માથ્થી
૧૫ પછી, યરૂશાલેમથી ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુ પાસે આવ્યા અને કહ્યું: ૨ “તમારા શિષ્યો બાપદાદાના રિવાજો કેમ તોડે છે? દાખલા તરીકે, તેઓ જમતા પહેલાં પોતાના હાથ ધોતા નથી.”*
૩ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું: “તમે કેમ તમારા રિવાજોને લીધે ઈશ્વરની આજ્ઞા તોડો છો? ૪ દાખલા તરીકે, ઈશ્વરે કહ્યું હતું: ‘તમારાં માતાપિતાને માન આપો,’ અને ‘જે કોઈ પોતાની માતા કે પિતાનું ખરાબ બોલીને અપમાન કરે છે* તે માર્યો જાય.’ ૫ પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માતાને કહે છે: “તમને ફાયદો થાય એવું જે કંઈ મારી પાસે છે, એ ઈશ્વરને અર્પણ કરેલી ભેટ છે,” ૬ તેણે પોતાનાં માબાપને આદર બતાવવાની કોઈ જરૂર નથી.’ એટલે, તમે તમારા રિવાજોને લીધે ઈશ્વરે જે કહ્યું છે એને નકામું બનાવી દીધું છે. ૭ ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા વિશે એકદમ ખરી ભવિષ્યવાણી કરતા કહ્યું હતું: ૮ ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓના હૃદય મારાથી ઘણા દૂર છે. ૯ તેઓ મારી ભક્તિ કરે છે એ નકામું છે, કેમ કે તેઓ માણસોની આજ્ઞાઓને ઈશ્વરના શિક્ષણ તરીકે શીખવે છે.’” ૧૦ ત્યાર પછી, તેમણે ટોળાને નજીક બોલાવીને તેઓને કહ્યું, “સાંભળો અને આનો અર્થ સમજો: ૧૧ માણસના મોંમાં જે જાય છે એનાથી તે ભ્રષ્ટ થતો નથી, પણ તેના મોંમાંથી જે નીકળે છે એનાથી તે ભ્રષ્ટ થાય છે.”
૧૨ પછી, શિષ્યોએ આવીને તેમને કહ્યું: “તમારી વાત સાંભળીને ફરોશીઓ બહુ ગુસ્સે ભરાયા છે, એ તમને ખબર છે?” ૧૩ જવાબમાં તેમણે કહ્યું: “સ્વર્ગમાંના મારા પિતાએ જે છોડ રોપ્યા નથી, એ દરેક ઉખેડી નંખાશે. ૧૪ તેઓની વાત જવા દો. તેઓ આંધળા આગેવાનો છે, જો આંધળો આંધળાને દોરે તો બંને ખાડામાં પડશે.” ૧૫ પીતરે કહ્યું: “અમને એ ઉદાહરણનો અર્થ સમજાવો.” ૧૬ ત્યારે ઈસુએ કહ્યું: “શું તમને પણ હજુ સમજ ન પડી? ૧૭ તમે શું જાણતા નથી કે મોં દ્વારા જે કંઈ અંદર જાય છે એ પેટમાં થઈને શરીરની બહાર નીકળી જાય છે? ૧૮ પણ, જે વાતો મોંમાંથી નીકળે છે એ હૃદયમાંથી આવે છે અને એ વાતો માણસને ભ્રષ્ટ કરે છે. ૧૯ દાખલા તરીકે, દુષ્ટ વિચારો, હત્યાઓ, લગ્ન બહાર જાતીય સંબંધો, વ્યભિચાર,* ચોરીઓ, જૂઠી સાક્ષીઓ અને નિંદા હૃદયમાંથી નીકળે છે. ૨૦ આ બધું માણસને ભ્રષ્ટ કરે છે, પણ હાથ ધોયા વગર* જમવું માણસને ભ્રષ્ટ કરતું નથી.”
૨૧ ઈસુ હવે ત્યાંથી નીકળીને તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા. ૨૨ અને જુઓ! ફિનીકિયાની* એક સ્ત્રી એ પ્રદેશમાંથી આવીને મોટેથી પોકારી ઊઠી: “ઓ પ્રભુ, દાઊદના દીકરા, મારા પર દયા કરો. મારી દીકરીને દુષ્ટ દૂત વળગ્યો છે અને એને બહુ રિબાવે છે.” ૨૩ ત્યારે તેમણે જવાબમાં એ સ્ત્રીને એક શબ્દ પણ ન કહ્યો. તેથી, ઈસુના શિષ્યોએ પાસે આવીને તેમને વિનંતી કરી: “તેને મોકલી દો, કેમ કે તે બૂમો પાડતી પાડતી આપણી પાછળ આવે છે.” ૨૪ જવાબમાં તેમણે કહ્યું: “મને ઇઝરાયેલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મોકલવામાં આવ્યો નથી.” ૨૫ જ્યારે એ સ્ત્રી આવી ત્યારે તેણે ઝૂકીને નમન કરતા તેમને કહ્યું: “પ્રભુ, મને મદદ કરો!” ૨૬ જવાબમાં તેમણે કહ્યું: “બાળકોની રોટલી લઈને ગલૂડિયાંને નાખવી એ બરાબર નથી.” ૨૭ તેણે કહ્યું: “હા પ્રભુ, પણ માલિકોની મેજ નીચે પડતા ટુકડા તો ગલૂડિયાં ખાય છે ને!” ૨૮ ઈસુએ તેને જણાવ્યું: “હે સ્ત્રી, તારી શ્રદ્ધા મહાન છે; તું જેવું ચાહે છે એવું તને થાઓ.” અને એ જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ.
૨૯ ત્યાંથી નીકળ્યા પછી, ઈસુ ગાલીલ સરોવરની પાસે આવ્યા અને પહાડ પર જઈને ત્યાં બેઠા. ૩૦ ત્યારે મોટું ટોળું તેમની પાસે આવ્યું, તેઓએ પોતાની સાથે લંગડા, અપંગ, આંધળા, મૂંગા અને બીજા બીમાર લોકોને લાવીને ઈસુના પગ આગળ મૂક્યા અને તેમણે તેઓને સાજા કર્યા; ૩૧ જ્યારે ટોળાએ મૂંગાને બોલતા, લૂલાને સાજા થતા, લંગડાને ચાલતા અને આંધળાને દેખતા થતા જોયા, ત્યારે તેઓને ઘણી નવાઈ લાગી અને તેઓએ ઇઝરાયેલના ઈશ્વરને મહિમા આપ્યો.
૩૨ પછી, ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું: “મને ટોળાની દયા આવે છે, કેમ કે તેઓ ત્રણ દિવસથી મારી સાથે છે અને તેઓ પાસે કંઈ ખાવાનું નથી. હું તેઓને ભૂખ્યા મોકલવા ચાહતો નથી, કદાચ તેઓ રસ્તામાં બેભાન થઈ જાય.” ૩૩ જોકે, શિષ્યોએ તેમને કહ્યું: “આટલા મોટા ટોળાની ભૂખ સંતોષાય એટલી રોટલી અમે આ ઉજ્જડ જગ્યામાં ક્યાંથી લાવીએ?” ૩૪ ત્યારે ઈસુએ તેઓને કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું: “સાત અને અમુક નાની માછલી.” ૩૫ ત્યારે તેમણે ટોળાને જમીન પર બેસવાનું કહ્યું. ૩૬ પછી, તેમણે સાત રોટલીઓ અને માછલીઓ લીધી અને ઈશ્વરનો આભાર માન્યા પછી એ તોડીને શિષ્યોને આપી; અને શિષ્યોએ ટોળાને આપી. ૩૭ બધાએ ધરાઈને ખાધું અને તેઓએ સાત ટોપલા* ભરીને વધેલા ટુકડા ભેગા કર્યા. ૩૮ હવે, ખાનારાઓમાં ૪,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં. ૩૯ આખરે, ટોળાને વિદાય કર્યા પછી તે હોડીમાં બેસીને મગદાનના પ્રદેશમાં આવ્યા.