તિમોથીને બીજો પત્ર
૧ હું પાઉલ, ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત* ઈસુનો પ્રેરિત* છું. ખ્રિસ્ત ઈસુ દ્વારા મળનાર જીવનના વચનને જાહેર કરવા મને પસંદ કરવામાં આવ્યો છે.+ ૨ હું વહાલા દીકરા તિમોથીને+ આ પત્ર લખું છું:
ઈશ્વર આપણા પિતા પાસેથી અને ખ્રિસ્ત ઈસુ આપણા માલિક પાસેથી તને અપાર કૃપા,* દયા અને શાંતિ મળે.
૩ મારા બાપદાદાઓની જેમ હું ઈશ્વરની પવિત્ર સેવા કરું છું અને એ શુદ્ધ દિલથી* કરું છું. હું ઈશ્વરનો આભાર માનું છું અને રાત-દિવસ મારી વિનંતીઓમાં તને યાદ કરું છું. ૪ હું તારાં આંસુઓ યાદ કરું છું ત્યારે તને જોવા તરસું છું, જેથી મારું દિલ આનંદથી ભરાઈ જાય. ૫ હું ઢોંગ વગરની તારી શ્રદ્ધા યાદ કરું છું.+ એવી શ્રદ્ધા મેં પહેલા તારી નાનીમા લોઈસ અને તારી માતા યુનીકેમાં જોઈ હતી. મને પૂરો ભરોસો છે કે તારામાં હજી પણ એવી જ શ્રદ્ધા છે.
૬ આ કારણે હું યાદ કરાવું છું કે તારા પર મારા હાથ મૂકવાથી તને ઈશ્વરનું જે વરદાન મળ્યું છે, એનો ઉત્સાહથી ઉપયોગ કરતો રહેજે.*+ ૭ ઈશ્વરે આપેલી પવિત્ર શક્તિ* આપણને ડરપોક નહિ,+ પણ હિંમતવાન,+ પ્રેમાળ અને સમજદાર બનાવે છે. ૮ તેથી આપણા માલિક ઈસુ વિશે સાક્ષી આપતા શરમાઈશ નહિ.+ હું તેમના લીધે કેદમાં છું એટલે પણ શરમાઈશ નહિ. પણ ઈશ્વરની શક્તિ પર આધાર રાખીને+ ખુશખબર માટે તારા ભાગનું દુઃખ સહન કરજે.+ ૯ તેમણે આપણો ઉદ્ધાર કર્યો અને આપણને પવિત્ર આમંત્રણ આપીને બોલાવ્યા.+ એવું તેમણે આપણાં કામોને લીધે નહિ, પણ તેમના હેતુ અને અપાર કૃપાને લીધે કર્યું.+ એ અપાર કૃપા લાંબા સમય પહેલાં ખ્રિસ્ત ઈસુને લીધે આપણને આપવામાં આવી હતી. ૧૦ પણ હવે આપણા તારણહાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થવાને લીધે એ અપાર કૃપા સાફ જાહેર થઈ છે.+ તેમણે મરણનું નામનિશાન મિટાવી દીધું છે+ અને ખુશખબર+ દ્વારા જીવન અને અવિનાશી શરીર+ પર પ્રકાશ પાડ્યો છે.+ ૧૧ એ ખુશખબર માટે મને પ્રચારક, પ્રેરિત અને શિક્ષક તરીકે નીમવામાં આવ્યો છે.+
૧૨ એટલે હું આ બધું સહન કરું છું,+ પણ મને એની કોઈ શરમ લાગતી નથી.+ કેમ કે જે ઈશ્વરમાં મેં ભરોસો મૂક્યો છે, તેમને હું જાણું છું અને મને ખાતરી છે કે મેં તેમને જે કંઈ સોંપ્યું છે, એનું રક્ષણ તે ન્યાયના દિવસ સુધી કરી શકે છે.+ ૧૩ મારી પાસેથી સાંભળેલા ખરા શિક્ષણના નમૂનાને* તું વળગી રહેજે.+ ખ્રિસ્ત ઈસુ પરની શ્રદ્ધા અને પ્રેમને લીધે તું આ શિક્ષણને વળગી રહેજે. ૧૪ આપણામાં રહેલી પવિત્ર શક્તિની મદદથી તું એ ખજાનાનું રક્ષણ કરજે, જે તને સોંપવામાં આવ્યો છે.+
૧૫ તું જાણે છે કે આસિયા પ્રાંતના* બધા લોકોએ+ મારાથી મોં ફેરવી લીધું છે. તેઓમાં ફુગિલસ અને હર્મોગનેસ પણ છે. ૧૬ જોકે, ઓનેસિફરસના ઘરના સભ્યોને+ ઈશ્વર દયા બતાવે, કેમ કે તેણે વારંવાર મને ઉત્તેજન આપ્યું છે. કેદમાં હું સાંકળોથી બંધાયેલો હતો, એના લીધે તે કદી શરમાયો નથી. ૧૭ એના બદલે, તે રોમમાં હતો ત્યારે, તેણે બધે જ મારી તપાસ કરી અને મને શોધી કાઢ્યો. ૧૮ મારી પ્રાર્થના છે કે ન્યાયના દિવસે પ્રભુ યહોવા* તેના પર દયા બતાવે. તું સારી રીતે જાણે છે કે એફેસસમાં તેણે મારી કેટલી સેવા કરી છે.