યોહાનનો પહેલો પત્ર
૪ વહાલા ભાઈઓ, એવી વ્યક્તિ પર ભરોસો ન કરશો, જે દાવો કરતી હોય કે તેનો સંદેશો ઈશ્વર પાસેથી છે.+ પણ એ સંદેશો ઈશ્વર પાસેથી છે કે નહિ+ એની તપાસ કરો, કેમ કે દુનિયામાં ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થયા છે.+
૨ એ સંદેશો ઈશ્વર પાસેથી છે કે નહિ એ તમે આ રીતે જાણી શકશો: જે સંદેશો એવું સ્વીકારતો હોય કે ઈસુ ખ્રિસ્ત મનુષ્ય તરીકે આવ્યા, એ સંદેશો ઈશ્વર પાસેથી છે.+ ૩ પણ જે સંદેશો ઈસુને સ્વીકારતો ન હોય, એ ઈશ્વર પાસેથી નથી.+ એ સંદેશો તો ખ્રિસ્ત-વિરોધી* પાસેથી છે. તમે સાંભળ્યું હતું કે તે એવો સંદેશો જણાવશે+ અને હમણાં એ સંદેશો દુનિયામાં જણાવવામાં આવી રહ્યો છે.+
૪ વહાલાં બાળકો, તમે ઈશ્વર પાસેથી છો અને તમે જૂઠા પ્રબોધકો પર જીત મેળવી છે,+ કેમ કે તમને સાથ આપનાર ઈશ્વર,+ દુનિયાને સાથ આપનાર શેતાન કરતાં વધારે શક્તિશાળી છે.+ ૫ એ જૂઠા પ્રબોધકો દુનિયાથી છે.+ તેઓ દુનિયાની વાતો બોલે છે અને દુનિયા તેઓનું સાંભળે છે.+ ૬ આપણે ઈશ્વર પાસેથી છીએ. જે કોઈ ઈશ્વરને ઓળખે છે, તે આપણું સાંભળે છે.+ પણ જે કોઈ ઈશ્વર પાસેથી નથી તે આપણું સાંભળતો નથી.+ આમ, આપણે જાણી શકીશું કે કયો સંદેશો ઈશ્વર પાસેથી છે અને કયો જૂઠો છે.+
૭ વહાલા ભાઈઓ, આપણે એકબીજાને પ્રેમ કરતા રહીએ,+ કેમ કે પ્રેમ ઈશ્વર પાસેથી છે. જે કોઈ પ્રેમ કરે છે, તે ઈશ્વરથી જન્મેલો છે અને ઈશ્વરને ઓળખે છે.+ ૮ જે કોઈ પ્રેમ કરતો નથી તે ઈશ્વરને ઓળખતો નથી, કેમ કે ઈશ્વર પ્રેમ છે.+ ૯ આપણા કિસ્સામાં ઈશ્વરનો પ્રેમ આ રીતે બતાવવામાં આવ્યો છે: ઈશ્વરે પોતાના એકના એક દીકરાને*+ દુનિયામાં મોકલ્યા, જેથી આપણે તેમના દ્વારા જીવન મેળવીએ.+ ૧૦ એવું નથી કે આપણે ઈશ્વરને પ્રેમ કર્યો અને બદલામાં તેમણે આપણને પ્રેમ કર્યો. હકીકતમાં, તેમણે આપણને પ્રેમ કર્યો અને પોતાના દીકરાને મોકલ્યા, જેથી તે આપણાં પાપ માટે+ બલિદાન આપીને ઈશ્વર સાથે આપણી સુલેહ કરાવે.*+
૧૧ વહાલા ભાઈઓ, જો ઈશ્વરે આપણને આ રીતે પ્રેમ કર્યો હોય, તો આપણી પણ ફરજ છે કે આપણે એકબીજાને પ્રેમ કરીએ.+ ૧૨ કોઈએ ઈશ્વરને ક્યારેય જોયા નથી.+ જો આપણે એકબીજાને પ્રેમ કરતા રહીએ, તો ઈશ્વર આપણી વચ્ચે રહેશે અને તેમનો પ્રેમ આપણામાં પૂરેપૂરો દેખાઈ આવશે.+ ૧૩ તેમણે આપણને પોતાની પવિત્ર શક્તિ આપી છે, એનાથી આપણે જાણીએ છીએ કે આપણે તેમની સાથે એકતામાં છીએ અને તે આપણી સાથે એકતામાં છે. ૧૪ અમે પોતે જોયું છે અને સાક્ષી આપીએ છીએ કે પિતાએ પોતાના દીકરાને દુનિયાનો ઉદ્ધાર કરવા મોકલ્યા છે.+ ૧૫ જે માણસ કબૂલ કરે છે કે ઈસુ એ ઈશ્વરના દીકરા છે,+ તેની સાથે ઈશ્વર એકતામાં છે અને એ માણસ ઈશ્વર સાથે એકતામાં છે.+ ૧૬ આપણે હવે જાણીએ છીએ કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે અને એ વાતની આપણને ખાતરી છે.+
ઈશ્વર પ્રેમ છે+ અને જે પ્રેમમાં રહે છે, તે ઈશ્વર સાથે એકતામાં છે અને ઈશ્વર તેની સાથે એકતામાં છે.+ ૧૭ આ રીતે આપણને પૂરેપૂરો પ્રેમ કરવામાં આવ્યો, જેથી ન્યાયના દિવસે આપણે ખાતરીથી* બોલી શકીએ,+ કેમ કે આ દુનિયામાં આપણે ખ્રિસ્ત જેવા છીએ. ૧૮ પ્રેમમાં કોઈ ડર નથી.+ પૂરેપૂરો પ્રેમ ડરને દૂર કરે છે, કેમ કે ડર આપણને અટકાવે છે. સાચે જ, જે ડરે છે તેનો પ્રેમ અધૂરો છે.+ ૧૯ આપણે પ્રેમ કરીએ છીએ, કેમ કે ઈશ્વરે પહેલા આપણને પ્રેમ કર્યો.+
૨૦ જો કોઈ કહે કે “હું ઈશ્વરને પ્રેમ કરું છું,” છતાં પોતાના ભાઈને ધિક્કારે છે, તો તે જૂઠો છે.+ કેમ કે જો તે પોતાના ભાઈને પ્રેમ કરતો ન હોય+ જેને તે જોઈ શકે છે, તો તે ઈશ્વરને કઈ રીતે પ્રેમ કરી શકે જેમને તે જોઈ શકતો નથી?+ ૨૧ તેમણે આપણને આજ્ઞા આપી છે કે જે કોઈ ઈશ્વરને પ્રેમ કરે છે, તેણે પોતાના ભાઈને પણ પ્રેમ કરવો જોઈએ.+