અભ્યાસ લેખ ૩૩
યહોવા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે
‘જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ પર તેમની રહેમનજર છે.’—ગીત. ૩૩:૧૮.
ગીત ૨૨ “યહોવા મારો પાળક”
ઝલકa
૧. ઈસુએ કેમ શિષ્યોનું રક્ષણ કરવાની યહોવાને વિનંતી કરી?
ઈસુએ મરણની આગલી રાતે એક ખાસ બાબત માટે પ્રાર્થના કરી. તેમણે શિષ્યોનું રક્ષણ કરવાની પિતા યહોવાને વિનંતી કરી. (યોહા. ૧૭:૧૫, ૨૦) ઈસુ જાણતા હતા કે યહોવા હંમેશાં પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે. તેઓની સંભાળ રાખે છે. પણ શેતાન આગળ જતાં શિષ્યોની આકરી સતાવણી કરવાનો હતો. એટલે ઈસુએ એ વિશે યહોવાને અરજ કરી. તે જાણતા હતા કે યહોવાની મદદથી જ શિષ્યો શેતાનના હુમલા સામે ટકી શકશે.
૨. ગીતશાસ્ત્ર ૩૩:૧૮-૨૦ પ્રમાણે આપણે કેમ મુશ્કેલીઓમાં ડરવાની જરૂર નથી?
૨ શેતાનની દુનિયામાં આપણા પર ઘણી મુશ્કેલીઓ આવે છે. એટલે ક્યારેક નિરાશ થઈ જઈએ. યહોવાને વફાદાર રહેવું કોઈ વાર અઘરું લાગે. પણ આ લેખમાં જોઈશું કે આપણે ડરવાની જરૂર નથી, યહોવા આપણી સાથે છે. તે આપણી દરેક મુશ્કેલી વિશે જાણે છે. તેમની નજર બહાર કંઈ જતું નથી. તે મદદ કરવા હંમેશાં તૈયાર છે. ચાલો બાઇબલમાંથી બે ઈશ્વરભક્તોના દાખલા જોઈએ. એનાથી ખાતરી મળશે કે ‘જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ પર તેમની રહેમનજર છે.’—ગીતશાસ્ત્ર ૩૩:૧૮-૨૦ વાંચો.
એકલું એકલું લાગે ત્યારે
૩. આપણને ક્યારે એકલું એકલું લાગી શકે?
૩ આપણા મંડળમાં ઘણાં ભાઈ-બહેનો છે. છતાં કોઈ વાર આપણને એકલું એકલું લાગે. જેમ કે યુવાનોને કદાચ લાગે કે તેઓ એકલા પડી ગયા છે. સ્કૂલમાં પોતાની માન્યતા વિશે જણાવવાનું હોય અથવા નવા મંડળમાં જવાનું થાય ત્યારે તેઓને એવું લાગી શકે. આપણને બધાને અમુક વાર એકલું એકલું લાગે છે. આપણે ઉદાસ હોઈએ અથવા નિરાશ હોઈએ ત્યારે એવી લાગણી આપણા પર હાવી થઈ જાય છે. આપણને થાય, ‘એવી લાગણીઓ સામે જાતે જ ઝઝૂમવું પડશે, મને કોઈ નહિ સમજે.’ એટલે બીજાઓ સાથે વાત કરતા પણ અચકાઈએ. એ વાત આપણાં મનમાં ઘૂંટાયા કરે કે કોઈને આપણી પડી નથી. એ બધું વિચારીને આપણે હેરાન-પરેશાન રહીએ, બેચેન રહીએ અને થાય કે કોઈ આપણી મદદ નહિ કરી શકે. પણ યહોવા નથી ચાહતા કે આપણે એવું વિચારીએ. એવું કેમ કહી શકીએ?
૪. એલિયા પ્રબોધકે કેમ એવું કહ્યું કે “હું જ બચી ગયો છું”?
૪ એલિયા પ્રબોધકનો વિચાર કરીએ. ઇઝેબેલ રાણીએ નક્કી કરી લીધું હતું કે તે એલિયાનો જીવ લઈને જ રહેશે. એટલે એલિયા જીવ બચાવવા ૪૦ દિવસથી નાસી રહ્યા હતા. (૧ રાજા. ૧૯:૧-૯) પછી તેમણે એક ગુફામાં આશરો લીધો. દુઃખી દુઃખી થઈને તેમણે યહોવાને કહ્યું: ‘બસ, હું જ એક પ્રબોધક બચી ગયો છું.’ (૧ રાજા. ૧૯:૧૦) જોકે ઇઝરાયેલમાં બીજા પ્રબોધકો પણ હતા. ઓબાદ્યાએ ૧૦૦ પ્રબોધકોને ઇઝેબેલના ખૂની ઇરાદાથી બચાવ્યા હતા. (૧ રાજા. ૧૮:૭, ૧૩) તો પછી એલિયાને કેમ એવું લાગતું હતું કે તે એકલા પડી ગયા છે? તેમને લાગ્યું હશે કે એ સોએ સો પ્રબોધકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. કે પછી તેમણે વિચાર્યું હશે, ‘યહોવાએ કાર્મેલ પર્વત પર સાબિત કર્યું કે તે સાચા ઈશ્વર છે અને બઆલ જૂઠો. તોપણ કોઈ મારી સાથે યહોવાની ભક્તિ કેમ નથી કરતું?’ અથવા તેમને થયું હશે, ‘કોઈને નથી ખબર કે મારો જીવ જોખમમાં છે. હું જીવું કે મરું, એનાથી કોઈને ફરક નથી પડતો.’ આપણે નથી જાણતા કે એલિયાના મનમાં શું ચાલી રહ્યું હતું. પણ યહોવા એલિયાની એકેએક લાગણી સમજતા હતા. આ મુશ્કેલ ઘડીમાં યહોવા તેમની પડખે રહ્યા.
૫. યહોવાએ કઈ રીતે એલિયાને ભરોસો અપાવ્યો કે તે એકલા નથી?
૫ યહોવાએ અલગ અલગ રીતે એલિયાની મદદ કરી. તેમણે કોશિશ કરી કે એલિયા તેમની સાથે વાત કરે. તેમણે બે વાર એલિયાને પૂછ્યું: “તું અહીં શું કરે છે?” (૧ રાજા. ૧૯:૯, ૧૩) એલિયાએ હૈયું ઠાલવ્યું ત્યારે તેમણે ધ્યાનથી સાંભળ્યું. યહોવાએ ભારે ને જોરદાર પવન, ધરતીકંપ અને અગ્નિથી પોતાની શક્તિનો પરચો આપ્યો. તેમણે એલિયાને ભરોસો અપાવ્યો કે તે તેમની સાથે છે. એ પણ જણાવ્યું કે એલિયા એકલા નથી, બીજા ઘણા વફાદાર ભક્તો છે. (૧ રાજા. ૧૯:૧૧, ૧૨, ૧૮) એલિયાએ દિલ ખોલીને યહોવા સાથે વાત કરી અને યહોવાની વાત સાંભળી. એનાથી ચોક્કસ તેમનું મન શાંત થયું હશે. પછી યહોવાએ એલિયાને અમુક મહત્ત્વનાં કામ સોંપ્યાં. એલિયાએ સિરિયાના રાજા તરીકે હઝાએલનો અને ઇઝરાયેલના રાજા તરીકે યેહૂનો અભિષેક કરવાનો હતો. તેમણે એલિશાનો અભિષેક કરવાનો હતો, જેથી તે પ્રબોધક બની શકે. (૧ રાજા. ૧૯:૧૫, ૧૬) યહોવાએ સોંપેલાં કામથી તે પોતાનું મન સારી વાતોમાં પરોવી શક્યા. યહોવાએ તેમને એક સારા દોસ્ત આપ્યા. હવે એલિયા એકલા ન હતા, એલિશા તેમની સાથે હતા. તમને એકલું એકલું લાગે ત્યારે યહોવા તમને પણ મદદ કરશે. એ મદદ મેળવવા તમે શું કરી શકો?
૬. એકલું એકલું લાગે ત્યારે તમે શાના વિશે પ્રાર્થના કરી શકો? (ગીતશાસ્ત્ર ૬૨:૮)
૬ યહોવા ચાહે છે કે આપણે તેમની સાથે વાત કરીએ. તેમને ખબર છે કે આપણે કેટલી મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. એટલે તે ખાતરી આપે છે કે ભલે આપણે કોઈ પણ સમયે પ્રાર્થના કરીએ, તે જરૂર સાંભળશે. (૧ થેસ્સા. ૫:૧૭) ભક્તો દિલ ખોલીને બધું જણાવે છે ત્યારે તેમને બહુ ગમે છે. (નીતિ. ૧૫:૮) જો તમને પણ એકલું એકલું લાગતું હોય, તો તમે શાના વિશે પ્રાર્થના કરી શકો? એલિયાની જેમ તમે યહોવા આગળ પ્રાર્થનામાં હૈયું ઠાલવી દો, તેમને બધું કહી દો. (ગીતશાસ્ત્ર ૬૨:૮ વાંચો.) તેમને જણાવો કે તમને કેવું લાગે છે. કઈ ચિંતાઓ તમને કોરી ખાય છે. એવી લાગણીઓ સામે લડવા યહોવા પાસે મદદ માંગો. કદાચ તમને સ્કૂલમાં એકલું એકલું લાગતું હોય. સ્કૂલમાં બીજાઓને તમારી માન્યતા વિશે જણાવતા ડર લાગતો હોય. તો તમે યહોવા પાસે હિંમત માંગો. તમે સમજણ અને બુદ્ધિ પણ માંગી શકો, જેથી તેઓને સારી રીતે સમજાવી શકો અને તેઓને ખોટું પણ ન લાગે. (લૂક ૨૧:૧૪, ૧૫) જો તમે નિરાશાનાં વાદળોમાં ઘેરાઈ ગયા હો, તો કોઈ અનુભવી ભાઈ કે બહેન સાથે વાત કરવા યહોવા પાસે મદદ માંગો. એ ભાઈ કે બહેન માટે પણ પ્રાર્થના કરો કે તે તમારી લાગણી સમજી શકે. એટલે જ્યારે પણ તમને એકલું એકલું લાગે, ત્યારે યહોવા સાથે દિલ ખોલીને વાત કરો. તે તમારી પ્રાર્થનાઓનો કઈ રીતે જવાબ આપે છે એના પર ધ્યાન આપો. બીજાઓ સાથે વાત કરો અને તેઓની મદદ સ્વીકારો.
૭. મોરિસિયો પાસેથી તમને શું શીખવા મળ્યું?
૭ યહોવાએ આપણને બધાને અમુક મહત્ત્વનાં કામ સોંપ્યાં છે. જેમ કે, મંડળ અને પ્રચારમાં આપણી પાસે ઘણું કામ છે. ખાતરી રાખો કે તમે એ કામ પૂરું કરવા જે મહેનત કરો છો એના પર યહોવા ધ્યાન આપે છે. એ જોઈને તે બહુ ખુશ થાય છે. (ગીત. ૧૧૦:૩) એ કામમાં મન પરોવીશું તો એકલું એકલું નહિ લાગે. ચાલો એક યુવાન ભાઈનો દાખલો જોઈએ. મોરિસિયોએ બાપ્તિસ્મા લીધું એના થોડા સમય પછી તેનો એક ખાસ દોસ્ત ધીરે ધીરે યહોવાથી દૂર થઈ ગયો.b મોરિસિયો કહે છે: “એ જોઈને હું હચમચી ગયો. હું વિચારવા લાગ્યો, શું હું યહોવાને આપેલું વચન નિભાવી શકીશ? હું પણ યહોવાથી દૂર તો નહિ થઈ જઉં ને? મને બહુ એકલું એકલું લાગતું હતું. મને થતું કે મારી લાગણી કોઈ નહિ સમજી શકે.” પછી મોરિસિયોએ શું કર્યું? તે કહે છે: “હું પ્રચારમાં વધારે સમય વિતાવવા લાગ્યો. એટલે પોતાના વિશે વિચારતા રહેવાને બદલે અને દુઃખી દુઃખી રહેવાને બદલે હું સારી વાતો પર મન લગાવી શક્યો. બીજાઓ સાથે પ્રચારમાં ભાગ લેતો ત્યારે મને એકલું એકલું ન’તું લાગતું. હું ખુશ રહેવા લાગ્યો.” આપણે પણ એવું જ કરી શકીએ. ભલે આપણે ભાઈ-બહેનો સાથે મળીને ઘર ઘરના પ્રચારમાં ન જઈ શકતા હોઈએ, પણ તેઓ સાથે મળીને પત્ર લખી શકીએ. ફોન પર ખુશખબર જણાવી શકીએ. મોરિસિયોએ બીજું પણ કંઈક કર્યું. તે કહે છે: “હું મંડળમાં બીજાં કામ પણ કરવા લાગ્યો. સભાઓમાં મને જે ભાગ મળતો, એ હું મન લગાવીને તૈયાર કરતો. પછી પૂરા દિલથી એ ભાગ રજૂ કરતો. હું જાણતો હતો કે એ માટે યહોવા અને ભાઈ-બહેનો મારી ઘણી કદર કરે છે.”
મોટી મોટી મુશ્કેલીઓ આવે ત્યારે
૮. આપણા પર મુશ્કેલીઓ આવે ત્યારે કેવું લાગે છે?
૮ આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છીએ. એટલે આપણા પર મુશ્કેલીઓ તો આવશે જ. (૨ તિમો. ૩:૧) પણ અમુક વાર આપણા પર અચાનક મુશ્કેલી આવી પડે અથવા એવું કંઈક થાય જે ધાર્યું પણ ન હોય. કદાચ પૈસાની તંગી પડે, કોઈ મોટી બીમારી થાય અથવા દોસ્ત કે સગાનું મરણ થાય. અમુક વાર એક પછી એક મુશ્કેલીઓ આવતી જાય. ક્યારેક આપણા પર બધી મુશ્કેલીઓ એકસાથે તૂટી પડે. એવું થાય ત્યારે આપણે કદાચ નિરાશાના બોજ નીચે દબાઈ જઈએ. આપણને થાય, ‘બસ બહુ થયું, હવે મારાથી સહન નહિ થાય!’ પણ યાદ રાખીએ કે યહોવા આપણું ધ્યાન રાખે છે. તે જાણે છે કે આપણા પર શું વીતી રહ્યું છે. તેમની મદદથી આપણે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ.
૯. અયૂબ પર કઈ મુશ્કેલીઓ આવી?
૯ અયૂબનો કિસ્સો યાદ કરો. એક પછી એક તેમના પર ઘણી મોટી મોટી મુશ્કેલીઓ આવી. એક જ દિવસમાં તેમનું બધું છીનવાઈ ગયું. તેમનાં અમુક ઢોરઢાંક લૂંટાઈ ગયાં. બાકીનાં બધાં ઢોરઢાંકને મારી નાખવામાં આવ્યાં. તેમના સેવકોનું પણ મોત થયું. અરે, એક આફતમાં તેમનાં બધાં વહાલાં બાળકોએ જીવ ગુમાવ્યો. (અયૂ. ૧:૧૩-૧૯) એ દુઃખમાંથી અયૂબ બહાર આવે એ પહેલાં તો તેમને પીડાદાયક અને ચીતરી ચઢે એવી બીમારી થઈ. (અયૂ. ૨:૭) તે એટલા ભાંગી પડ્યા કે તેમણે કહ્યું: “હું મારા જીવનથી કંટાળી ગયો છું; મારે હવે જીવવું જ નથી.”—અયૂ. ૭:૧૬.
૧૦. મુશ્કેલીઓનો સામનો કરવા યહોવાએ કઈ રીતે અયૂબની મદદ કરી? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૧૦ યહોવા બધું જ જોઈ રહ્યા હતા. તે અયૂબને પ્રેમ કરતા હતા. એટલે તેમણે મુશ્કેલીઓનો સામનો કરવા અયૂબની અલગ અલગ રીતે મદદ કરી. યહોવાએ અયૂબ સાથે વાત કરી. તેમણે અયૂબને જાતજાતનાં પ્રાણીઓના દાખલા આપ્યા અને યાદ અપાવ્યું કે તે કેટલા બુદ્ધિશાળી છે. તેમણે જે કંઈ બનાવ્યું છે એની તેમને પરવા છે. (અયૂ. ૩૮:૧, ૨; ૩૯:૯, ૧૩, ૧૯, ૨૭; ૪૦:૧૫; ૪૧:૧, ૨) પછી તેમણે યુવાન માણસ અલીહૂ દ્વારા અયૂબની હિંમત વધારી અને દિલાસો આપ્યો. અલીહૂએ અયૂબને ખાતરી કરાવી કે જે લોકો યહોવાને વફાદાર રહે છે, તેઓને તે ઘણા આશીર્વાદ આપે છે. યહોવાએ અલીહૂ દ્વારા અયૂબના વિચારો સુધાર્યા. અલીહૂએ તેમને જણાવ્યું કે તે ફક્ત પોતાનો વિચાર ન કરે, પણ યાદ રાખે કે આખા વિશ્વના સર્જનહાર આગળ તે કેટલા મામૂલી છે. (અયૂ. ૩૭:૧૪) યહોવાએ અયૂબને એક કામ પણ સોંપ્યું. તેમણે જણાવ્યું કે તે પોતાના ત્રણ મિત્રો માટે પ્રાર્થના કરે, જેઓએ પાપ કર્યું હતું. (અયૂ. ૪૨:૮-૧૦) આજે આપણા પર મુશ્કેલીઓ આવે છે ત્યારે યહોવા કઈ રીતે મદદ કરે છે?
૧૧. મુશ્કેલીઓમાં કઈ રીતે બાઇબલ દ્વારા દિલાસો મળે છે?
૧૧ યહોવાએ અયૂબ સાથે જે રીતે વાત કરી હતી, એ રીતે તે આજે વાત નથી કરતા. પણ તે બાઇબલ દ્વારા આપણી સાથે વાત કરે છે. (રોમ. ૧૫:૪) યહોવાએ બાઇબલમાં એવી ઘણી વાતો લખાવી છે, જે વાંચીને આપણને મુશ્કેલીઓમાં દિલાસો મળે છે. તેમણે ખાતરી આપી છે કે કોઈ પણ મુશ્કેલી, પહાડ જેવી મોટી મુશ્કેલી પણ ‘આપણને તેમના પ્રેમથી જુદા પાડી શકશે નહિ.’ (રોમ. ૮:૩૮, ૩૯) તેમણે વચન આપ્યું છે કે તે “એવા લોકોની નજીક છે, જેઓ તેમને પોકારે છે.” (ગીત. ૧૪૫:૧૮) યહોવા કહે છે કે જો આપણે તેમના પર આધાર રાખીશું, તો હિંમતથી કસોટીઓનો સામનો કરી શકીશું. કસોટીઓમાં પણ ખુશ રહી શકીશું. (૧ કોરીં. ૧૦:૧૩; યાકૂ. ૧:૨, ૧૨) બાઇબલમાં પણ જણાવ્યું છે કે ભાવિમાં આપણને હંમેશ માટેના આશીર્વાદો મળશે. એની આગળ હમણાંની મુશ્કેલીઓ તો પળ બે પળની છે. (૨ કોરીં. ૪:૧૬-૧૮) યહોવાએ વચન આપ્યું છે કે તે બધી મુશ્કેલીઓની જડ, શેતાન અને તેના સાથીઓનું નામનિશાન મિટાવી દેશે. (ગીત. ૩૭:૧૦) ભાવિમાં યહોવા આપણી બધી મુશ્કેલીઓ દૂર કરશે. એ વાતથી ઘણો દિલાસો મળે છે. બાઇબલમાં એવી તો બીજી ઘણી કલમો છે, જેનાથી હિંમત મળે છે. એ કલમો યાદ રાખવાથી આપણે આવનાર મુશ્કેલીઓનો સારી રીતે સામનો કરી શકીશું. શું તમે અમુક કલમો મોઢે કરી છે?
૧૨. બાઇબલમાંથી મદદ મેળવવા આપણે શું કરવું જોઈએ?
૧૨ યહોવા ચાહે છે કે આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરવા અને એના પર મનન કરવા સમય કાઢીએ. આપણે જે શીખીએ એને જીવનમાં લાગુ પાડીશું તો આપણી શ્રદ્ધા વધશે. યહોવા સાથે આપણો સંબંધ વધારે પાકો થશે. આપણે મુશ્કેલીઓમાં ટકી રહીશું. જો બાઇબલ પર આધાર રાખીશું અને એ પ્રમાણે જીવીશું, તો યહોવા આપણને તેમની પવિત્ર શક્તિ આપશે. તે આપણને એવી તાકાત આપશે જે “માણસની તાકાત કરતાં ઘણી ચઢિયાતી છે.” એનાથી મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરી શકીશું.—૨ કોરીં. ૪:૭-૧૦.
૧૩. ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ પૂરાં પાડેલાં સાહિત્યથી આપણે કઈ રીતે મુશ્કેલીઓનો સામનો કરી શકીએ?
૧૩ યહોવાની મદદથી ‘વિશ્વાસુ અને સમજુ ચાકરે’ ઘણાં બધાં લેખો, વીડિયો અને ગીતો બહાર પાડ્યાં છે. આપણે એ સાહિત્યનો પૂરેપૂરો ઉપયોગ કરીએ. એનાથી આપણી શ્રદ્ધા મજબૂત થશે અને યહોવાની વધારે નજીક જઈ શકીશું. (માથ. ૨૪:૪૫) અમેરિકામાં રહેતાં એક બહેનને પણ ઘણી મદદ મળી છે. તે કહે છે: “હું ૪૦ વર્ષથી યહોવાની ભક્તિ કરું છું. એ વર્ષો દરમિયાન ઘણી મુશ્કેલીઓ આવી. કેટલીક વાર યહોવાને વળગી રહેવું મને અઘરું લાગતું’તું.” બહેને ઘણું સહન કર્યું છે. એક દારૂડિયાએ તેમના નાનાની ગાડી ઠોકી. એ અકસ્માતમાં તેમનું મરણ થયું. એક ગંભીર બીમારીએ તેમનાં મમ્મી-પપ્પાનો જીવ લીધો. અરે, તેમને પણ બે વખત કેન્સર સામે લડવું પડ્યું. એ બધી મુશ્કેલીઓ બહેન કઈ રીતે સહી શક્યાં? તે કહે છે: “યહોવાએ હંમેશાં મારી સંભાળ રાખી છે. તેમણે વિશ્વાસુ અને સમજુ ચાકર દ્વારા જે સાહિત્ય આપ્યાં છે, એનાથી મને બહુ મદદ મળી છે. મેં પણ અયૂબની જેમ પાકો નિર્ણય લીધો છે, ‘છેલ્લા શ્વાસ સુધી હું મારી પ્રમાણિકતાને વળગી રહીશ!’”—અયૂ. ૨૭:૫.
૧૪. આપણી મુશ્કેલીમાં ભાઈ-બહેનો કઈ રીતે મદદ કરે છે? (૧ થેસ્સાલોનિકીઓ ૪:૯)
૧૪ યહોવા પોતાના ભક્તોને શીખવે છે કે મુશ્કેલ સમયમાં તેઓ એકબીજાને દિલાસો આપે અને પ્રેમ કરે. (૨ કોરીં. ૧:૩, ૪; ૧ થેસ્સાલોનિકીઓ ૪:૯ વાંચો.) અલીહૂએ અયૂબને મદદ કરી હતી તેમ ભાઈ-બહેનો આપણને પણ કસોટીમાં વફાદાર રહેવા મદદ કરે છે. (પ્રે.કા. ૧૪:૨૨) ડીએનબહેને પણ એવું જ અનુભવ્યું. તેમના પતિને એક ગંભીર બીમારી થઈ હતી. એ સમયે મંડળનાં ભાઈ-બહેનોએ બહેનની સંભાળ રાખી. યહોવાના પ્રેમની છાયામાં રહેવા તેમને મદદ કરી. તે કહે છે: “એ સમય બહુ કપરો હતો. પણ અમે મહેસૂસ કર્યું કે યહોવાએ અમારો હાથ પકડી રાખ્યો હતો. ભાઈ-બહેનોએ અમારા માટે કેટકેટલું કર્યું. તેઓ અમને ફોન કરતા, મળવા આવતાં અને ગળે મળતાં. અમને એની જ જરૂર હતી. એનાથી અમને ઘણી હિંમત મળી. મને ગાડી ચલાવતા નથી આવડતું. એટલે કોઈ ભાઈ કે બહેન મને પ્રચાર અને સભા માટે લેવા આવતાં.” આપણાં ભાઈ-બહેનો આપણને દિલથી પ્રેમ કરે છે. એ કેટલો મોટો આશીર્વાદ છે!
યહોવાનો આભાર માનીએ
૧૫. આપણને કેમ ભરોસો છે કે મુશ્કેલીઓ સામે હિંમતથી લડી શકીશું?
૧૫ આપણે બધાએ ક્યારેક ને ક્યારેક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પણ આ લેખમાં શીખ્યા તેમ, આપણે એકલા નથી. યહોવા આપણી પડખે છે. એક પિતા પોતાના બાળકને ખૂબ પ્રેમ કરે છે અને તેનું ધ્યાન રાખે છે. એવી જ રીતે યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણું ધ્યાન રાખે છે. તે આપણો પોકાર સાંભળે છે. તે હંમેશાં મદદ કરવા તૈયાર રહે છે. (યશા. ૪૩:૨) તે અલગ અલગ રીતે મદદ કરે છે. તેમણે આપણને પ્રાર્થનાનો લહાવો આપ્યો છે. બાઇબલ અને ઘણાં સાહિત્ય આપ્યાં છે. આપણને પ્રેમાળ ભાઈ-બહેનો આપ્યાં છે. એટલે ગમે તેવી મુશ્કેલી આવે, આપણે એની સામે હિંમતથી લડી શકીશું.
૧૬. યહોવા હંમેશાં આપણું ધ્યાન રાખે એ માટે શું કરવું જોઈએ?
૧૬ આપણે ઘણા આભારી છીએ કે પ્રેમાળ પિતા યહોવા આપણું ધ્યાન રાખે છે. એટલે “આપણું દિલ તેમનામાં આનંદ કરે છે.” (ગીત. ૩૩:૨૧) પણ જો આપણે ચાહતા હોઈએ કે યહોવા હંમેશાં આપણું ધ્યાન રાખે, તો આપણે પણ કંઈક કરવાની જરૂર છે. યહોવા અલગ અલગ રીતે આપણી મદદ કરે છે. આપણે પૂરી રીતે એ મદદ સ્વીકારીએ અને તેમનો આભાર માનીએ. એટલું જ નહિ, આપણે તેમની વાત માનીએ, તે ચાહે છે એ પ્રમાણે જીવન જીવીએ. એમ કરીશું તો યહોવાની રહેમનજર કાયમ આપણા પર રહેશે.—૧ પિત. ૩:૧૨.
ગીત ૫૧ યહોવા અમારો આધાર
a આપણને બધાને કંઈક ને કંઈક મુશ્કેલી તો છે જ. આપણે એકલા હાથે એનો સામનો નથી કરી શકતા. આપણને યહોવાની જરૂર છે. આ લેખથી ભરોસો વધશે કે યહોવા આપણું બહુ ધ્યાન રાખે છે. તેમને આપણી ચિંતા છે. તે જુએ છે કે આપણે કેવી મુશ્કેલી સહીએ છીએ. તે એનો સામનો કરવા મદદ કરે છે.
b અમુક નામ બદલ્યાં છે.