોગ કરે છે. જેમ કે સુપર ફાસ્ટ ટ્રેન, અન્ડર ગ્રાઉન્ડ ટ્રેન, માલગાડી અને ગધેડાંનો પણ તેઓ ઉપયોગ કરે છે. ઘણા લોકો એવી નદીઓ પાર કરીને જાય છે જ્યાં ઘણા મગર પણ હોય છે. જ્યારે બીજા લોકો મોટા શહેરોમાં ગીચોગીચ ટ્રાફિકમાંથી મુસાફરી કરીને જાય છે. શા માટે તેઓ એ બધું સહન કરીને સભામાં જાય છે?
સૌથી મહત્ત્વનું કારણ એ છે કે ખ્રિસ્તી સભામાં જવાથી અને એમાં ભાગ લેવાથી તેઓ યહોવાહ પરમેશ્વરની ભક્તિમાં જોડાય છે. (હેબ્રી ૧૩:૧૫) પ્રેષિત પાઊલે એનું બીજું કારણ જણાવતા આમ લખ્યું: “પ્રેમ રાખવાને તથા સારાં કામ કરવા અરસપરસ ઉત્તેજન મળે માટે આપણે એકબીજાનો વિચાર કરીએ. . . . આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ; અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ પ્રયત્ન કરો.” (અક્ષરો ત્રાંસા અમે કર્યા છે.) (હેબ્રી ૧૦:૨૪, ૨૫) પાઊલે અહીં દાઊદની લાગણી સાથે સહમત થતાં લખ્યું: “જ્યારે તેઓએ મને કહ્યું, કે આપણે યહોવાહને મંદિરે જઈએ, ત્યારે હું આનંદ પામ્યો.”—ગીતશાસ્ત્ર ૧૨૨:૧.
શા માટે યહોવાહના સાક્ષીઓ સભામાં હાજર રહેવાનો આનંદ મેળવે છે? જો કે સભામાં શું ચાલે છે એ જોવા તેઓ જતા નથી. પરંતુ, તેઓ એકબીજાને સારી રીતે ઓળખતા થાય એ માટે ત્યાં જાય છે. ખાસ કરીને સભાઓ પ્રેમ રાખવા, સારાં કામ કરવા અને અરસપરસ ઉત્તેજન આપવા મહત્ત્વનો ભાગ ભજવે છે. એથી, સભાઓમાં ઉત્તેજન આપવું વધારે સહેલું બને છે. ઈસુ અનેક રીતે પોતાનું વચન પરિપૂર્ણ કરે છે. તેમણે કહ્યું: “આવો, ને હું તમને વિસામો આપીશ.” ખ્રિસ્તી સભાઓ એમાંની એક રીત છે.—માત્થી ૧૧:૨૮.
તાજગી આપતું વાતાવરણ
યહોવાહના સાક્ષીઓ સભામાંથી આનંદ અને તાજગી મેળવે છે, એની પાછળ ઘણાં કારણો રહેલાં છે. એમાંનું એક એ છે કે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” સમયસર સભામાં યહોવાહ વિષે સાચી સમજણ આપે છે. (માત્થી ૨૪:૪૫) યહોવાહના સેવકો બાઇબલમાંથી સારા શીખવનાર બની શકે એ માટે સભાઓ ખૂબ જ મહત્ત્વની છે. એટલું જ નહિ, પરંતુ સભામાં જવાથી દુઃખમાં મદદ અને દિલાસો આપનાર પ્રેમાળ ભાઈ-બહેનો પણ મળે છે.—૨ કોરીંથી ૭:૫-૭.
ફિલિસના કિસ્સામાં એમ જ બન્યું હતું. તે બે છોકરીની મા છે. તેઓ પાંચ અને આઠ વર્ષની હતી ત્યારે તે વિધવા થઈ હતી. તે છોકરીઓ સાથે સભામાં ગઈ અને તેઓએ જે તાજગી અનુભવી એ વિષે તેણે આમ કહ્યું: “સભામાં જવાથી મને ખૂબ જ તાજગી મળી. ખ્રિસ્તી ભાઈ-બહેનોએ મને જે પ્રેમ બતાવ્યો, ભેટી પડ્યા, બાઇબલમાંથી ઉત્તેજન આપતી કલમો બતાવી અને મને હિંમત આપી, એથી મારું દિલ ત્યાં જવા સૌથી વધારે ચાહતું હતું.”—૧ થેસ્સાલોનીકી ૫:૧૪.
મારી નામની એક બહેનનું મોટું ઑપરેશન થયા પછી તેના ડૉક્ટરે કહ્યું કે તેને સારું થવા માટે ઓછામાં ઓછાં છ અઠવાડિયાં લાગશે. તેથી, ઑપરેશન પછી મારી સભામાં ન જઈ શકી. તેના ડૉક્ટરને ખબર પડી કે તે સભામાં જઈ નથી શકતી એથી તે ઉદાસ છે. ત્યારે ડૉકટરે તેને સભામાં જવાનું ઉત્તેજન આપ્યું. મારીએ જણાવ્યું કે તેના પતિ યહોવાહના સાક્ષી નથી, અને તેનું ઑપરેશન થયું હોવાથી તે તેને સભામાં જવાની પરવાનગી નહિ આપે. ત્યારે દરદીને જરૂરી દવા લખી આપવામાં આવે એમ, એ ડૉક્ટરે “લખી આપ્યું” કે મારીને સભામાં જવાની જરૂર છે, જેથી સારી સંગતથી તેને ઉત્તેજન મળે. મારી આમ કહેતા સમાપ્ત કરે છે: “ફક્ત એક જ સભામાં ગઈ પછી મને ઘણું સારું લાગ્યું. હું સારી રીતે ખાવા લાગી, મને મીઠી ઊંઘ આવી, દુઃખાવા માટે બહુ દવાની પણ જરૂર ન પડી, અને હું બહુ જ આનંદી હતી.”—નીતિવચનો ૧૬:૨૪.
જેઓ ખ્રિસ્તીઓ નથી તેઓ પણ સભાઓમાં પ્રેમાળ વાતાવરણ જોઈ શકે છે. એક કૉલેજની છોકરીને માનવ સ્વભાવ વિષે નિબંધ લખવાનો હતો. તેણે યહોવાહના સાક્ષીઓ વિષે અને સભાઓમાં કેવું વાતાવરણ હોય છે, એ વિષે આમ લખ્યું: “તેઓએ મને પ્રેમથી આવકાર આપ્યો . . . [એથી] મને નવાઈ લાગી . . . યહોવાહના સાક્ષીઓ ખૂબ જ સારા સ્વભાવના હતા. તેથી મને સભાઓનું વાતાવરણ બહુ સારૂ લાગ્યું.”—૧ કોરીંથી ૧૪:૨૫.
આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, ખ્રિસ્તી મંડળમાં રક્ષણ અને તાજગી મળે છે. ખરેખર ત્યાં પ્રેમ અને શાંતિ હોય છે. સભામાં હાજર હોવાથી તમે પણ ગીતશાસ્ત્રના લેખકે જે કહ્યું, એવું જ અનુભવશો: “ભાઈઓ સંપસંપીને રહે તે કેવું સારૂં તથા શોભાયમાન છે!”—ગીતશાસ્ત્ર ૧૩૩:૧.
[પાન ૨૫ પર બોક્સ/ચિત્ર]
બહેરા માટે સભાઓ
જેઓ બહેરા છે તેઓ કઈ રીતે સભામાંથી લાભ લઈ શકે? યહોવાહના સાક્ષીઓ આખી પૃથ્વી પર તેઓ માટે એવા મંડળો બનાવી રહ્યા છે, જ્યાં ઇશારાવાળી ભાષામાં (સાઈન લેંગ્વેજમાં) સભાઓ ચાલે. યુનાઈટેડ સ્ટેટ્સમાં છેલ્લા ૧૩ વર્ષમાં તેઓ માટે ૨૭ સાઈન લેંગ્વેજ મંડળો અને ૪૩ નવા ગ્રુપો બનાવવામાં આવ્યા હતા. એવી જ રીતે બીજા ૪૦ દેશોમાં પણ આજે લગભગ ૧૪૦ સાઈન લેંગ્વેજ મંડળો છે. યહોવાહના સાક્ષીઓએ ૧૩ ભાષામાં બાઇબલનું શિક્ષણ આપતી વિડીયો કૅસેટો પણ બહાર પાડી છે.
હવે બહેરા લોકોને પણ ખ્રિસ્તી મંડળોમાં યહોવાહ પરમેશ્વરને ભજવાની તક મળે છે. ઑડીલ નામની એક સ્ત્રી ફ્રાંસમાં રહે છે અને તે પહેલાં કૅથલિક ધર્મ પાળતી હતી. તે ઘણી વાર ખૂબ જ ડીપ્રેશ થઈ જતી. એથી તેણે આપઘાત કરવાનો પણ વિચાર કર્યો હતો. સભાઓમાં બાઇબલ વિષે જે શીખી, એ માટે હવે તે ખૂબ જ આભારી છે. તે કહે છે: “હું હવે તંદુરસ્ત છું અને જીવનનો આનંદ માણું છું. એ ઉપરાંત હું પરમેશ્વર વિષે સત્ય શીખી શકી અને હવે મારા જીવનમાં હેતુ રહેલો છે.”