-
માથ્થી ૧૪:૧૫-૨૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ સાંજ ઢળી ગઈ ત્યારે શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે. લોકોને વિદાય આપો, જેથી તેઓ ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૧૬ ઈસુએ કહ્યું: “તેઓએ જવાની જરૂર નથી. તમે તેઓને કંઈક ખાવાનું આપો.” ૧૭ શિષ્યોએ કહ્યું: “અહીં અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી સિવાય કંઈ નથી.” ૧૮ ઈસુએ કહ્યું: “એ મારી પાસે લાવો.” ૧૯ તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા કરી. પછી તેમણે પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને વહેંચી આપી. ૨૦ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૨૧ ખાનારાઓમાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા, સ્ત્રીઓ અને બાળકો તો જુદાં.+
-
-
લૂક ૯:૧૨-૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ દિવસ ઢળવા આવ્યો ત્યારે બાર પ્રેરિતોએ તેમની પાસે આવીને કહ્યું: “ટોળાને વિદાય આપો, જેથી તેઓ આસપાસનાં ગામોમાં અને સીમમાં જાય. તેઓ ત્યાં રહેવાની જગ્યા અને ખોરાક શોધી શકે, કેમ કે અહીં આપણે ઉજ્જડ જગ્યાએ છીએ.”+ ૧૩ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”+ તેઓએ કહ્યું: “અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી વગર કંઈ નથી, સિવાય કે અમે જઈને આ સર્વ લોકો માટે ખોરાક ખરીદી લાવીએ.” ૧૪ ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. તેમણે શિષ્યોને કહ્યું: “આશરે ૫૦-૫૦ના સમૂહમાં તેઓને બેસાડો.” ૧૫ તેઓએ એમ કર્યું અને એ બધાને બેસાડ્યા. ૧૬ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. તેમણે રોટલી તોડી અને ટોળાને વહેંચવા માટે શિષ્યોને આપી. ૧૭ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+
-