કોરીંથીઓને બીજો પત્ર
૧૨ ખરું કે, બડાઈ મારવાથી કોઈ ફાયદો નથી, પણ હું એમ કરીશ. હવે હું દર્શનો+ અને માલિક ઈસુના સંદેશાઓ વિશે વાત કરીશ.+ ૨ ખ્રિસ્તના એક એવા શિષ્યને હું જાણું છું, જેને ૧૪ વર્ષ પહેલાં ત્રીજા સ્વર્ગમાં લઈ જવામાં આવ્યો હતો. તેને શરીરમાં લઈ જવાયો હતો કે શરીર વગર એ હું જાણતો નથી, પણ ઈશ્વર જાણે છે. ૩ હા, હું એવા એક માણસને જાણું છું, જેને જીવનના બાગમાં* લઈ જવામાં આવ્યો હતો. તેને શરીરમાં લઈ જવાયો હતો કે શરીર વગર એ હું જાણતો નથી, પણ ઈશ્વર જાણે છે. ૪ એ જીવનના બાગમાં* તે માણસે એવા શબ્દો સાંભળ્યા, જે બોલી શકાય નહિ અને જે શબ્દો બોલવાની કોઈ માણસને છૂટ નથી. ૫ હું એ માણસ વિશે બડાઈ કરીશ, પણ મારી નબળાઈઓ સિવાય હું પોતાના વિશે બડાઈ નહિ કરું. ૬ જો હું બડાઈ કરવા ચાહું, તોપણ હું મૂર્ખ ગણાઈશ નહિ, કેમ કે હું સત્ય જ બોલીશ. પણ હું બડાઈ મારતો નથી, જેથી કોઈ માણસ મને જે કરતા જુએ અને મારી પાસેથી જે સાંભળે એના કરતાં મારા વધારે પડતા વખાણ ન કરે. ૭ મને આવાં અજોડ દર્શનો થયાં હોવાથી કોઈ મારા વિશે વધારે પડતું ન વિચારે.
હું ઘમંડથી ફુલાઈ ન જાઉં એ માટે મને શરીરમાં કાંટો આપવામાં આવ્યો છે,+ જે શેતાનના દૂત તરીકે વર્તે છે અને મને થપ્પડ મારતો રહે છે,* જેથી હું વધારે પડતું અભિમાન ન કરું. ૮ એના વિશે મેં ત્રણ વાર ઈશ્વરને કાલાવાલા કર્યા, જેથી એ કાંટો મારામાંથી કાઢી નાખવામાં આવે. ૯ પણ તેમણે મને કહ્યું: “તારા માટે મારી અપાર કૃપા પૂરતી છે, કેમ કે તું કમજોર હોય છે ત્યારે મારી તાકાત પૂરી રીતે દેખાઈ આવે છે.”+ હવે હું મારી નબળાઈઓ વિશે વધારે આનંદથી બડાઈ કરીશ, જેથી ખ્રિસ્તની શક્તિ મારા પર મંડપની જેમ રહે. ૧૦ હું ખ્રિસ્ત માટે કમજોરી, અપમાન, તંગી, કસોટી અને મુશ્કેલી ખુશી ખુશી સહન કરું છું. કેમ કે જ્યારે હું નબળો હોઉં છું, ત્યારે હું બળવાન હોઉં છું.+
૧૧ હું મૂર્ખ બન્યો છું, પણ તમે મને એવા બનવાની ફરજ પાડી છે. તમારે તો મારી ભલામણ કરવી જોઈતી હતી, કેમ કે ભલે હું મામૂલી હોઉં, તોપણ હું તમારા મહાન પ્રેરિતો કરતાં જરાય ઊતરતો સાબિત થયો નથી.+ ૧૨ સાચે જ, ચમત્કારો, અદ્ભુત કામો અને શક્તિશાળી કામોની+ સાથે સાથે ઘણી ધીરજ બતાવીને મેં મારા પ્રેરિત હોવાની તમને સાબિતીઓ આપી છે.+ ૧૩ હું તમારા પર કોઈ રીતે બોજ બન્યો નથી, ફક્ત એ જ કિસ્સામાં તમે બીજાં મંડળો કરતાં અલગ છો. બોજ ન બનીને શું મેં કોઈ ભૂલ કરી?+ જો એમ કર્યું હોય, તો મને માફ કરી દો.
૧૪ જુઓ! આ ત્રીજી વાર હું તમારી પાસે આવવા તૈયાર છું અને હું બોજ બનીશ નહિ. કેમ કે હું તમારી ચીજવસ્તુઓને નહિ,+ તમને મેળવવા ચાહું છું. બાળકો+ પોતાનાં માબાપ માટે બચત કરે એવી આશા રાખવામાં નથી આવતી, પણ માબાપ પોતાનાં બાળકો માટે બચત કરે એવી આશા રાખવામાં આવે છે. ૧૫ મારી વાત કરું તો, હું તમારા માટે બધું ખુશીથી ખર્ચી નાખવા, અરે, પોતે પણ પૂરેપૂરો ખર્ચાઈ જવા તૈયાર છું.+ જો હું તમને આટલો બધો પ્રેમ કરતો હોઉં, તો શું મને એનાથી ઓછો પ્રેમ મળવો જોઈએ? ૧૬ ગમે એ હોય, મેં તમારા પર બોજો નાખ્યો નથી.+ તેમ છતાં, તમે કહો છો કે હું “કપટી” હતો અને મેં તમને “ચાલાકીથી” ફસાવ્યા હતા. ૧૭ મેં જેઓને તમારી પાસે મોકલ્યા હતા, તેઓ દ્વારા શું મેં તમારો ફાયદો ઉઠાવ્યો છે? ૧૮ મેં તિતસને અરજ કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તિતસે કોઈ રીતે તમારો લાભ ઉઠાવ્યો છે?+ શું અમારા ઇરાદા એકસરખા ન હતા? શું અમે એક જ માર્ગે ચાલ્યા ન હતા?
૧૯ શું તમે એવું વિચારો છો કે અમે તમારી આગળ પોતાના બચાવમાં બોલીએ છીએ? અમે તો ખ્રિસ્તના શિષ્યો તરીકે ઈશ્વર આગળ એ બધું કહીએ છીએ. પણ વહાલા ભાઈઓ, અમે જે કંઈ કરીએ છીએ, એ તમને દૃઢ બનાવવા કરીએ છીએ. ૨૦ કેમ કે મને ડર છે કે હું આવું ત્યારે તમારું વર્તન એવું ન હોય જેવું હું ચાહું છું અને મારું વર્તન એવું ન હોય જેવું તમે ચાહો છો. મને ડર છે કે કદાચ તમારામાં ઝઘડા, અદેખાઈ, ક્રોધ, પક્ષાપક્ષી, નિંદા, ચાડી-ચુગલી, ઘમંડ અને ધાંધલ-ધમાલ જોવા મળે. ૨૧ કદાચ એવું બને કે હું ફરીથી આવું ત્યારે, મારા ઈશ્વર મને તમારી આગળ શરમમાં નાખે. તેમ જ, મારે એવા લોકો માટે દુઃખી થવું પડે, જેઓ પાપના માર્ગે ચાલતા હતા, પણ હજુ સુધી પસ્તાવો કર્યો નથી. તેઓએ પોતે અગાઉ કરેલાં કામો, એટલે કે અશુદ્ધ કામો, વ્યભિચાર* અને બેશરમ કામો* માટેના પોતાના વિચારોમાં હજુ ફેરફાર કર્યો નથી.