ઈસુ ખ્રિસ્ત તમને મદદ કરી શકે
ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે તેમણે લોકોને જે રીતે મદદ પૂરી પાડી એ અજોડ હતી. ઈસુના જીવનના સંખ્યાબંધ બનાવોની ગણતરી કર્યા પછી નજરે જોનાર એક સાક્ષીએ આમ કહ્યું: “ઈસુએ કરેલાં બીજાં કામો પણ ઘણાં છે, જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલાં બધાં પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહિ, એમ હું ધારૂં છું.” (યોહાન ૨૧:૨૫) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે આપણા માટે ઘણું બધું કર્યું હતું. તેથી, આપણે વિચારી શકીએ: ‘કઈ રીતે સ્વર્ગમાં રહીને તે આપણને મદદ કરી શકે? શું ઈસુની દયાથી આપણને લાભ થઈ શકે?’
એ પ્રશ્નનો જવાબ હૃદયને તાજગી અને હિંમત આપનારો છે. બાઇબલ આપણને કહે છે કે ખ્રિસ્ત ‘આકાશમાં ગયા, કે તે હમણાં આપણે સારૂ દેવની સમક્ષ હાજર થાય.’ (હેબ્રી ૯:૨૪) આપણા માટે તેમણે શું કર્યું? પ્રેષિત પાઊલ સમજાવે છે: “ખ્રિસ્ત. . . બકરાના તથા વાછરડાના રક્તથી નહિ, પણ પોતાના જ રક્તથી, માણસોને સારૂ સનાતન ઉદ્ધાર મેળવીને પરમ પવિત્રસ્થાનમાં [“સ્વર્ગમાં”] એક જ વખત ગયો હતો.”—હેબ્રી ૯:૧૨; ૧ યોહાન ૨:૨.
કેવા સુસમાચાર! ઈસુ સ્વર્ગમાં ગયા એથી લોકોના હિતમાં કરેલા તેમનાં અદ્ભુત કાર્યોનો અંત આવી ગયો નથી, પણ તે હવે સ્વર્ગમાં રહીને મનુષ્ય માટે વધુ કરવા શક્તિમાન થયા. કારણ કે, દેવની અપાત્ર કૃપાથી ઈસુને “સેવક”—પ્રમુખયાજક તરીકે “આકાશમાં મહત્ત્વના રાજ્યાસનની જમણી તરફ” નિયુક્ત કરવામાં આવ્યા છે.—હેબ્રી ૮:૧, ૨.
સર્વના ‘‘સેવક”
ઈસુ સ્વર્ગમાં સર્વ મનુષ્ય માટે સેવક થશે. પ્રાચીન સમયમાં દેવના ઉપાસકોના લાભમાં જેમ ઈસ્રાએલના પ્રમુખયાજક કાર્ય કરતા હતા તેમ ઈસુ આપણા માટે કરશે. વળી, એ કાર્ય શું હતું? પાઊલે સમજાવ્યું: “હવે દરેક પ્રમુખયાજક અર્પણો તથા બલિદાનો આપવાને નીમેલો છે; માટે આ યાજકની [ઈસુ ખ્રિસ્ત] પાસે પણ કંઈ અર્પણ કરવાનું હોય એવી અગત્ય છે.”—હેબ્રી ૮:૩.
પ્રાચીન સમયમાં પ્રમુખયાજક જે અર્પણો ચઢાવતા એના કરતાં પણ શ્રેષ્ઠ અર્પણ ઈસુ ચઢાવવાના હતા. “બકરાઓનું તથા ગોધાઓનું રક્ત” પ્રાચીન ઈસ્રાએલીઓ માટે આત્મિક રીતે શુદ્ધ રાખવા મર્યાદિત હતું. ‘તો ખ્રિસ્તનું રક્ત તમારા હૃદયને જીવતા દેવને ભજવા સારૂ નિર્જિવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે?’—હેબ્રી ૯:૧૩, ૧૪.
ઈસુ એક વિશિષ્ટ સેવક છે, કારણ કે તેમને અમરપણું આપવામાં આવ્યું છે. પ્રાચીન ઈસ્રાએલમાં “યાજકો સંખ્યાબંધ હતા ખરા, કેમકે મરણને લીધે તેઓ કાયમ રહી શકતા નહોતા.” પરંતુ ઈસુ વિષે શું? પાઊલ લખે છે: “એ તો સદાકાળ રહે છે, માટે એનું યાજકપદ અવિકારી છે. . . માટે જેઓ એની મારફતે દેવની પાસે આવે છે, તેઓને સંપૂર્ણ રીતે તારવાને એ સમર્થ છે.” (હેબ્રી ૭:૨૩-૨૫; રૂમી ૬:૯) હા, સ્વર્ગમાં દેવના જમણા હાથે આપણા માટે વિશિષ્ટ સેવક છે, જે ‘આપણી સારું મધ્યસ્થતા કરવાને સદાકાળ જીવતા રહે છે!’ હમણાં આપણા માટે એનો શું અર્થ થાય છે એ વિષે થોડો વિચાર કરો!
ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમની પાસે લોકોનાં ટોળેટોળાં મદદ માટે આવતા હતા. ઘણી વાર, તેઓ લાંબા અંતરની મુસાફરી કરીને આવતા હતા. (માત્થી ૪:૨૪, ૨૫) હવે ઈસુ સ્વર્ગમાં છે તેમ સર્વ દેશોના લોકો તેમની પાસે સહેલાઈથી મદદ માટે જઈ શકે છે. સ્વર્ગમાંથી પણ તે વિશિષ્ટ સેવક તરીકે હંમેશા આપણને મદદ કરવા તૈયાર છે.
ઈસુ કેવા પ્રકારના પ્રમુખયાજક છે?
સુવાર્તાના અહેવાલોમાં ઈસુ ખ્રિસ્તનું જે વર્ણન કરવામાં આવ્યું એ આપણા મનમાં સુંદર ચિત્ર રજૂ કરે છે, મદદ આપવા હંમેશાં તૈયાર અને દયાળુ. તે કેવા આત્મ-ત્યાગી હતા! ઘણા પ્રસંગોએ તે પોતાના શિષ્યો સાથે આરામ કરવાનો પ્રયત્ન કરતા ત્યારે વારંવાર લોકો તેમને શોધી કાઢતા. લોકો તેમની મદદ માટે આવતા ત્યારે વિશ્રામની શાંત ક્ષણોને મૂલ્યવાન ગણવાને બદલે તેમને “તેઓ પર કરુણા આવી.” ઈસુ થાકેલા, ભૂખ્યા, અને તરસ્યા હતા ત્યારે પણ તેમણે “તેઓનો આવકાર” કર્યો. વળી, પાપીઓને મદદ કરવા માટે તે જમવાનું પણ જતું કરતા.—માર્ક ૬:૩૧-૩૪; લુક ૯:૧૧-૧૭; યોહાન ૪:૪-૬, ૩૧-૩૪.
ઈસુએ દયાથી પ્રેરાઈને લોકોને તેઓની લાગણીમય, દૈહિક અને આત્મિક જરૂરિયાતોમાં મદદ કરવા માટે વ્યવહારું પગલા લીધા. (માત્થી ૯:૩૫-૩૮; માર્ક ૬:૩૫-૪૪) વધુમાં, તેમણે તેઓને કઈ રીતે કાયમી શાંતિ અને દિલાસો મેળવવો એ પણ શીખવ્યું. (યોહાન ૪:૭-૩૦, ૩૯-૪૨) ઉદાહરણ તરીકે, તેમનું વ્યક્તિગત આમંત્રણ કેવું આકર્ષક છે: “ઓ વૈતરૂં કરનારાઓ તથા ભારથી લદાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો, ને હું તમને વિસામો આપીશ. મારી ઝૂંસરી તમે પોતા પર લો, ને મારી પાસે શીખો; કેમકે હું મનમાં નમ્ર તથા રાંકડો છું, ને તમે તમારા જીવમાં વિસામો પામશો.”—માત્થી ૧૧:૨૮, ૨૯.
ઈસુ લોકોને એટલી હદે ચાહતા હતા કે તેમણે પાપી મનુષ્ય માટે પોતાનું જીવન આપી દીધું. (રૂમી ૫:૬-૮) આ બાબતમાં પ્રેષિત પાઊલ તર્ક કરે છે: “જેણે [યહોવાહ દેવે] પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વેને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે?. . . જે મૂઓ, હા, જે મૂએલાંમાંથી પાછો પણ ઊઠ્યો તે ખ્રિસ્ત ઈસુ છે, તે દેવને જમણે હાથે છે, તે આપણે સારૂ મધ્યસ્થતા પણ કરે છે.”—રૂમી ૮:૩૨, ૩૪.
દયા ધરાવતા પ્રમુખયાજક
મનુષ્ય તરીકે ઈસુએ ભૂખ, તરસ, થાક, દુઃખ અને મરણનો અનુભવ કર્યો. ઈસુએ જે વિરોધ અને દબાણો સહન કર્યા એ તેમને મનુષ્ય માટે પ્રમુખયાજક તરીકે સેવા આપવા અજોડ રીતે સુસજ્જ કરે છે. પાઊલે લખ્યું: “[ઈસુએ] સઘળી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરવાને દેવને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય. કેમકે તેનું પરીક્ષણ થવાથી તેણે દુઃખ સહન કર્યાં, તેથી જેઓનું પરીક્ષણ થાય છે તેઓને સહાય કરવાને તે શક્તિમાન છે.”—હેબ્રી ૨:૧૭, ૧૮; ૧૩:૮.
આ રીતે ઈસુએ પ્રદર્શિત કર્યું કે પોતે યોગ્ય પાત્ર છે અને લોકોને દેવની નિકટ જવા મદદ કરવાની ઇચ્છા ધરાવે છે. તો શું એનો એવો અર્થ થાય કે, દેવ નિષ્ઠુર અને દયા વગરના છે અથવા તે માફી આપવામાં કઠોર હોવાથી ઈસુએ તેમને સમજાવવા પડે છે? નિશ્ચે નહિ જ, બાઇબલ આપણને ખાતરી આપે છે કે “હે પ્રભુ [યહોવાહ], તું ઉત્તમ તથા ક્ષમા કરવાને તત્પર છે.” એ વધુમાં કહે છે: “જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.” (ગીતશાસ્ત્ર ૮૬:૫; ૧ યોહાન ૧:૯) ખરેખર, ઈસુના પ્રેમાળ શબ્દો અને કાર્યો પોતાના પિતાની દયા, ક્ષમા અને પ્રેમની નકલ કરે છે.—યોહાન ૫:૧૯; ૮:૨૮; ૧૪:૯, ૧૦.
કઈ રીતે ઈસુ પસ્તાવો કરનાર પાપીઓને મદદ કરે છે? દેવને ખુશ કરવા તેઓ પૂરા હૃદયથી પ્રયત્નો કરે છે ત્યારે ઈસુ તેઓને સંતોષ અને આનંદ મેળવવા મદદ કરે છે. પાઊલે અભિષિક્ત ખ્રિસ્તી ભાઈઓને આમ કહેતાં લખ્યું: “આકાશમાં થઈને જે પાર ગએલો છે, એવો મોટો પ્રમુખયાજક, એટલે દેવનો પુત્ર ઈસુ આપણને છે, માટે આપણે જે માની લીધું છે તે દૃઢતાથી પકડી રાખીએ. કેમકે આપણી નિર્બળતા પર જેને દયા આવી શકે નહિ એવો નહિ, પણ સર્વ વાતે જે આપણી પેઠે પરીક્ષણ પામેલો છતાં નિષ્પાપ રહ્યો એવો આપણો પ્રમુખયાજક છે. એ માટે દયા પામવાને, તથા અગત્યને પ્રસંગે સહાયને સારૂ કૃપા પ્રાપ્ત કરવાને, આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.”—હેબ્રી ૪:૧૪-૧૬.
‘અગત્યના પ્રસંગે સહાય’
બીમારી, દુઃખ, નિરુત્સાહીપણું, ઉદાસીનતા અથવા સમસ્યાઓનો સામનો કરતી વખતે આપણને એવું લાગે કે આપણે એને હલ કરી શકીએ એમ નથી ત્યારે આપણે શું કરવું જોઈએ? ઈસુ સમસ્યાઓનો સામનો કરતા ત્યારે તે નિયમિત રીતે પ્રાર્થના કરતા હતા. તે પ્રાર્થના પર આધાર રાખતા હતા અને આપણે પણ એ પ્રમાણે કરી શકીએ. દાખલા તરીકે, આપણા માટે જીવન આપ્યું એની આગલી રાત્રે “તેણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; અને તેનો પરસેવો ભોંય પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.” (લુક ૨૨:૪૪) હા, ઈસુ જાણતા હતા કે દેવને આજીજીપૂર્વક પ્રાર્થના કરવાથી કેવો અનુભવ થાય છે. “મરણથી છોડાવવાને જે શક્તિમાન હતો, તેની પાસે તેણે મોટે ઘાંટે તથા આંસુસહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેણે દેવનો ડર રાખ્યો, માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી.”—હેબ્રી ૫:૭.
ઈસુ જાણતા હતા કે, “પ્રાર્થના સાંભળવામાં” આવે અને બળ આપવામાં આવે ત્યારે મનુષ્યને કેટલો દીલાસો મળે છે. (લુક ૨૨:૪૩) વધુમાં, તેમણે વચન આપ્યું: “જો તમે બાપ પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે તે આપશે. . . . તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો, ને તમને મળશે.” (યોહાન ૧૬:૨૩, ૨૪) તેથી, આપણને યહોવાહ પર પૂરો ભરોસો હોવો જોઈએ. કેમ કે, દેવે પોતાના પુત્રને જે અધિકાર આપ્યો છે એનો તે આપણા લાભ માટે ઉપયોગ કરશે. વળી, તેમણે આપણા માટે પોતાના જીવનનું ખંડણીમય બલિદાન આપ્યું છે. તેથી, આપણે દેવને પ્રાર્થના કરી શકીએ છીએ.—માત્થી ૨૮:૧૮.
આપણે ખાતરી રાખી શકીએ કે, સ્વર્ગમાંથી ઈસુ યોગ્ય સમયે યોગ્ય મદદ પૂરી પાડશે. દાખલા તરીકે, આપણે પાપ કર્યા પછી એનો ખરેખર પસ્તાવો કરતા હોઈએ તો, આપણે આ વચનોમાંથી મનની શાંતિ મેળવી શકીએ. જે કહે છે કે, “બાપની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે.” (૧ યોહાન ૨:૧, ૨) સ્વર્ગમાં આપણા મધ્યસ્થ અને દિલાસો આપનાર ઈસુ આપણા માટે આજીજી કરશે. જેથી, તેમના નામની અને શાસ્ત્રના સુમેળમાં જે પ્રાર્થનાઓ કરવામાં આવે તેનો જવાબ મળે.—યોહાન ૧૪:૧૩, ૧૪; ૧ યોહાન ૫:૧૪, ૧૫.
ખ્રિસ્તની મદદ માટે કદર બતાવવી
આપણે દેવને તેમના પુત્રના નામમાં પ્રાર્થના કરીએ એટલું જ પૂરતું નથી. પોતાના ખંડણીમય બલિદાનથી મનુષ્યને ‘ખ્રિસ્તે છોડાવી’ લીધા છે. તેથી, તે આપણા ‘ઉદ્ધાર’ કરનાર અથવા માલિક થયા. (ગલાતી ૩:૧૩; ૪:૫; ૨ પીતર ૨:૧) ખ્રિસ્તે આપણા માટે જે કંઈ કર્યું છે એ સર્વનો આપણે આભાર માનવો જોઈએ. તે આપણા માલિક હોવાથી તેમના આમંત્રણને ખુશીથી સ્વીકારવું જોઈએ. તે કહે છે: “કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, અને દરરોજ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.” (લુક ૯:૨૩) ફક્ત વચનથી જ ‘પોતાનો નકાર’ કરીને એમ કહેવું કે હવે ઈસુ અમારા માલિક છે એ પૂરતું નથી. કારણ કે આપણે સૌ જાણીએ છીએ તેમ, ખ્રિસ્ત તો “સર્વેને વાસ્તે મૂઓ માટે સર્વે મૂઆ; અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહિ, પણ જે તેઓને વાસ્તે મૂઓ તથા પાછો ઊઠ્યો તેને અર્થે જીવે, માટે તે સર્વેને વાસ્તે મૂઓ.” (૨ કોરીંથી ૫:૧૪, ૧૫) તેથી, ખંડણી માટે કદર બતાવવાથી આપણા વિચારો, ધ્યેયો, અને જીવન ઢબ પર ઊંડી અસર પડે છે. ‘ઈસુ ખ્રિસ્તે આપણે સારું પોતાનું સ્વાર્પણ કર્યું’ એ માટે આપણે હંમેશાં તેમના ઋણી છીએ. તેથી, આપણે ઈસુ અને તેમના પ્રેમાળ પિતા, યહોવાહ દેવ વિષે વધુ શીખવા માટે પ્રેરાવું જોઈએ. આપણને દેવના ધોરણો પ્રમાણે જીવવામાં અને વિશ્વાસમાં પણ વધતા રહેવું જોઈએ. જેથી, “સારાં કામ કરવાને આતુર” રહીએ.—તીતસ ૨:૧૩, ૧૪; યોહાન ૧૭:૩.
ખ્રિસ્તી મંડળ દ્વારા આપણે સમયસર આત્મિક ખોરાક, ઉત્તેજન અને માર્ગદર્શન મેળવીએ છીએ. (માત્થી ૨૪:૪૫-૪૭; હેબ્રી ૧૦:૨૧-૨૫) દાખલા તરીકે, જો કોઈ આત્મિક રીતે માંદુ હોય તો “મંડળીના [નિયુક્ત] વડીલોને બોલાવવા . . . અને વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના માંદાને બચાવશે, ને પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે તો તે તેને માફ કરવામાં આવશે.”—યાકૂબ ૫:૧૩-૧૫.
ઉદાહરણ તરીકે, દક્ષિણ આફ્રિકાની જેલના એક માણસે મંડળના વડીલોની કદર કરતાં પત્ર લખ્યો. “ઈસુ ખ્રિસ્તે લોકોને દેવના રાજ્ય વિષે જણાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. એના વિષે સર્વ યહોવાહના સાક્ષીઓએ હજું જણાવવાનું ચાલું જ રાખ્યું છે.” પછીથી તેમણે લખ્યું: “તમારો પત્ર વાંચીને મને ઘણો આનંદ થયો. મારી આત્મિકતા વિષે તમે મારી ચિંતા કરી એ માટે હું ખૂબ જ આભારી છું. તેથી, હવે હું યહોવાહ દેવે બતાવેલા માર્ગ પર ચાલી રહ્યો છું. હું ૨૭ વર્ષથી ઠોકર ખાતો આવ્યો છું. છેતરપીંડી, ગેરકાયદેસર કામો, અનૈતિક સંબંધો અને ખોટાં ધર્મો જેવી બાબતોમાં રચ્યા પચ્યા રહીને હું પાપના અંધકારમાં ખોવાઈ ગયો હતો. યહોવાહના સાક્ષીઓ સાથે મારી પ્રથમ મુલાકાત થઈ પછી મને એવું લાગે છે કે, સાચે જ મને જીવનનો સાચો માર્ગ મળ્યો છે! હવે મારે એ જ માર્ગમાં ચાલવાનું છે.”
ભવિષ્યમાં વધુ મદદ
આજે જગતની પરિસ્થિતિ ઉત્તરોત્તર બગડતી જઈ રહી છે. એ પુરાવો આપે છે કે આપણે કટોકટીમય સમયમાં જીવી રહ્યા છીએ, કારણ કે “મહાન વિપત્તિ” આવવાની તૈયારીમાં છે. હમણાં સર્વ દેશોના, કુળના, જાતિના અને ભાષાના મોટા ટોળાએ ‘પોતાનાં વસ્ત્ર ધોઈને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં’ છે. (પ્રકટીકરણ ૭:૯, ૧૩, ૧૪; ૨ તીમોથી ૩:૧-૫) ખંડણી આપનાર ઈસુમાં વિશ્વાસ મૂકવાથી તેઓ પોતાના પાપોની માફી મેળવે છે અને દેવની સાથે સારો સંબંધ બાંધે છે. હકીકતમાં તેઓ દેવના મિત્રો થઈ શકે એ માટે મદદ આપવામાં આવી રહી છે.—યાકૂબ ૨:૨૩.
હલવાન ઈસુ ખ્રિસ્ત, “જીવનના પાણીના ઝરાઓ પાસે તેઓને [મહાન વિપત્તિમાંથી બચી જનારાઓને] દોરી લઈ જશે; અને દેવ તેઓની આંખોમાંથી પ્રત્યેક આંસુ લોહી નાખશે.” (પ્રકટીકરણ ૭:૧૭) પછી, ખ્રિસ્ત પ્રમુખ યાજક તરીકેની પોતાની જવાબદારીને અદા કરશે. ‘જીવનના પાણીના ઝરામાંથી’ તે દેવના સર્વ મિત્રોને આત્મિક, શારીરિક, માનસિક અને લાગણીમય દુઃખ દૂર કરવા મદદ કરશે, જેની શરૂઆત ઈસુએ ૩૩ સી.ઈ.ની શરૂઆતમાં કરી હતી. એવી જ રીતે તે સ્વર્ગમાં રહીને પણ મદદ કરવાનું હંમેશા ચાલુ રાખશે.
છતાં, ચાલો આપણે દેવ અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે સર્વ કર્યું છે એની કદર બતાવવાનું પડતું ન મૂકીએ. જેમ પ્રેષિત પાઊલ વિનંતી કરે છે: “પ્રભુમાં સદા આનંદ કરો. . . . કશાની ચિંતા ન કરો; પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે ઉપકારસ્તુતિસહિત તમારી અરજો દેવને જણાવો. અને દેવની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે ખ્રિસ્ત ઈસુમાં તમારાં હૃદયોની તથા મનોની સંભાળ રાખશે.”—ફિલિપી ૪:૪, ૬, ૭.
ઈસુ ખ્રિસ્ત, સ્વર્ગમાંથી આપણને મદદ પૂરી પાડે છે એની આપણે યોગ્ય કદર બતાવવી જોઈએ. બુધવાર, એપ્રિલ ૧૯, ૨૦૦૦ની સુર્યાસ્ત બાદ યહોવાહના સાક્ષીઓ જગત ફરતે ખ્રિસ્તના મરણની યાદગીરીને સારું પ્રસંગ ઉજવવા ભેગા થશે. (લુક ૨૨:૧૯) ખ્રિસ્તના ખંડણીમય બલિદાનની ઊંડી કદર બતાવવાની તમારા માટે આ એક સારી તક હશે. તમને એ સ્મરણ પ્રસંગમાં હાજરી આપવા ઉષ્માભર્યું આમંત્રણ આપવામાં આવે છે. ત્યાં આવીને તમે એ સાંભળશો કે ખ્રિસ્ત દ્વારા તારણ માટે દેવે કઈ ગોઠવણ કરી છે, અને એમાંથી તમે કઈ રીતે હંમેશ માટે લાભ મેળવી શકો. કૃપા કરીને સ્થાનિક યહોવાહના સાક્ષીઓ પાસેથી આ ખાસ સભાનો ચોક્કસ સમય અને જગ્યાની ખાતરી કરી લો.
[પાન ૭ પર ચિત્ર]
ઈસુ જાણતા હતા કે દેવને આજીજીપૂર્વક પ્રાર્થના કરવાથી કેવો અનુભવ થાય છે
[પાન ૮ પર ચિત્રો]
ખ્રિસ્ત આપણી સમસ્યાઓનો સામનો કરવા યોગ્ય મદદ પૂરી પાડશે
[પાન ૯ પર ચિત્ર]
ખ્રિસ્ત પ્રેમાળ વડીલો દ્વારા આપણને મદદ આપે છે