પ્રેરિતોનાં કાર્યો
૧૯ એ બનાવો બન્યા પછી, અપોલોસ કોરીંથમાં હતો ત્યારે, પાઊલ આસિયાના અંદરના વિસ્તારોમાં ફરતો ફરતો એફેસસ આવ્યો. ત્યાં તેને અમુક શિષ્યો મળ્યા. ૨ તેણે તેઓને પૂછ્યું: “તમે શ્રદ્ધા મૂકી ત્યારે શું તમને પવિત્ર શક્તિ મળી હતી?” તેઓએ તેને જવાબ આપ્યો: “ના, અમે પવિત્ર શક્તિ વિશે કદી સાંભળ્યું નથી.” ૩ તેથી, તેણે કહ્યું: “તો પછી, તમે કયું બાપ્તિસ્મા લીધું હતું?” તેઓએ જણાવ્યું: “યોહાનનું બાપ્તિસ્મા.” ૪ પાઊલે કહ્યું: “યોહાને આપેલું બાપ્તિસ્મા પસ્તાવાની નિશાની તરીકેનું બાપ્તિસ્મા હતું. તે લોકોને જણાવતો હતો કે તેના પછી આવનાર ઈસુમાં શ્રદ્ધા મૂકે.” ૫ એ સાંભળીને તેઓએ પ્રભુ ઈસુના નામમાં બાપ્તિસ્મા લીધું. ૬ પાઊલે તેઓ પર હાથ મૂક્યો ત્યારે, તેઓ પર પવિત્ર શક્તિ આવી અને તેઓ બીજી ભાષાઓ બોલવા લાગ્યા અને ભવિષ્યવાણી કરવા લાગ્યા. ૭ તેઓ બધા મળીને આશરે ૧૨ માણસો હતા.
૮ ત્રણ મહિના સુધી પાઊલ સભાસ્થાનમાં જઈને હિંમતથી બોલ્યો, ઈશ્વરના રાજ્ય વિશે પ્રવચનો આપ્યાં અને લોકોને સમજાવવા ચર્ચા કરી. ૯ પરંતુ, અમુક લોકોએ હઠીલા બનીને એ વાતોનો સ્વીકાર કર્યો નહિ* અને ટોળા આગળ પ્રભુના માર્ગની નિંદા કરી. એટલે, તેણે તેઓને પડતા મૂક્યા અને શિષ્યોને તેઓથી અલગ કર્યા. પછી, તે રોજ તુરાનસની શાળાના સભાખંડમાં પ્રવચનો આપવા લાગ્યો. ૧૦ બે વર્ષ સુધી એમ ચાલ્યું, જેના લીધે આસિયા પ્રાંતમાં રહેતા બધા યહુદીઓ અને ગ્રીકોએ પ્રભુનો સંદેશો સાંભળ્યો.
૧૧ પાઊલના હાથે ઈશ્વર અસાધારણ પરાક્રમી કામો કરતાં હતાં. ૧૨ એટલે સુધી કે તેણે વાપરેલાં કપડાં અને રૂમાલ પણ તેઓ બીમાર લોકો પાસે લાવતા; તેથી, તેઓની બીમારીઓ દૂર થતી અને તેઓમાંથી દુષ્ટ દૂતો નીકળી જતા. ૧૩ અમુક યહુદીઓ બધી બાજુ જઈને લોકોમાંથી દુષ્ટ દૂતો કાઢતા; તેઓએ પણ આમ કહીને દુષ્ટ દૂતો કાઢવા પ્રભુ ઈસુનું નામ વાપરવાનો પ્રયત્ન કર્યો: “જે ઈસુ વિશે પાઊલ પ્રચાર કરે છે, તેમના નામમાં હું તમને બધાને હુકમ કરું છું.” ૧૪ હવે, સ્કેવા નામના એક યહુદી મુખ્ય યાજકના સાત દીકરાઓએ એવું કર્યું. ૧૫ પરંતુ, જવાબમાં દુષ્ટ દૂતે તેઓને કહ્યું: “હું ઈસુને જાણું છું અને પાઊલને ઓળખું છે; પણ તમે લોકો કોણ છો?” ૧૬ એ સાથે દુષ્ટ દૂત વળગેલા માણસે તેઓ પર હુમલો કર્યો અને એક-એક કરીને તેઓને હરાવી દીધા. તેથી, તેઓ નગ્ન* અને ઘાયલ હાલતમાં ઘરની બહાર નાસી ગયા. ૧૭ એફેસસમાં રહેતા યહુદીઓ અને ગ્રીકો બધાને આ વાતની જાણ થઈ; તેઓ બધા પર ભય છવાઈ ગયો અને પ્રભુ ઈસુનું નામ મોટું મનાતું ગયું. ૧૮ અને તેઓમાંથી શ્રદ્ધા મૂકનારા ઘણાએ આવીને જાહેરમાં પોતાની ભૂલો કબૂલ કરી અને પોતાનાં કામો વિશે જણાવ્યું. ૧૯ હકીકતમાં, જાદુવિદ્યા કરનારા ઘણા લોકોએ પોતાનાં પુસ્તકો લાવીને ભેગાં કર્યાં અને બધાની સામે બાળી નાખ્યાં. તેઓએ એની કિંમત ગણી તો, એ ૫૦,૦૦૦ ચાંદીના સિક્કા થઈ. ૨૦ આમ, યહોવાનો* સંદેશો જોરદાર રીતે વધતો ને વધતો ગયો અને એનો પ્રભાવ ફેલાતો ગયો.
૨૧ આ બધું બન્યા પછી, પાઊલે મનમાં ગાંઠ વાળી કે મકદોનિયા અને અખાયા ગયા પછી તે યરૂશાલેમ જવા મુસાફરી કરશે. તેણે કહ્યું: “ત્યાં પહોંચ્યા બાદ, મારે રોમ પણ જવું જોઈએ.” ૨૨ તેથી, તેણે પોતાના બે સેવકો તિમોથી અને એરાસ્તસને મકદોનિયા મોકલ્યા. જ્યારે કે, તે પોતે થોડા સમય માટે આસિયા પ્રાંતમાં રહ્યો.
૨૩ એ દિવસોમાં, પ્રભુના માર્ગને લીધે ઘણું તોફાન ફાટી નીકળ્યું. ૨૪ ત્યાં દેમેત્રિયસ નામનો એક સોની હતો. તે આર્તિમિસ દેવીનાં ચાંદીનાં નાનાં મંદિર બનાવતો અને કારીગરોને ઘણી કમાણી કરાવી આપતો હતો. ૨૫ તેણે તેઓને અને બીજા કારીગરોને ભેગા કરીને કહ્યું: “દોસ્તો, તમે સારી રીતે જાણો છો કે આ ધંધાથી આપણને ઘણો નફો થાય છે. ૨૬ તમે જુઓ છો અને સાંભળો છો કે આ પાઊલે ફક્ત એફેસસમાં જ નહિ, પણ લગભગ આખા આસિયા પ્રાંતમાં ઘણા લોકોને ફોસલાવી દીધા છે. તેણે આમ કહીને તેઓના મન ફેરવી નાખ્યા છે કે, હાથે બનાવેલા દેવો હકીકતમાં દેવો નથી. ૨૭ અને ફક્ત એટલું જ જોખમ નથી કે આપણા ધંધાની બદનામી થશે, પણ મહાન દેવી આર્તિમિસના મંદિરની કંઈ કિંમત નહિ રહે. આખા આસિયા પ્રાંત અને આખી પૃથ્વી પર જેની પૂજા થાય છે, એ આર્તિમિસનો મહિમા ધૂળમાં મળી જશે.” ૨૮ એ સાંભળીને માણસો ગુસ્સાથી ભભૂકી ઊઠ્યા અને તેઓ પોકારવા લાગ્યા: “એફેસીઓની દેવી આર્તિમિસની જય હો!”
૨૯ એટલે, આખા શહેરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ. તેઓ બધા ભેગા થઈને નાટ્યગૃહમાં* ઘૂસી ગયા. મકદોનિયાના ગાયસ તથા અરિસ્તાર્ખસ, જેઓ પાઊલ સાથે મુસાફરી કરતા હતા તેઓને પણ સાથે ઘસડી ગયા. ૩૦ પાઊલ પોતે લોકો પાસે અંદર જવા માંગતો હતો, પણ શિષ્યોએ તેને જવા દીધો નહિ. ૩૧ તહેવારો અને રમતોના અમુક અધિકારીઓ તેના મિત્રો હતા. તેઓએ પણ તેને સંદેશો મોકલાવીને વિનંતી કરી કે નાટ્યગૃહમાં જવાનું જોખમ ન લે. ૩૨ એ વખતે, અમુક લોકો કંઈક બૂમો પાડતા હતા તો બીજાઓ બીજી કંઈક બૂમો પાડતા હતા; કેમ કે ટોળું ગૂંચવણમાં હતું અને મોટા ભાગના લોકોને ખબર ન હતી કે તેઓ શા માટે ભેગા થયા છે. ૩૩ તેથી, યહુદીઓએ ટોળામાંથી એલેકઝાંડરને આગળ ધકેલી દીધો. તેણે હાથથી ઇશારો કર્યો અને તે લોકો આગળ કંઈક ખુલાસો કરવા માંગતો હતો. ૩૪ પરંતુ, જ્યારે તેઓને ખ્યાલ આવ્યો કે તે યહુદી છે, ત્યારે તેઓએ બે કલાક સુધી એક અવાજે બૂમો પાડી: “એફેસીઓની દેવી આર્તિમિસની જય હો!”
૩૫ આખરે, શહેરના પ્રમુખે ટોળાને શાંત કર્યું અને કહ્યું: “ઓ એફેસસના લોકો, એવું કોણ છે જે જાણતું નથી કે એફેસસ શહેરના લોકો મહાન આર્તિમિસના મંદિર અને આકાશમાંથી પડેલી તેની મૂર્તિના રખેવાળ છે? ૩૬ આ વાતો ખોટી સાબિત થાય એમ નથી, એટલે તમારે શાંતિ રાખવી અને વગર વિચાર્યે વર્તવું નહિ. ૩૭ કેમ કે તમે અહીં આ માણસોને લઈને આવ્યા છો, તેઓ નથી મંદિરના લુટારા કે નથી આપણી દેવીનું અપમાન કરનારા. ૩૮ એ માટે જો દેમેત્રિયસ અને તેની સાથેના કારીગરોને કોઈની સામે ફરિયાદ હોય, તો અદાલત ખુલ્લી છે અને રાજ્યપાલો* પણ છે; ભલે તેઓ ત્યાં એકબીજા પર આરોપ મૂકે. ૩૯ પણ, જો એના સિવાય બીજી કોઈ વાત હોય, તો એનો લોકોની સભામાં નિર્ણય લેવામાં આવશે. ૪૦ આજના કિસ્સામાં તો આપણા પર રાજ સામે બળવો કરવાનો આરોપ લાગવાનું જોખમ છે, કેમ કે આવું તોફાની ટોળું ભેગું કરવાનું કોઈ કારણ આપણે આપી શકીએ એમ નથી.” ૪૧ આમ કહીને તેણે ટોળાને વિખેરી નાખ્યું.