અભ્યાસ લેખ ૩
મોટું ટોળું ઈશ્વરનો અને ખ્રિસ્તનો મહિમા કરે છે
“રાજ્યાસન પર બેઠેલા આપણા ઈશ્વર અને ઘેટા તરફથી ઉદ્ધાર મળે છે.”—પ્રકટી. ૭:૧૦.
ગીત ૩૦ યહોવાનું સોનેરી રાજ
ઝલકa
૧. સાલ ૧૯૩૫ના સંમેલનમાં પ્રવચન સાંભળીને એક યુવાનને કઈ વાતનો અહેસાસ થયો?
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. એક કુટુંબમાં માતાપિતા, ત્રણ દીકરાઓ અને બે દીકરીઓ હતાં. માતાપિતા બાઇબલ વિદ્યાર્થીઓ હતાં. એ સમયે યહોવાના સાક્ષીઓ એ નામથી ઓળખાતા હતા. તેઓએ બાળકોને નાનપણથી યહોવાની ભક્તિ કરવાનું અને ઈસુ જેવા બનવાનું શીખવ્યું હતું. ૧૯૨૬માં તેઓના એક દીકરાએ ૧૮ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લીધું. બધા બાઇબલ વિદ્યાર્થીઓની જેમ એ યુવાન પણ દર વર્ષે સ્મરણપ્રસંગમાં દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેતો. પછી ૧૯૩૫માં અમેરિકાના વૉશિંગટનમાં એક સંમેલન યોજાયું. એમાં જે. એફ. રધરફર્ડે એક પ્રવચન આપ્યું હતું, જેનો વિષય હતો “મોટું ટોળું.” એ યાદગાર પ્રવચન સાંભળીને યુવાનને અહેસાસ થયો કે તેની આશા સ્વર્ગમાં જવાની નથી. એ સંમેલનમાંથી બાઇબલ વિદ્યાર્થીઓને કઈ વાત જાણવા મળી?
૨. રધફર્ડભાઈએ પ્રવચનમાં શું સમજાવ્યું?
૨ રધરફર્ડભાઈએ પોતાના પ્રવચનમાં પ્રકટીકરણ ૭:૯માં જણાવેલા ‘મોટા ટોળા’ વિશે સમજાવ્યું. બાઇબલ વિદ્યાર્થીઓ અગાઉ એવું માનતા હતા કે મોટા ટોળાના લોકો સ્વર્ગમાં તો જશે, પણ તેઓમાં અભિષિક્તો કરતાં ઓછી શ્રદ્ધા હશે. ભાઈએ એ કલમોનો ઉપયોગ કરીને સમજાવ્યું કે મોટા ટોળાના લોકો સ્વર્ગમાં નહિ જાય, પણ તેઓ ‘મહાન વિપત્તિ’ પાર કરીને પૃથ્વી પર હંમેશ માટે જીવશે. (પ્રકટી. ૭:૧૪) તેઓ વિશે ઈસુએ કહ્યું હતું: “મારાં બીજાં ઘેટાં પણ છે, જે આ વાડાનાં નથી. તેઓને પણ મારે લઈ આવવાનાં છે, તેઓ મારો અવાજ સાંભળશે અને તેઓ એક ટોળું બનશે, તેઓનો એક ઘેટાંપાળક હશે.” (યોહા. ૧૦:૧૬) ઈસુનાં એ બીજાં ઘેટાંb યહોવાને વફાદાર છે અને તેઓને બાગ જેવી સુંદર પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે. (માથ. ૨૫:૩૧-૩૩, ૪૬) એ નવી સમજણ મેળવીને પેલા યુવાન અને બીજા વિદ્યાર્થીઓ પર કેવી અસર પડી? ચાલો એ વિશે જોઈએ.—ગીત. ૯૭:૧૧; નીતિ. ૪:૧૮.
નવી સમજણથી જીવનમાં ફેરફાર
૩-૪. સાલ ૧૯૩૫ના સંમેલનમાં હજારો ભાઈ-બહેનોને કઈ વાત સમજાઈ?
૩ સંમેલનમાં પ્રવચનને અંતે રધરફર્ડભાઈએ લોકોને પૂછ્યું: “તમારામાંથી જેઓ પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા રાખે છે તેઓ કૃપા કરીને ઊભા થાય?” એ પ્રવચનમાં ગયેલા એક ભાઈએ જણાવ્યું કે ત્યાં આશરે ૨૦,૦૦૦ લોકો આવ્યા હતા. એમાંથી અડધા કરતાં વધારે લોકો ઊભા થયા હતા. એ જોઈને રધરફર્ડભાઈએ જણાવ્યું કે, “જુઓ! મોટું ટોળું આ જ છે!” એ સાંભળીને આખા હૉલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઊઠ્યો. જેઓ ઊભા થયા હતા તેઓ સમજી ગયા કે યહોવાએ તેઓને સ્વર્ગના જીવન માટે પસંદ કર્યા નથી. યહોવાએ તેઓને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા નથી. સંમેલનના બીજા દિવસે ૮૪૦ લોકોએ બાપ્તિસ્મા લીધું, એમાંના મોટા ભાગના લોકો બીજાં ઘેટાંના હતા.
૪ પ્રવચન પછી એ યુવાન અને બીજાં હજારો ભાઈ-બહેનોએ સ્મરણપ્રસંગમાં રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવાનું બંધ કરી દીધું. એક ભાઈએ કહ્યું, “મેં છેલ્લી વાર ૧૯૩૫માં સ્મરણપ્રસંગ વખતે રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લીધો હતો. મને સમજાઈ ગયું કે યહોવાએ મને સ્વર્ગના જીવનની આશા આપી નથી અને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યો નથી. મારી આશા પૃથ્વી પરના જીવનની છે. એટલે હું પૃથ્વીને બાગ જેવી સુંદર બનાવવામાં ભાગ લઈશ.” (રોમ. ૮:૧૬, ૧૭; ૨ કોરીં. ૧:૨૧, ૨૨) એ વખતે બીજાં ઘણાં ભાઈ-બહેનોને એવું જ લાગ્યું હતું. એ સમયથી મોટા ટોળાની સંખ્યામાં વધારો થતો ગયો અને તેઓ બાકી રહેલાc અભિષિક્તો સાથે ખભેખભા મિલાવીને કામ કરી રહ્યાં છે.
૫. જેઓએ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવાનું છોડી દીધું છે તેઓ વિશે યહોવાને કેવું લાગે છે?
૫ જે ભાઈ-બહેનોએ ૧૯૩૫થી રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેવાનું બંધ કરી દીધું, તેઓ વિશે યહોવાને કેવું લાગ્યું હતું? ધારો કે, કોઈ ઈશ્વરભક્ત ખરા દિલથી રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે. પણ પછીથી તેને ખબર પડે છે કે તેને સ્વર્ગના જીવનની આશા નથી, તો તેના વિશે યહોવાને કેવું લાગે છે? (૧ કોરીં. ૧૧:૨૮) અમુક ભાઈ-બહેનોને ખરેખર લાગ્યું હતું કે તેઓને સ્વર્ગના જીવનની આશા છે. પણ જો તેઓ પોતાની ભૂલ સુધારે, રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવાનું બંધ કરે અને વફાદારીથી યહોવાની ભક્તિ કરતા રહે, તો તે ચોક્કસ તેઓને બીજાં ઘેટાંમાં ગણશે. ભલે હવે તેઓ ખાવા-પીવામાં ભાગ લેતા નથી, પણ તેઓ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે. કારણ કે, યહોવા અને ઈસુએ તેઓ માટે જે કર્યું છે એ માટે દિલથી આભાર માનવા માંગે છે.
અજોડ આશા
૬. ઈસુએ સ્વર્ગદૂતોને શું કરવાનું કહ્યું છે?
૬ મહાન વિપત્તિ બહુ જલદી શરૂ થવાની છે. એટલે સારું રહેશે કે આપણે પ્રકટીકરણના ૭મા અધ્યાયમાં અભિષિક્તો અને મોટા ટોળા વિશે જે બતાવ્યું છે એની ચર્ચા કરીએ. ઈસુએ સ્વર્ગદૂતોને શું કરવાનું કહ્યું છે? જ્યાં સુધી અભિષિક્તો પર મહોર કરવામાં ન આવે, એટલે કે તેઓને યહોવાની મંજૂરી ન મળે ત્યાં સુધી સ્વર્ગદૂતોએ વિનાશ કરનારી હવાને પકડી રાખવાનું છે. (પ્રકટી. ૭:૧-૪) ઈસુના એ ભાઈઓને તેઓની વફાદારીનું ઇનામ મળશે. તેઓ સ્વર્ગમાં રાજા અને યાજક તરીકે ઈસુ સાથે રાજ કરશે. (પ્રકટી. ૨૦:૬) ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને સ્વર્ગમાં ઇનામ મળશે ત્યારે યહોવા, ઈસુ અને સ્વર્ગદૂતોની ખુશીનો પાર નહિ રહે.
૭. પ્રકટીકરણ ૭:૯, ૧૦માં જણાવ્યા પ્રમાણે યોહાને દર્શનમાં શું જોયું? એ લોકો શું કરી રહ્યા હતા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૭ યોહાને ૧,૪૪,૦૦૦ રાજા અને યાજકો વિશે જણાવ્યા પછી, દર્શનમાં એક “મોટું ટોળું” જોયું. એ ટોળું આર્માગેદનમાંથી બચીને આવેલું હતું. એ ટોળું ગણ્યા ગણાય નહિ એટલું મોટું હતું. (પ્રકટીકરણ ૭:૯, ૧૦ વાંચો.) યોહાને જોયું કે તેઓએ “સફેદ ઝભ્ભા પહેર્યા” છે અને પોતાને શેતાનની દુનિયાનો “ડાઘ લાગવા” દીધો નથી. તેઓ યહોવા અને ઈસુને વફાદાર છે. (યાકૂ. ૧:૨૭) તેઓ મોટા અવાજે પોકારે છે કે યહોવા અને ઈસુને લીધે તેઓનો બચાવ થયો છે. તેઓ પોતાના હાથમાં ખજૂરીની ડાળીઓ લઈને ઊભા છે. એનાથી ખબર પડે છે કે તેઓ ખુશી ખુશી ઈસુને યહોવાએ પસંદ કરેલા રાજા માને છે.—યોહાન ૧૨:૧૨, ૧૩ સરખાવો.
૮. પ્રકટીકરણ ૭:૧૧, ૧૨ પ્રમાણે મોટા ટોળાને જોઈને સ્વર્ગમાં શું થશે?
૮ પ્રકટીકરણ ૭:૧૧, ૧૨ વાંચો. જેઓ સ્વર્ગમાં છે તેઓ મોટા ટોળાને જોઈને શું કરે છે? તેઓ યહોવાનો મહિમા કરે છે. જ્યારે મોટું ટોળું મહાન વિપત્તિ પાર કરીને બહાર આવશે ત્યારે સ્વર્ગમાં ખુશી ફેલાઈ જશે.
૯. પ્રકટીકરણ ૭:૧૩-૧૫ પ્રમાણે મોટા ટોળાના લોકો આજે શું કરી રહ્યા છે?
૯ પ્રકટીકરણ ૭:૧૩-૧૫ વાંચો. યોહાને જણાવ્યું કે મોટા ટોળાએ “પોતાના ઝભ્ભા ઘેટાના લોહીમાં ધોઈને સફેદ કર્યા છે.” એનો અર્થ થાય કે તેઓનું દિલ સાફ છે અને યહોવા તેઓથી ખુશ છે. (યશા. ૧:૧૮) તેઓએ સમર્પણ કરીને બાપ્તિસ્મા લીધું છે, તેમજ ઈસુએ આપેલા બલિદાનમાં શ્રદ્ધા રાખી છે. તેઓએ યહોવા સાથે સારો સંબંધ કેળવ્યો છે. (યોહા. ૩:૩૬; ૧ પીત. ૩:૨૧) આમ પૃથ્વી પર “તેઓ રાત-દિવસ તેમની પવિત્ર સેવા” કરતા રહેવા પોતાને લાયક બનાવે છે. તેઓ પૂરા જોશથી ખુશખબર ફેલાવવાનું અને શિષ્ય બનાવવાનું કામ કરે છે. તેઓ પોતાના જીવનમાં ઈશ્વરના રાજ્યને પહેલું સ્થાન આપે છે.—માથ. ૬:૩૩; ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
૧૦. મોટા ટોળાને કેવો ભરોસો છે? તેઓ કયું વચન પૂરું થતા જોશે?
૧૦ મોટા ટોળાને પૂરો ભરોસો છે કે મહાન વિપત્તિમાંથી બચ્યા પછી પણ યહોવા તેઓની સંભાળ રાખશે. કારણ કે “રાજ્યાસન પર જે બેઠા છે, તે તેઓનું રક્ષણ કરશે.” મોટા ટોળાના લોકો આ વચન પૂરું થવાની કાગડોળે રાહ જુએ છે: “[ઈશ્વર] તેઓની આંખોમાંથી દરેક આંસુ લૂછી નાખશે અને મરણ હશે જ નહિ, શોક કે રૂદન કે દુઃખ હશે નહિ.”—પ્રકટી. ૨૧:૩, ૪.
૧૧-૧૨. (ક) પ્રકટીકરણ ૭:૧૬, ૧૭ પ્રમાણે મોટા ટોળાને ભાવિમાં કેવા આશીર્વાદ મળશે? (ખ) શા માટે બીજાં ઘેટાંના લોકો સ્મરણપ્રસંગમાં હાજર રહે છે?
૧૧ પ્રકટીકરણ ૭:૧૬, ૧૭ વાંચો. આજે અમુક ભાઈ-બહેનોને પૈસાની તંગી, યુદ્ધ કે દેશમાં થતી ઉથલપાથલને લીધે ભરપેટ ખાવાનું મળતું નથી. બીજા અમુકને તેઓની શ્રદ્ધાને લીધે કેદ કરવામાં આવ્યા છે. પરંતુ એ મોટા ટોળાના લોકોને ખબર છે કે બહુ જલદી આ દુષ્ટ દુનિયાનો અંત આવશે. એ પછી તેઓને ભરપૂર ખાવાનું મળશે. તેઓને એ બધું મળશે જેનાથી યહોવા સાથેનો સંબંધ મજબૂત થાય છે. શેતાનની દુનિયાનો નાશ કરશે ત્યારે યહોવા જોશે કે મોટા ટોળું તેમના કોપની ‘બાળી નાખતી ગરમીથી’ બચી જાય. મહાન વિપત્તિમાંથી બચનારા લોકોને ઈસુ “[કાયમી] જીવનનાં પાણીનાં ઝરણાઓ” સુધી દોરી જશે. જરા વિચારો, મોટા ટોળા પાસે કેવી અજોડ આશા છે! તેઓએ ક્યારે મરવું નહિ પડે!—યોહા. ૧૧:૨૬.
૧૨ એ અજોડ આશા માટે બીજાં ઘેટાંના લોકો યહોવા અને ઈસુનો ખૂબ આભાર માને છે. ભલે તેઓને સ્વર્ગના જીવન માટે પસંદ કરવામાં આવ્યા નથી. પણ તેઓ યહોવાની નજરે કીમતી છે. અભિષિક્તોની જેમ તેઓ પણ યહોવા અને ઈસુનો મહિમા કરી શકે છે. એમ કરવાની એક રીત છે ઈસુના સ્મરણપ્રસંગમાં હાજર રહેવું.
સ્મરણપ્રસંગે ઈશ્વરનો અને ખ્રિસ્તનો દિલથી મહિમા કરીએ
૧૩-૧૪. શા માટે બધાએ સ્મરણપ્રસંગમાં હાજર રહેવું જોઈએ?
૧૩ અમુક વર્ષોથી, એવું જોવા મળે છે કે દર હજારમાંથી ભાગ્યે જ એકાદ વ્યક્તિ રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે. એટલે મોટાભાગનાં મંડળોમાં એવું કોઈ નથી જે દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લેતો હોય. એનો અર્થ થાય કે મોટાભાગના લોકો પાસે ધરતી પર જીવવાની આશા છે. તો પછી તેઓ કેમ સ્મરણપ્રસંગમાં જાય છે? એ સમજવા ચાલો એક દાખલો જોઈએ. તમારા દોસ્તના લગ્નમાં તમે જાઓ છો, કારણ કે તમે તેમને પ્રેમ કરો છો અને તેમની ખુશીમાં તમે ખુશ થાઓ છો. એવી જ રીતે બીજાં ઘેટાંના લોકો પણ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે. કારણ કે તેઓ ઈસુ અને અભિષિક્તો માટે ખુશ છે અને તેઓને પ્રેમ કરે છે. એ પ્રસંગમાં હાજર રહીને તેઓ ઈસુએ આપેલા બલિદાન માટે કદર બતાવે છે. એ બલિદાનને લીધે જ તેઓને પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા મળે છે.
૧૪ બીજાં ઘેટાં વધુ એક મહત્ત્વના કારણને લીધે સ્મરણપ્રસંગમાં હાજર રહે છે. એ આજ્ઞા ઈસુએ આપી છે અને તેઓ એ પાળવા ચાહે છે. ઈસુએ એ પ્રસંગની શરૂઆત કરી ત્યારે પોતાના વફાદાર શિષ્યોને કહ્યું હતું: “મારી યાદમાં આ કરતા રહો.” (૧ કોરીં. ૧૧:૨૩-૨૬) એટલે જ્યાં સુધી અભિષિક્તો પૃથ્વી પર હશે ત્યાં સુધી બીજાં ઘેટાં એમાં હાજર રહેશે. તેઓ બીજાઓને પણ એમાં આવવા આમંત્રણ આપતા રહેશે.
૧૫. સ્મરણપ્રસંગમાં આપણે કઈ રીતે યહોવા અને ઈસુનો મહિમા કરી શકીએ?
૧૫ સ્મરણપ્રસંગમાં આપણે ગીતો ગાઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. એમ કરીને પણ આપણે યહોવા અને ઈસુનો મહિમા કરીએ છીએ. આ વર્ષે પ્રવચનનો વિષય છે: “યહોવાએ અને ખ્રિસ્તે આપણા માટે જે કર્યું એની કદર કરીએ!” એ પ્રવચન સાંભળીને યહોવા અને ઈસુ માટે આપણી કદર વધશે. રોટલી અને દ્રાક્ષદારૂ પસાર કરવામાં આવે ત્યારે મનન કરીએ કે એ ઈસુના શરીર અને લોહીને રજૂ કરે છે. વધુમાં, યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપીને આપણા પર પ્રેમ બતાવ્યો છે એના પર પણ મનન કરીએ. (માથ. ૨૦:૨૮) જેઓ યહોવા અને ઈસુને પ્રેમ કરે છે તેઓ જરૂર સ્મરણપ્રસંગમાં આવશે.
આપણને મળેલી આશા માટે યહોવાનો આભાર માનીએ
૧૬. અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો કઈ રીતે સરખા છે?
૧૬ ભલે અભિષિક્તો અને બીજાં ઘેટાંની આશા અલગ અલગ હોય, પણ યહોવાની નજરે તેઓ બધા કીમતી છે. યહોવાએ બંને સમૂહ માટે પોતાના વહાલા દીકરાનું બલિદાન આપ્યું છે. અભિષિક્તો અને બીજાં ઘેટાંના સભ્યોએ યહોવાને વફાદાર રહેવું જોઈએ. (ગીત. ૩૧:૨૩) યાદ રાખો, ઈશ્વરની પવિત્ર શક્તિ દરેક પર એકસરખી રીતે કામ કરે છે. જે વ્યક્તિને પવિત્ર શક્તિની જરૂર હોય તેને યહોવા આપે છે. પછી ભલે તેની પાસે સ્વર્ગના જીવનની આશા હોય કે પૃથ્વી પરના જીવનની.
૧૭. પૃથ્વી પરના અભિષિક્તો શાની રાહ જુએ છે?
૧૭ અભિષિક્તોને જન્મથી જ સ્વર્ગના જીવનની આશા મળતી નથી. પણ યહોવા તેઓના દિલમાં એ આશા જગાડે છે. તેઓ પોતાની આશા વિશે વિચાર કરે છે, પ્રાર્થના કરે છે અને સ્વર્ગના જીવનની આતુરતાથી રાહ જુએ છે. સ્વર્ગના જીવન વિશે તેઓ ખાસ કંઈ જાણતા નથી. (ફિલિ. ૩:૨૦, ૨૧; ૧ યોહા. ૩:૨) તેમ છતાં, યહોવા, ઈસુ, સ્વર્ગદૂતો અને બીજા અભિષિક્તોને મળવા તેઓ આતુર છે. તેઓ એ સમયની રાહ જુએ છે જ્યારે બીજા અભિષિક્તો સાથે મળીને સ્વર્ગમાં રાજ કરશે.
૧૮. બીજાં ઘેટાંના લોકો કયા દિવસની કાગડોળે રાહ જુએ છે?
૧૮ માણસોમાં જન્મથી હંમેશાં જીવવાની ઇચ્છા હોય છે. એટલે બીજાં ઘેટાંના લોકો હંમેશ માટેના જીવનની આશા રાખે છે. (સભા. ૩:૧૧) તેઓ એ દિવસની કાગડોળે રાહ જુએ છે જ્યારે તેઓ પૃથ્વીને બગીચા જેવી સુંદર બનાવી દેશે. તેઓ પોતાનાં ઘરો અને બગીચાઓ બનાવશે. તેઓનાં બાળકો ક્યારેય બીમાર નહિ પડે. (યશા. ૬૫:૨૧-૨૩) તેઓ નવી દુનિયામાં ઘણું બધું કરી શકશે. જરા વિચારો, ઊંચા પહાડો, લીલાછમ જંગલો, ખળખળ વહેતી નદીઓ અને સુંદર દરિયા કિનારા જોવાની કેટલી મજા આવશે! યહોવાએ રચેલી સૃષ્ટિમાંથી તેઓ ઘણું શીખશે. સૌથી મહત્ત્વનું તો, તેઓનો યહોવા સાથેનો સંબંધ વધુ મજબૂત થતો જશે.
૧૯. સ્મરણપ્રસંગે આપણા બધા પાસે કઈ તક છે? આ વર્ષે એ ક્યારે ઊજવાશે?
૧૯ સમર્પણ કરેલા દરેક ઈશ્વરભક્તને યહોવાએ એક અજોડ આશા આપી છે. (યર્મિ. ૨૯:૧૧) અભિષિક્તો અને બીજાં ઘેટાંના લોકો ભાવિમાં હંમેશાં જીવી શકે માટે યહોવા અને ઈસુએ ઘણું કર્યું છે. સ્મરણપ્રસંગે તેઓનો મહિમા કરવાની આપણા બધા પાસે સારી તક છે. એ પ્રસંગ વર્ષની મહત્ત્વની સભા છે. આ વર્ષે એ શનિવાર ૨૭ માર્ચ, ૨૦૨૧ના રોજ સૂર્યાસ્ત પછી ઉજવવામાં આવશે. મોટા ભાગના લોકો છૂટથી એ સભામાં આવી શકશે. પણ અમુકે એમાં હાજર રહેવા વિરોધનો સામનો કરવો પડશે. કેટલાકે તો એને કેદમાં ઉજવવું પડશે. પણ યાદ રાખીએ કે યહોવા, ઈસુ, સ્વર્ગદૂતો અને બીજા અભિષિક્તો દરેક મંડળ, સમૂહ અને વ્યક્તિ પર ધ્યાન આપે છે. અમે આશા રાખીએ છીએ કે આપણે બધા એ પ્રસંગ સારી રીતે ઉજવી શકીશું.
ગીત ૪૯ યહોવા છે સહારો
a યહોવાના સાક્ષીઓ માટે માર્ચ ૨૭, ૨૦૨૧ એક ખાસ દિવસ છે. એ દિવસે તેઓ ઈસુ ખ્રિસ્તના મરણનો સ્મરણપ્રસંગ ઉજવશે. એમાં હાજર રહેનાર મોટા ભાગના લોકો ‘બીજાં ઘેટાંના’ સભ્ય છે. ૧૯૩૫થી બીજાં ઘેટાં વિશે કઈ નવી સમજણ મળી? મહાન વિપત્તિ પછી બીજાં ઘેટાંના લોકોને કેવા આશીર્વાદો મળશે? તેઓ સ્મરણપ્રસંગમાં હાજર રહે છે ત્યારે, કઈ રીતે યહોવા અને ઈસુનો મહિમા કરે છે?
b શબ્દોની સમજ: બીજાં ઘેટાંમાં એવા લોકો છે જેઓ ખ્રિસ્તને પગલે ચાલે છે અને તેઓ પાસે પૃથ્વી પર હંમેશ માટે જીવવાની આશા છે. આ છેલ્લા દિવસોમાં જેઓએ યહોવાની ભક્તિ કરવાનું શરૂ કર્યું છે તેઓને પણ એ સમૂહમાં ગણવામાં આવે છે. ઈસુ મહાન વિપત્તિ દરમિયાન બધા મનુષ્યોનો ન્યાય કરશે. એ સમયે બીજાં ઘેટાંના જે લોકો મહાન વિપત્તિમાંથી બચશે તેઓને મોટું ટોળું કહેવામાં આવે છે.
c શબ્દોની સમજ: “બાકી રહેલા” શબ્દો એવા અભિષિક્તોને રજૂ કરે છે, જેઓ પૃથ્વી પર છે અને જેઓ સ્મરણપ્રસંગમાં રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવામાં ભાગ લે છે.