તારા ‘પ્રથમના પ્રેમને વળગી રહે’
“તારું જે છે તેને તું વળગી રહે.”—પ્રકટી. ૩:૧૧.
૧, ૨. સત્ય વિષે શીખ્યા ત્યારે તમને કેવું લાગ્યું?
તમે સત્યમાં જ મોટા થયા હશો કે પછી સત્ય શીખીને અપનાવ્યું હશે. જ્યારે યહોવાહના આશીર્વાદો વિષે શીખ્યા ત્યારે તમને કેવું લાગ્યું? તેમના ભવિષ્યના વચનો વિષે શીખ્યા એનાથી તમને કેવું લાગ્યું? બાઇબલમાં જ સત્ય છે એ જાણીને કેવું લાગ્યું? ચોક્કસ એ જાણીને તમને ઘણી ખુશી થઈ હશે. પછી તમે યહોવાહના નીતિ-નિયમો પ્રમાણે જ ચાલવાનો નિર્ણય લીધો.—રૂમી ૧૨:૨.
૨ યહોવાહના નીતિ-નિયમો જાણવાથી તમને ખુશી મળતી હતી. આમ, તમે યહોવાહને વધારે સારી રીતે ઓળખતા થયા. (યોહા. ૬:૪૪) એ ખુશીના લીધે જ તમે ઈશ્વરનો સંદેશો વધારેને વધારે લોકોને જણાવવા લાગ્યા.
૩. ઈસુએ એફેસસના મંડળ વિષે શું કહ્યું?
૩ પહેલી સદીના એફેસસના ભાઈ-બહેનોને યહોવાહ માટે ઘણો પ્રેમ હતો. એટલે તેઓ હોંશથી ભક્તિ કરતા હતા. પણ સમય જતાં તેઓનો પ્રેમ ઠંડો પડી ગયો. એટલે જ ઈસુએ તેઓને કહ્યું “તારાં કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું, કે તું ભૂંડાં માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડ્યું; વળી તું ધીરજ રાખે છે, અને મારા નામની ખાતર તેં સહન કર્યું છે, ને તું થાકી ગયો નથી. તો પણ તારી વિરુદ્ધ મારે આટલું છે, કે તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.”—પ્રકટી. ૨:૨-૪.
૪. ઈસુએ પહેલી સદીના મંડળોને આપેલી સલાહ કેમ આપણા માટે પણ મહત્ત્વની છે?
૪ ઈસુએ એફેસસ અને બીજા મંડળોને જે સલાહ આપી એ બાઇબલના પ્રકટીકરણના પુસ્તકમાં જોવા મળે છે. એ સલાહ ૧૯૧૪ પછી અમુક સમય સુધી અભિષિક્તોને લાગુ પડી. એ સલાહ આજે આપણા માટે પણ મહત્ત્વની છે. (પ્રકટી. ૧:૧૦) પહેલી સદીના ભાઈ-બહેનોની જેમ આપણો પણ યહોવાહ અને સત્ય માટે ‘પ્રથમનો પ્રેમ’ ઠંડો થઈ શકે. એ પ્રેમ ઠંડો ના પડે એટલે શું કરવું જોઈએ? યહોવાહે આપણા માટે જે પણ કર્યું છે એનો વિચાર કરવો જોઈએ. સત્યમાં આવ્યા ત્યારે યહોવાહ માટે જે પ્રેમ અને ઉત્સાહ હતો એ જ પ્રમાણે કરતા રહીએ.
તમે કેમ સત્ય શીખ્યા?
૫, ૬. (ક) સમર્પણ પહેલા આપણે શું પારખવાની જરૂર પડી? (ખ) યહોવાહના સાક્ષીઓ પાસે જ સત્ય છે એ તમે કેવી રીતે જાણ્યું? (ગ) વ્યક્તિ કઈ રીતે પોતાનો શરૂઆતનો પ્રેમ પાછો મેળવી શકે?
૫ સમર્પણ પહેલાં ‘ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે’ એ તમારે ‘પારખવાની’ જરૂર પડી. (રૂમી ૧૨:૧, ૨) એ કરવા તમે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તમને બાઇબલમાંથી યહોવાહનું નામ જાણવા મળ્યું. મરણ પામેલા લોકો માટે પણ આશા રહેલી છે એ વિષે જાણ્યું. (ગીત. ૮૩:૧૮; સભા. ૯:૫, ૧૦) તમે એ પણ શીખ્યા કે રાજકારણ, યુદ્ધો કે એવી બીજી બાબતોની યહોવાહ નફરત કરે છે. (યશા. ૨:૪; યોહા. ૬:૧૫; ૧૭:૧૪-૧૬) વળી તમે એ પણ જોયું કે અલગ-અલગ નાત-જાતના લોકો એકબીજા સાથે પ્રેમથી રહે છે.—યોહા. ૧૩:૩૪, ૩૫.
૬ આવા બધા કારણોને લીધે તમને લાગ્યું હશે કે યહોવાહના સાક્ષીઓ સાચા માર્ગે ચાલી રહ્યા છે. અથવા તમને ઈશ્વરે આપેલું કોઈ વચન ગમ્યું હશે એના લીધે સત્ય શીખ્યા હશો. આ બધા કારણોને લીધે તમને યહોવાહ માટે પ્રેમ જાગ્યો હશે. આજે એના પર ફરીથી વિચાર કરવાથી તમારો ઉત્સાહ તરોતાજા થઈ શકે છે. સત્ય માટેનો પ્રેમ પાછો મેળવી શકો છો. આપણે ગમે તે કારણથી સત્યમાં આવ્યા હોય એના પર વિચાર કરતા રહેવાથી યહોવાહ માટેનો પ્રેમ જાગતો રહી શકે.—ગીતશાસ્ત્ર ૧૧૯:૧૫૧, ૧૫૨; ૧૪૩:૫ વાંચો.
પ્રથમના પ્રેમને મજબૂત કરીએ
૭. યહોવાહ માટેનો પ્રેમ મજબૂત કરવા શું કરવું જોઈએ?
૭ બાપ્તિસ્મા લીધા પછી તમારા જીવનમાં અમુક મુશ્કેલીઓ આવી. એ મુશ્કેલીઓમાં તમારા વિશ્વાસની કસોટી થઈ. એનો સામનો કરવા યહોવાહે હિંમત અને સાથ આપ્યો. એ બધું જોઈને તમારો યહોવાહ માટેનો પ્રેમ વધ્યો. (૧ કોરીં. ૧૦:૧૩) આમ યહોવાહે તમને જે મદદ કરી એના પર વિચાર કરવાથી પણ યહોવાહ માટેનો પ્રેમ મજબૂત થાય છે. એમ કરીશું તો યહોવાહને વધારે સારી રીતે ઓળખી શકીશું, અને તેમના માર્ગે ચાલવા મદદ મળશે.—યહો. ૨૩:૧૪; ગીત. ૩૪:૮.
૮. યહોવાહે મુસાને પોતાની ઓળખ કેવી રીતે આપી? ઈસ્રાએલીઓનો યહોવાહમાં વિશ્વાસ કેવી રીતે મજબૂત થયો?
૮ ચાલો ઈસ્રાએલીઓનો દાખલો જોઈએ. તેઓ યહોવાહને માર્ગે ચાલ્યા એનાથી તેમના વિષે વધારે શીખી શક્યા. મિસરમાંથી (ઇજિપ્ત) છોડાવ્યા ત્યારે તેઓ યહોવાહને વધારે સારી રીતે ઓળખતા થયા. યહોવાહે પોતાની ઓળખ આપતા મુસાને કહ્યું કે “હું જે છું તે છું.” (નિર્ગ. ૩:૭, ૮, ૧૩, ૧૪) એનો અર્થ થાય કે પોતાના લોકોને છોડાવવા યહોવાહ ગમે તે કરી શકે. જેમ કે ઈસ્રાએલીઓને છોડાવવા યહોવાહ સર્વશક્તિમાન ઈશ્વર બન્યા. તેઓની આગેવાની લીધી. તેઓને ન્યાય અપાવ્યો. તેઓને બચાવવા એક યોદ્ધા બન્યા. અને તેઓનું પાલન-પોષણ કર્યું. આ બધું જોઈને ઈસ્રાએલીઓનો યહોવાહમાં વિશ્વાસ મજબૂત થયો.—નિર્ગ. ૧૨:૧૨; ૧૩:૨૧; ૧૪:૨૪-૩૧; ૧૬:૪; નહે. ૯:૯-૧૫.
૯, ૧૦. કઈ રીતે યહોવાહ આપણી સંભાળ રાખે છે? શા માટે એના પર મનન કરવું જોઈએ?
૯ ઈસ્રાએલીઓની જેમ આપણી પણ યહોવાહ કાળજી રાખે છે. આજે પણ તે આપણને શીખવે છે, સંભાળ રાખે છે અને આપણું પાલન-પોષણ કરે છે. (યશાયાહ ૩૦:૨૦, ૨૧ વાંચો.) યહોવાહ તકલીફોમાં આપણી પ્રાર્થનાનો જવાબ આપે છે. બાઇબલમાંથી દિલાસો આપે છે. ભાઈ-બહેનો દ્વારા પણ મદદ પૂરી પાડે છે. આ બધા પર વિચાર કરવાથી જોઈ શકીએ છીએ કે યહોવાહ આપણી સંભાળ રાખે છે. આ રીતે આપણી શ્રદ્ધા મજબૂત થાય છે.
૧૦ ખરું કે યહોવાહ કોઈ ચમત્કાર કરીને આપણી સંભાળ નથી રાખતા. પણ આપણને જરૂરી મદદ યહોવાહ પૂરી પાડે છે. જ્યારે તેમણે મદદ પૂરી પાડી એ વખતે તમને કેવું લાગ્યું? ચોક્કસ યહોવાહ માટેનો તમારો પ્રેમ મજબૂત થયો હશે. આજે પણ તેમણે પૂરી પાડેલી મદદ પર મનન કરવાથી આપણો વિશ્વાસ મજબૂત થશે.
પોતાની તપાસ કરો
૧૧, ૧૨. યહોવાહ માટેનો પ્રેમ ઠંડો પડી જવાનું કારણ શું હોઈ શકે? ઈસુએ કેવી ચેતવણી આપી?
૧૧ યહોવાહ હંમેશાં આપણી કાળજી રાખે છે. બાઇબલ જણાવે છે કે તે કદીયે બદલાતા નથી. (માલા. ૩:૬; યાકૂ. ૧:૧૭) તોપણ યહોવાહ માટેનો પ્રેમ ઠંડો પડી ગયો હોય, તો એનું કારણ શું હોઈ શકે? એનો જવાબ મેળવવા આ પ્રશ્નો પર વિચાર કરો: શું હું રોજ-બરોજની ચિંતામાં ડૂબી જાઉં છું? હું નિયમિત પ્રાર્થના કરું છું? મન લગાવીને અભ્યાસ કરું છું? એના પર મનન કરું છું? આજે પણ પ્રચારમાં ઉત્સાહ બતાવું છું? શું નિયમિત મિટિંગોમાં જઉં છું?—૨ કોરીં. ૧૩:૫.
૧૨ આ પ્રશ્નોના જવાબો બતાવશે કે આપણે ક્યાં સુધારો કરવાની જરૂર છે. બની શકે કે આપણે પરિવારની ચિંતામાં ડૂબી ગયા છીએ. ઘરના દરેકની જરૂરિયાત કેવી રીતે પૂરી કરી શકાય એની ચિંતા કરી રહ્યા છીએ. અથવા પોતાની તબિયતની સંભાળ રાખવામાં ડૂબી ગયા છીએ. જો આ ચિંતામાં ડૂબેલા રહીશું તો યહોવાહના મહાન દિવસને ભૂલી જઈશું. આવું ના થાય માટે ઈસુએ ચેતવણી આપી કે ‘તમે પોતાના વિષે સાવધાન રહો, રખેને અતિશય ખાનપાનથી, તથા સંસારી ચિંતાથી તમારાં મન જડ થઈ જાય, જેથી તે દિવસ ફાંદાની પેઠે તમારા પર ઓચિંતો આવી પડે. કેમ કે તે દિવસ પૃથ્વી ઉપરના સર્વ વસનારા પર આવી પડશે. પણ હર વખત જાગતા રહો, અને વિનંતી કરો, કે આ બધું જે થવાનું છે, તેમાંથી બચી જાવ.’—લુક ૨૧:૩૪-૩૬.
૧૩. બાઇબલના નિયમને યાકૂબે શાની સાથે સરખાવ્યો?
૧૩ યાકૂબ દરેકને, બાઇબલ પ્રમાણે પોતાના સંજોગો તપાસવાનું ઉત્તેજન આપે છે. તેમણે લખ્યું કે ‘તમે વચનના પાળનારા થાઓ, પોતાને છેતરીને કેવળ સાંભળનારા જ નહિ; કેમ કે જે કોઈ માણસ વચન પાળનાર નથી, પણ કેવળ સાંભળનાર છે, તે પોતાનું સ્વાભાવિક મોં આરસીમાં જોનાર માણસના જેવો છે; કેમ કે તે પોતાને જુએ છે, પછી ત્યાંથી ખસી જાય છે, એટલે તે પોતે કેવો હતો, એ તે તરત ભૂલી જાય છે. પણ જે ઈશ્વરના નિયમમાં નિહાળીને જુએ છે, અને તેમાં જ રહે છે. સાંભળીને ભૂલી જનાર નહિ, પણ કામ કરનાર થાય છે, તે જ માણસ પોતાના વ્યવહારમાં ધન્ય થશે.’—યાકૂ. ૧:૨૨-૨૫.
૧૪, ૧૫. (ક) બાઇબલ કેવી રીતે આપણને સુધારો કરવા મદદ કરે છે? (ખ) આપણે કેવા પ્રશ્નો પર વિચાર કરવો જોઈએ?
૧૪ બાઇબલ કેવી રીતે અરીસા જેવું છે? ચાલો જોઈએ. જ્યારે વ્યક્તિ અરીસામાં જુએ છે ત્યારે તે નક્કી કરે છે કે તે બરાબર દેખાય છે કે નહિ. જેમ કે સ્ત્રી અરીસામાં જોઈને પોતાના વાળ સરખા કરશે, અથવા પુરુષ પોતાની ટાઈ સરખી કરશે. અરીસાની જેમ બાઇબલ આપણને સુધારો કરવા મદદ કરે છે. જ્યારે આપણે બાઇબલના નીતિ-નિયમો દિલમાં ઉતારીએ ત્યારે જીવનમાં સુધારો કરવા મદદ કરે છે. પણ જો બાઇબલ વાંચીને સુધારો નહિ કરીએ તો કંઈ જ ફાયદો નહિ થાય. જાણે કે આપણે અરીસામાં જોયા પછી પણ દેખાવમાં કઈ ફેરફાર નથી કરતા. સુધારો કરવા આપણે હંમેશાં ‘ઈશ્વરના નિયમો’ પ્રમાણે જીવીએ. તમને લાગે કે સત્યના માર્ગમાં ચાલવા માટે ફેરફાર કરવાની જરૂર છે, તો આ પ્રશ્નો પર વિચાર કરો: ‘મારા જીવનમાં કેવી મુશ્કેલીઓ છે? એનો સામનો કરવા હું શું કરી રહ્યો છું? પહેલા મેં કેવી રીતે આવી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો? પહેલાં મુશ્કેલી આવતી ત્યારે યહોવાહમાં ભરોસો રાખતો, શું આજે પણ રાખું છું?’ આ પ્રશ્નોના જવાબ પરથી તમને લાગે કે જીવનમાં ફેરફાર કરવાની જરૂર છે, તો શું કરવો જોઈએ? તો સુધારો કરવા તરત જ પગલાં લેવા જોઈએ.—હેબ્રી ૧૨:૧૨, ૧૩
૧૫ આપણે જે સુધારો કરવાના છીએ એના પર મનન કરીએ. એવા ગોલ બાંધીએ જેથી એ પૂરા કરી શકીએ. આમ કરવાથી આપણે ઈશ્વરની ઉપાસના વધારે કરી શકીશું. પાઊલે પણ તીમોથીને પ્રચાર કામ સુધારવા આવી જ સલાહ આપી હતી કે “એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વના જાણવામાં આવે.” આપણે પણ બાઇબલ વાંચીએ, સમજીએ અને એ પ્રમાણે જીવનમાં સુધારો કરીએ.—૧ તીમો. ૪:૧૫.
૧૬. શેતાન આપણા પર કેવા ફાંદા લાવે છે?
૧૬ બાઇબલ પ્રમાણે પોતાને તપાસીએ ત્યારે ઘણા બધાં સુધારા કરવાની જરૂર લાગી શકે. જ્યારે ખબર પડે કે આપણે અમુક ફેરફારો કરવાની જરૂર છે ત્યારે નિરાશ થઈ શકીએ. આ એક શેતાનનો ફાંદો છે. પણ એમાં ફસાઈએ નહિ કેમ કે યહોવાહ આપણને મદદ કરશે. (૨ કોરીં. ૧૨:૭-૧૦) કદાચ વ્યક્તિ બીમારીને લીધે, ઉંમરને લીધે ઈશ્વરની ભક્તિમાં વધારે નથી કરી શકતી. આવા સમયે શેતાન નિરાશ કરવા પૂરા પ્રયત્નો કરે છે. આપણે નકામા છીએ એવો તે અહેસાસ કરાવે. પણ શેતાનના એ ફાંદામાં ફસાતા નહિ. એના બદલે એવા ગોલ બાંધીએ જે પૂરા કરી શકીએ. જ્યારે તમે ગોલ પૂરા કરવા ચાહો છો ત્યારે શેતાન આરોપ મૂકશે કે યહોવાહ એની કદર કરતા નથી. (અયૂ. ૧૫:૧૫, ૧૬; ૨૨:૩) પણ એ આરોપને ઈસુએ સાવ જૂઠો સાબિત કર્યો. અને જણાવ્યું છે કે ઈશ્વર આપણને ખૂબ જ અનમોલ ગણે છે. (માત્થી ૧૦:૨૯-૩૧ વાંચો.) આપણે જે પણ પ્રયત્ન કરીએ એનાથી ઈશ્વર ખુશ થાય છે. સાથે સાથે ઈશ્વર માટેનો આપણો પ્રેમ ઠંડો નહિ પડે.
યહોવાહે આપેલા આશીર્વાદોની કદર કરીએ
૧૭, ૧૮. યહોવાહના સાક્ષી હોવાથી આપણને કેવા આશીર્વાદો મળ્યા છે?
૧૭ સત્ય શીખ્યા ત્યારે યહોવાહ માટેનો પ્રેમ જાગ્યો. જો એ પ્રેમ વધારે મજબૂત કરીએ તો આપણને લાભ થશે. યહોવાહ વિષેના આપણા જ્ઞાનમાં વધારો થશે. તેમના માર્ગે ચાલવા આપણને માર્ગદર્શન મળશે. આમ આપણો યહોવાહ પર ભરોસો વધશે. (નીતિવચનો ૨:૧-૯; ૩:૫, ૬ વાંચો.) બાઇબલ જણાવે છે કે ‘યહોવાહનો નિયમ પાળવામાં મોટો લાભ છે.’ “યહોવાહની સાક્ષી વિશ્વાસપાત્ર છે, તે અબુદ્ધને બુદ્ધિમાન કરે છે.” “સીધે માર્ગે જનારાઓને તથા યહોવાહના નિયમ પ્રમાણે ચાલનારાઓને ધન્ય છે.”—ગીત. ૧૯:૭, ૧૧; ૧૧૯:૧.
૧૮ યહોવાહના સાક્ષી હોવાથી આપણને ઘણા આશીર્વાદો મળી રહ્યા છે. બાઇબલની સમજણ મળવાથી આપણને ખબર પડી છે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. યહોવાહ, મંડળ દ્વારા આપણી સંભાળ રાખે છે. આપણને ઘણા ભાઈ-બહેનોનો પ્રેમ મળ્યો છે. અને યહોવાહની ભક્તિ કરવાનો એક આશીર્વાદ મળ્યો છે. આવા અને બીજા ઘણા આશીર્વાદોને યાદ રાખીએ. આમ કરવાથી ‘જે છે તેને વળગી રહેવા’ મદદ મળશે. અને આપણો યહોવાહ માટેનો પ્રેમ જાગતો રહેશે.—પ્રકટી. ૩:૧૧.
૧૯. યહોવાહ માટેનો પ્રેમ મજબૂત રહે એ માટે આપણે શું કરવું જોઈએ?
૧૯ આજે આપણે શીખ્યા કે યહોવાહ આપણને આશીર્વાદો આપે છે, જ્ઞાન આપે છે, કસોટીમાં પણ સાથ આપે છે. આ બધા પર મનન કરવાથી આપણો વિશ્વાસ મજબૂત થાય છે. આપણો વિશ્વાસ મજબૂત રહે માટે યહોવાહને પ્રાર્થના કરતા રહીએ. નિયમિત મિટિંગોમાં જઈએ, એમાં ભાગ લઈએ. પૂરા ઉત્સાહથી પ્રચાર કામ કરીએ. ચાલો એમ કરતા રહીએ જેથી યહોવાહ માટેનો પ્રેમ મજબૂત રહે.—એફે. ૫:૧૦; ૧ પીત. ૩:૧૫; યહુ. ૨૦, ૨૧. (w08 6/15)
તમે સમજાવી શકો?
• આપણે જે કારણથી સત્ય શીખ્યા એને કેમ યાદ કરવું જોઈએ?
• કઈ રીતે યહોવાહ આપણી સંભાળ રાખે છે? એના પર મનન કરવાથી આપણને શું ફાયદો થશે?
• યહોવાહ માટેનો આપણો પ્રેમ કેમ તપાસતા રહેવું જોઈએ?
[Picture on page 25]
તમને સત્ય કેમ ગમ્યું?
[Picture on page 27]
શું તમારા જીવનમાં ફેરફાર કરવાની જરૂર છે?