-
માર્ક ૬:૩૫-૪૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૫ ઘણું મોડું થઈ ગયું હતું. ઈસુના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું: “આ જગ્યા ઉજ્જડ છે અને ઘણું મોડું થઈ ગયું છે.+ ૩૬ તેઓને વિદાય આપો, જેથી તેઓ આસપાસની સીમમાં અને ગામોમાં જઈને ખાવાનું વેચાતું લે.”+ ૩૭ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.” એ સાંભળીને તેઓએ કહ્યું: “શું અમે ૨૦૦ દીનારની* રોટલીઓ ખરીદી લાવીએ અને લોકોને ખાવા આપીએ?”+ ૩૮ તેમણે કહ્યું: “તમારી પાસે કેટલી રોટલી છે? જોઈ આવો!” તેઓએ તપાસ કરીને કહ્યું: “પાંચ રોટલી અને બે માછલી છે.”+ ૩૯ ઈસુએ બધા લોકોને લીલાં ઘાસ પર નાનાં નાનાં ટોળાંમાં બેસવા કહ્યું.+ ૪૦ તેઓ ૧૦૦-૧૦૦ અને ૫૦-૫૦નાં ટોળાંમાં બેઠા. ૪૧ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો.+ તેમણે રોટલી તોડી અને લોકોને વહેંચવા માટે શિષ્યોને આપી. તેમણે બે માછલીઓ પણ બધા માટે વહેંચી આપી. ૪૨ તેઓ બધાએ ધરાઈને ખાધું. ૪૩ વધેલી માછલીઓ સિવાય શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+ ૪૪ જેઓએ રોટલી ખાધી તેઓ ૫,૦૦૦ પુરુષો હતા.
-
-
લૂક ૯:૧૨-૧૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ દિવસ ઢળવા આવ્યો ત્યારે બાર પ્રેરિતોએ તેમની પાસે આવીને કહ્યું: “ટોળાને વિદાય આપો, જેથી તેઓ આસપાસનાં ગામોમાં અને સીમમાં જાય. તેઓ ત્યાં રહેવાની જગ્યા અને ખોરાક શોધી શકે, કેમ કે અહીં આપણે ઉજ્જડ જગ્યાએ છીએ.”+ ૧૩ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”+ તેઓએ કહ્યું: “અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી વગર કંઈ નથી, સિવાય કે અમે જઈને આ સર્વ લોકો માટે ખોરાક ખરીદી લાવીએ.” ૧૪ ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. તેમણે શિષ્યોને કહ્યું: “આશરે ૫૦-૫૦ના સમૂહમાં તેઓને બેસાડો.” ૧૫ તેઓએ એમ કર્યું અને એ બધાને બેસાડ્યા. ૧૬ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. તેમણે રોટલી તોડી અને ટોળાને વહેંચવા માટે શિષ્યોને આપી. ૧૭ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+
-
-
યોહાન ૬:૫-૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ ઈસુએ નજર ઉઠાવીને જોયું તો મોટું ટોળું તેમની પાસે આવી રહ્યું હતું. તેમણે ફિલિપને પૂછ્યું: “આ લોકોને જમાડવા આપણે ક્યાંથી રોટલી વેચાતી લઈશું?”+ ૬ ઈસુ તેની પરખ કરવા આમ કહેતા હતા. તેમને ખબર હતી કે પોતે શું કરવાના છે. ૭ ફિલિપે તેમને જવાબ આપ્યો: “બસો દીનારની* રોટલીઓ લાવીએ તોપણ પૂરી નહિ થાય. તેઓ બધાને એમાંથી માંડ થોડું મળશે.” ૮ તેમનો એક શિષ્ય આંદ્રિયા ત્યાં હતો. તે સિમોન પિતરનો ભાઈ હતો. આંદ્રિયાએ ઈસુને કહ્યું: ૯ “અહીં એક નાનો છોકરો છે. તેની પાસે જવની પાંચ રોટલી અને બે નાની માછલી છે. પણ એમાંથી આટલા બધાને કઈ રીતે પૂરું થઈ રહે?”+
૧૦ ઈસુએ કહ્યું: “લોકોને બેસી જવા કહો.” એ જગ્યાએ ઘણું ઘાસ હતું અને લોકો નીચે બેસી ગયા. તેઓમાં લગભગ ૫,૦૦૦ પુરુષો હતા.+ ૧૧ ઈસુએ રોટલી લઈને ઈશ્વરનો આભાર માન્યો અને ત્યાં બેઠેલા લોકોમાં વહેંચી દીધી. એ જ રીતે, તેમણે નાની માછલીઓ પણ વહેંચી અને લોકોએ પેટ ભરીને ખાધું. ૧૨ બધાએ ધરાઈને ખાઈ લીધા પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “વધેલા ટુકડા ભેગા કરો, જેથી જરા પણ બગાડ ન થાય.” ૧૩ લોકોએ જવની પાંચ રોટલીમાંથી ખાધા પછી જે ટુકડા વધ્યા હતા એ શિષ્યોએ ભેગા કર્યા. એનાથી ૧૨ ટોપલીઓ ભરાઈ ગઈ.
-