અભ્યાસ લેખ ૪૯
આપણે હંમેશ માટે જીવીશું
“ઈશ્વર જે ભેટ આપે છે, એ હંમેશ માટેનું જીવન છે.”—રોમ. ૬:૨૩.
ગીત ૧૨ અમર જીવનનું વચન
ઝલકa
૧. યહોવાએ આપેલા વચન પર વિચાર કરીશું તો શું થશે?
યહોવાએ વચન આપ્યું છે કે જેઓ તેમની આજ્ઞા પાળશે, તેઓને તે “હંમેશ માટેનું જીવન” આપશે. (રોમ. ૬:૨૩) યહોવા પિતા આપણને અનહદ પ્રેમ કરે છે. તેમણે આપણને એ વચન આપ્યું છે, જેથી આપણે ક્યારેય તેમનાથી જુદા ન પડીએ. જો આપણે એ વચન પર ઊંડો વિચાર કરીશું, તો તેમના માટેનો પ્રેમ ગાઢ થતો જશે.
૨. યહોવાએ આપેલું વચન યાદ રાખવાથી શું કરી શકીએ છીએ?
૨ યહોવાએ આપણને હંમેશ માટેના જીવનનું વચન આપ્યું છે. એ યાદ રાખવાથી આપણે કોઈ પણ કસોટીનો હિંમતથી સામનો કરી શકીશું. અરે, કોઈ આપણને મારી નાખવાની ધમકી આપે તોપણ આપણે યહોવાની ભક્તિ છોડીશું નહિ. કેમ કે આપણને ભરોસો છે કે જો યહોવાના વફાદાર ભક્તો ગુજરી જાય તો તે તેઓને ફરી જીવતા કરશે અને તેઓ હંમેશ માટે જીવી શકશે. (યોહા. ૫:૨૮, ૨૯; ૧ કોરીં. ૧૫:૫૫-૫૮; હિબ્રૂ. ૨:૧૫) પણ કઈ રીતે પાકો ભરોસો રાખી શકીએ કે આપણે હંમેશ માટે જીવી શકીશું? ચાલો અમુક કારણો જોઈએ.
યહોવા હંમેશાંથી છે ને હંમેશાં રહેશે
૩. આપણે કેમ પાકો ભરોસો રાખી શકીએ કે યહોવા આપણને હંમેશ માટેનું જીવન આપી શકે છે? (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૨, ૨૪, ૨૭)
૩ બાઇબલમાં જણાવ્યું છે કે યહોવા હંમેશાંથી છે અને તે હંમેશાં રહેશે. તેમણે આપણને જીવન આપ્યું છે. એટલે આપણને પાકો ભરોસો છે કે તે આપણને હંમેશ માટેનું જીવન આપી શકે છે. (ગીત. ૩૬:૯) ધ્યાન આપો, અમુક કલમોમાં યહોવા વિશે શું જણાવ્યું છે. ગીતશાસ્ત્ર ૯૦:૨માં લખ્યું છે કે યહોવા “સનાતન ઈશ્વર” છે. ગીતશાસ્ત્ર ૧૦૨માં એવું જ કંઈક લખ્યું છે. (ગીતશાસ્ત્ર ૧૦૨:૧૨, ૨૪, ૨૭ વાંચો.) હબાક્કૂક પ્રબોધકે યહોવા વિશે લખ્યું: “હે યહોવા, તમે યુગોના યુગોથી છો. હે મારા ઈશ્વર, મારા પવિત્ર ઈશ્વર, તમે અમર છો, તમે કદી મરતા નથી.”—હબા. ૧:૧૨.
૪. યહોવા યુગોના યુગોથી છે એ વાત સમજાતી ન હોય તો શું એનો મતલબ એ કે એ વાત હકીકત નથી? સમજાવો.
૪ યહોવા ‘યુગોના યુગોથી’ છે, શું એ વાત ગળે ઉતારવી તમને અઘરી લાગે છે? (યશા. ૪૦:૨૮) જૂના જમાનાના અમુક ઈશ્વરભક્તોને પણ એવું લાગ્યું હતું. અલીહૂએ યહોવા વિશે કીધું: “ઈશ્વરની મહાનતા આપણી સમજ બહાર છે; તેમનાં વર્ષો ગણ્યાં ગણાય નહિ એટલાં છે.” (અયૂ. ૩૬:૨૬) જો કોઈ વાત આપણને સમજાતી ના હોય તો એનો મતલબ એ નથી કે એ ખોટી છે. દાખલા તરીકે, આપણે કદાચ પૂરી રીતે સમજી ના શકીએ કે સૂર્યના પ્રકાશથી કે પાણીથી કઈ રીતે વીજળી ઉત્પન્ન થાય છે. પણ એનો મતલબ એ નથી કે એ હકીકત નથી. એવી જ રીતે, આપણે કદાચ પૂરી રીતે ના સમજી શકીએ કે યહોવાની કોઈ શરૂઆત નથી અને કોઈ અંત નથી. પણ એનો મતલબ એ નથી કે એ વાત હકીકત નથી. (રોમ. ૧૧:૩૩-૩૬) યહોવા પહેલેથી છે. આ પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર અને તારાઓ ન હતા ત્યારથી યહોવા છે. તેમણે તો ‘પોતાની શક્તિથી પૃથ્વી બનાવી અને આકાશો ફેલાવ્યાં.’ (યર્મિ. ૫૧:૧૫; પ્રે.કા. ૧૭:૨૪) ચાલો બીજું કારણ જોઈએ. એનાથી ભરોસો મજબૂત થશે કે આપણે હંમેશ માટે જીવી શકીએ છીએ.
યહોવાએ આપણને હંમેશ માટે જીવવા બનાવ્યા છે
૫. આદમ-હવા પાસે કેવું ભાવિ રહેલું હતું?
૫ યહોવાએ વનસ્પતિ અને પ્રાણીઓને એ રીતે બનાવ્યાં છે કે તેઓ અમુક સમય સુધી જ જીવી શકે. તેમણે ફક્ત માણસોને હંમેશ માટે જીવવા બનાવ્યા હતા. તે ચાહતા હતા કે માણસો ક્યારેય ના મરે. પણ તેમણે આદમને ચેતવણી આપી હતી: “ભલું-ભૂંડું જાણવાના ઝાડનું ફળ તારે ખાવું નહિ, કેમ કે જે દિવસે તું ખાઈશ, એ દિવસે તું જરૂર મરી જઈશ.” (ઉત. ૨:૧૭) આદમ-હવાએ યહોવાની આજ્ઞા માની હોત, તો તેઓ ક્યારેય મર્યાં ન હોત. પછી યોગ્ય સમયે યહોવાએ તેઓને “જીવનના ઝાડનું” ફળ ખાવા દીધું હોત. એનાથી તેઓને ખાતરી મળી હોત કે યહોવા ચાહે છે કે તેઓ “હંમેશ માટે” જીવે.b—ઉત. ૩:૨૨.
૬-૭. (ક) કેમ કહી શકાય કે યહોવાએ આપણને હંમેશ માટે જીવવા બનાવ્યા છે? (ખ) નવી દુનિયામાં તમને શું કરવાનું મન છે? (ચિત્રો જુઓ.)
૬ અમુક વૈજ્ઞાનિકોને લાગે છે કે એક વ્યક્તિ આખા જીવન દરમિયાન જેટલી માહિતી ભેગી કરે છે, એના કરતાં અનેક ગણી માહિતી મગજ સંગ્રહ કરી શકે છે. ૨૦૧૦માં વિજ્ઞાનના એક મૅગેઝિનમાં (સાયન્ટિફિક અમેરિકન માઇન્ડ) જણાવ્યું હતું કે વૈજ્ઞાનિકોએ અંદાજો લગાવ્યો છે કે આપણા મગજમાં આશરે ૨૫ લાખ જી.બી. ડેટા સમાય શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ૩૦ લાખ કલાક એટલે કે, આશરે ૩૦૦ વર્ષ સતત ટીવી ચાલ્યા કરે, એટલી જાણકારી આપણા મગજમાં સમાય શકે છે. આ તો બસ વૈજ્ઞાનિકોનો એક અંદાજો છે. બની શકે, આપણા મગજમાં એના કરતાં અનેક ગણી વધારે માહિતીનો સંગ્રહ થઈ શકતો હોય. એનાથી ખબર પડે છે કે યહોવાએ આપણા મગજને એ રીતે બનાવ્યું છે કે એમાં અઢળક માહિતી સમાય શકે. ૭૦-૮૦ વર્ષનાં આપણાં જીવનમાં જેટલી માહિતી ભેગી કરીએ છીએ, એના કરતાં ઘણી વધારે!—ગીત. ૯૦:૧૦.
૭ બાઇબલમાં લખ્યું છે કે યહોવાએ “મનુષ્યના દિલમાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે.” (સભા. ૩:૧૧) એટલે જ આપણને કોઈને મરવું નથી. બાઇબલમાં લખ્યું છે કે મરણ આપણો દુશ્મન છે. (૧ કોરીં. ૧૫:૨૬) જરા વિચારો, બીમાર પડીએ ત્યારે શું કરીએ છીએ. શું હાથ પર હાથ ધરીને બેસી રહીએ છીએ? ના. સાજા થવા આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, દવાઓ લઈએ છીએ. આપણાથી જે થાય એ બધું કરીએ છીએ, કેમ કે આપણને જીવવું છે. જ્યારે આપણા સગા-વહાલા કે દોસ્ત ગુજરી જાય ત્યારે આપણને કેવું લાગે છે? આપણે સાવ ભાંગી પડીએ છીએ. તે યુવાન હોય કે વૃદ્ધ, તેમના મરણનું દુઃખ સહેવું આપણા માટે બહુ અઘરું હોય છે. (યોહા. ૧૧:૩૨, ૩૩) આપણે જોયું કે યહોવાએ આપણામાં કાયમ જીવવાની ઇચ્છા મૂકી છે. બીજું કે, તેમણે આપણને એ રીતે બનાવ્યા છે કે આપણે હંમેશ માટે જીવી શકીએ. એનાથી ખબર પડે છે કે આપણા પ્રેમાળ સર્જનહાર ઇચ્છે છે કે આપણે હંમેશ માટે જીવીએ. એમ માનવાના આપણી પાસે બીજા પણ નક્કર પુરાવા છે. ચાલો જોઈએ કે યહોવાએ પહેલાં શું કર્યું હતું અને આજે તે શું કરે છે, જેનાથી ખાતરી થશે કે યહોવાની એ ઇચ્છા બદલાઈ નથી.
યહોવાની ઇચ્છા બદલાઈ નથી
૮. યશાયા ૫૫:૧૧માંથી કઈ ખાતરી મળે છે?
૮ આદમ-હવાએ પાપ કર્યું એટલે તેઓનું મરણ થયું. પછી બધા માણસો મરણની ખાઈમાં ધકેલાઈ ગયા. પણ એનો મતલબ એ નથી કે યહોવાની ઇચ્છા બદલાઈ ગઈ. (યશાયા ૫૫:૧૧ વાંચો.) તે આજે પણ ચાહે છે કે વફાદાર ભક્તો હંમેશ માટે જીવે. ચાલો જોઈએ કે યહોવાએ પહેલાંના સમયમાં શું કર્યું અને કીધું, જેનાથી આપણને ખબર પડે કે તે પોતાની ઇચ્છા જરૂર પૂરી કરશે.
૯. યહોવાએ કયું વચન આપ્યું છે? (દાનિયેલ ૧૨:૨, ૧૩)
૯ યહોવાએ વચન આપ્યું છે કે તે ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે. તે તેઓને હંમેશ માટે જીવવાની તક આપશે. (પ્રે.કા. ૨૪:૧૫; તિત. ૧:૧, ૨) અયૂબને પણ ખાતરી હતી કે જેઓ ધૂળમાં ભળી ગયા છે, તેઓને જીવતા કરવા યહોવા ઝંખે છે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) દાનિયેલ પ્રબોધક પણ જાણતા હતા કે જેઓ મરણની ઊંઘમાં સરી ગયા છે, તેઓને યહોવા જરૂર ઉઠાડશે અને તેઓ પાસે હંમેશ માટે જીવવાની તક હશે. (ગીત. ૩૭:૨૯; દાનિયેલ ૧૨:૨, ૧૩ વાંચો.) ઈસુના સમયના યહૂદીઓ પણ એ વાતથી અજાણ ન હતા. તેઓ જાણતા હતા કે જો તેઓ યહોવાને વફાદાર રહેશે તો તે તેઓને ‘હંમેશ માટેનું જીવન’ આપશે. (લૂક ૧૦:૨૫; ૧૮:૧૮) ઈસુએ પણ ઘણી વાર લોકોને જણાવ્યું કે યહોવા ગુજરી ગયેલા લોકોને જીવતા કરશે અને હંમેશ માટેનું જીવન આપશે. ઈસુનું મરણ થયું ત્યારે યહોવાએ તેમને પણ જીવતા કર્યા.—માથ. ૧૯:૨૯; ૨૨:૩૧, ૩૨; લૂક ૧૮:૩૦; યોહા. ૧૧:૨૫.
૧૦. પહેલાંના સમયમાં લોકોને જીવતા કરવામાં આવ્યા એનાથી શું સાબિત થાય છે? (ચિત્ર જુઓ.)
૧૦ યહોવાએ જ માણસોને જીવન આપ્યું છે. એટલે જો કોઈ માણસ ગુજરી જાય તો યહોવા તેને જીવતો પણ કરી શકે છે. ચાલો અમુક દાખલા જોઈએ. સારફતની વિધવાનો દીકરો ગુજરી ગયો હતો. એ વખતે યહોવાએ એલિયા પ્રબોધકને શક્તિ આપી, જેનાથી તે તેને જીવતો કરી શક્યા. (૧ રાજા. ૧૭:૨૧-૨૩) શૂનેમની સ્ત્રીનો દીકરો ગુજરી ગયો ત્યારે પણ એવું જ કંઈક થયું. યહોવાએ તેને જીવતો કરવા એલિશા પ્રબોધકને શક્તિ આપી. (૨ રાજા. ૪:૧૮-૨૦, ૩૪-૩૭) યહોવાની મદદથી લોકોને જીવતા કરવામાં આવ્યા હોય, એવા અનેક કિસ્સા બાઇબલમાં છે. એનાથી સાબિત થાય છે કે લોકોને મરણમાંથી જીવતા કરવાની શક્તિ યહોવા પાસે છે. તેમણે એ શક્તિ ઈસુને પણ આપી છે. એટલે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તે લોકોને મરણમાંથી જીવતા કરી શક્યા. (યોહા. ૧૧:૨૩-૨૫, ૪૩, ૪૪) ઈસુએ વચન આપ્યું હતું કે ‘જેઓ કબરમાં છે તેઓ બધા તેમનો અવાજ સાંભળશે અને બહાર નીકળી આવશે.’ ઈસુ આજે સ્વર્ગમાં છે અને તેમને ‘સ્વર્ગમાં અને પૃથ્વી પર સર્વ અધિકાર આપવામાં આવ્યો છે.’ એટલે ઈસુ એ વચન પૂરું કરી શકે છે અને તેઓને હંમેશ માટે જીવવાની તક આપી શકે છે.—યોહા. ૫:૨૫-૨૯; માથ. ૨૮:૧૮.
૧૧. ઈસુએ ચૂકવેલી કિંમતને લીધે શું શક્ય બન્યું અને કેમ?
૧૧ ઈસુને વધસ્તંભ પર ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યા. યહોવાએ પોતાના વહાલા દીકરાને કેમ આ રીતે મરવા દીધા? એનું કારણ જણાવતા ઈસુએ કીધું: “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો, જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.” (યોહા. ૩:૧૬) યહોવાએ પોતાના દીકરાનું બલિદાન આપ્યું, જેથી પૃથ્વી માટે તેમનો હેતુ પૂરો થાય. ઈસુએ ચૂકવેલી કિંમતને લીધે આપણને પાપોની માફી મળી શકે છે અને ભાવિમાં હંમેશ માટેનું જીવન મળી શકે છે. (માથ. ૨૦:૨૮) એ ગોઠવણ વિશે પ્રેરિત પાઉલે લખ્યું હતું: “જેમ એક માણસને લીધે મરણ આવ્યું, તેમ એક માણસને લીધે મરણમાંથી જીવતા કરવામાં આવશે. જેમ આદમને લીધે બધા મરે છે, તેમ ખ્રિસ્તને લીધે બધાને જીવતા કરવામાં આવશે.”—૧ કોરીં. ૧૫:૨૧, ૨૨.
૧૨. યહોવા કઈ રીતે પોતાની ઇચ્છા પૂરી કરશે?
૧૨ ઈસુએ પોતાના શિષ્યોને શીખવ્યું કે ઈશ્વરનું રાજ્ય આવે અને પૃથ્વી પર તેમની ઇચ્છા પૂરી થાય એ માટે પ્રાર્થના કરો. (માથ. ૬:૯, ૧૦) પૃથ્વી માટે યહોવાની ઇચ્છા છે કે બધા માણસોને હંમેશ માટેનું જીવન મળે. એ ઇચ્છા પૂરી કરવા યહોવાએ ઈસુને પોતાના રાજ્યના રાજા બનાવ્યા છે. યહોવા પહેલી સદીથી ૧,૪૪,૦૦૦ લોકોને પણ ભેગા કરી રહ્યા છે, જેથી તેઓ ઈસુને સાથ આપે.—પ્રકટી. ૫:૯, ૧૦.
૧૩. આજે યહોવા શું કરી રહ્યા છે અને આપણે શું કરવું જોઈએ?
૧૩ યહોવા આજે એક “મોટું ટોળું” ભેગું કરી રહ્યા છે. તે મોટા ટોળાના લોકોને તાલીમ આપી રહ્યા છે, જેથી તેઓ હંમેશ માટે તેમના રાજ્યમાં જીવી શકે. (પ્રકટી. ૭:૯, ૧૦; યાકૂ. ૨:૮) આજે દુનિયામાં લોકો વચ્ચે નફરત છે, ભાગલા પડી ગયા છે. ઘણી જગ્યાએ યુદ્ધો ફાટી નીકળ્યાં છે. પણ મોટા ટોળાના લોકો બધાને પ્રેમ કરે છે. તેઓ કોઈ દેશ કે જાતિના લોકોને ધિક્કારતા નથી. આમ, તેઓએ તો જાણે હમણાં જ પોતાની તલવારોને ટીપીને હળની કોશો બનાવી દીધી છે. (મીખા. ૪:૩) યુદ્ધોને લીધે લોહીની નદીઓ વહે છે, પણ મોટા ટોળાના લોકો બીજાઓને ‘ખરા જીવનનો’ માર્ગ બતાવે છે. તેઓ લોકોને યહોવા અને તેમની ઇચ્છા વિશે શીખવે છે, જેથી એ લોકો પૃથ્વી પર હંમેશ માટેનું જીવન મેળવી શકે. (૧ તિમો. ૬:૧૯) યહોવાના ભક્તો તેમના રાજ્યને ટેકો આપે છે. એટલે તેઓ પર અમુક વાર મુશ્કેલીઓ આવે છે. જેમ કે, કુટુંબના સભ્યો તેઓનો વિરોધ કરે છે અથવા તેઓએ પૈસાની તંગી સહેવી પડે છે. પણ યહોવા હંમેશાં તેઓની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે. (માથ. ૬:૨૫, ૩૦-૩૩; લૂક ૧૮:૨૯, ૩૦) એ બધાથી સાબિત થાય છે કે યહોવાનું રાજ્ય કોઈ કલ્પના નહિ, પણ હકીકત છે. યહોવા એ રાજ્ય દ્વારા પોતાની ઇચ્છા પૂરી કરતા રહેશે.
એક સોનેરી ભાવિ
૧૪-૧૫. મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે, એ વચન કઈ રીતે પૂરું થશે?
૧૪ ઈસુ આજે સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યના રાજા છે. યહોવાએ આપણને જે વચનો આપ્યાં છે, એને ઈસુ બહુ જલદી પૂરાં કરશે. (૨ કોરીં. ૧:૨૦) ૧૯૧૪થી ઈસુ પોતાના દુશ્મનો પર જીત મેળવી રહ્યા છે. (ગીત. ૧૧૦:૧, ૨) નજીકના ભાવિમાં તે ૧,૪૪,૦૦૦ રાજાઓ સાથે મળીને બધા દુષ્ટોનું નામનિશાન મિટાવી દેશે અને “પૂરેપૂરી જીત” મેળવશે.—પ્રકટી. ૬:૨.
૧૫ મરણની ઊંઘમાં સૂઈ ગયેલા લોકોને ઈસુના ૧,૦૦૦ વર્ષના રાજમાં ઉઠાડવામાં આવશે. એ સમયે જેઓ યહોવાની આજ્ઞા પાળશે તેઓમાંથી ધીરે ધીરે પાપની અસર દૂર થતી જશે. તેઓમાં કોઈ ખોટ કે ખામી નહિ હોય. પછી છેલ્લી કસોટી થશે. જેઓ યહોવાને વફાદાર રહેશે, તેઓ “ધરતીના વારસ થશે અને એમાં તેઓ સદા જીવશે.” (ગીત. ૩૭:૧૦, ૧૧, ૨૯) આપણા “છેલ્લા દુશ્મન મરણનું નામનિશાન મિટાવી દેવામાં આવશે.” એ સમયે આપણું દિલ હરખાઈ ઊઠશે!—૧ કોરીં. ૧૫:૨૬.
૧૬. યહોવાને વફાદાર રહેવાનું સૌથી મોટું કારણ કયું હોવું જોઈએ?
૧૬ આ લેખમાં આપણે બાઇબલમાંથી ત્રણ કારણોની ચર્ચા કરી. એનાથી ભરોસો મજબૂત થાય છે કે આપણે હંમેશ માટે જીવી શકીએ છીએ. એ આશા પૂરી થાય એની આપણે આતુરતાથી રાહ જોઈએ છીએ. એ આશા પર મનન કરતા રહીશું તો આજના અઘરા સંજોગોમાં પણ યહોવાને વફાદાર રહી શકીશું. યહોવા આપણને હંમેશ માટેનું જીવન આપશે, ફક્ત એ કારણને લીધે આપણે તેમને વફાદાર નથી રહેતા. યહોવા અને ઈસુને વફાદાર રહેવાનું સૌથી મોટું કારણ છે કે આપણે તેઓને પૂરા દિલથી પ્રેમ કરીએ છીએ. (૨ કોરીં. ૫:૧૪, ૧૫) એ પ્રેમને લીધે આપણે તેઓને અનુસરીએ છીએ અને લોકોને ભાવિની આશા વિશે જણાવીએ છીએ. (રોમ. ૧૦:૧૩-૧૫) જો આપણે ફક્ત પોતાના વિશે વિચારવાને બદલે બીજાઓને યહોવા અને તેમની ઇચ્છા વિશે જણાવીશું, તો યહોવા ઘણા ખુશ થશે અને આપણે હંમેશાં યહોવાના દોસ્ત રહી શકીશું.—હિબ્રૂ. ૧૩:૧૬.
૧૭. આપણે શું કરતા રહેવું પડશે? (માથ્થી ૭:૧૩, ૧૪)
૧૭ યહોવા આજે દરેકને હંમેશ માટેનું જીવન મેળવવાની તક આપે છે. પણ એ માટે આપણે જીવન તરફ લઈ જતા રસ્તા પર ચાલતા રહેવું પડશે. (માથ્થી ૭:૧૩, ૧૪ વાંચો.) નવી દુનિયામાં આપણું જીવન કેવું હશે? એ વિશે આવતા લેખમાં જોઈશું.
ગીત ૧ યહોવાના ગુણો
a યહોવાએ આપણને વચન આપ્યું છે કે આપણે પૃથ્વી પર હંમેશ માટે જીવીશું. એ વખતે મરણનો ડર નહિ સતાવે. શું તમે હંમેશ માટે જીવવા માંગો છો? આ લેખમાં આપણે અમુક કારણો જોઈશું. એનાથી આપણો ભરોસો મજબૂત થશે કે યહોવા પોતાનું વચન જરૂર પૂરું કરશે.
b “હંમેશ માટે” બૉક્સ જુઓ.
c ચિત્રની સમજ: એક ઉંમરવાળા ભાઈ વિચારી રહ્યા છે કે તે નવી દુનિયામાં શું કરશે.