૨ તિમોથી
૪ ઈશ્વરની આગળ અને ખ્રિસ્ત ઈસુ, જે જીવતા તથા મરણ પામેલા લોકોનો ન્યાય કરશે, જે પ્રગટ થશે અને જે પોતાના રાજ્યમાં આવશે, તેમની આગળ હું તને આદેશ આપું છું: ૨ સંદેશો જાહેર કર; સમય સારો હોય કે ખરાબ, એ જાહેર કરવામાં ઢીલ ન કરતો;* તું પૂરી ધીરજથી અને શીખવવાની આવડતથી લોકોને સુધારજે, ઠપકો આપજે અને ઉત્તેજન આપજે. ૩ કેમ કે એવો સમય આવશે જ્યારે તેઓ ખરું શિક્ષણ નહિ સાંભળે, પણ પોતાની ઇચ્છા પ્રમાણે કરવા માટે એવા શિક્ષકોને ભેગા કરશે, જેઓ તેઓના કાનોને સાંભળવી ગમે એવી વાતો કરે છે. ૪ તેઓ સત્ય સાંભળવાનું છોડી દેશે અને ખોટી વાર્તાઓને ધ્યાન આપશે. ૫ જોકે, તું બધા સંજોગોમાં સમજી-વિચારીને વર્તજે, તકલીફો સહન કરજે, ખુશખબર જણાવતો રહેજે,* તારું સેવાકાર્ય દરેક રીતે પૂરું કરજે.
૬ હું અત્યારે દ્રાક્ષદારૂના અર્પણ તરીકે રેડાઈ રહ્યો છું અને મારા છુટકારાનો સમય એકદમ પાસે આવી ગયો છે. ૭ હું સારી રીતે લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે અને હું શ્રદ્ધાથી જીવ્યો છું. ૮ હવે, સત્યનો મુગટ મારા માટે રાખી મૂકવામાં આવ્યો છે; ન્યાયના દિવસે સાચા ન્યાયાધીશ, પ્રભુ મને ઇનામમાં એ મુગટ આપશે. જોકે, એ ઇનામ ફક્ત મને જ નહિ, તેમના પ્રગટ થવાની આતુરતાથી રાહ જોનારા બધાને પણ આપશે.
૯ તું મારી પાસે જલદી આવવાની પૂરી કોશિશ કરજે. ૧૦ દેમાસને આ દુનિયા* પર પ્રેમ હોવાથી મને છોડીને તે થેસ્સાલોનિકા જતો રહ્યો; ક્રેસ્કેન્સ ગલાતી ગયો, તિતસ દલ્મતિયા ગયો. ૧૧ ફક્ત લુક મારી સાથે છે. માર્કને તારી સાથે લેતો આવજે, કેમ કે સેવામાં તે મને મદદરૂપ થશે. ૧૨ તુખિકસને મેં એફેસસ મોકલી દીધો છે. ૧૩ હું ત્રોઆસમાં કાર્પસ પાસે જે ઝભ્ભો મૂકીને આવ્યો છું, એ તું આવે ત્યારે લેતો આવજે. અને વીંટાઓ,* ખાસ કરીને ચામડાના વીંટાઓ* પણ તું લેતો આવજે.
૧૪ કંસારા* એલેકઝાંડરે મને ઘણી વાર નુકસાન પહોંચાડ્યું છે. યહોવા* તેનાં કામો પ્રમાણે તેને બદલો આપશે. ૧૫ તું પણ તેનાથી સાવધ રહેજે, કારણ કે તેણે અમારા સંદેશાનો સખત વિરોધ કર્યો છે.
૧૬ મારા પ્રથમ બચાવ વખતે મારા પક્ષે કોઈ આવ્યું નહિ, પણ તેઓ બધા મને છોડી ગયા; ઈશ્વર તેઓને દોષિત ગણે એવું ન થાઓ. ૧૭ પરંતુ, પ્રભુ મારી પાસે ઊભા રહ્યા અને તેમણે મને શક્તિથી ભરપૂર કર્યો, જેથી મારા દ્વારા પૂરેપૂરી રીતે ખુશખબર ફેલાય શકે અને બધી પ્રજાઓ એ સાંભળી શકે. અને મને સિંહના મોંમાંથી બચાવવામાં આવ્યો. ૧૮ દરેક દુષ્ટ કામથી પ્રભુ મારું રક્ષણ કરશે અને પોતાના સ્વર્ગીય રાજ્ય માટે મને બચાવશે. તેમનો સદાસર્વકાળ મહિમા થતો રહે. આમેન.
૧૯ પ્રિસ્કા અને આકુલાને તથા ઓનેસિફરસના ઘરના બધાને મારી સલામ કહેજે.
૨૦ એરાસ્તસ કોરીંથમાં રહ્યો, પણ ત્રોફિમસ બીમાર હોવાથી, મેં તેને મિલેતસમાં રહેવા દીધો. ૨૧ શિયાળા પહેલાં તું અહીં આવવા પૂરો પ્રયત્ન કરજે.
તને યુબૂલસ સલામ મોકલે છે અને પુદેન્સ, લિનસ, ક્લોદિયા અને બધા ભાઈઓ પણ સલામ મોકલે છે.
૨૨ તું જે સારું વલણ બતાવે છે એના પર પ્રભુનો આશીર્વાદ રહે. તેમની અપાર કૃપા તારા પર રહે.