યહોવાહ આપણને દોરે છે
“મને સરળ માર્ગમાં દોરી જા.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૧.
આપણે અગાઉના લેખમાં શીખ્યા તેમ, પ્રકાશ અને સત્ય યહોવાહ પાસેથી આવે છે. તેમનું પવિત્ર શાસ્ત્ર આપણને ન્યાયી માર્ગમાં ચાલવા પ્રકાશ આપે છે. યહોવાહ આપણને તેમના માર્ગો શીખવીને દોરે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫) ગીતકર્તાની જેમ, આપણે પણ દેવની દોરવણી માટે આભારી છીએ, અને પ્રાર્થના કરીએ છીએ: “હે યહોવાહ, તારો માર્ગ મને શીખવ; અને . . . મને સરળ માર્ગમાં દોરી જા.”—ગીતશાસ્ત્ર ૨૭:૧૧.
૨ આજે યહોવાહ આપણને શિક્ષણ આપે છે, એની એક રીત ખ્રિસ્તી સભાઓ છે. આપણે કઈ રીતે આ પ્રેમાળ જોગવાઈનો લાભ લઈ શકીએ? (૧) સભામાં નિયમિત હાજરી આપીને, (૨) કાર્યક્રમ ધ્યાનથી સાંભળીને, અને (૩) સભાઓમાં ભાગ લઈને આપણે એમ કરી શકીએ. તેમ જ, “સરળ માર્ગમાં” ટકી રહેવા મદદ આપતા સૂચનો મળે ત્યારે, શું આપણે એની કદર બતાવી સ્વીકારીએ છીએ?
તમારા વિષે શું?
૩ કેટલાક રાજ્ય પ્રચારકો નાનપણથી સભાઓમાં નિયમિત રીતે જાય છે. યહોવાહના સાક્ષીઓની એક પૂરા સમયની સેવિકા યાદ કરે છે: “૧૯૩૦ના દાયકામાં હું અને મારી મોટી બહેનો બાળકો જ હતા ત્યારે, અમે કદી અમારાં માબાપને પૂછ્યું નથી કે, આજે આપણે સભામાં જવાના છીએ કે નહિ. અમને ખબર જ હતી કે અમે જવાના હતા, સિવાય કે અમે બીમાર હોઈએ. અમારું કુટુંબ કદી સભાઓ ચૂકતું ન હતું.” પ્રબોધિકા આન્નાની જેમ, આ બહેન પણ યહોવાહની ભક્તિની જગ્યા ‘કદી છોડતા ન હતા.’—લુક ૨:૩૬, ૩૭, સરળ ભાષાનું બાઇબલ.
૪ શું તમે ખ્રિસ્તી સભાઓમાં નિયમિત છો કે અનિયમિત છો? કેટલાક ખ્રિસ્તીઓને લાગતું હતું કે તેઓ એ વિષે બરાબર છે. છતાં, તેઓએ ખાતરી કરી લેવાનું વિચાર્યું. થોડાં સપ્તાહો તેઓએ જે જે સભાઓમાં હાજરી આપી, એની નોંધ લીધી. તેઓએ નીમેલા સમયે, એ નોંધ તપાસી ત્યારે પરિણામ આઘાતજનક હતું. તેઓને એ જાણીને આશ્ચર્ય થયું કે, તેઓ કેટલી બધી સભાઓ ચૂકી ગયા હતા.
૫ કોઈક કહી શકે કે, ‘અમુક સભાઓ ચૂકી જવાય એમાં કંઈ નવાઈ નથી. આજે જીવન એટલું વ્યસ્ત હોય છે કે, સભાઓમાં નિયમિત હાજર રહેવું કંઈ સહેલું નથી.’ હા, એ એકદમ સાચું છે કે આપણે ઘણાં જ દબાણો હેઠળ જીવીએ છીએ. તેમ જ, આ દબાણો દિવસે દિવસે વધતા જ જશે. (૨ તીમોથી ૩:૧૩) પરંતુ, શું એ જ આપણને સભાઓમાં વધારે નિયમિત બનવા પ્રેરણા આપતું નથી? નિયમિત રીતે યોગ્ય આત્મિક ખોરાક લીધા વિના, આપણે આ જગતનાં દબાણોનો સામનો કરી શકતા નથી. અરે, નિયમિતપણે મંડળની સંગત ન રાખીએ તો, આપણે “સદાચારીનો માર્ગ” સાવ છોડી પણ દઈ શકીએ! (નીતિવચન ૪:૧૮) ખરું કે આખા દિવસના થાક્યા-પાક્યા ઘરે આવીએ ત્યારે, આપણે સભાઓમાં હાજરી આપવા એટલા ઉત્સાહી ન પણ હોઈએ. છતાં, સભાઓમાં હાજરી આપીએ ત્યારે, આપણને પોતાને લાભ થાય છે, અને સભામાં આપણા ભાઈઓને પણ ઉત્તેજન મળે છે.
૬ સભાઓમાં નિયમિત હાજરી આપવાનું બીજું એક મહત્ત્વનું કારણ હેબ્રી ૧૦:૨૫ આપે છે. પ્રેરિત પાઊલ ત્યાં સાથી ખ્રિસ્તીઓને ‘જેમ જેમ તે દહાડો નજીક આવતો જાય છે તેમ’ ભેગા મળવાનું ઉત્તેજન આપે છે. આપણે પણ એ હંમેશા ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ‘દેવનો દિવસ’ નજીક આવી રહ્યો છે. (૨ પીતર ૩:૧૨) આપણે પણ એવું વિચારી શકીએ કે આ જગતનો અંત આવવાની હજુ વાર છે. તેથી, આપણે સભાઓમાં હાજરી આપવા જેવા વધુ મહત્ત્વનાં કાર્યોને બદલે, પોતાનાં કાર્યોમાં ખોવાઈ જઈ શકીએ. પછી, ઈસુએ ચેતવણી આપી તેમ, ‘એ દિવસ ફાંદાની પેઠે આપણા પર ઓચિંતો આવી શકે.’—લુક ૨૧:૩૪.
સારા સાંભળનાર બનો
૭ ફક્ત સભાઓમાં હાજરી આપવી એટલું જ પૂરતુ નથી. પરંતુ, ત્યાં જે કહેવામાં આવે એને ધ્યાનથી સાંભળીએ એ પણ મહત્ત્વનું છે. (નીતિવચન ૭:૨૪) એમાં આપણાં બાળકોનો પણ સમાવેશ થાય છે. બાળક શાળામાં જાય છે ત્યારે, તે શિક્ષકને ધ્યાનથી સાંભળે એવી અપેક્ષા રાખવામાં આવે છે. ભલેને બાળકને એ વિષય નિરસ લાગતો હોય કે એમાં પૂરેપૂરી સમજણ પડતી ન હોય. છતાં, શિક્ષક જાણે છે કે, બાળક ધ્યાનથી સાંભળશે તો એમાંથી કંઈક તો શીખશે. તેથી, શું એ વાજબી નથી કે શાળામાં જતાં બાળકો મંડળની સભાઓ શરૂ થાય કે તરત જ ઊંઘી જવાને બદલે, સભામાં મળતા શિક્ષણને ધ્યાન આપી સાંભળે? એ સાચું છે કે, શાસ્ત્રવચનમાં મળતા મૂલ્યવાન સત્યમાં “કેટલીએક વાતો સમજવાને અઘરી છે.” (૨ પીતર ૩:૧૬) પરંતુ, આપણે બાળકોની શીખવાની આવડતનો ઓછો અંદાજ કાઢવો જોઈએ નહિ. દેવ એવું કરતા નથી. બાઇબલ સમયમાં, તેમણે યુવાન સેવકોને આજ્ઞા આપી કે તેઓ ‘સાંભળે તથા શીખે, ને યહોવાહ દેવથી બીએ, ને આ નિયમનાં સર્વ વચનો પાળે તથા અમલમાં આણે.’ ખરેખર, એમાંના કેટલાક નિયમો બાળકો માટે સમજવા અઘરા હતા. (પુનર્નિયમ ૩૧:૧૨; સરખાવો લેવીય ૧૮:૧-૩૦.) શું આજે યહોવાહ બાળકો પાસેથી કંઈક ઓછી આશા રાખે છે?
૮ ખ્રિસ્તી માબાપ જાણે છે કે તેઓનાં બાળકોની આત્મિક જરૂરિયાતો પૂરી પાડવાની એક રીત ખ્રિસ્તી સભાઓમાં મળતું શિક્ષણ છે. તેથી, કેટલાંક માબાપ બાળકોને સભા પહેલાં થોડી વાર સુવાડી દે છે. જેથી, સભામાં આવે ત્યારે બાળકો તાજગીમાં હોય અને સાંભળવા તૈયાર હોય. અમુક માબાપ પોતાનાં બાળકોને સભાની સાંજે જરાય ટેલિવિઝન જોવા દેતા નથી. (એફેસી ૫:૧૫, ૧૬) આવા માબાપો સભામાં ઓછામાં ઓછી ખલેલ પડવા દે છે. તેમ જ, બાળકોની શક્તિ અને ઉંમર પ્રમાણે તેઓને ધ્યાનથી સાંભળવાનું અને શીખવાનું ઉત્તેજન આપે છે.—નીતિવચન ૮:૩૨.
૯ “તમે કેવી રીતે સાંભળો છો તે વિષે સાવધાન રહો,” એમ ઈસુએ કહ્યું ત્યારે, તે મોટી ઉંમરના લોકો સાથે વાત કરતા હતા. (લુક ૮:૧૮) આજકાલ એમ કહેવું સહેલું છે, પણ કરવું ઘણું અઘરું હોય છે. ખરું કે, સતત ધ્યાનથી સાંભળવું અઘરું છે, પણ સાંભળવાની આવડત કેળવી શકાય છે. તમે બાઇબલ પ્રવચન કે સભામાં બીજા ભાગો સાંભળતા હો ત્યારે, મુખ્ય મુદ્દા અલગ તારવો. વક્તા હવે પછી શું કહેશે, એ વિચારો. તમે તમારા જીવનમાં કે પ્રચાર કાર્યમાં લાગુ પાડી શકો એવા મુદ્દાઓ શોધી કાઢો. અલગ અલગ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે તેમ, મનમાં એની સમીક્ષા કરો. ટૂંકી નોંધ લો.
૧૦ નાની વયથી જ સારા સાંભળનાર બનતા શીખવું સારી ટેવ છે. કેટલાંક માબાપે બાળકો શાળામાં વાંચતાં લખતા શીખે એ પહેલાં, તેઓને સભાઓમાં “નોંધ” લેવાનું ઉત્તેજન આપ્યું, જેથી, તેઓ “યહોવાહ,” “ઈસુ” અને “રાજ્ય” જેવા જાણીતા શબ્દો લખી લે. આ રીતે, બાળકો સભામાં જે કહેવામાં આવે એના પર ધ્યાન આપવાનું શીખી શકે.
૧૧ ઘણી વાર મોટી ઉંમરનાં બાળકોને પણ સભાઓમાં ધ્યાન આપવાનું ઉત્તેજન આપવું પડે. એક પિતાએ જોયું કે તેમનો ૧૧ વર્ષનો દીકરો ખ્રિસ્તી સંમેલનમાં ધ્યાન આપતો ન હતો. તેથી, તેમણે તેને બાઇબલ આપ્યું, અને વક્તા જણાવે એ શાસ્ત્રવચન ખોલીને જોવા કહ્યું. આમ, પિતા નોંધ લખી રહ્યા હતા, અને તેમનો દીકરો બાઇબલમાંથી કલમ કાઢતો હતો, એમાં જોતા હતા. એ સમયથી, છોકરાએ સંમેલનનો કાર્યક્રમ વધારે ઉત્સાહથી સાંભળ્યો.
જોરથી ગીત ગાવ
૧૨ રાજા દાઊદે ગાયું: ‘હે યહોવાહ, એ પ્રમાણે હું તારી વેદીની પ્રદક્ષિણા કરીશ; જેથી હું ઉપકારસ્તુતિ કરૂં.’ (ગીતશાસ્ત્ર ૨૬:૬, ૭) યહોવાહના સાક્ષીઓની સભાઓ આપણો વિશ્વાસ જાહેર કરવાની સુંદર તક પૂરી પાડે છે. એક રીત એ છે કે, મંડળની સભાઓમાં ગીત ગાવું. એ પણ આપણી ઉપાસનાનું મહત્ત્વનું પાસું છે, પરંતુ આપણે એને સહેલાઈથી બાજુએ રાખી દઈ શકીએ.
૧૩ હજુ વાંચી ન શકતા હોય, એવા કેટલાંક બાળકો દર અઠવાડિયાની સભાઓનાં રાજ્ય ગીતોની ધૂન યાદ રાખે છે. આમ, બીજા ભાઈ-બહેનો સાથે ગાઈ શકવાથી તેઓ ખરેખર રોમાંચ અનુભવે છે. પરંતુ, બાળકો મોટા થતા જાય તેમ, તેઓ રાજ્ય ગીતો ગાતા શરમાતા હોય છે. કેટલાંક મોટી ઉંમરના ભાઈ-બહેનો પણ સભાઓમાં ગાતા શરમાય છે. છતાં, પ્રચાર કાર્યની જેમ, ગીત ગાવું પણ આપણી ઉપાસનાનો એક ભાગ છે. (એફેસી ૫:૧૯) પ્રચાર કાર્યમાં યહોવાહની સ્તુતિ કરવા આપણાથી બનતો બધો પ્રયત્ન આપણે કરીએ છીએ. તેવી જ રીતે, આપણો અવાજ મધુર હોય કે ન હોય, શું આપણે હૃદયથી મોટે અવાજે ગીતો ગાઈને યહોવાહને મહિમા ન આપી શકીએ?—હેબ્રી ૧૩:૧૫.
૧૪ આપણે સભાઓમાં ઉત્તેજન આપતા જવાબ આપીએ ત્યારે પણ દેવને મહિમા આપીએ છીએ. એ માટે અગાઉથી તૈયારી કરવી જરૂરી છે. દેવના શબ્દ, બાઇબલનું ઊંડું મનન કરવા માટે સમય આપવો જરૂરી બને છે. શાસ્ત્રવચનોના ઉત્સુક વિદ્યાર્થી પ્રેરિત પાઊલને પણ એવું જ લાગ્યું. તેમણે લખ્યું: “આહા! દેવની બુદ્ધિની તથા જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે!” (રૂમી ૧૧:૩૩) કુટુંબના શિર દરેક સભ્યને બાઇબલમાંથી દેવનું ડહાપણ શોધવા મદદ કરે એ મહત્ત્વનું છે. કૌટુંબિક બાઇબલ અભ્યાસમાં થોડો સમય અલગ ફાળવો, જેથી તમે અઘરા મુદ્દા સમજાવી શકો, અને તમારા કુટુંબને સભાઓની તૈયારી કરવા મદદ કરી શકો.
૧૫ તમે સભાઓમાં વધારે જવાબ આપવા ઇચ્છતા હો તો, તમે જે કહેવા માંગો છો એની અગાઉથી તૈયારી કરવી મદદરૂપ થશે. લાંબા અને વિગતવાર જવાબો આપવા જરૂરી નથી. યોગ્ય બાઇબલ વચનનું વાંચન કે હૃદયમાંથી બોલેલા થોડા શબ્દો પણ મહત્ત્વના છે. કેટલાક પ્રકાશકો સંચાલકને અમુક ફકરામાં તેમને જવાબ પૂછવાનું અગાઉથી જણાવે છે. જેથી, તેઓ પોતાનો વિશ્વાસ જાહેર કરવાની તક જતી ન કરે.
બિનઅનુભવી શાણા બને છે
૧૬ યહોવાહના સાક્ષીઓની સભાઓમાં, આપણને દરરોજ બાઇબલ વાંચવાનું ઉત્તેજન આપવામાં આવે છે. એ આપણને તાજગી આપે છે. તે આપણને ખરા નિર્ણયો લેવા, આપણો સ્વભાવ સુધારવા, લાલચનો સામનો કરવા મદદ કરે છે. તેમ જ, આપણે કોઈ ખોટા માર્ગે ચડી ગયા હોય તો, પાછા ફરવા અને આત્મિક સમતોલન જાળવવા મદદ કરે છે.—ગીતશાસ્ત્ર ૧૯:૭.
૧૭ મંડળના અનુભવી વડીલો આપણી જરૂરિયાત અનુસાર બાઇબલમાંથી સલાહ આપી મદદ કરવા તૈયાર હોય છે. આપણે તેઓની બાઇબલ આધારિત સલાહનો પૂરો લાભ લેવાની જરૂર છે. (નીતિવચન ૨૦:૫) એક ઉત્સાહી યુવાન સેવકાઈ ચાકરે એક વડીલને પૂછ્યું કે, પોતે મંડળમાં કઈ રીતે વધારે ઉપયોગી થઈ શકે. તે યુવાનથી પરિચિત વડીલે, બાઇબલ ખોલીને તેને ૧ તીમોથી ૩:૩ કાઢીને બતાવી, જે જણાવે છે કે અધ્યક્ષ “સહનશીલ” હોવો જોઈએ. તેમણે માયાળુપણે બતાવ્યું કે તે યુવાન કઈ રીતે બીજાઓ સાથે વધારે પ્રેમથી વર્તી શકે. આ યુવાન ભાઈને મળેલી નિખાલસ સલાહથી તેને ખોટું લાગ્યું? જરાય નહિ! તેણે સમજાવ્યું: “વડીલે બાઇબલનો ઉપયોગ કર્યો, તેથી મને ખબર પડી કે એ સલાહ યહોવાહ તરફથી આવી હતી.” તે સેવકાઈ ચાકરે સલાહ લાગુ પાડી અને સરસ પ્રગતિ કરી રહ્યા છે.
૧૮ દેવનો શબ્દ યુવાન લોકોને ‘જુવાનીના વિષયોથી નાસી જવા’ પણ મદદ કરી શકે. (૨ તીમોથી ૨:૨૨) યહોવાહના સાક્ષીઓની એક યુવતીએ હમણાં જ માધ્યમિક શાળા પૂરી કરી. તે શાળામાં અમુક બાઇબલ કલમો પર મનન કરી અને જીવનમાં લાગુ પાડવાથી દરેક પ્રકારની લાલચોનો સામનો કરી શકી. તે ઘણી વાર નીતિવચન ૧૩:૨૦માંની સલાહ પર મનન કરતી: “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.” તેથી, તેણે કાળજીપૂર્વક એવા મિત્રો પસંદ કર્યા, જેઓ શાસ્ત્રીય સિદ્ધાંતને ઊંડુ માન આપતા હોય. તેણે જણાવ્યું: “હું બીજા કરતાં કંઈ શ્રેષ્ઠ નથી. હું ખોટું કરનારા વૃંદમાં જોડાઈશ તો, હું મારા મિત્રોને ખુશ કરવાનો પ્રયત્ન કરીશ, અને એનાથી હું મુશ્કેલીમાં મૂકાઈ શકું.” પાઊલની ૨ તીમોથી ૧:૮માંની સલાહે પણ તેને મદદ કરી. તેમણે લખ્યું: “આપણા પ્રભુની સાક્ષી વિષે . . . તું શરમાઈશ નહિ; પણ સુવાર્તાને લીધે . . . દુઃખ ભોગવ.” એ યાદ રાખીને તે દરેક યોગ્ય પ્રસંગે તેના સંગાથીઓ સાથે પોતાની બાઇબલ આધારિત માન્યતાઓ હિંમતથી જણાવતી. તેને વર્ગમાં મૌખિક અહેવાલ આપવાનું કહેવામાં આવતું ત્યારે, તે ચતુરાઈથી એવો વિષય પસંદ કરતી, જેનાથી તે દેવના રાજ્ય વિષે જણાવી શકે.
૧૯ આપણે ‘સદાચારીના માર્ગમાંથી’ ભટકી જઈએ તો, બાઇબલ આપણો માર્ગ સુધારવા મદદ કરી શકે. (નીતિવચન ૪:૧૮) આફ્રિકામાંના એક યુવાને પોતે એનો અનુભવ કર્યો. યહોવાહના સાક્ષીએ તેની મુલાકાત લીધી ત્યારે, તેણે બાઇબલની ચર્ચા કરવાનું સ્વીકાર્યું. તે જે કંઈ શીખી રહ્યો હતો એ તેને બહુ જ ગમતું હતું. પરંતુ, શાળામાં તે ખરાબ મિત્રોની સોબતમાં પડ્યો. સમય જતાં, તે અનૈતિક જીવન જીવવા લાગ્યો. તે કબૂલે છે, “મેં સભાઓમાં હાજરી આપવાનું બંધ કર્યું, કેમ કે મારું અંતઃકરણ ડંખતું હતું.” પછીથી તેણે ફરી સભાઓમાં હાજરી આપવાનું શરૂ કર્યું. એ યુવાને જે કહ્યું એ રસપ્રદ છે: “આ સર્વનું કારણ એ હતું કે આત્મિક રીતે હું ભૂખ્યો રહેતો હતો. હું પોતે બાઇબલનો અભ્યાસ કરતો ન હતો. તેથી, હું લાલચનો સામનો કરી શક્યો નહિ. પછી મેં ચોકીબુરજ અને સજાગ બનો! વાંચવાનું શરૂ કર્યું. ધીમે ધીમે, આત્મિક રીતે હું દૃઢ બન્યો અને મારું જીવન સુધાર્યું. મારા જીવનમાં ફેરફાર જોનારાઓ પર એની સારી છાપ પડી. હું બાપ્તિસ્મા પામ્યો અને હવે હું ખૂબ સુખી છું.” આ યુવાનને તેની નબળાઈઓને આંબવા માટે કઈ રીતે મદદ મળી? તેણે પોતાની આત્મિક શક્તિ નિયમિત વ્યક્તિગત બાઇબલનો અભ્યાસ કરીને મેળવી.
૨૦ ખ્રિસ્તી યુવાનો, આજે તમારા પર હુમલો થઈ રહ્યો છે! તમારે શેતાનના હુમલાનો સામનો કરવો હોય તો, તમારે આત્મિક ખોરાક નિયમિતપણે લેવો જ જોઈએ. ગીતકર્તા, એક યુવાન તરીકે આ સારી રીતે સમજી શક્યા. તેમણે યહોવાહનો આભાર માન્યો કે તેમણે શાસ્ત્રવચન આપ્યું. જેથી, ‘જુવાન માણસ પોતાનો જીવનક્રમ શુદ્ધ કરી શકે.’—ગીતશાસ્ત્ર ૧૧૯:૯.
હંમેશા દેવને અનુસરીશું
૨૧ યહોવાહ ઈસ્રાએલ રાષ્ટ્રને મિસરમાંથી વચનના દેશમાં દોરી લઈ ગયા. તેમણે પસંદ કરેલો માર્ગ માનવ નજરે જોતા બહુ જ આકરો લાગી શકે. ભૂમધ્ય સમુદ્રનો સીધો અને સહેલો માર્ગ લેવાના બદલે, યહોવાહ તેમના લોકોને રણના માર્ગમાંથી લઈ ગયા. પરંતુ, એ તો તેઓ પ્રત્યે દેવની ભલાઈ હતી. ભૂમધ્ય સમુદ્રનો માર્ગ ટૂંકો હતો, પણ એ માર્ગ ઈસ્રાએલીઓને તેઓના દુશ્મન પલિસ્તીઓના દેશમાંથી લઈ ગયો હોત. બીજો માર્ગ પસંદ કરીને, યહોવાહે તેઓને શરૂઆતથી જ પલિસ્તીઓ સાથે લડાઈ કરવાથી બચાવ્યા.
૨૨ એવી જ રીતે, આજે યહોવાહ આપણને જે માર્ગે દોરી જાય છે, એ મુશ્કેલ પણ લાગી શકે. આપણું દરેક સપ્તાહ ખ્રિસ્તી પ્રવૃત્તિઓથી ભરેલું હોય છે, જેમાં મંડળની સભાઓ, વ્યક્તિગત અભ્યાસ, અને પ્રચારકાર્યનો સમાવેશ થાય છે. બીજા માર્ગો સહેલા લાગી શકે. પરંતુ, આપણે દેવ લઈ જાય છે એ માર્ગ અનુસરીએ તો જ આપણા મુકામે પહોંચી શકીશું, જ્યાં પહોંચવા માટે આપણે સખત મહેનત કરી રહ્યા છીએ. તેથી, ચાલો આપણે યહોવાહ તરફથી મળતી દોરવણી અનુસરતા રહીએ અને હંમેશા “સરળ માર્ગમાં” ચાલીએ!—ગીતશાસ્ત્ર ૨૭:૧૧.
શું તમે સમજાવી શકો?
• શા માટે આપણે ખ્રિસ્તી સભાઓમાં નિયમિત જવું જોઈએ?
• સભાઓમાં પોતાનાં બાળકો ધ્યાન આપે, એ માટે માબાપ શું કરી શકે?
• કઈ રીતે સારા સાંભળનાર બની શકાય?
• સભાઓમાં જવાબ આપવા આપણને શું મદદ કરી શકે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. (ક) આજે યહોવાહ કઈ રીતે પોતાના લોકોને દોરે છે? (ખ) સભાઓનો પૂરેપૂરો લાભ લેવાનો શું અર્થ થાય છે?
૩. કઈ રીતે એક પૂરા સમયની સેવિકાએ સભામાં નિયમિત જવાની સારી ટેવ વિકસાવી?
૪-૬ (ક) શા માટે કેટલાક પ્રકાશકો સભાઓ ચૂકી જાય છે? (ખ) શા માટે સભાઓમાં હાજરી આપવી બહુ જ જરૂરી છે?
૭. બાળકોએ શા માટે સભાઓમાં ધ્યાનથી સાંભળવું જોઈએ?
૮. પોતાનાં બાળકો સભાઓમાં ધ્યાન આપી શકે માટે કેટલાંક માબાપો ક્યાં પગલાં લે છે?
૯. આપણે સાંભળવાની આવડત કેવી રીતે કેળવી શકીએ?
૧૦, ૧૧. કઈ રીતે કેટલાંક માબાપે બાળકોને સારા સાંભળનાર બનવા મદદ કરી, અને તમને પોતાને કઈ રીતો મદદરૂપ લાગી છે?
૧૨, ૧૩. મંડળમાં ગીત ગાવામાં ભાગ લેવો, શા માટે મહત્ત્વનું છે?
૧૪. શા માટે મંડળની સભાઓ માટે અગાઉથી તૈયારી કરવી જોઈએ?
૧૫. સભાઓમાં જવાબ આપવા કયાં સૂચનો મદદરૂપ થઈ શકે?
૧૬, ૧૭. એક વડીલે સેવકાઈ ચાકરને કઈ સલાહ આપી, અને શા માટે એ અસરકારક હતી?
૧૮. (ક) એક યુવાન ખ્રિસ્તીને શાળામાં કઈ રીતે લાલચોનો સામનો કરવા મદદ મળી? (ખ) લાલચોનો સામનો કરતી વખતે તમને કઈ બાઇબલ કલમો યાદ આવે છે?
૧૯. શા માટે એક યુવાન દુન્યવી દબાણોનો સામનો કરી શક્યો નહિ, પરંતુ કઈ રીતે તે આત્મિક રીતે દૃઢ બન્યો?
૨૦. એક યુવાન કઈ રીતે શેતાનના હુમલાનો સામનો કરી શકે?
૨૧, ૨૨. શા માટે આપણે એમ ધારી લેવું ન જોઈએ કે સત્યના માર્ગમાં જીવવું ઘણું અઘરું છે?
[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]
ખ્રિસ્તી સભાઓમાં જવાથી આપણને યહોવાહનો દિવસ હંમેશા લક્ષમાં રાખવા મદદ મળે છે
[પાન ૧૮ પર ચિત્રો]
ખ્રિસ્તી સભાઓમાં યહોવાહને ભજવાની અનેક રીતો છે