૩ યોહાન
૧ વહાલા ગાયસને હું એક વડીલ લખી રહ્યો છું, જેને હું દિલથી ચાહું છું.
૨ વહાલા ભાઈ, હું પ્રાર્થના કરું છું કે જેમ તું હમણાં સફળ થઈ રહ્યો છે, એમ બધી રીતે સફળ થતો રહેજે અને સારી તંદુરસ્તીનો આનંદ માણતો રહેજે. ૩ જ્યારે ભાઈઓએ આવીને સાક્ષી આપી કે તું સત્યને વળગી રહે છે, ત્યારે હું ઘણો ખુશ થયો. મને આનંદ થયો કે તું સત્યના માર્ગ પર ચાલી રહ્યો છે. ૪ મારા સાંભળવામાં આવે કે મારાં બાળકો સત્યના માર્ગે ચાલી રહ્યાં છે, એનાથી વધારે ખુશીની વાત* મારા માટે બીજી શું હોય!
૫ વહાલા ભાઈ, તું જે ભાઈઓને જાણતો પણ નથી, તેઓ માટે જે કરે છે, એમાં તું ઈશ્વરને વફાદારી બતાવે છે. ૬ તારા પ્રેમ વિશે તેઓએ મંડળ આગળ સાક્ષી આપી છે. ઈશ્વર ખુશ થાય, એ રીતે તેઓની મુસાફરી માટે મદદ કરીને વિદાય આપજે; ૭ કેમ કે ઈશ્વરના નામને લીધે તેઓ જાય છે અને બીજી પ્રજા પાસેથી તેઓ કંઈ લેતા નથી. ૮ એ માટે એવા ભાઈઓની મહેમાનગતિ કરવી આપણી ફરજ છે, જેથી આપણે સત્યમાં તેમની સાથે કામ કરનારા બની શકીએ.
૯ મેં મંડળને કંઈક લખ્યું હતું, પણ દિયત્રેફેસ, જેને મંડળમાં મુખ્ય થવાનું ગમે છે, તે અમારી કોઈ પણ વાતનો આદરથી સ્વીકાર કરતો નથી. ૧૦ તે અમને બદનામ કરવા ખોટી વાતો ફેલાવે છે;* એટલે, જો હું આવીશ તો એ તેના ધ્યાન પર લાવીશ. એટલું પૂરતું ન હોય તેમ, તે ભાઈઓનો આદરથી આવકાર પણ કરતો નથી; અને જે ભાઈઓ આવકાર કરવા માંગે છે, તેઓને રોકવાનો અને મંડળમાંથી કાઢી મૂકવાનો તે પ્રયત્ન કરે છે.
૧૧ વહાલા ભાઈ, જે ખરાબ છે એના પગલે નહિ, પણ જે સારું છે એના પગલે ચાલજે. જે સારું કરે છે એ ઈશ્વર પાસેથી છે. જે ખરાબ કરે છે તેણે ઈશ્વરને જોયા નથી. ૧૨ તેઓ બધા દેમેત્રિયસ વિશે સારું બોલે છે અને તે સત્યમાં જે રીતે ચાલે છે એનાથી એ સાબિત થાય છે. હકીકતમાં, અમે પણ તેના વિશે સાક્ષી આપીએ છીએ અને તું જાણે છે કે અમે આપેલી સાક્ષી સાચી છે.
૧૩ મારે તને લખવાનું તો ઘણું છે, પણ હું કલમ અને શાહીથી તને લખતા રહેવા માંગતો નથી. ૧૪ જોકે, હું તને જલદી જ મળવાની આશા રાખું છું અને આપણે મોઢામોઢ વાત કરીશું.
તને શાંતિ થાઓ.
અહીંના મિત્રો તને સલામ કહે છે. ત્યાંના મિત્રોને નામ લઈને મારી સલામ આપજે.