પ્રેરિતોનાં કાર્યો
૨૮ કિનારે સહીસલામત પહોંચ્યા પછી, અમને ખબર પડી કે એ ટાપુનું નામ માલ્ટા છે.+ ૨ ત્યાંના રહેવાસીઓ* અમારી સાથે ઘણી ભલાઈથી* વર્ત્યા. વરસાદ અને ઠંડી હોવાથી તેઓએ તાપણું કર્યું અને પ્રેમથી અમારો આવકાર કર્યો. ૩ પાઉલ કેટલીક લાકડીઓ ભેગી કરીને આગમાં નાખતો હતો ત્યારે, ગરમીને લીધે લાકડીઓમાંથી એક સાપ નીકળ્યો અને તેના હાથ પર વીંટળાઈ ગયો. ૪ ત્યાંના લોકોએ તેના હાથ પર ઝેરી સાપ લટકતો જોયો ત્યારે, તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “સાચે જ, આ માણસ ખૂની છે. ભલે તે દરિયામાંથી બચીને બહાર આવ્યો, પણ ન્યાય* તેને જીવવા દેશે નહિ.” ૫ પાઉલે ઝેરી સાપને ઝાટકીને આગમાં નાખી દીધો અને તેને કંઈ થયું નહિ. ૬ લોકોને લાગતું હતું કે તેને સોજો ચઢશે અથવા તે અચાનક પડીને મરી જશે. ખાસ્સો સમય વીત્યો અને તેઓએ જોયું કે તેને કંઈ હાનિ પહોંચી નથી. એટલે તેઓએ પોતાનો વિચાર બદલ્યો અને કહેવા લાગ્યા કે તે કોઈ દેવતા છે.
૭ એ જગ્યાની નજીકમાં જ ટાપુના મુખ્ય માણસ પબ્લિયુસની જમીન હતી. તેણે અમારો આદર-સત્કાર કર્યો અને ત્રણ દિવસ સુધી અમારી પરોણાગત કરી. ૮ એ સમયે પબ્લિયુસના પિતાને તાવ અને મરડો થયો હોવાથી તે પથારીવશ હતો. પાઉલ તેની પાસે ગયો, પ્રાર્થના કરી અને તેના પર હાથ મૂકીને તેને સાજો કર્યો.+ ૯ એ બનાવ પછી ટાપુ પરના બાકીના બીમાર લોકો પણ પાઉલ પાસે આવવા લાગ્યા અને તેઓને સાજા કરવામાં આવ્યા.+ ૧૦ તેઓએ અમને ઘણી ભેટો આપીને અમારું સન્માન પણ કર્યું. અમે દરિયાઈ સફરે નીકળવાના હતા ત્યારે, તેઓએ અમને જરૂરી સામાન ભરી આપ્યો.
૧૧ ત્રણ મહિના પછી, અમે એક વહાણમાં નીકળ્યા, જેના પર “ઝિયૂસના દીકરાઓ” એવી નિશાની હતી. એ એલેકઝાંડ્રિયાનું વહાણ હતું અને શિયાળા દરમિયાન ટાપુ પર રોકાયું હતું. ૧૨ સુરાકુસના બંદરે પહોંચીને અમે ત્યાં ત્રણ દિવસ રોકાયા. ૧૩ ત્યાંથી અમે આગળ વધ્યા અને રેગિયુમ પહોંચ્યા. પછીના દિવસે દક્ષિણથી પવન ફૂંકાવા લાગ્યો અને બીજા દિવસે અમે પુત્યોલી પહોંચી ગયા. ૧૪ અહીં અમને ભાઈઓ મળ્યા અને તેઓએ અમને સાત દિવસ રોકાઈ જવાની અરજ કરી. પછી અમે રોમ જવા નીકળ્યા. ૧૫ ત્યાંના ભાઈઓને જ્યારે અમારા વિશે ખબર મળી, ત્યારે તેઓ છેક આપિયસના બજાર સુધી અને ત્રણ ધર્મશાળા* સુધી અમને મળવા આવ્યા. તેઓને જોઈને પાઉલે ઈશ્વરનો આભાર માન્યો અને તેને હિંમત મળી.+ ૧૬ આખરે અમે રોમ પહોંચ્યા. ત્યાં પાઉલને સૈનિકના પહેરા નીચે એકલા રહેવાની છૂટ મળી.
૧૭ ત્રણ દિવસ પછી પાઉલે યહૂદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા. તેઓ ભેગા થયા ત્યારે, તેણે તેઓને કહ્યું: “ભાઈઓ, મેં લોકો વિરુદ્ધ કે આપણા બાપદાદાઓના રિવાજો વિરુદ્ધ કંઈ કર્યું નથી.+ તોપણ મને યરૂશાલેમમાં કેદી તરીકે રોમનોના હાથમાં સોંપી દેવામાં આવ્યો છે.+ ૧૮ મારી પૂછપરછ કર્યા પછી,+ તેઓ મને છોડી દેવા માંગતા હતા, કેમ કે મને મોતની સજા ફટકારવા તેઓને કોઈ કારણ મળ્યું નહિ.+ ૧૯ પણ યહૂદીઓએ એનો વિરોધ કર્યો ત્યારે, મારે સમ્રાટ* પાસે ન્યાય માંગવો પડ્યો.+ જોકે, એવું નથી કે મારે મારા લોકો પર કોઈ આરોપ મૂકવો છે. ૨૦ હું તો બસ તમને મળીને તમારી સાથે વાત કરવા માંગતો હતો, કેમ કે ઇઝરાયેલ જેની આશા રાખે છે એના લીધે હું આ સાંકળોથી બંધાયેલો છું.”+ ૨૧ તેઓએ તેને કહ્યું: “અમને તારા વિશે યહૂદિયાથી પત્રો મળ્યા નથી. યહૂદિયાથી આવેલા ભાઈઓમાંનું કોઈ તારા વિશે કંઈ ખરાબ અહેવાલ લાવ્યું નથી કે કંઈ ખરાબ બોલ્યું નથી. ૨૨ એટલે અમને એ યોગ્ય લાગે છે કે તારા વિચારો તારી પાસેથી સાંભળીએ. પણ એક વાત તો ચોક્કસ છે કે, બધી બાજુ આ પંથના વિરોધમાં બોલાય છે.”+
૨૩ તેઓએ પાઉલને મળવાનો એક દિવસ નક્કી કર્યો અને તેઓ પહેલાં કરતાં મોટી સંખ્યામાં તેના રહેઠાણે આવ્યા. સવારથી સાંજ સુધી તેણે ઈશ્વરના રાજ્ય વિશે પૂરેપૂરી સાક્ષી આપીને તેઓને સમજાવ્યા. તેઓ ઈસુમાં વિશ્વાસ મૂકે એ માટે તેણે મૂસાના નિયમશાસ્ત્રમાંથી+ અને પ્રબોધકોનાં લખાણોમાંથી+ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો.+ ૨૪ અમુક લોકોએ તેની વાત માની, પણ અમુકે ન માની. ૨૫ તેઓમાં અંદરોઅંદર મતભેદ પડ્યા હોવાથી તેઓ ત્યાંથી જવા લાગ્યા. ત્યારે પાઉલે આ એક વાત કહી:
“તમારા બાપદાદાઓને યશાયા પ્રબોધક દ્વારા પવિત્ર શક્તિએ બરાબર જ કહ્યું હતું: ૨૬ ‘જા, મારા લોકોને કહે, “તમે ચોક્કસ સાંભળશો પણ સમજશો નહિ. તમે ચોક્કસ જોશો પણ કંઈ સૂઝશે નહિ.+ ૨૭ કેમ કે તેઓનાં હૃદય કઠણ થઈ ગયાં છે. તેઓ કાનથી સાંભળે તો છે, પણ કંઈ કરતા નથી. તેઓએ પોતાની આંખો બંધ કરી દીધી છે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ, કાનથી સાંભળે નહિ, હૃદયથી સમજે નહિ અને પાછા ફરે નહિ કે હું તેઓને સાજા કરું.”’+ ૨૮ એટલે તમે જાણી લો કે ઈશ્વર તરફથી મળતો તારણનો સંદેશો બીજી પ્રજાઓમાં મોકલવામાં આવ્યો છે+ અને તેઓ ચોક્કસ એ સાંભળશે.”+ ૨૯ *—
૩૦ પાઉલ ભાડાના ઘરમાં પૂરાં બે વર્ષ રહ્યો.+ તેની પાસે જેઓ આવતા, એ બધાનો તે પ્રેમથી આવકાર કરતો રહ્યો. ૩૧ તે કોઈ રોકટોક વગર અને હિંમતથી* તેઓને ઈશ્વરના રાજ્ય વિશે પ્રચાર કરતો રહ્યો અને માલિક ઈસુ ખ્રિસ્ત વિશે શીખવતો રહ્યો.+