ગણના
૩૫ યર્દન પાસે યરીખો સામે આવેલા મોઆબના ઉજ્જડ પ્રદેશમાં+ યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨ “ઇઝરાયેલીઓને સૂચના આપ કે તેઓ પોતાને મળેલા વારસામાંથી લેવીઓને રહેવા શહેરો આપે.+ તેઓને શહેરોની આસપાસનાં ગૌચરો* પણ આપે.+ ૩ લેવીઓ એ શહેરોમાં રહેશે અને ગૌચરો તેઓનાં ઢોરઢાંક અને બીજાં પશુઓ માટે તેમજ એની દેખભાળના સામાન માટે હશે. ૪ તમે લેવીઓને જે શહેરો આપો એના ગૌચરોની જમીન શહેરની દીવાલની ચારે બાજુએ ૧,૦૦૦ હાથ* સુધી ફેલાયેલી હોય. ૫ તમે શહેરની બહાર પૂર્વ તરફ ૨,૦૦૦ હાથ, દક્ષિણ તરફ ૨,૦૦૦ હાથ, પશ્ચિમ તરફ ૨,૦૦૦ હાથ અને ઉત્તર તરફ ૨,૦૦૦ હાથ માપો અને શહેર વચ્ચોવચ હોય. એટલી જમીન શહેરોનાં ગૌચરો થશે.
૬ “તમે લેવીઓને જે શહેરો આપો, એમાં ૬ આશ્રય શહેરો* હોય,+ જેથી ખૂની એમાં નાસી જઈ શકે.+ એ ઉપરાંત, તમે લેવીઓને બીજાં ૪૨ શહેરો પણ આપો. ૭ તમે લેવીઓને કુલ ૪૮ શહેરો અને એનાં ગૌચરો આપો.+ ૮ ઇઝરાયેલીઓના વારસામાંથી તમે એ શહેરો આપો.+ મોટા કુળમાંથી વધારે અને નાના કુળમાંથી ઓછાં શહેરો આપો.+ દરેક કુળને જે વારસો મળે એના પ્રમાણમાં તે અમુક શહેરો લેવીઓને આપે.”
૯ પછી યહોવાએ મૂસાને કહ્યું: ૧૦ “ઇઝરાયેલીઓને કહે, ‘તમે યર્દન નદી પાર કરીને કનાન દેશ જઈ રહ્યા છો.+ ૧૧ તમે એવાં આશ્રય શહેરો પસંદ કરજો, જેથી કોઈ માણસ અજાણતાં કોઈને મારી નાખે તો, સહેલાઈથી ત્યાં નાસી જઈ શકે.+ ૧૨ એ શહેરો તમને લોહીનો બદલો લેનારથી આશ્રય આપશે,+ જેથી ન્યાયાધીશો* આગળ ખૂનીનો ન્યાય થતા પહેલાં, તેને કોઈ મારી ન નાખે.+ ૧૩ તમે જે છ આશ્રય શહેરો આપો છો, તે એ જ હેતુ માટે હશે. ૧૪ તમે ત્રણ આશ્રય શહેરો યર્દનની આ પાર+ અને ત્રણ પેલે પાર કનાન દેશમાં+ આપો. ૧૫ એ છ શહેરો ઇઝરાયેલીઓને, તેઓ મધ્યે રહેતા પરદેશીઓને+ અને પ્રવાસીઓને આશ્રય આપશે, જેથી તેઓમાંથી કોઈ માણસ અજાણતાં કોઈને મારી નાખે તો, સહેલાઈથી ત્યાં નાસી જઈ શકે.+
૧૬ “‘જો કોઈ માણસ લોઢાના ઓજારથી બીજા માણસ પર હુમલો કરે અને તે મરી જાય, તો તે ખૂની છે. ખૂનીને ચોક્કસ મારી નાખો.+ ૧૭ કોઈનું મોત થઈ શકે એવા પથ્થરથી જો કોઈ માણસ હુમલો કરે અને સામેવાળી વ્યક્તિ મરણ પામે, તો હુમલો કરનાર ખૂની છે. ખૂનીને ચોક્કસ મારી નાખો. ૧૮ કોઈનું મોત થઈ શકે એવા લાકડાના સાધનથી જો કોઈ માણસ હુમલો કરે અને સામેવાળી વ્યક્તિ મરણ પામે, તો હુમલો કરનાર ખૂની છે. ખૂનીને ચોક્કસ મારી નાખો.
૧૯ “‘લોહીનો બદલો લેનાર વ્યક્તિ જ ખૂનીને મારી નાખે. તે જ્યારે ખૂનીને મળે, ત્યારે તેને મારી નાખે. ૨૦ જો કોઈ માણસે નફરતને લીધે બીજાને ધક્કો માર્યો હોય અથવા ખરાબ ઇરાદાથી* કોઈ પર કંઈક ફેંક્યું હોય અને તેનું મરણ થાય+ ૨૧ અથવા ધિક્કારને લીધે તેને મુક્કો મારે અને તે મરી જાય, તો હુમલો કરનારને મારી નાખો. તે ખૂની છે. લોહીનો બદલો લેનાર વ્યક્તિ જ્યારે ખૂનીને મળે, ત્યારે તેને મારી નાખે.
૨૨ “‘પણ જો કોઈ માણસે નફરતને લીધે નહિ, પણ અજાણતાં કોઈને ધક્કો માર્યો હોય અથવા ખરાબ ઇરાદા* વગર તેના પર કંઈક ફેંક્યું હોય અને તે મરી જાય,+ ૨૩ અથવા જોયા વગર પથ્થર ફેંક્યો હોય અને એ વાગવાથી તે મરી જાય તેમજ જો મરનાર વ્યક્તિ તેની દુશ્મન ન હોય અને તેને ઈજા પહોંચાડવાનો કોઈ ઇરાદો ન હોય, ૨૪ તો ન્યાયાધીશોએ* એ નિયમો પ્રમાણે ખૂની અને લોહીનો બદલો લેનાર વચ્ચે ન્યાય કરવો.+ ૨૫ ન્યાયાધીશોએ* લોહીનો બદલો લેનારના હાથથી ખૂનીને બચાવવો. ખૂની જે આશ્રય શહેરમાં નાસી ગયો હતો, ત્યાં જ તેને પાછો મોકલવો. પવિત્ર તેલથી અભિષિક્ત થયેલા+ પ્રમુખ યાજકના* મરણ સુધી તે ત્યાં જ રહે.
૨૬ “‘પણ ખૂની જે આશ્રય શહેરમાં નાસી ગયો હતો, એની હદ ઓળંગીને બહાર જાય ૨૭ અને લોહીનો બદલો લેનાર વ્યક્તિ એ ખૂનીને તેના આશ્રય શહેરની હદ બહાર આવેલો જુએ અને તેને મારી નાખે, તો તે લોહીનો દોષિત નહિ ગણાય. ૨૮ કેમ કે ખૂનીએ પ્રમુખ યાજકના મરણ સુધી પોતાના આશ્રય શહેરમાં જ રહેવાનું હતું. પણ પ્રમુખ યાજકના મરણ પછી તે પોતાના શહેરમાં પાછો જઈ શકે.+ ૨૯ ભલે તમે ગમે ત્યાં રહેતા હો, એવા કિસ્સામાં તમે અને તમારી આવનાર પેઢીઓ એ નિયમો પ્રમાણે ન્યાય કરો.
૩૦ “‘ખૂન કરનાર વ્યક્તિને સાક્ષીઓની જુબાનીને આધારે+ ખૂની જાહેર કરવી અને મોતની સજા આપવી.+ પણ એક જ સાક્ષીની જુબાનીને આધારે કોઈને મોતની સજા આપવી નહિ. ૩૧ મોતની સજાને લાયક હોય એવા ખૂનીના જીવન માટે તમે છુટકારાની કિંમત ન લો. તેને ચોક્કસ મારી નાખો.+ ૩૨ જે માણસ પોતાના આશ્રય શહેરમાં નાસી ગયો હોય, તેની પાસેથી છુટકારાની કિંમત ન લો. આમ, પ્રમુખ યાજકના મરણ પહેલાં એ માણસને પોતાના શહેરમાં આવીને રહેવાની પરવાનગી ન આપો.
૩૩ “‘તમે જે દેશમાં રહો છો, એને ભ્રષ્ટ ન કરો, કેમ કે લોહીથી દેશ ભ્રષ્ટ થાય છે.+ દેશમાં વહેવડાવેલા લોહી માટે ખૂનીના લોહી સિવાય બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી.+ ૩૪ તમે જે દેશમાં રહો છો, હા, જ્યાં હું રહું છું, એ દેશને ભ્રષ્ટ ન કરો, કેમ કે હું યહોવા, ઇઝરાયેલીઓ મધ્યે રહું છું.’”+