ઝખાર્યા
૪ મારી સાથે વાત કરતો હતો એ દૂત પાછો આવ્યો અને કોઈને ઊંઘમાંથી ઉઠાડતો હોય તેમ તેણે મને ઉઠાડ્યો. ૨ તેણે મને પૂછ્યું: “તને શું દેખાય છે?”
મેં કહ્યું: “જુઓ! મને એક દીવી દેખાય છે, જે આખેઆખી સોનાની છે.+ એના પર એક વાટકો છે. દીવી પર સાત દીવા છે,+ હા સાત દીવા. એમાંથી નીકળતી સાત નળીઓ વાટકા સાથે જોડાયેલી છે. ૩ દીવીની બાજુમાં જૈતૂનનાં બે ઝાડ છે,+ એક ઝાડ વાટકાની જમણી બાજુએ અને બીજું ઝાડ ડાબી બાજુએ.”
૪ મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછ્યું: “મારા માલિક, એ બધાનો શો અર્થ છે?” ૫ તેણે મને પૂછ્યું: “શું તને એ બધાનો અર્થ નથી ખબર?”
મેં કહ્યું: “ના મારા માલિક.”
૬ તેણે મને કહ્યું: “યહોવાનો આ સંદેશો ઝરુબ્બાબેલ માટે છે: ‘“લશ્કરથી નહિ કે મનુષ્યની તાકાતથી નહિ,+ પણ મારી શક્તિથી એ બધું થશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે. ૭ હે મોટા પર્વત, તારી શી વિસાત? ઝરુબ્બાબેલ+ સામે તું સપાટ જમીન થઈ જશે.+ તે ટોચનો પથ્થર લાવશે ત્યારે પોકાર થશે: “અતિ સુંદર! અતિ સુંદર!”’”
૮ યહોવાનો સંદેશો ફરી એક વાર મારી પાસે આવ્યો, ૯ “ઝરુબ્બાબેલના હાથે આ ઘરનો પાયો નંખાયો છે+ અને તેના જ હાથે એનું બાંધકામ પૂરું થશે.+ (ત્યારે તમારે સ્વીકારવું પડશે કે સૈન્યોના ઈશ્વર યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.) ૧૦ એ નાની શરૂઆતને* કોણે તુચ્છ ગણી હતી?+ જ્યારે લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો* જોશે, ત્યારે તેઓ હરખાશે. યહોવાની સાત આંખો પણ એ જોશે, જે આખી પૃથ્વીનું નિરીક્ષણ કરે છે.”*+
૧૧ પછી મેં પૂછ્યું: “દીવીની જમણી અને ડાબી બાજુએ જે બે જૈતૂનનાં ઝાડ છે, એનો શો અર્થ છે?”+ ૧૨ મેં બીજી વાર પૂછ્યું: “જૈતૂનની એ બે ડાળીઓનો* શો અર્થ છે, જે સોનાની બે નળીઓ દ્વારા વાટકામાં સોનેરી તેલ રેડે છે?”
૧૩ તેણે મને પૂછ્યું: “શું તને એ બધાનો અર્થ નથી ખબર?”
મેં કહ્યું: “ના મારા માલિક.”
૧૪ તેણે કહ્યું: “તેઓ બે અભિષિક્તો* છે, જેઓ આખી પૃથ્વીના માલિકની પાસે ઊભા છે.”+