યહોવાહનો શબ્દ જીવંત છે
ગણનાના મુખ્ય વિચારો
મિસર (ઇજિપ્ત)માંથી નીકળ્યા પછી, ઈસ્રાએલીઓ એક રાષ્ટ્ર બન્યા હતા. તેઓ થોડા જ સમયમાં વચનના દેશમાં પહોંચી શક્યા હોત, પરંતુ એવું કંઈ બન્યું નહિ. તેઓએ લગભગ ચાલીસ વર્ષ “વિશાળ તથા ભયંકર અરણ્યમાં” રખડવું પડ્યું. (પુનર્નિયમ ૮:૧૫) શા માટે? એનું કારણ આપણને ગણનાના પુસ્તકમાં જોવા મળે છે. એનાથી આપણને જાણવા મળે છે કે યહોવાહને આધીન રહેવું અને તેમણે પસંદ કરેલા આગેવાનોને માન આપવું કેટલું મહત્ત્વનું છે.
ગણનાનું પુસ્તક મૂસાએ અરણ્ય અને મોઆબના મેદાનોમાં લખ્યું હતું. એમાં ઈ.સ. પૂર્વે ૧૫૧૨-૧૪૭૩માં બનેલા બનાવોનો અહેવાલ આપેલો છે. એ સમય કુલ ૩૮ વર્ષ અને ૯ મહિનાનો હતો. (ગણના ૧:૧; પુનર્નિયમ ૧:૩) આ પુસ્તકનું નામ ઈસ્રાએલીઓની બે વાર કરવામાં આવેલી વસ્તી ગણતરી પરથી લેવામાં આવ્યું. બંને ગણતરી વચ્ચે ૩૮ વર્ષનો સમયગાળો હતો. (અધ્યાય ૧-૪, ૨૬) ગણનાના અહેવાલને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવ્યો. (૧) સિનાય પહાડ પાસે બનેલા બનાવો, (૨) ઈસ્રાએલીઓ અરણ્યમાં રખડ્યા એ દરમિયાન બનેલા બનાવો, અને (૩) મોઆબના મેદાનમાં બનેલા બનાવો. તમે આ અહેવાલ વાંચો તેમ, વિચારો કે, ‘એમાંથી મને શું શીખવા મળે છે? આ પુસ્તકના સિદ્ધાંતો આજે મને કઈ રીતે લાભ કરી શકે?’
સિનાય પહાડ પાસે
ઈસ્રાએલીઓ સિનાય પહાડની પાસે હતા ત્યારે, તેઓની પહેલી વસ્તી ગણતરી કરવામાં આવી. લેવીય સિવાયના ૨૦ વર્ષ કે એથી વધારે ઉંમરના કુલ ૬,૦૩,૫૫૦ પુરુષો હતા. દેખીતી રીતે જ લશ્કરના હેતુથી આ ગણતરી કરવામાં આવી હતી. સ્ત્રીઓ, બાળકો અને લેવીઓ સાથે બધા મળીને આખી છાવણીમાં ૩૦ લાખ કરતાં વધારે લોકો હોય શકે.
ગણતરી પછી, ઈસ્રાએલીઓને ઘણાં સૂચનો આપવામાં આવ્યા. જેમ કે, લેવીઓ ફરજ બજાવતી વખતે કેવી રીતે ચાલવું; લેવીઓની ફરજો અને પવિત્ર મંડપની સેવાઓને લગતી માહિતી; ચેપી રોગવાળી વ્યક્તિથી દૂર રહેવાને લગતી આજ્ઞાઓ; કોઈને શંકા થઈ હોય તો, એને દૂર કરવાને લગતા નિયમો; અને નાજીરીએ કોઈ માનતા લીધી હોય તો એને લગતા નિયમો. સાતમા અધ્યાયમાં વેદી પર કુળના આગેવાનો તરફથી ચઢાવાતા અર્પણો વિષેની માહિતી આપવામાં આવી છે. નવમો અધ્યાય પાસ્ખાપર્વની ઉજવણી વિષેની ચર્ચા કરે છે. ઈસ્રાએલી પ્રજાએ ક્યારે પડાવ નાખીને રોકાવું અને ક્યારે ત્યાંથી આગળ વધવું એ વિષે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.
સવાલ-જવાબ:
૨:૧, ૨—“નિશાન” શું હતું કે જેની આસપાસ અરણ્યમાં ઈસ્રાએલપુત્રોના કુળે છાવણી કરવાની હતી? આ નિશાન શું હતું એના વિષે બાઇબલમાં કંઈ જણાવવામાં આવ્યું નથી. એને કંઈ પવિત્ર ચિહ્ન કે કોઈ ધાર્મિક મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું. એ લોકોને છાવણીમાં પોતાની યોગ્ય જગ્યા મેળવવા મદદ કરતું હતું.
૫:૨૭—વ્યભિચારી સ્ત્રીની “જાંઘ સડીને ખરી પડશે” એનો શું અર્થ થાય છે? “જાંઘ” શબ્દ અહીં પ્રજનન અંગોને બતાવે છે. (ઉત્પત્તિ ૪૬:૨૬) ‘ખરી પડવું’ બતાવે છે કે આ અંગો ખવાઈ જશે અને પછી સ્ત્રી ક્યારેય ગર્ભ ધારણ નહિ કરે.
આપણે શું શીખી શકીએ?
૬:૧-૭. નાજીરીએ દારૂની જેમ નશો કરાવે એવી કોઈ પણ વસ્તુથી દૂર રહેવાનું હતું. તેઓએ પોતાના વાળ વધવા દેવાના હતા. એ યહોવાહને આધીન રહેવાનું ચિહ્ન હતું, જેમ સ્ત્રીઓ પોતાના પતિ અને પિતાને આધીન રહેતી હતી. નાજીરીઓએ શબથી પણ દૂર રહીને શુદ્ધ રહેવાનું હતું, પછી ભલેને એ તેમના પોતાના કુટુંબીજનનું શબ કેમ ન હોય. આજે પૂરા સમયના સેવકો પણ યહોવાહ અને તેમની ગોઠવણોને આધીન રહેવાની વાત આવે છે ત્યારે, તેમની સેવા કરવા ઘણું જતું કરે છે. તેઓ યહોવાહની ઇચ્છા પ્રમાણે કરવા જીવનમાં ઘણા ભોગ આપે છે. દાખલા તરીકે, ઘણા દૂર બીજા દેશોમાં સેવા આપવા જાય છે. જ્યારે તેમનું કોઈ સ્વજન ગુજરી જાય, ત્યારે અંતિમ સંસ્કાર માટે પાછા પોતાના દેશ જવું તેમના માટે મુશ્કેલ કે અશક્ય હોય છે.
૮:૨૫, ૨૬. મુલાકાતમંડપની સેવા કરવા માટે લેવીયોમાંથી યોગ્ય વ્યક્તિને નિયુક્ત કરવા અને ઉંમરને ધ્યાનમાં રાખીને, વયોવૃદ્ધ ભાઈઓને ફરજિયાત સેવામાંથી નિવૃત્ત થવાની આજ્ઞા આપવામાં આવી હતી. તેમ છતાં, સ્વેચ્છાએ તેઓ બીજા લેવીઓને મદદ કરી શકતા હતા. આજે પ્રચાર કાર્યમાંથી નિવૃત્તિ લેવાની હોતી નથી. પરંતુ આ નિયમનો સિદ્ધાંત આપણને એક મૂલ્યવાન બોધપાઠ શીખવે છે. કોઈ ભાઈ પોતાની ઉંમરને લીધે અમુક જવાબદારી પૂરી કરી શકતા ન હોય તો, તે પોતાથી શક્ય હોય એવી સેવા આપી શકે.
અરણ્યમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ
મંડપ પરથી મેઘ ઊંચકાતો ત્યારે, ઈસ્રાએલીઓ મુસાફરી શરૂ કરતા. આ રીતે તેઓ ૩૮ વર્ષ અને એક કે બે મહિના પછી મોઆબના રણમાં આવ્યા. તમે “સી ધ ગુડ લૅન્ડ” બ્રોશરના પાન ૯ પર આપેલા નકશામાં જોઈ શકો કે તેઓ કયા માર્ગેથી ગયા હતા. એ બ્રોશર યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
કાદેશ જતા હતા ત્યારે, પારાનના અરણ્યમાં તેઓએ ત્રણેક બાબતોમાં કચકચ કરી હતી. એક તો, તેઓએ બળવો પોકાર્યો ત્યારે યહોવાહે કેટલાક લોકોને અગ્નિથી ભસ્મ કરી દીધા. ત્યાર પછી તેઓએ માંસ ખાવા માટે કચકચ કરી. ત્યારે યહોવાહે તેઓને લાવરી આપી. પછી મરિયમ અને હારૂને મૂસા વિરૂદ્ધ કચકચ કરી, પરિણામે મરિયમને થોડા સમય માટે કોઢ થયો.
તેઓએ કાદેશમાં છાવણી નાખી ત્યારે, મૂસા એ ૧૨ માણસોને વચનના દેશની જાસૂસી કરવા મોકલ્યા. તેઓ ૪૦ દિવસ પછી પાછા આવ્યા. દસ જાસૂસો સારી ખબર લાવ્યા ન હોવાથી લોકોએ મૂસા, હારૂન અને વિશ્વાસુ જાસૂસ યહોશુઆ અને કાલેબને મારવા પથ્થરો ઉઠાવ્યા. યહોવાહ લોકોને મરકીથી મારવાના જ હતા પરંતુ મૂસાએ તેઓ વતી વિનંતી કરી. પછી પરમેશ્વરે જાહેર કર્યું કે આ બધા બળવાખોરો મરણ પામે ત્યાં સુધી, તેઓ અરણ્યમાં જ ૪૦ વર્ષ સુધી ભટક્યા કરશે.
પછી યહોવાહે બીજા નિયમો પણ આપ્યા. કોરાહ અને તેના સાથીઓએ મૂસા અને હારૂન વિરુદ્ધ બળવો પોકાર્યો. આ બળવાખોર લોકો પર અગ્નિ આવી પડ્યો અને પૃથ્વી તેઓને ગળી ગઈ. બીજા દિવસે આખી સભાએ મૂસા અને હારૂન વિરુદ્ધ કચકચ કરી. પરિણામે, યહોવાહનો કોપ ભડકી ઊઠ્યો અને ૧૪,૭૦૦ લોકો માર્યા ગયા. પછી પોતે પ્રમુખયાજક તરીકે કોને પસંદ કર્યા છે એ લોકોને જણાવવા માટે પરમેશ્વરે હારૂનની લાકડી પર ફૂલો ખીલાવ્યા. ત્યાર પછી પરમેશ્વરે લેવીઓની જવાબદારીઓને લગતા અને લોકોને સ્વચ્છતાના નિયમો આપ્યા. લાલ વાછરડીની રાખ ઈસુના બલિદાનથી મળતી શુદ્ધતાને બતાવતું હતું.—હેબ્રી ૯:૧૩, ૧૪.
પછી ઈસ્રાએલીઓ કાદેશમાં પાછા ફરે છે જ્યાં મરિયમનું મરણ થયું. ત્યાં લોકો ફરીથી મૂસા અને હારૂન વિરૂદ્ધ કચકચ કરવા લાગ્યા, કેમ કે એ સ્થળે પાણી ન હતું. તેથી મૂસા અને હારૂને લોકોને ચમત્કારથી પાણી પૂરું પાડ્યું. પણ એ માટે તેમણે યહોવાહને મહિમા ન આપ્યો. તેથી મૂસા અને હારૂનને વચનના દેશમાં જવાનો મોકો મળ્યો નહિ. પછી ઈસ્રાએલ પ્રજા કાદેશની નીકળીને હોર પર્વત પાસે આવી કે જ્યાં હારૂન મરણ પામ્યા. પછી ઈસ્રાએલીઓ અદોમ દેશની બહાર રહીને ચકરાવો ખાઈને જતા હતા ત્યારે તેઓ અધીરા થઈ ગયા અને પરમેશ્વર તથા મૂસા વિરૂદ્ધ કચકચ કરવા લાગ્યા. તેથી તેઓને શિક્ષા કરવા માટે યહોવાહે ઝેરીલા સાપ મોકલ્યા. ફરીથી મૂસાએ તેઓને બચાવવા પરમેશ્વરને વિનંતી કરી. તેથી તેમણે મૂસાને પિત્તળનો એક સાપ બનાવીને એક થાંભલા પર મૂકવાનું કહ્યું, જેથી જેઓને સાપ કરડ્યો હોય તેઓ એને જોઈને સાજા થઈ શકે. સાપ વધસ્થંભે જડવામાં આવેલા ઈસુને બતાવતો હતો કે જેમના તરફ ફરીને આપણે હંમેશ માટેનો લાભ મેળવી શકીએ છીએ. (યોહાન ૩:૧૪, ૧૫) પછી ઈસ્રાએલીઓએ અમોરીઓના રાજા સીહોન અને ઓગને હરાવીને તેઓના દેશ પર કબજો જમાવી દીધો.
સવાલ-જવાબ:
૧૨:૧—શા માટે મરિયમ અને હારૂને મૂસા વિરુદ્ધ કચકચ કરી? તેઓની કચકચનું મુખ્ય કારણ મરિયમ હતી કે જે લોકોમાં પોતાનું વર્ચસ્વ વધારવા માગતી હતી. અરણ્યમાં મૂસાની પત્ની સિપ્પોરાહ પાછી આવી ત્યારે, મરિયમને એવી ફાળ પડી હશે કે છાવણીમાં હવે મારું કોઈ વર્ચસ્વ નહિ રહે.—નિર્ગમન ૧૮:૧-૫.
૧૨:૯-૧૧—શા માટે ફક્ત મરિયમને જ કોઢ થયો? દેખીતી રીતે જ, તે જ કચકચનું મૂળ હતી અને તેણે હારૂનને પોતાની જાળમાં ફસાવ્યા હતા. હારૂને પોતાની ભૂલ સ્વીકારીને યોગ્ય વલણ બતાવ્યું.
૨૧:૧૪, ૧૫—અહીં ઉલ્લેખ કરેલો ગ્રંથ કયો છે? બાઇબલમાં ઘણા વિવિધ પુસ્તકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેનો બાઇબલ લેખકોએ માહિતી માટે ઉપયોગ કર્યો હતો. (યહોશુઆ ૧૦:૧૨, ૧૩; ૧ રાજાઓ ૧૧:૪૧; ૧૪:૧૯, ૨૯) ‘યહોવાહનો યુદ્ધગ્રન્થ’ પણ આવું જ એક પુસ્તક હતું. એમાં યહોવાહના લોકોએ લડેલા યુદ્ધના ઐતિહાસિક બનાવો વિષે લખવામાં આવ્યું હતું.
આપણે શું શીખી શકીએ?
૧૧:૨૭-૨૯. કોઈ વ્યક્તિને યહોવાહની સેવામાં લહાવાઓ મળે ત્યારે આપણે કેવું વલણ બતાવવું જોઈએ એ વિષે મૂસાએ સરસ ઉદાહરણ બેસાડ્યું. મૂસાએ ઈર્ષાળુ બનીને પોતાનો જ મહિમા શોધવાને બદલે, એલ્દાદ અને મેદાદે પ્રબોધ કરવાનું શરૂ કર્યું ત્યારે તે ખુશ થયા.
૧૨:૨, ૯, ૧૦; ૧૬:૧-૩, ૧૨-૧૪, ૩૧-૩૫, ૪૧, ૪૬-૫૦. યહોવાહ ઇચ્છે છે કે આપણે તેમણે પસંદ કરેલા આગેવાનોને માન આપીએ.
૧૪:૨૪. આજે ખરાબ કામોમાં ફસાવા આપણા પર દુનિયાના ઘણા દબાણો આવે છે. આપણે “જુદો આત્મા” કે વલણ વિકસાવીને એનો દૃઢપણે સામનો કરી શકીશું. આપણું વલણ જગતના લોકો જેવું ન હોવું જોઈએ.
૧૫:૩૭-૪૧. ઈસ્રાએલીઓએ તેઓનાં કપડાંની કિનારીએ ફીત કે ફૂમતાં લગાડવાના હતા. એ તેઓને યાદ અપાવતું હતું કે યહોવાહની ભક્તિ કરવા અને તેમની આજ્ઞાઓ પાળવા માટે તેઓને બીજાઓથી અલગ કરવામાં આવ્યા હતા. શું આપણે પણ પરમેશ્વરની આજ્ઞાઓ પાળીને જગતથી અલગ ન તરી આવવું જોઈએ?
મોઆબના મેદાનમાં
ઈસ્રાએલીઓએ મોઆબના રણ મેદાનોમાં છાવણી નાખી ત્યારે, મોઆબીઓ તેઓથી બહુ ભયભીત થયા. આથી, મોઆબના રાજા બાલાકે ઈસ્રાએલીઓને શાપ આપવા માટે બલઆમને બોલાવ્યો. પરંતુ, યહોવાહે બલઆમને કહ્યું કે તે ફક્ત આશીર્વાદ જ આપે. પછી ઈસ્રાએલી પુરુષોને અનૈતિકતા અને મૂર્તિપૂજાના ફાંદામાં ફસાવવા મોઆબી અને મિદ્યાની સ્ત્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો. પરિણામે, યહોવાહે એ ફાંદામાં પડનાર ૨૪,૦૦૦ લોકોને મારી નાખ્યા. છેવટે, ફિનહાસે બતાવી આપ્યું કે તે યહોવાહની સામે કંઈ પણ ખોટું ચલાવી નહિ લે ત્યારે, યહોવાહનો કોપ ઠંડો પડ્યો અને મહામારી બંધ થઈ.
બીજી વસ્તી ગણતરી બતાવે છે કે પહેલી વસ્તી ગણતરી થઈ હતી એમાંથી યહોશુઆ અને કાલેબ સિવાય બીજું કોઈ જીવતું ન હતું. પછી યહોશુઆને મૂસાની જગ્યાએ આગેવાન બનાવવામાં આવ્યો. પછી ઈસ્રાએલીઓને વિવિધ અર્પણો ચઢાવવાની વિધિ વિષે અને સોગંદ લેવા વિષેનાં સૂચનો આપવામાં આવ્યાં. તેમ જ ઈસ્રાએલીઓએ મિદ્યાની લોકો પર વેર વાળ્યું. રૂબેન, ગાદ, અને મનાશ્શેહનું અડધું કુળ યરદન નદીની પૂર્વે સ્થાયી થાય છે. ઈસ્રાએલીઓને યરદન નદી પાર કરવાની અને દેશનો કબજો લેવા વિષેની સૂચનાઓ મળે છે. પછી દેશની સીમાઓ નક્કી કરવામાં આવી. ચિઠ્ઠીઓ નાખીને શહેરોની વહેંચણી કરવામાં આવી. લેવીઓને ૪૮ શહેરો આપવામાં આવ્યાં અને એમાંનાં ૬ શહેરોને શરણાર્થી શહેરો તરીકે રાખવામાં આવ્યાં.
સવાલ-જવાબ:
૨૨:૨૦-૨૨—શા માટે બલઆમ પર યહોવાહનો કોપ સળગી ઊઠ્યો? યહોવાહે બલઆમને કહ્યું હતું કે તેણે ઈસ્રાએલીઓને શાપ આપવો નહિ. (ગણના ૨૨:૧૨) તેમ છતાં, આ પ્રબોધક ઈસ્રાએલીઓને શાપ આપવાના ઇરાદાથી બાલાકના માણસો સાથે ગયો. બલઆમ મોઆબના રાજાને ખુશ કરીને તેની પાસેથી ભેટ મેળવવા માંગતો હતો. (૨ પીતર ૨:૧૫, ૧૬; યહુદા ૧૧) બલઆમને ઈસ્રાએલીઓને શાપને બદલે આશીર્વાદ આપવાનું દબાણ કરવામાં આવ્યું ત્યારે, તેણે રાજાની કૃપા મેળવવા તેને સલાહ આપી કે બઆલની ઉપાસના કરતી સ્ત્રીઓ ઈસ્રાએલી પુરુષોને પોતાની મોહજાળમાં ફસાવી શકે. (ગણના ૩૧:૧૫, ૧૬) આમ, પરમેશ્વરનો ભય ન રાખતા પ્રબોધકે લોભ બતાવ્યો. એના લીધે યહોવાહનો કોપ સળગી ઊઠ્યો.
૩૦:૬-૮—શું ખ્રિસ્તી પતિ, પત્નીએ લીધેલી કોઈ માનતા કે વચનને રદ કરી શકે? વચનની બાબત વિષે, યહોવાહ હવે તેમના ભક્તો સાથે વ્યક્તિગત રીતે વ્યવહાર કરે છે. દાખલા તરીકે, યહોવાહને સમર્પણ કરવાનું વચન વ્યક્તિ પોતે લે છે. (ગલાતી ૬:૫) તેથી, પતિ પાસે એવો કોઈ અધિકાર નથી કે તે પત્નીએ લીધેલા વચનને રદ કરે. જોકે, પત્નીએ એવું કોઈ વચન કે માનતા ન લેવી જોઈએ જે બાઇબલની વિરુદ્ધમાં હોય, કે પછી તેના પતિ પ્રત્યેની જવાબદારીમાં આડે આવતું હોય.
આપણે શું શીખી શકીએ?
૨૫:૧૧. યહોવાહની ભક્તિ માટેના ઉત્સાહનું ફિનહાસે આપણા માટે કેવું સરસ ઉદાહરણ બેસાડ્યું! આપણને ખબર પડે કે મંડળમાં કોઈ ભાઈ કે બહેન અનૈતિક કે ખરાબ કામમાં જોડાયું છે ત્યારે, આપણે પણ મંડળને શુદ્ધ રાખવા તરત વડીલોને એ વિષે જણાવવું જોઈએ.
૩૫:૯-૨૯. કોઈના હાથે અજાણતા બીજાની હત્યા થઈ જાય ત્યારે, એ વ્યક્તિએ પોતાનું ઘર અને શહેર છોડીને આશ્રયનગરમાં નાસી છૂટવાનું હતું. તેણે અમુક સમય સુધી ત્યાં જ રહેવાનું હતું. આ બાબત આપણને શીખવે છે કે જીવન પવિત્ર છે અને આપણને જીવન પ્રત્યે પૂરો આદરભાવ હોવો જોઈએ.
૩૫:૩૩. નિર્દોષ લોકોના લોહીથી પૃથ્વી અપવિત્ર કે ભ્રષ્ટ થઈ ગઈ છે. આથી, લોહી વહેવડાવનારનું લોહી વહેવું જ જોઈએ. યહોવાહ પૃથ્વીને ફરીથી સુંદર બનાવે એ પહેલાં દુષ્ટ લોકોનો નાશ કરે એ કેટલું યોગ્ય છે!—નીતિવચનો ૨:૨૧, ૨૨; દાનીયેલ ૨:૪૪.
પરમેશ્વરનો શબ્દ શક્તિ આપે છે
આપણે યહોવાહ અને તેમણે નિયુક્ત કરેલા જવાબદાર ભાઈઓને માન આપવું જ જોઈએ. ગણનાના પુસ્તકમાં આ બાબત વધારે સ્પષ્ટ કરવામાં આવી છે. આજે મંડળમાં શાંતિ અને એકતા જાળવી રાખવા માટે કેવો મહત્ત્વનો બોધપાઠ!
ગણનાના પુસ્તકના બનાવો બતાવે છે કે જેઓ પૂરા દિલથી યહોવાહની ભક્તિ કરતા નથી તેઓ સહેલાઈથી કચકચ, અનૈતિકતા અને મૂર્તિપૂજા જેવા ખોટાં કામોમાં ફસાઈ શકે છે. આ પુસ્તકના કેટલાક ઉદાહરણો અને બોધપાઠ સેવાસભામાં સ્થાનિક જરૂરિયાતોમાં પણ જરૂર પડ્યે ઉપયોગમાં લઈ શકાય. ખરેખર, ‘દેવનો શબ્દ’ બાઇબલ આપણા જીવનમાં ‘જીવંત અને સમર્થ છે.’—હેબ્રી ૪:૧૨.
[પાન ૨૪, ૨૫ પર ચિત્ર]
મંડપ પર ચમત્કારિક વાદળ દ્વારા, યહોવાહ ઈસ્રાએલીઓને જણાવતા કે ક્યારે આગળ વધવું અને ક્યારે પડાવ નાખીને રોકાવું
[પાન ૨૬ પર ચિત્ર]
આપણે યહોવાહને જ આધીન રહેવું જોઈએ અને તે ઇચ્છે છે કે તેમણે નિયુક્ત કરેલાઓને આપણે માન આપીએ