લેવીય
૨૩ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને કહે, ‘યહોવા તમને જે તહેવારો+ ઊજવવા કહે છે, એ તમારા દરેક માટે પવિત્ર સંમેલનો* છે. એ વિશે તમારે જાહેરાત કરવી.+ મારા તહેવારો આ છે:
૩ “‘છ દિવસ તમે કામ કરી શકો, પણ સાતમા દિવસે તમારે કોઈ કામ કરવું નહિ. કેમ કે સાતમો દિવસ પૂરા આરામનો,+ એટલે કે સાબ્બાથનો અને પવિત્ર સંમેલનનો દિવસ છે. એ યહોવા માટે સાબ્બાથ છે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.+
૪ “‘આ યહોવાના તહેવારો છે. ઠરાવેલા સમયે તમારે આ પવિત્ર સંમેલનોની જાહેરાત કરવી: ૫ પહેલા મહિનાના ૧૪મા દિવસે+ સાંજના સમયે* યહોવાનું પાસ્ખા*+ છે.
૬ “‘એ જ મહિનાના ૧૫મા દિવસે યહોવાનો બેખમીર રોટલીનો તહેવાર* છે.+ તમે સાત દિવસ બેખમીર રોટલી ખાઓ.+ ૭ પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો.+ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો. ૮ પણ સાત દિવસ તમે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણો આપો. સાતમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.’”
૯ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૧૦ “ઇઝરાયેલીઓને કહે, ‘જે દેશ હું તમને વસવા માટે આપું છું, એ દેશમાં જ્યારે તમે પ્રવેશો અને તમારી ફસલ કાપો, ત્યારે તમારી ફસલના પ્રથમ ફળનો પૂળો+ તમે યાજક પાસે લઈ જાઓ.+ ૧૧ યાજક એને યહોવા સામે આગળ-પાછળ હલાવે, જેથી તમને ઈશ્વરની મંજૂરી મળે. સાબ્બાથ પછીના દિવસે યાજક એવું કરે. ૧૨ જે દિવસે પૂળો આગળ-પાછળ હલાવવામાં આવે, એ જ દિવસે તમે ખોડખાંપણ વગરનો એક વર્ષનો ઘેટો અગ્નિ-અર્પણ તરીકે યહોવાને ચઢાવો. ૧૩ એની સાથે તમે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો બે ઓમેર* મેંદો ચઢાવો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ* થાય છે. એની સાથે તમે દ્રાક્ષદારૂ-અર્પણ* તરીકે હીનનો* પા ભાગ દ્રાક્ષદારૂ પણ ચઢાવો. ૧૪ ઈશ્વરને અર્પણ ન ચઢાવો ત્યાં સુધી તમે શેકેલું અનાજ, તાજું અનાજ* કે તાજા અનાજમાંથી બનેલી રોટલી ન ખાઓ. તમારી પેઢી દર પેઢી એ નિયમ હંમેશ માટે લાગુ પડે છે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.
૧૫ “‘સાબ્બાથ પછીના બીજા દિવસથી, એટલે કે જે દિવસે તમે હલાવવાના અર્પણ માટે પૂળો ચઢાવો, એ દિવસથી સાત સાબ્બાથ ગણો.+ એ પૂરાં સાત અઠવાડિયાં હોવાં જોઈએ. ૧૬ સાતમો સાબ્બાથ પૂરો થાય એ પછીના દિવસે, એટલે કે ૫૦મા દિવસે+ તમે યહોવાને નવું અનાજ-અર્પણ ચઢાવો.+ ૧૭ હલાવવાના અર્પણ તરીકે ચઢાવવા તમે તમારા રહેઠાણમાંથી બે રોટલી લાવો. એ રોટલી બે ઓમેર* મેંદાની અને ખમીર ઉમેરીને બનાવેલી હોય.+ એને ફસલના પહેલા પાક* તરીકે યહોવાને ચઢાવો.+ ૧૮ એ રોટલી સાથે તમે ખોડખાંપણ વગરના ઘેટાના એક વર્ષના સાત નર બચ્ચા, એક આખલો અને બે નર ઘેટા ચઢાવો.+ એને અગ્નિ-અર્પણ તરીકે યહોવાને ચઢાવો અને એની સાથે અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ પણ ચઢાવો. એ આગમાં ચઢાવવાનું અર્પણ છે અને એની સુવાસથી યહોવા ખુશ થાય છે. ૧૯ તેમ જ, તમે પાપ-અર્પણ તરીકે એક બકરો+ અને શાંતિ-અર્પણ તરીકે ઘેટાના એક વર્ષના બે નર બચ્ચા ચઢાવો.+ ૨૦ યાજક એ બે બચ્ચાંને પહેલા પાકની રોટલી સાથે હલાવવાના અર્પણ તરીકે યહોવા સામે આગળ-પાછળ હલાવે. એ યહોવાની નજરમાં પવિત્ર છે અને એ યાજકને મળે.+ ૨૧ એ દિવસે તમે પવિત્ર સંમેલનની જાહેરાત કરો.+ એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો. તમારી પેઢી દર પેઢી એ નિયમ હંમેશ માટે લાગુ પડે છે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો.
૨૨ “‘તમે કાપણી કરો ત્યારે, તમારા ખેતરના બધા છેડા સુધી પાક લણી ન લો. લણ્યા પછી જે કંઈ રહી જાય એ બધું વીણી ન લો.+ એ બધું તમે ગરીબો*+ અને તમારી વચ્ચે રહેતા પરદેશીઓ માટે રહેવા દો.+ હું યહોવા તમારો ઈશ્વર છું.’”
૨૩ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૨૪ “ઇઝરાયેલીઓને કહે, ‘સાતમા મહિનાના પહેલા દિવસે તમે પૂરો આરામ કરો. રણશિંગડું* વગાડીને એ દિવસની જાહેરાત કરો,+ જેથી તમને યાદ રહે કે એ સંમેલન પવિત્ર છે. ૨૫ એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો. તમે યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો.’”
૨૬ યહોવાએ વધુમાં મૂસાને કહ્યું: ૨૭ “પણ સાતમા મહિનાનો દસમો દિવસ પ્રાયશ્ચિત્તનો દિવસ*+ છે. એ દિવસે તમે પવિત્ર સંમેલન રાખો અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો*+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો. ૨૮ એ ખાસ દિવસે તમે કોઈ કામ ન કરો, કેમ કે એ પ્રાયશ્ચિત્તનો દિવસ છે.+ એ દિવસે તમે તમારા ઈશ્વર યહોવા આગળ પ્રાયશ્ચિત્ત કરો. ૨૯ જો કોઈ એ દિવસે પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત* ન કરે, તો તેને મારી નાખો.+ ૩૦ જે માણસ એ દિવસે કોઈ પણ પ્રકારનું કામ કરશે, તેને હું મારી નાખીશ. ૩૧ એ દિવસે તમે કોઈ પણ કામ ન કરો. તમારી પેઢી દર પેઢી એ નિયમ હંમેશ માટે લાગુ પડે છે, પછી ભલે તમે ગમે ત્યાં રહેતા હો. ૩૨ એ તમારા માટે સાબ્બાથનો, એટલે કે પૂરા આરામનો દિવસ છે. સાતમા મહિનાના નવમા દિવસની સાંજથી તમારે પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરવું.+ તમે એ સાંજથી બીજી સાંજ સુધી સાબ્બાથ પાળો.”
૩૩ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૩૪ “ઇઝરાયેલીઓને કહે, ‘સાતમા મહિનાનો ૧૫મો દિવસ માંડવાનો તહેવાર* છે. એ તમે સાત દિવસ યહોવા માટે ઊજવો.+ ૩૫ પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો અને એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો. ૩૬ સાત દિવસ તમે યહોવા માટે આગમાં ચઢાવવાનાં અર્પણો ચઢાવો. આઠમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો+ અને યહોવા માટે આગમાં અર્પણ ચઢાવો. એ ખાસ સંમેલન છે. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.
૩૭ “‘એ યહોવાના તહેવારો+ છે, જેની તમારે પવિત્ર સંમેલન+ તરીકે જાહેરાત કરવી. ઠરાવ્યા મુજબ તહેવારના દિવસો દરમિયાન યહોવાને આગમાં આ અર્પણો ચઢાવો: અગ્નિ-અર્પણ,+ અનાજ-અર્પણ+ અને દ્રાક્ષદારૂ-અર્પણ.+ ૩૮ યહોવાના સાબ્બાથનાં+ અર્પણો, તમારી ભેટ-સોગાદો,+ માનતા-અર્પણો+ અને સ્વેચ્છા-અર્પણો+ નિયમિત રીતે યહોવાને ચઢાવો. એ ઉપરાંત, તમે તહેવારનાં અર્પણો પણ ચઢાવો. ૩૯ સાતમા મહિનાના ૧૫મા દિવસે જ્યારે તમે તમારા ખેતરની ફસલ ભેગી કરો, ત્યારે સાત દિવસ યહોવા માટે તહેવાર ઊજવો.+ પહેલો દિવસ અને આઠમો દિવસ પૂરા આરામનો દિવસ છે.+ ૪૦ પહેલા દિવસે તમે ઉત્તમ ઝાડનાં ફળ, ખજૂરીની ડાળીઓ,+ પાંદડાંવાળાં ઝાડની ડાળીઓ અને ખીણના ઝાડની* ડાળીઓ લો અને તમારા ઈશ્વર યહોવા આગળ સાત દિવસ+ આનંદ કરો.+ ૪૧ તમે દર વર્ષે યહોવા માટે સાત દિવસ સુધી એ તહેવાર ઊજવો.+ તમે એને સાતમા મહિનામાં ઊજવો. તમારી પેઢી દર પેઢી એ નિયમ હંમેશ માટે છે. ૪૨ તમે સાત દિવસ માંડવામાં રહો.+ ઇઝરાયેલના બધા રહેવાસીઓએ માંડવામાં રહેવું, ૪૩ જેથી તમારી આવનારી પેઢીઓ જાણી શકે+ કે, હું જ્યારે ઇઝરાયેલીઓને ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો હતો,+ ત્યારે મેં તેઓને માંડવામાં વસાવ્યા હતા. હું યહોવા તમારો ઈશ્વર છું.’”
૪૪ તેથી મૂસાએ યહોવાના તહેવારો વિશે ઇઝરાયેલીઓને જણાવ્યું.