પ્રેરિતોનાં કાર્યો
૨૫ પછી, ફેસ્તુસે પ્રાંતમાં આવીને રાજ્યપાલની સત્તા સંભાળી. ત્રણ દિવસ બાદ, તે કાઈસારીઆથી યરૂશાલેમ ગયો. ૨ મુખ્ય યાજકો અને યહુદીઓના આગળ પડતા માણસોએ તેને પાઊલ વિરુદ્ધ માહિતી આપી. તેઓ ફેસ્તુસ આગળ અરજ કરવા લાગ્યા કે, ૩ અમારો પક્ષ લઈને* પાઊલને યરૂશાલેમ લાવવા માણસ મોકલો. તેઓનું કાવતરું હતું કે રસ્તામાં સંતાઈ રહીને પાઊલ પર હુમલો કરવો અને તેને મારી નાખવો. ૪ જોકે, ફેસ્તુસે જવાબ આપ્યો, પાઊલને કાઈસારીઆમાં જ રાખવામાં આવશે અને પોતે પણ જલદી જ ત્યાં પાછો જશે. ૫ તેણે કહ્યું, “એ માટે તમારામાં જેઓ આગેવાન હોય, તેઓ મારી સાથે આવે અને જો એ માણસે કંઈ ખોટું કર્યું હોય, તો તેના પર આરોપ મૂકે.”
૬ ત્યાં આઠ કે દસ દિવસ રહ્યા પછી તે કાઈસારીઆ ગયો. બીજા દિવસે, તે ન્યાયાસન પર બેઠો અને પાઊલને ત્યાં લાવવાનો હુકમ કર્યો. ૭ તે આવ્યો ત્યારે, યરૂશાલેમથી આવેલા યહુદીઓ તેને ઘેરી વળ્યા અને તેના પર ઘણા ગંભીર આરોપો મૂકવા લાગ્યા, જેની તેઓ કોઈ સાબિતી આપી શકતા ન હતા.
૮ પરંતુ, પાઊલે બચાવમાં કહ્યું: “મેં યહુદીઓના નિયમશાસ્ત્ર વિરુદ્ધ અથવા મંદિર વિરુદ્ધ અથવા સમ્રાટ વિરુદ્ધ કોઈ પાપ કર્યું નથી.” ૯ યહુદીઓને રાજી કરવા ફેસ્તુસે પાઊલને જવાબ આપ્યો: “શું તું યરૂશાલેમ જઈને ત્યાં મારી હાજરીમાં આનો ન્યાય મેળવવા ચાહે છે?” ૧૦ પણ, પાઊલે કહ્યું: “હું સમ્રાટના ન્યાયાસન આગળ ઊભો છું, જ્યાં મારો ન્યાય થવો જોઈએ. અને મેં યહુદીઓનું કંઈ બગાડ્યું નથી, એ તમે પણ સારી રીતે જાણો છો. ૧૧ જો હું ખરેખર ગુનેગાર હોઉં અને મોતને લાયક કોઈ કામ કર્યું હોય, તો હું મરણની સજાથી બચવાની માંગણી કરતો નથી. પણ, જો આ લોકોએ મારા પર લગાવેલા આરોપોમાંથી એક પણ સાચો ન હોય, તો કોઈને હક નથી કે આ લોકોને ખુશ કરવા મને તેઓના હાથમાં સોંપે. હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!” ૧૨ પછી, ફેસ્તુસે સલાહકારો સાથે વાતચીત કરીને તેને જવાબ આપ્યો: “તેં સમ્રાટ પાસે ન્યાય માંગ્યો છે; એટલે, તું સમ્રાટ પાસે જઈશ.”
૧૩ કેટલાક દિવસો પસાર થયા પછી, અગ્રીપા રાજા* અને બરનિકા* ફેસ્તુસની મુલાકાતે* કાઈસારીઆ આવ્યા. ૧૪ તેઓ ત્યાં કેટલાક દિવસો રહેવાના હોવાથી, ફેસ્તુસે પાઊલના મુકદ્દમા વિશે રાજાને વાત કરી:
“ફેલિક્સ એક માણસને કેદી તરીકે છોડી ગયો છે. ૧૫ હું યરૂશાલેમમાં હતો ત્યારે, મુખ્ય યાજકો અને યહુદીઓના વડીલોએ તેના વિશે મને માહિતી આપી અને તેને સજા ફટકારવાની માંગણી કરી. ૧૬ પણ, મેં તેઓને જવાબ આપ્યો કે ફરિયાદીઓની સામે પોતાના બચાવમાં બોલવાની આરોપીને તક મળે એ પહેલાં, સામા પક્ષને ખુશ કરવા તેને સોંપી દેવો એ રોમનોની રીત નથી. ૧૭ એટલે, તેઓ અહીં આવ્યા ત્યારે, મોડું કર્યા વગર બીજા દિવસે હું ન્યાયાસન પર બેઠો અને એ માણસને બોલાવવાનો હુકમ કર્યો. ૧૮ ફરિયાદીઓએ ઊભા થઈને, મેં ધાર્યું હતું તેમ કોઈ દુષ્ટ કામનો આરોપ તેના પર લગાવ્યો નહિ. ૧૯ એ તો ફક્ત તેઓના દેવની ભક્તિ* વિશે અને ઈસુ નામના માણસ વિશે અમુક મતભેદો હતા. એ માણસ મરી ગયો છે, પણ પાઊલ દાવો કરે છે કે તે જીવતો છે. ૨૦ આ ઝઘડો કેવી રીતે ઉકેલવો, એની સૂઝ ન પડવાથી મેં તેને પૂછ્યું કે, તે યરૂશાલેમ જઈને આ વાતો વિશે ન્યાય મેળવવા ચાહે છે કે કેમ. ૨૧ પણ, પાઊલે અરજ કરી કે જ્યાં સુધી સમ્રાટ* ફેંસલો ન કરે ત્યાં સુધી તેને કેદમાં રાખવામાં આવે. એટલે, તેને સમ્રાટ પાસે મોકલું ત્યાં સુધી કેદમાં રાખવાનો મેં હુકમ કર્યો.”
૨૨ પછી, અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું: “મને પણ એ માણસની વાત સાંભળવી ગમશે.” ફેસ્તુસે જવાબ આપ્યો, “કાલે તમે તેને સાંભળી શકશો.” ૨૩ એટલે, અગ્રીપા અને બરનિકા બીજા દિવસે ભારે ઠાઠમાઠથી, લશ્કરી સેનાપતિઓ અને શહેરના જાણીતા માણસો સાથે દરબારમાં આવ્યા; જ્યારે ફેસ્તુસે હુકમ કર્યો, ત્યારે પાઊલને અંદર લાવવામાં આવ્યો. ૨૪ ફેસ્તુસે કહ્યું: “હે અગ્રીપા રાજા અને અમારી સાથે હાજર બધા લોકો, તમે જે માણસને જુઓ છો તેની વિરુદ્ધ યરૂશાલેમના અને અહીંના બધા યહુદીઓએ મને આવી બૂમો પાડતા અરજ કરી છે કે તે એક ઘડી પણ જીવવાને લાયક નથી. ૨૫ પણ, મને ખબર પડી કે તેણે મોતને લાયક કંઈ જ કર્યું નથી. તેથી, તેણે સમ્રાટ પાસે ન્યાય મેળવવાની અરજ કરી ત્યારે, મેં તેને ત્યાં મોકલવાનું નક્કી કર્યું. ૨૬ પરંતુ, સમ્રાટને* લખવા માટે મારી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી. તેથી, હું તમારા બધાની આગળ તેને લાવ્યો છું, રાજા અગ્રીપા, ખાસ કરીને તમારી આગળ. એ માટે કે તેની કાનૂની તપાસ પૂરી થાય પછી, મારી પાસે લખવાને કંઈક હોય. ૨૭ કારણ કે કેદીને મોકલું પણ તેના પર લાગેલા આરોપો ન જણાવું, એ મને વાજબી લાગતું નથી.”