બીજો શમુએલ
૧૯ યોઆબને આ ખબર આપવામાં આવી: “આબ્શાલોમ માટે રાજા વિલાપ અને શોક કરે છે.”+ ૨ જ્યારે લોકોએ સાંભળ્યું કે રાજા પોતાના દીકરાને લીધે ખૂબ દુઃખી છે, ત્યારે એ દિવસે મળેલી જીતનો* આનંદ ભારે શોકમાં ફેરવાઈ ગયો. ૩ લોકો જાણે લડાઈમાંથી નાસી છૂટવાને લીધે શરમાતા હોય, એમ એ દિવસે તેઓ ચૂપચાપ પોતાના શહેરમાં પાછા ફર્યા.+ ૪ રાજા પોતાનું મોં ઢાંકીને મોટેથી રડતો હતો: “આબ્શાલોમ, મારા દીકરા! ઓ મારા દીકરા આબ્શાલોમ, મારા દીકરા!”+
૫ યોઆબે મહેલમાં જઈને રાજાને કહ્યું: “આજે તમારા સેવકોએ તમારું જીવન બચાવ્યું છે. તમારાં દીકરા-દીકરીઓ,+ તમારી પત્નીઓ અને ઉપપત્નીઓનું+ જીવન બચાવ્યું છે. પણ તમે તમારા સેવકોને શરમમાં નાખ્યા છે. ૬ જેઓ તમને ધિક્કારે છે તેઓને તમે ચાહો છો અને જેઓ તમને ચાહે છે તેઓને તમે ધિક્કારો છો. તમે આજે બતાવી આપ્યું છે કે તમને તમારા આગેવાનોની અને સેવકોની કંઈ પડી નથી. મને ખાતરી છે કે આજે અમે બધા મરી ગયા હોત અને આબ્શાલોમ જીવતો હોત તો, તમે ખુશ થયા હોત! ૭ હવે ઊઠો, બહાર જાઓ અને તમારા સેવકોની હિંમત બંધાવો. હું યહોવાના સમ ખાઈને કહું છું કે તમે નહિ જાઓ તો, આજ રાત સુધીમાં તમારી સાથે એક પણ માણસ નહિ હોય. તમારી યુવાનીથી લઈને આજ સુધી તમારાં પર જે દુઃખો આવી પડ્યાં છે, એના કરતાં એ તમને વધારે ભારે થઈ પડશે.” ૮ એટલે રાજા ઊભો થયો અને શહેરના દરવાજે બેઠો. બધા લોકોને ખબર આપવામાં આવી: “હવે રાજા દરવાજે બેઠા છે.” બધા લોકો રાજા આગળ ભેગા થયા.
પણ ઇઝરાયેલીઓ તો પોતપોતાનાં ઘરે નાસી ગયા હતા.+ ૯ ઇઝરાયેલનાં સર્વ કુળોનાં લોકોમાં તકરાર થવા લાગી, “રાજાએ આપણને દુશ્મનોથી બચાવ્યા હતા+ અને પલિસ્તીઓના હાથમાંથી છોડાવ્યા હતા. આબ્શાલોમને લીધે તેમણે દેશ છોડવો પડ્યો.+ ૧૦ આબ્શાલોમ જેને આપણે રાજા તરીકે અભિષિક્ત કર્યો હતો,+ તે લડાઈમાં માર્યો ગયો છે.+ તો હવે દાઉદ રાજાને પાછા લાવવા આપણે કેમ કંઈ કરતા નથી?”
૧૧ રાજા દાઉદે સાદોક+ યાજકને અને અબ્યાથાર+ યાજકને સંદેશો મોકલ્યો: “યહૂદાના વડીલો+ સાથે વાત કરીને કહો કે ‘રાજાને મહેલમાં પાછા લાવવા બધા ઇઝરાયેલીઓએ સંદેશો મોકલ્યો, પણ તમે કેમ પાછળ રહી ગયા? ૧૨ તમે મારા ભાઈઓ છો, તમે મારાં સગાં છો.* તોપણ રાજાને પાછા લાવવા તમે કેમ છેલ્લા રહી ગયા?’ ૧૩ તમારે અમાસાને+ કહેવું, ‘શું તું મારો સગો નથી?* જો હું યોઆબને બદલે તને મારો સેનાપતિ ન બનાવું,+ તો ઈશ્વર મને આકરી સજા કરો.’”
૧૪ આમ દાઉદે યહૂદાના બધા માણસોનાં દિલ જીતી લીધાં. તેઓએ રાજાને સંદેશો મોકલ્યો: “તમે અને તમારા બધા સેવકો પાછા આવી જાઓ.”
૧૫ રાજા પાછો આવવા નીકળ્યો અને યર્દન નદીએ પહોંચ્યો. યહૂદાના લોકો રાજાને મળવા અને તેને યર્દન નદી પાર કરાવવા ગિલ્ગાલ+ આવી પહોંચ્યા. ૧૬ ગેરાનો દીકરો શિમઈ+ યહૂદાના માણસો સાથે દાઉદ રાજાને મળવા ઉતાવળે આવી પહોંચ્યો. શિમઈ બિન્યામીન કુળનો હતો અને બાહૂરીમમાં રહેતો હતો. ૧૭ તેની સાથે બિન્યામીન કુળના ૧,૦૦૦ માણસો હતા. શાઉલના ઘરનો સેવક સીબા+ પણ રાજા પહોંચે એ પહેલાં યર્દન નદીએ ઉતાવળે પહોંચી ગયો. સીબા સાથે તેના ૧૫ દીકરાઓ અને ૨૦ ચાકરો હતા. ૧૮ તેણે* યર્દન નદીનો ઘાટ પાર કર્યો, જેથી રાજાના ઘરનાઓને નદી પાર કરાવી શકે અને રાજા જે કંઈ ઇચ્છે, એ પ્રમાણે કરી શકે. રાજા યર્દન પાર કરવાની તૈયારીમાં હતો એવામાં, ગેરાના દીકરા શિમઈએ રાજાની આગળ નમીને પ્રણામ કર્યા. ૧૯ તેણે રાજાને કહ્યું: “મારા માલિક, મને અપરાધી ગણશો નહિ. હે રાજાજી, તમે યરૂશાલેમથી ગયા એ દિવસે તમારા આ ચાકરે જે ખોટું કર્યું,+ એને યાદ રાખશો નહિ. મારા માલિક, એ વાત દિલ પર લેશો નહિ. ૨૦ તમારો સેવક સારી રીતે જાણે છે કે તેણે પાપ કર્યું છે. એટલે આજે મારા માલિક, મારા રાજાને મળવા યૂસફના ઘરના બધા લોકોમાંથી હું પહેલો આવી પહોંચ્યો છું.”
૨૧ એ સાંભળીને સરૂયાનો+ દીકરો અબીશાય+ તરત બોલી ઊઠ્યો: “શિમઈએ યહોવાના અભિષિક્તને શ્રાપ આપ્યો હતો. તેને જીવતો ન છોડવો જોઈએ!”+ ૨૨ પણ દાઉદે કહ્યું: “સરૂયાના દીકરાઓ,+ મારે ને તમારે શું લેવાદેવા? તમે મારી ઇચ્છા વિરુદ્ધ કેમ જવા માંગો છો? ઇઝરાયેલમાં શું આજે કોઈને મારી નાખવો જોઈએ? શું હું આજે ફરીથી ઇઝરાયેલનો રાજા બન્યો નથી?” ૨૩ રાજાએ શિમઈને કહ્યું: “તને મારી નાખવામાં નહિ આવે” અને રાજાએ તેની આગળ સમ ખાધા.+
૨૪ શાઉલનો પૌત્ર મફીબોશેથ+ પણ રાજાને મળવા આવ્યો. રાજા ગયો એ દિવસથી લઈને તે શાંતિથી પાછો ફર્યો ત્યાં સુધી, મફીબોશેથે પોતાના પગની કાળજી લીધી ન હતી. તેણે દાઢી કરી ન હતી* અને પોતાનાં કપડાં ધોયાં ન હતાં. ૨૫ તે રાજાને મળવા યરૂશાલેમ* આવ્યો ત્યારે, રાજાએ તેને પૂછ્યું: “મફીબોશેથ, તું મારી સાથે કેમ આવ્યો ન હતો?” ૨૬ તેણે જવાબ આપ્યો: “હે રાજાજી, મારા માલિક, મારા ચાકરે+ મને છેતર્યો. તમારો આ સેવક અપંગ છે.+ એટલે મેં ચાકરને કહ્યું હતું: ‘મારા માટે ગધેડા પર જીન બાંધ, જેથી હું સવારી કરીને રાજા પાસે જઈ શકું.’ ૨૭ પણ હે રાજાજી, તેણે તમારી આગળ તમારા આ સેવકને બદનામ કર્યો.+ મારા માલિક, તમે તો સાચા ઈશ્વરના દૂત જેવા છો. તમને જે સારું લાગે એ કરો. ૨૮ હે રાજાજી, મારા માલિક, તમે ચાહ્યું હોત તો, મારા પિતાના ઘરના બધા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હોત. પણ તમે મને તમારી મેજ પર ભોજન કરનારા લોકો સાથે બેસાડ્યો.+ રાજા આગળ હજી વધારે વિનંતી કરવાનો મારો શો હક?”
૨૯ રાજાએ તેને કહ્યું: “બસ, તારે વધારે બોલવાની જરૂર નથી. તું અને સીબા જમીન સરખે ભાગે વહેંચી લો.”+ ૩૦ એ સાંભળીને મફીબોશેથે રાજાને કહ્યું: “હે રાજાજી, ભલે સીબા બધું જ લઈ લે. મારા માલિક પોતાના મહેલમાં શાંતિથી પાછા આવ્યા, એ જ મારા માટે પૂરતું છે.”
૩૧ પછી રોગલીમથી ગિલયાદી બાર્ઝિલ્લાય+ યર્દન નદી પાસે આવ્યો, જેથી રાજાને યર્દન પાર કરાવી શકે. ૩૨ બાર્ઝિલ્લાય ઘણો વૃદ્ધ હતો અને તે ૮૦ વર્ષનો હતો. રાજા માહનાઈમમાં+ રહેતો હતો ત્યારે, બાર્ઝિલ્લાયે તેને ખોરાક પૂરો પાડ્યો હતો, કેમ કે તે ખૂબ ધનવાન હતો. ૩૩ રાજાએ બાર્ઝિલ્લાયને કહ્યું: “મારી સાથે તમે પણ નદી પાર કરો અને તમે યરૂશાલેમમાં મારી મેજ પરથી ખાશો.”+ ૩૪ પણ બાર્ઝિલ્લાયે રાજાને કહ્યું: “હું હજી કેટલા દિવસ જીવવાનો કે રાજા સાથે યરૂશાલેમ જાઉં? ૩૫ હું હવે ૮૦ વર્ષનો થયો છું.+ શું હું સારું-નરસું પારખી શકું છું? શું ખાવા-પીવાનો આનંદ માણી શકું છું? શું હજી પણ ગાયક-ગાયિકાઓનો અવાજ સાંભળી શકું છું?+ તો પછી મારા માલિક, રાજાના આ સેવકે તમારા પર શા માટે બોજ બનવું જોઈએ? ૩૬ રાજાને યર્દન પાર કરાવવાનો મને લહાવો મળ્યો, એ જ તમારા સેવક માટે મોટી વાત છે. રાજાએ મને શું કામ આટલું મોટું ઇનામ આપવું જોઈએ? ૩૭ કૃપા કરીને તમારા સેવકને પાછો જવા દો, જેથી હું મારા શહેરમાં મારાં માતા-પિતાની કબર પાસે મરણ પામું.+ હે રાજા, મારા માલિક, આ તમારો સેવક કિમ્હામ છે.+ તેને તમારી સાથે નદી પાર લઈ જાઓ. તમને જે સારું લાગે એ તેના માટે કરજો.”
૩૮ રાજાએ કહ્યું: “કિમ્હામ મારી સાથે પેલે પાર આવશે. તમને જે સારું લાગે, એ હું તેના માટે કરીશ. તમે મને જે કહેશો, એ બધું હું તમારા માટે કરીશ.” ૩૯ બધા લોકોએ યર્દન પાર કરવાનું શરૂ કર્યું. રાજાએ યર્દન પાર કરતા પહેલાં બાર્ઝિલ્લાયને ચુંબન કર્યું+ અને આશીર્વાદ આપ્યા. પછી બાર્ઝિલ્લાય ઘરે પાછો ફર્યો. ૪૦ રાજા નદી પાર કરીને ગિલ્ગાલ ગયો ત્યારે,+ કિમ્હામ પણ તેની સાથે ગયો. યહૂદાના બધા લોકો અને ઇઝરાયેલના અડધા લોકો રાજાને નદી પાર કરાવીને લઈ આવ્યા.+
૪૧ પછી ઇઝરાયેલના બધા માણસોએ રાજા આગળ આવીને કહ્યું: “હે રાજાજી, યહૂદાના માણસો, એટલે કે અમારા ભાઈઓ તમને, તમારા ઘરનાઓને અને તમારા માણસોને ચોરીછૂપીથી યર્દન પાર કરાવીને કેમ લઈ આવ્યા?”+ ૪૨ યહૂદાના બધા માણસોએ ઇઝરાયેલી માણસોને જવાબ આપ્યો: “રાજા અમારા સગામાં થાય છે.+ તમે શા માટે ગુસ્સે ભરાયા છો? શું અમે રાજાના ખર્ચે કંઈ ખાધું છે? શું અમને કોઈ ભેટ આપવામાં આવી છે?”
૪૩ ઇઝરાયેલના માણસોએ યહૂદાના માણસોને જવાબ આપ્યો: “અમારાં દસ કુળો છે, એટલે દાઉદ રાજા પર અમારો વધારે હક છે. તો પછી તમે શા માટે અમારું અપમાન કર્યું? રાજાને પાછા લાવવા તમે પહેલા અમને કેમ જવા ન દીધા?” પણ આ વિવાદમાં યહૂદાના માણસો ઇઝરાયેલના માણસો સામે જીતી ગયા.