ઈશ્વરનો વિશ્રામ શું છે?
‘એ માટે ઈશ્વરના લોકોને સારૂ વિશ્રામનો વાર હજી રહેલો છે.’—હેબ્રી ૪:૯.
૧, ૨. ઉત્પત્તિ ૨:૩માંથી શું શીખવા મળે છે? આપણે કયા પ્રશ્નોના જવાબ મેળવીશું?
ઉત્પત્તિના પહેલા અધ્યાયમાંથી જોવા મળે છે કે ઈશ્વરે છ દિવસના ગાળા દરમિયાન પૃથ્વી પણ બનાવી હતી. એ માણસોના રહેવા માટે બનાવી હતી. આ છ દિવસો કઈ ૨૪ કલાકના ન હતા. એ સમયગાળો લાંબો હતો. દરેક દિવસના અંત વિષે બાઇબલમાં કહેવામાં આવ્યું હતું: “સાંજ થઈ તથા સવાર થઈ.” (ઉત. ૧:૫, ૮, ૧૩, ૧૯, ૨૩, ૩૧) પરંતુ સાતમા દિવસ વિષે કહ્યું: ‘ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ દીધો, ને તેને પવિત્ર ઠરાવ્યો; કેમ કે તે દિવસે ઈશ્વર પોતાનાં બધાં ઉત્પન્ન કરવાનાં તથા બનાવવાનાં કામથી સ્વસ્થ રહ્યા.’—ઉત. ૨:૩.
૨ મુસાએ ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં ઉત્પત્તિનું પુસ્તક લખ્યું ત્યારે એમાં જણાવ્યું હતું કે ઈશ્વર ‘કામથી સ્વસ્થ રહ્યા.’ આ બતાવે છે કે ઈશ્વર તે સમયે પણ વિશ્રામમાં હતા. પછીથી ઈશ્વરે બાઇબલમાં લખાવ્યું કે લોકો તેમના વિશ્રામમાં પ્રવેશી શકે છે. શું ઈશ્વર હજુ વિશ્રામ લે છે? જો લેતા હોય, તો એમાં પ્રવેશવા આપણે શું કરવું જોઈએ? આ પ્રશ્નોના જવાબ મેળવવા ખૂબ મહત્ત્વનું છે.
શું ઈશ્વર હજુ વિશ્રામમાં છે?
૩. યોહાન ૫:૧૬, ૧૭ના શબ્દો કઈ રીતે બતાવે છે કે ઈસુના સમયમાં પણ સાતમો દિવસ હજુ ચાલુ હતો?
૩ ઈસુ પૃથ્વી પર હતા ત્યારે પણ સાતમો દિવસ ચાલતો હતો. એમ કહેવાના બે કારણો છે. પ્રથમ કારણ આપણે ઈસુના શબ્દોથી જાણી શકીએ છીએ. જ્યારે સાબ્બાથના દિવસે ઈસુએ લોકોને સાજા કર્યા, ત્યારે તેમના દુશ્મનો બહુ ગુસ્સે ભરાયા. તેઓ માનતા કે મુસાના નિયમ મુજબ સાબ્બાથના દિવસે લોકોને સાજા ના કરી શકાય. એ દિવસે લોકો કામ કરી શકતા ન હતા. તેઓને ઈસુએ કહ્યું: “મારો બાપ અત્યાર સુધી કામ કરે છે, અને હું પણ કામ કરૂં છું.” (યોહા. ૫:૧૬, ૧૭) ઈસુ અહીં કહેવા માંગતા હતા કે ‘હું ને મારા પિતા લગભગ સરખું કામ કરીએ છીએ. હજારો વર્ષોના સાબ્બાથ દરમિયાન મારા પિતા હજુ સુધી કામ કરી રહ્યા છે. એટલે હું પણ સાબ્બાથે કામ કરું છું.’ ઈસુના શબ્દો બતાવે છે કે તે ધરતી પર હતા ત્યારે હજુ સાતમો દિવસ ચાલી રહ્યો હતો. એટલે કે પૃથ્વી પર બધી વસ્તુઓ બનાવી દીધા પછી ઈશ્વર એ કામથી આરામ લઈ રહ્યા હતા.a પણ પૃથ્વી અને માણસો માટેનો તેમનો મકસદ પૂરો કરવા તે હજુ કામ કરે છે.
૪. પાઊલે જે કહ્યું એના પરથી આપણે કઈ રીતે પારખી શકીએ કે પ્રથમ સદીમાં સાતમો દિવસ ચાલતો હતો?
૪ બીજા એક કારણને લઈને પણ આપણે કહી શકીએ કે પ્રથમ સદીમાં હજુ સાતમો દિવસ ચાલતો હતો. ઈશ્વરના વિશ્રામ વિષે પાઊલે હિબ્રૂ મંડળને પત્ર લખ્યો હતો. તેમણે હેબ્રીના ચોથા અધ્યાયમાં ઉત્પત્તિ ૨:૨ના શબ્દો ટાંકતા પહેલાં તેઓને કહ્યું હતું કે, આપણે “વિશ્વાસ કરનારા વિશ્રામમાં પ્રવેશ કરીએ છીએ.” (હેબ્રી ૪:૩, ૪, ૬, ૯) આ બતાવે છે કે પાઊલના જમાનામાં સાતમો દિવસ હજુ ચાલતો હતો. તો આ સાતમો દિવસ ક્યારે પૂરો થશે?
૫. સાતમા દિવસ માટે યહોવાહનો હેતુ શું હતો? એ હેતુ ક્યારે પૂરો થશે?
૫ એનો જવાબ મેળવવા આપણે યાદ રાખવું જોઈએ કે સાતમા દિવસ માટે યહોવાહે કંઈક ખાસ નક્કી કર્યું હતું. ઉત્પત્તિ ૨:૩ કહે છે: ‘ઈશ્વરે સાતમા દિવસને આશીર્વાદ દીધો, ને એને પવિત્ર ઠરાવ્યો.’ યહોવાહે એ દિવસને પવિત્ર ઠરાવ્યો છે. કેમ કે એ દિવસે તેમણે પૃથ્વી વિષેનો પોતાનો હેતુ પૂરો કરવાનું નક્કી કર્યું છે. તેમનો હેતુ શું છે? એ જ કે મનુષ્ય તેમના કહ્યા મુજબ જીવે અને પૃથ્વીની સારી સંભાળ રાખે. (ઉત. ૧:૨૮) આ હેતુ પૂરો કરવા યહોવાહ “અત્યાર સુધી કામ કરે છે.” ‘વિશ્રામવારના પ્રભુ’ તરીકે ઈસુ પણ એ જ પ્રમાણે કરે છે. (માથ. ૧૨:૮) ઈશ્વરનો હેતુ પૂરો ન થાય ત્યાં સુધી વિશ્રામનો દિવસ ચાલતો રહેશે. ખ્રિસ્તના હજાર વર્ષના રાજના અંતે એ દિવસ પૂરો થશે.
“આજ્ઞાભંગના ઉદાહરણ પ્રમાણે” ન કરો
૬. આપણા માટે કયા દાખલાઓ ચેતવણી છે? આ દાખલાઓમાંથી આપણે શું શીખી શકીએ?
૬ આદમ અને હવાને યહોવાહે સ્પષ્ટ કહ્યું હતું કે પૃથ્વી માટે તેમનો હેતુ શું છે. પણ અફસોસની વાત છે કે તેઓ ઈશ્વર વિરુદ્ધ ગયા. કરોડો લોકો તેઓને અનુસર્યા. અરે, યહોવાહના પસંદ કરેલા ઈસ્રાએલી લોકોએ પણ વારંવાર તેમની આજ્ઞાઓ તોડી. પાઊલે પોતાના જમાનાના ભાઈ-બહેનોને ચેતવણી આપી કે તેઓ ખ્યાલ નહિ રાખે તો ઈસ્રાએલીઓની જેમ કરવા લાગશે. એટલે તેમણે કહ્યું: ‘આપણે વિશ્રામમાં પ્રવેશ કરવાને પ્રયત્ન કરીએ, રખેને એ જ આજ્ઞાભંગના ઉદાહરણ પ્રમાણે કોઈ પાપી થાય.’ (હેબ્રી ૪:૧૧) પાઊલ સાફ કહે છે કે જેઓ યહોવાહની આજ્ઞાઓ તોડે છે, તેઓ વિશ્રામમાં પ્રવેશી શકશે નહિ. આપણા માટે એનો અર્થ શું થાય છે? જો આપણે કોઈ પણ રીતે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ જઈએ, તો શું તેમના વિશ્રામમાં પ્રવેશી શકીશું? આ પ્રશ્નોના જવાબ જાણવા બહુ મહત્ત્વના છે. આ લેખમાં એના વિષે વધારે જોઈશું. પ્રથમ આપણે ઈસ્રાએલીઓના ખરાબ દાખલા વિષે થોડું જોઈશું. પછી એ જોઈશું કે તેઓ શા માટે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શક્યા નહિ.
“તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ”
૭. મિસરમાંથી ઈસ્રાએલીઓને છોડાવવાનો યહોવાહનો હેતુ શું હતો? તેઓએ શું કરવાની જરૂર હતી?
૭ ઈ.સ. પૂર્વે ૧૫૧૩માં યહોવાહે મુસાને જણાવ્યું હતું કે ઈસ્રાએલી લોકો માટે તેમનો હેતુ શું છે. ઈશ્વરે કહ્યું હતું: ‘મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, ને તે દેશમાંથી તેઓને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, દૂધમધની રેલછેલવાળા દેશમાં લઈ જવા માટે હું ઊતર્યો છું.’ (નિર્ગ. ૩:૮) ઈબ્રાહીમને વચન આપ્યું તેમ, યહોવાહે ઈસ્રાએલી લોકોને મિસરમાંથી આઝાદ કર્યા. (ઉત. ૨૨:૧૭) યહોવાહે તેઓને નિયમો પણ આપ્યા હતા, જેથી તેઓ તેમની સાથે સંબંધ પાકો કરી શકે અને કૃપા પામે. (યશા. ૪૮:૧૭, ૧૮) તેમણે ઈસ્રાએલી લોકોને કહ્યું: “જો તમે મારૂં કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારૂં ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.” (નિર્ગ. ૧૯:૫, ૬) યહોવાહના નિયમો પાળવાથી જ ઈસ્રાએલીઓ તેમના લોક બની શકતા હતા.
૮. જો ઈસ્રાએલીઓએ યહોવાહની આજ્ઞા પાળી હોત, તો તેઓને કેવા આશીર્વાદો મળ્યા હોત?
૮ વિચાર કરો કે ઈસ્રાએલીઓને કેવા આશીર્વાદો મળી શક્યા હોત! યહોવાહે વચન આપ્યું હતું કે જો તેઓ આજ્ઞાઓ પાળશે, તો તે તેઓના પાક અને પ્રાણીઓને આશીર્વાદ આપશે. દુશ્મનોથી રક્ષણ કરશે. (૧ રાજાઓ ૧૦:૨૩-૨૭ વાંચો.) તેઓને બીજા રાજ્યો હેઠળ જીવવું ન પડત. અરે, ઈસુના સમયની રોમન સત્તા વખતે પણ તેઓ આઝાદ જીવી શક્યા હોત. યહોવાહ ચાહતા હતા કે બીજી સર્વ પ્રજાઓ માટે ઈસ્રાએલીઓ સારો દાખલો બેસાડે. યહોવાહ એ બતાવવા માંગતા હતા કે જેઓ તેમની આજ્ઞાઓ પાળશે તેઓને પુષ્કળ આશીર્વાદો આપશે.
૯, ૧૦. (ક) મિસરમાં પાછું જવું કેમ ઈસ્રાએલીઓ માટે પાપ હતું? (ખ) જો ઈસ્રાએલીઓ મિસર પાછા ગયા હોત, તો શું થયું હોત?
૯ ઈસ્રાએલીઓ પાસે યહોવાહનો હેતુ પૂરો કરવાની સરસ તક હતી. આજ્ઞા પાળીને તેઓ યહોવાહના આશીર્વાદો મેળવી શક્યા હોત અને તેઓ દ્વારા પૃથ્વીના સર્વ કુટુંબોને આશીર્વાદો મળ્યા હોત. (ઉત. ૨૨:૧૮) પણ મોટા ભાગના ઈસ્રાએલીઓએ યહોવાહની ખાસ પ્રજા બનવાની તક ઠુકરાવી દીધી. તેઓએ બીજી પ્રજા માટે સારો દાખલો બેસાડવો જ ન હતો. અરે, તેઓએ પાછા મિસર જવાની વિનંતી કરી! (ગણના ૧૪:૨-૪ વાંચો.) પણ જો તેઓ પાછા મિસર ગયા હોત, તો યહોવાહના કહ્યા મુજબ ભક્તિ કરી શક્યા ન હોત. બીજી પ્રજા માટે દાખલો બેસાડી શક્યા ન હોત. મિસરમાં તેઓ ફરીથી દાસ બની ગયા હોત અને ઈશ્વરની આજ્ઞાઓ પાળવાનું અઘરું બન્યું હોત. આજ્ઞાઓ ન પાળવાને લીધે પાપોની માફી મેળવી શક્યા ન હોત. પાછા મિસર જવાની વિનંતી કરીને તેઓ ફક્ત પોતાનો જ વિચાર કરતા હતા. ઈશ્વરની કે તેમના હેતુ વિષે તેઓને કંઈ પડી ન હતી. એટલે યહોવાહે કહ્યું: “તે જમાનાના લોક પર હું નારાજ થયો, અને મેં કહ્યું, કે તેઓ પોતાનાં હૃદયમાં સદા અવળે માર્ગે જાય છે; તેઓએ મારા માર્ગ જાણ્યા નહિ. માટે તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ કરશે નહિ, એવા મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા.”—હેબ્રી ૩:૧૦, ૧૧; ગીત. ૯૫:૧૦, ૧૧.
૧૦ મિસરમાં પાછા જવાના ઇરાદાથી ઈસ્રાએલીઓ શું બતાવવા માગતા હતા? તેઓને યહોવાહના આશીર્વાદોને બદલે મિસરના સારા ભોજનની પડી હતી. (ગણ. ૧૧:૫) તેઓ એસાવ જેવા હતા, જેણે પ્રથમ દીકરા હોવાના હક્કને નકામો ગણીને એને થોડા ખોરાક માટે વેચી દીધો.—ઉત. ૨૫:૩૦-૩૨; હેબ્રી ૧૨:૧૬.
૧૧. મિસરમાંથી આઝાદ થયેલા ઈસ્રાએલીઓએ શ્રદ્ધા બતાવી નહિ, તેમ છતાં યહોવાહે શું કર્યું?
૧૧ મિસરમાંથી આઝાદ થયેલા ઈસ્રાએલીઓએ યહોવાહ પર શ્રદ્ધા રાખી નહિ. તેમ છતાં, યહોવાહે એ પ્રજા માટેનો હેતુ બદલ્યો નહિ. તેઓના સંતાનોએ યહોવાહની આજ્ઞાઓ પાળવામાં સારો દાખલો બેસાડ્યો. યહોવાહનું કહેવું માનીને તેઓ વચનના દેશમાં ગયા અને એના પર કબજો કરી લીધો. યહોશુઆ ૨૪:૩૧ કહે છે: ‘યહોશુઆ જીવતો હતો ત્યાં સુધી ઇઝરાયલી લોકોએ પ્રભુની સેવા કરી. તેના અવસાન પછી પણ ઇઝરાયલને માટે પ્રભુએ કરેલાં સર્વ કાર્યો જોનાર આગેવાનો જીવ્યા ત્યાં સુધી તેઓએ પ્રભુની સેવા કરવાનું ચાલુ રાખ્યું.’—કોમન લેંગ્વેજ.
૧૨. કઈ રીતે કહી શકીએ કે આપણે પણ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકીએ છીએ?
૧૨ એ આજ્ઞા પાળનારા ઈસ્રાએલીઓ ઘરડા થયા અને છેવટે મરણ પામ્યા. તેઓના સંતાનોએ ‘ઈસ્રાએલને માટે યહોવાહે જે કામ કર્યું હતું એ જાણ્યું નહિ.’ એટલે તેઓએ “યહોવાહની દૃષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું” અને જૂઠા દેવ-દેવીઓની ભક્તિ કરવા લાગ્યા. (ન્યા. ૨:૧૦, ૧૧) યહોવાહની આજ્ઞાઓ તોડવાથી તેઓનો યહોવાહ સાથેનો સંબંધ કપાઈ ગયો. આમ, વચનના દેશમાં તેઓને “ખરો વિશ્રામ” મળ્યો નહિ. ઈસ્રાએલીઓ વિષે પાઊલે કહ્યું: ‘જો યહોશુઆએ તેઓને ખરો વિશ્રામ આપ્યો હોત, તો ત્યાર પછી ઈશ્વર બીજા દિવસ વિષે ન કહેત. એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી રહેલો છે.’ (હેબ્રી ૪:૮, ૯) તો પછી ‘ઈશ્વરના લોકો’ કોણ છે, જેના વિષે પાઊલે વાત કરી હતી? તેઓ ખ્રિસ્તીઓ હતા. એમાં એવા હિબ્રૂ લોકો પણ હતા જેઓ ખ્રિસ્તી બન્યા પહેલાં મુસાનો નિયમ પાળતા હતા. તેમ જ એવા ખ્રિસ્તીઓ જે બીજા ધર્મોમાંથી આવ્યા હતા. આમ, પાઊલના શબ્દો બતાવી આપે છે કે આપણે પણ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકીએ છીએ.
અમુક ખ્રિસ્તીઓ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શક્યા નહિ
૧૩, ૧૪. (ક) ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા ઈસ્રાએલીઓએ શું કરવાની જરૂર હતી? (ખ) પાઊલના સમયમાં, ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા ખ્રિસ્તીઓએ શું કરવાની જરૂર હતી?
૧૩ પાઊલે હિબ્રૂ ખ્રિસ્તીઓને પત્ર લખ્યો, કેમ કે તેઓમાંના અમુક ઈશ્વરના હેતુ વિરુદ્ધ જતા હતા. (હેબ્રી ૪:૧ વાંચો.) તેઓ હજુ મુસાના નિયમોમાંથી અમુક નિયમો પાળતા હતા. એ ખરું હતું કે ઈશ્વરને પસંદ પડે એવી ભક્તિ કરવા ઈસ્રાએલીઓએ આશરે ૧૫૦૦ વર્ષ દરમિયાન એ નિયમો પાળવા પડ્યા હતા. પણ ઈસુના મરણ પછી એ પાળવાની કોઈ જરૂર ન હતી. અમુક ખ્રિસ્તીઓ એ સમજી ન શક્યા, એટલે એ નિયમોની અમુક બાબતો પાળતા જ રહ્યા.b
૧૪ પાઊલે આ હિબ્રૂ ખ્રિસ્તીઓને સમજાવ્યું કે કોઈ પણ માનવીય પ્રમુખ યાજક કરતાં ઈસુ ઉત્તમ પ્રમુખ યાજક છે. તેમણે બતાવ્યું કે ઈસ્રાએલ સાથેના કરાર કરતાં આ નવો કરાર ઉત્તમ છે. તેમણે એ પણ સમજાવ્યું કે ‘હાથથી બનાવેલા’ મંદિર કરતાં યહોવાહનું મહાન મંદિર “અધિક સંપૂર્ણ” છે. (હેબ્રી ૭:૨૬-૨૮; ૮:૭-૧૦; ૯:૧૧, ૧૨) ઈશ્વરે મુસાને જે નિયમો આપ્યા હતા એમાંથી સાબ્બાથનો ઉલ્લેખ કરીને પાઊલે બતાવ્યું કે ખ્રિસ્તીઓ કઈ રીતે યહોવાહના વિશ્રામમાં પ્રવેશી શકે. તેમણે લખ્યું: ‘એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી રહેલો છે. કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં કામોથી વિશ્રામ લીધો, તેમ ઈશ્વરના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.’ (હેબ્રી ૪:૮-૧૦) એ હિબ્રૂ ખ્રિસ્તીઓએ માનવાની જરૂર હતી કે “પોતાનાં કામથી,” એટલે કે મુસાને આપેલા નિયમો પાળવાથી તેઓ કંઈ ઈશ્વરનો આશીર્વાદ મેળવી નહિ શકે. પેન્તેકોસ્ત ૩૩થી યહોવાહ ઉદારતાથી એવા લોકો પર કૃપા બતાવી રહ્યા છે જેઓ ઈસુ ખ્રિસ્ત પર પૂરો વિશ્વાસ રાખે છે.
૧૫. ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા તેમની આજ્ઞા પાળવી જરૂરી છે એ શાના પરથી કહી શકીએ?
૧૫ મુસાના સમયના ઈસ્રાએલીઓ કેમ વચનના દેશમાં પ્રવેશી શક્યા નહિ? કેમ કે તેઓએ યહોવાહની આજ્ઞાઓ પાળી નહિ. પાઊલના દિવસોમાં કેમ અમુક ખ્રિસ્તીઓ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શક્યા નહિ? તેઓએ પણ યહોવાહની આજ્ઞાઓ પાળી ન હતી. યહોવાહે તેઓને ભક્તિ કરવાની નવી રીત બતાવી હતી, પણ તેઓ એ સમજી ના શક્યા અને મુસાના નિયમો પાળતા રહ્યા.
આપણે કઈ રીતે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકીએ?
૧૬, ૧૭. (ક) ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા શું કરવું જોઈએ? (ખ) હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
૧૬ આપણે જાણીએ છીએ કે તારણ મેળવવા મુસાના નિયમોને વળગી રહેવાની જરૂર નથી. એફેસી મંડળને પાઊલે જે કહ્યું એ એકદમ સ્પષ્ટ છે: ‘તમે વિશ્વાસ દ્વારા તારણ પામેલા છો, અને એ તમારાથી નથી, એ તો ઈશ્વરનું દાન છે. એ કરણીઓથી મળતું નથી.’ (એફે. ૨:૮, ૯) આજે ખ્રિસ્તીઓ કઈ રીતે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શકે? એનો જવાબ મેળવવા, યાદ કરો કે યહોવાહે કેમ વિશ્રામનો દિવસ પસંદ કર્યો. કેમ કે એ દિવસ દરમિયાન તે પૃથ્વી અને પોતાના ભક્તો માટેનો હેતુ પૂરો કરશે. યહોવાહ પોતાની સંસ્થા દ્વારા આપણને તેમના હેતુ વિષે અને ઇચ્છા વિષે જણાવે છે. જો યહોવાહની આજ્ઞાઓ પાળીએ અને તેમની સંસ્થાના માર્ગદર્શન મુજબ ચાલીએ તો જરૂર યહોવાહના વિશ્રામમાં પ્રવેશી શકીશું.
૧૭ પણ જો વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરના માર્ગદર્શન વિરુદ્ધ જઈએ કે મન ફાવે એવી જ આજ્ઞાઓ પાળીએ, તો આપણે યહોવાહના હેતુ વિરુદ્ધ જઈએ છીએ. એમ કરીશું તો યહોવાહ સાથેનો આપણો સંબંધ તૂટી જઈ શકે. હવે પછીના લેખમાં આપણે અમુક સંજોગોની ચર્ચા કરીશું, જેમાં આપણે નક્કી કરવું પડશે કે યહોવાહની આજ્ઞા પાળીશું કે નહિ. એ વિષેનો નિર્ણય બતાવશે કે આપણે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કર્યો છે કે નહિ. (w11-E 07/15)
[ફુટનોટ્સ]
a મંદિરના યાજકો અને લેવીઓ સાબ્બાથ દરમિયાન કામ કરતા. તેઓનું કામ મુસાએ આપેલા નિયમો વિરુદ્ધ ન હતું. યહોવાહે, ઈસુને પ્રમુખ યાજક તરીકે નીમ્યા હોવાથી સાબ્બાથના દિવસે પણ ઈસુ કામ કરી શકતા.—માથ. ૧૨:૫, ૬.
b આપણને ખબર નથી કે પેન્તેકોસ્ત ૩૩ પછી પણ હિબ્રૂ ખ્રિસ્તીઓ મુસાના નિયમ મુજબ અમુક બાબતો પાળતા હતા કે નહિ. જેમ કે પ્રાયશ્ચિત્તના દિવસે કે પાપોની માફી મેળવવાના દિવસે બલિદાનો ચડાવવા. આપણે એ જાણીએ છીએ કે એ સમયના અમુક હિબ્રૂ ખ્રિસ્તીઓ મુસાને આપેલા નિયમોની અમુક વિધિઓ પાળતા હતા. એમ કરીને તેઓ ઈસુએ આપેલી કુરબાની માટે કોઈ કદર બતાવતા ન હતા.—ગલા. ૪:૯-૧૧.
આ પ્રશ્નોનો વિચાર કરો
• સાતમા દિવસ માટે યહોવાહનો હેતુ શું હતો?
• આપણે કઈ રીતે કહી શકીએ કે સાતમો દિવસ હજુ ચાલુ છે?
• મુસાના સમયના ઈસ્રાએલીઓ અને પાઊલના સમયના અમુક ખ્રિસ્તીઓ કેમ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશી શક્યા નહિ?
• ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા શું કરવું જોઈએ?
[પાન ૨૭ પર બ્લર્બ]
જો યહોવાહની આજ્ઞાઓ પાળીએ અને તેમની સંસ્થાના માર્ગદર્શન મુજબ ચાલીએ તો જરૂર યહોવાહના વિશ્રામમાં પ્રવેશી શકીશું
[પાન ૨૬ પર ચિત્રો]
ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા આપણે શું કરવાની જરૂર છે?