પ્રેરિતોનાં કાર્યો
૨૦ જ્યારે ધમાલ બંધ થઈ ત્યારે પાઊલે શિષ્યોને બોલાવ્યા અને તેઓને ઉત્તેજન આપ્યું. તેઓને વિદાય કરીને તે મકદોનિયા જવા નીકળ્યો. ૨ મકદોનિયામાંથી* પસાર થતા તેણે ત્યાંના શિષ્યોને ઉત્તેજન આપતી ઘણી વાતો કહી. પછી, તે ગ્રીસ આવ્યો. ૩ તેણે ત્યાં ત્રણ મહિના કાઢ્યા. તે સિરિયા જવા દરિયાઈ માર્ગે મુસાફરી કરવાનો હતો. પણ, યહુદીઓએ તેની વિરુદ્ધ કાવતરું રચ્યું હોવાથી, તેણે પાછા મકદોનિયા થઈને જવાનું નક્કી કર્યું. ૪ તેની સાથે બેરીઆના પૂરસનો દીકરો સોપાત્રસ, થેસ્સાલોનિકાના અરિસ્તાર્ખસ અને સેકુંદસ, દર્બેનો ગાયસ અને તિમોથી હતા; તેમ જ, આસિયા પ્રાંતના તુખિકસ અને ત્રોફિમસ પણ તેની સાથે હતા. ૫ આ માણસો આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા; ૬ પણ બેખમીર રોટલીના દિવસો પછી, અમે ફિલિપીથી દરિયાઈ માર્ગે નીકળ્યા. પાંચ દિવસમાં અમે તેઓની પાસે ત્રોઆસ આવી પહોંચ્યા અને ત્યાં અમે સાત દિવસ રહ્યા.
૭ અઠવાડિયાના પહેલા દિવસે અમે જમવા ભેગા થયા હતા ત્યારે, પાઊલે ત્યાં હાજર હતા તેઓને પ્રવચન આપ્યું, કેમ કે પછીના દિવસે તે નીકળવાનો હતો. તેનું પ્રવચન મધરાત સુધી ચાલ્યું. ૮ અમે ભેગા થયા હતા એ ઉપરના ઓરડામાં ઘણા દીવા બળતા હતા. ૯ યુતુખસ નામનો એક યુવાન બારીએ બેઠો હતો. પાઊલ પ્રવચન આપી રહ્યો હતો ત્યારે, તે યુવાન ઘેરી ઊંઘમાં સરી ગયો. ઊંઘમાં ને ઊંઘમાં તે બીજા માળેથી* નીચે પડ્યો અને તેઓએ તેને ઉપાડ્યો ત્યારે, તે મરેલો હતો. ૧૦ પણ, પાઊલ નીચે ગયો અને નમીને તેને બાથમાં લીધો અને કહ્યું: “શાંતિ રાખો, કેમ કે તે જીવે* છે.” ૧૧ પછી, તેણે ઉપરના માળે જઈને ભોજનની શરૂઆત કરી* અને ખાધું. તેણે લાંબા સમય સુધી, એટલે સવાર સુધી પ્રવચન આપ્યું. પછી, તેણે ત્યાંથી વિદાય લીધી. ૧૨ તેઓ યુવાનને જીવતો પાછો લઈ ગયા, એટલે તેઓની ખુશી સમાતી ન હતી.
૧૩ પછી, અમે આગળ જવા નીકળ્યા અને વહાણમાં આસોસ જવા મુસાફરી કરી. ત્યાંથી અમે પાઊલને વહાણમાં લેવાના હતા. પાઊલની એવી સૂચના હતી, કેમ કે તે ચાલીને ત્યાં જવા ચાહતો હતો. ૧૪ તેથી, તે આસોસમાં અમને મળ્યો ત્યારે, અમે તેને વહાણમાં સાથે લીધો અને મિતુલેની શહેર ગયા. ૧૫ ત્યાંથી અમે બીજા દિવસે વહાણમાં નીકળ્યા અને ખિયોસના કિનારે પહોંચ્યા; એ પછીના દિવસે અમે થોડી વાર સામોસ રોકાયા, એ પછીના દિવસે અમે મિલેતસ આવ્યા. ૧૬ પાઊલે નક્કી કર્યું હતું કે એફેસસમાં રોકાવું નહિ, જેથી આસિયા પ્રાંતમાં સમય પસાર કરવો ન પડે. શક્ય હોય તો પચાસમા દિવસના તહેવારે યરૂશાલેમ પહોંચવા તે ઉતાવળ કરતો હતો.
૧૭ તેણે મિલેતસથી એફેસસમાં સંદેશો મોકલ્યો અને મંડળના વડીલોને બોલાવ્યા. ૧૮ તેઓ પાઊલની પાસે આવ્યા ત્યારે, તેણે તેઓને કહ્યું: “આસિયા પ્રાંતમાં મેં પગ મૂક્યો, એ દિવસથી હું તમારી સાથે કઈ રીતે વર્ત્યો, એ તમે સારી રીતે જાણો છો. ૧૯ ઘણી નમ્રતાથી,* આંસુઓ વહાવીને તેમજ યહુદીઓનાં કાવતરાંને લીધે આવી પડેલી સતાવણીઓ સહીને, મેં પ્રભુના દાસ તરીકે તેમની સેવા કરી છે. ૨૦ તમારા માટે જે વાતો લાભકારક છે* એ કહેવાનું હું ચૂક્યો નથી અને તમને જાહેરમાં તથા ઘરે ઘરે શીખવતા હું અચકાયો નથી. ૨૧ પણ, ઈશ્વર આગળ પસ્તાવો કરવો અને આપણા પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખવી, એ વિશે મેં યહુદીઓ અને ગ્રીકોને પૂરેપૂરી સાક્ષી આપી છે. ૨૨ હવે જુઓ! પવિત્ર શક્તિને આધીન થઈને* હું યરૂશાલેમ જવા મુસાફરી કરું છું. ત્યાં મારી સાથે શું થવાનું છે એ હું જાણતો નથી. ૨૩ ખરું કે, એક પછી એક શહેરમાં પવિત્ર શક્તિ વારંવાર મને આ વાતની સાક્ષી આપે છે કે મારા માટે કેદ અને કસોટીઓ રાહ જોઈ રહ્યા છે. ૨૪ તોપણ, મારા માટે મારું જીવન* મહત્ત્વનું નથી.* મારા માટે તો એ મહત્ત્વનું છે કે હું મારી દોડ પૂરી કરું; અને ઈશ્વરની અપાર કૃપાની ખુશખબર વિશે પૂરેપૂરી સાક્ષી આપવા, પ્રભુ ઈસુ પાસેથી મને મળેલું સેવાકાર્ય હું પૂરું કરું.
૨૫ “હવે જુઓ! મેં તમને રાજ્યનો પ્રચાર કર્યો છે અને હું જાણું છું કે તમારામાંનું કોઈ મારું મોં ફરીથી જોશે નહિ. ૨૬ બધા માણસોના લોહી વિશે હું નિર્દોષ છું, એના આજે તમે સાક્ષી થાઓ એ માટે મેં તમને બોલાવ્યા છે. ૨૭ કેમ કે ઈશ્વરની ઇચ્છા* વિશે કોઈ પણ વાત મેં તમને જણાવવાની બાકી રાખી નથી. ૨૮ તમારું પોતાનું અને આખા ટોળાનું ધ્યાન રાખજો. ઈશ્વરના મંડળની સંભાળ રાખવા પવિત્ર શક્તિએ તમને દેખરેખ રાખનાર* તરીકે નીમ્યા છે. એ મંડળને તેમણે પોતાના દીકરાના લોહીથી ખરીદેલું છે. ૨૯ હું જાણું છું કે મારા ગયા પછી ક્રૂર વરૂઓ તમારી વચ્ચે આવશે અને ટોળા પર દયા રાખશે નહિ. ૩૦ તમારામાંથી જ માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી જવા આડી-અવળી વાતો કહેશે.
૩૧ “એટલે, જાગતા રહો અને યાદ રાખો કે ત્રણ વર્ષ સુધી, રાત-દિવસ આંસુઓ વહાવીને તમને દરેકને શિખામણ આપવામાં મેં કોઈ કસર રાખી નથી. ૩૨ અને હવે, હું તમને ઈશ્વરના હાથમાં અને તેમની અપાર કૃપાના સંદેશાને સોંપું છું. આ સંદેશો તમને ઉત્તેજન આપી શકે છે અને બધા પવિત્ર જનો સાથે તમને વારસો આપી શકે છે. ૩૩ મેં કોઈનાં સોના-ચાંદી કે કપડાંનો લોભ રાખ્યો નથી. ૩૪ તમે પોતે જાણો છો કે મેં આ હાથથી મારી પોતાની અને મારા સાથીઓની જરૂરિયાતો પૂરી કરી છે. ૩૫ મેં બધી રીતે તમને બતાવ્યું છે કે મહેનત કરીને લાચાર લોકોને મદદ કરવી જોઈએ. મારે પ્રભુ ઈસુએ પોતે કહેલા આ શબ્દો પણ યાદ રાખવા જોઈએ: ‘લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.’”
૩૬ જ્યારે તે આ વાતો કહી રહ્યો, ત્યારે તે બધા સાથે ઘૂંટણે પડ્યો અને પ્રાર્થના કરી. ૩૭ એ પછી, તેઓ બધા પોક મૂકીને ખૂબ રડ્યા અને તેઓએ પાઊલને ભેટીને* તેને પ્રેમથી* ચુંબન કર્યું. ૩૮ તેણે કહ્યું હતું કે તેઓ તેનું મોં ફરી કદી જોવાના નથી, એ વાતને લીધે તેઓ ઘણા દુઃખી હતા. પછી, તેઓ તેને વહાણ સુધી મૂકવા આવ્યા.