માથ્થી
૧૯ એ વાતો કહી રહ્યા પછી, ઈસુ ગાલીલથી નીકળી ગયા અને યરદન પાર કરીને યહુદિયાની સરહદના વિસ્તારોમાં આવી પહોંચ્યા. ૨ લોકોનાં ટોળેટોળાં પણ તેમની પાછળ આવ્યાં અને તેમણે તેઓને ત્યાં સાજા કર્યા.
૩ ફરોશીઓ ઈસુની કસોટી કરવાના ઇરાદાથી તેમની પાસે આવ્યા અને તેઓએ પૂછ્યું: “શું એ ખરું છે કે પુરુષ તેની પત્નીને કોઈ પણ કારણથી છૂટાછેડા આપી શકે?” ૪ જવાબમાં તેમણે કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યા ૫ અને કહ્યું: ‘આ કારણે માણસ પોતાનાં માતાપિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે* અને તેઓ બંને એક શરીર થશે’? ૬ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. તેથી, ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.” ૭ તેઓએ તેમને કહ્યું: “તો પછી, મુસાએ કેમ છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની આજ્ઞા કરી હતી?” ૮ તેમણે તેઓને કહ્યું: “મુસાએ તમારા હૃદયની કઠણતાને લીધે તમારી પત્નીઓને છૂટાછેડા આપવાની રજા આપી હતી, પણ શરૂઆતથી એવું ન હતું. ૯ હું તમને કહું છું કે જે પોતાની પત્નીને વ્યભિચાર* સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે લગ્ન બહાર જાતીય સંબંધ બાંધે છે.”
૧૦ શિષ્યોએ તેમને કહ્યું કે, “જો પતિ-પત્ની વચ્ચે આવું થતું હોય, તો ન પરણવું વધારે સારું.” ૧૧ તેમણે તેઓને કહ્યું, “સર્વથી એ વાત પળાતી નથી, પણ જેઓને ઈશ્વર મદદ કરે છે* તેઓ જ એ પાળી શકે છે. ૧૨ કેમ કે અમુક એવા છે જેઓ જન્મથી જ નપુંસક* છે, અમુક એવા છે જેઓને માણસોએ નપુંસક બનાવી દીધા છે; અને અમુક એવા છે જેઓ સ્વર્ગના રાજ્યને લીધે લગ્ન કરતા નથી.* આ વાત જે પાળી શકે એ પાળે.”
૧૩ પછી, લોકો બાળકોને ઈસુ પાસે લાવ્યાં, જેથી તે તેઓને આશીર્વાદ આપે* અને પ્રાર્થના કરે, પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યા. ૧૪ પરંતુ, ઈસુએ કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો અને તેઓને રોકવાનો પ્રયત્ન કરશો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય આ બાળકો જેવાં લોકોનું છે.” ૧૫ પછી, તેમણે તેઓને આશીર્વાદ આપ્યો* અને ત્યાંથી નીકળી ગયા.
૧૬ હવે જુઓ! એક યુવાન તેમની પાસે આવ્યો અને કહ્યું: “શિક્ષક, હંમેશ માટેનું જીવન મેળવવા મારે કયાં ઉત્તમ કામો કરવાં જોઈએ?” ૧૭ ઈસુએ તેને કહ્યું: “શું ઉત્તમ છે એ તું મને શા માટે પૂછે છે? ફક્ત ઈશ્વર એકલા જ ઉત્તમ છે. તોપણ, જો તારે જીવન મેળવવું હોય તો તું આજ્ઞાઓ પાળતો રહે.” ૧૮ તેણે તેમને પૂછ્યું: “કઈ આજ્ઞાઓ?” ઈસુએ કહ્યું: “તું ખૂન ન કર, તું વ્યભિચાર* ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, ૧૯ તારાં માતાપિતાને માન આપ અને તું પોતાના પર રાખે છે એવો પ્રેમ પડોશી પર રાખ.” ૨૦ પેલા યુવાને તેમને કહ્યું: “હું આ બધું તો પાળું છું, હજુ મારે શું કરવાની જરૂર છે?” ૨૧ ઈસુએ તેને કહ્યું: “જો તું સંપૂર્ણ* થવા ચાહતો હોય, તો જઈને તારી બધી માલમિલકત વેચી દે, ગરીબોને આપી દે અને સ્વર્ગમાં તને ખજાનો મળશે; અને આવ, મારો શિષ્ય બન.” ૨૨ યુવાને આ સાંભળ્યું ત્યારે તે બહુ દુઃખી થઈને ચાલ્યો ગયો, કેમ કે તેની પાસે ઘણી માલમિલકત હતી. ૨૩ પછી, ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે ધનવાન માણસ માટે સ્વર્ગના રાજ્યમાં પ્રવેશવું બહુ અઘરું થઈ પડશે. ૨૪ હું તમને ફરીથી કહું છું: ધનવાન માણસનું ઈશ્વરના રાજ્યમાં જવું, એના કરતાં ઊંટનું સોયના નાકામાં થઈને જવું વધારે સહેલું છે.”
૨૫ એ સાંભળીને શિષ્યો બહુ જ નવાઈ પામ્યા અને કહેવા લાગ્યા: “તો પછી કોણ બચી શકે?” ૨૬ ઈસુએ સીધું તેઓ સામે જોઈને કહ્યું: “માણસો માટે આ અશક્ય છે, પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે.”
૨૭ પછી, પીતરે તેમને જવાબમાં કહ્યું: “જુઓ! અમે બધું છોડીને તમારી પાછળ આવ્યા છીએ; એ માટે અમને શું મળશે?” ૨૮ ઈસુએ તેઓને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: બધું નવું બનાવવામાં આવશે ત્યારે માણસનો દીકરો પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે; એ વખતે મારી પાછળ આવનારા તમે પણ, બાર રાજ્યાસનો પર બેસીને ઇઝરાયેલનાં બાર કુળોનો ન્યાય કરશો. ૨૯ તેમ જ, જે કોઈએ મારા નામને લીધે ઘરો કે ભાઈઓ કે બહેનો કે પિતા કે માતા કે બાળકો કે ખેતરો છોડી દીધાં છે, તે એ બધું સો ગણું વધારે મેળવશે અને હંમેશ માટેના જીવનનો વારસો મેળવશે.
૩૦ “પરંતુ, ઘણા જેઓ પહેલા છે, તેઓ છેલ્લા અને છેલ્લા છે તેઓ પહેલા થશે.