માથ્થી
૨૨ ફરી એક વાર ઈસુએ તેઓને ઉદાહરણો આપતા કહ્યું: ૨ “સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જેણે પોતાના દીકરાના લગ્નની મિજબાની ગોઠવી. ૩ તેણે લગ્નની મિજબાનીમાં જેઓને આમંત્રણ આપ્યું હતું, તેઓને બોલાવવા પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા રાજી ન હતા. ૪ ફરીથી તેણે બીજા ચાકરોને આમ કહીને મોકલ્યા, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે; મારા બળદો અને તાજાંમાજાં પશુઓ કાપ્યાં છે અને બધું તૈયાર છે. લગ્નની મિજબાનીમાં આવો.”’ ૫ પરંતુ, તેઓએ ધ્યાન પર લીધું નહિ અને જતા રહ્યા, એક પોતાના ખેતરે ગયો તો બીજો પોતાના વેપારધંધે; ૬ બાકીનાએ તેના ચાકરોને પકડ્યા, તેઓનું ભારે અપમાન કર્યું અને તેઓને મારી નાખ્યા.
૭ “રાજા ક્રોધે ભરાયો અને તેણે પોતાની સેનાઓ મોકલીને એ ખૂનીઓને મારી નાખ્યા અને તેઓના શહેરને બાળી મૂક્યું. ૮ પછી, તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નની મિજબાની તો તૈયાર છે, પણ જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓ એને લાયક ન હતા. ૯ તેથી, શહેરના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને જે કોઈ મળે એને લગ્નની મિજબાની માટે બોલાવી લાવો.’ ૧૦ એ પ્રમાણે પેલા ચાકરો રસ્તાઓ પર ગયા અને સારા કે ખરાબ જે કોઈ મળ્યા એ બધાને ભેગા કર્યા; અને જ્યાં લગ્ન હતું એ ઓરડો જમવા બેઠેલા* મહેમાનોથી ભરાઈ ગયો.
૧૧ “જ્યારે રાજા મહેમાનોને જોવા આવ્યો, ત્યારે તેની નજર એક માણસ પર પડી, જેણે લગ્નનાં કપડાં પહેર્યાં ન હતાં. ૧૨ એટલે, તેણે તેને કહ્યું: ‘દોસ્ત, તું લગ્નનો પોશાક પહેર્યા વગર અંદર કેવી રીતે આવી ગયો?’ તેને કોઈ જવાબ સૂઝ્યો નહિ. ૧૩ ત્યારે રાજાએ પોતાના સેવકોને કહ્યું: ‘તેના હાથપગ બાંધી દો અને તેને બહાર અંધારામાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’
૧૪ “કારણ કે ઘણાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પસંદ કરાયેલા થોડા છે.”
૧૫ પછી, ફરોશીઓ ચાલ્યા ગયા અને ઈસુને તેમની જ વાતોમાં ફસાવવા તેઓએ ભેગા મળીને કાવતરું ઘડ્યું. ૧૬ એટલે, તેઓએ પોતાના શિષ્યોને આમ કહીને હેરોદીઓ* સાથે ઈસુ પાસે મોકલ્યા: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ કહો છો અને સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; બીજા જે કહે એની તમે દરકાર કરતા નથી, કેમ કે લોકોનો બહારનો દેખાવ તમે જોતા નથી. ૧૭ એ માટે અમને જણાવો કે તમને શું લાગે છે: શું સમ્રાટને* કર* આપવો યોગ્ય છે કે નહિ?” ૧૮ પરંતુ, ઈસુએ તેઓની દુષ્ટતા જાણીને કહ્યું: “ઓ ઢોંગીઓ, તમે કેમ મારી કસોટી કરો છો? ૧૯ કર ભરવાનો સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દીનાર લાવ્યા. ૨૦ તેમણે તેઓને પૂછ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” ૨૧ તેઓએ કહ્યું કે, “સમ્રાટનાં.” પછી, ઈસુએ તેઓને કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.” ૨૨ તેઓએ એ સાંભળ્યું ત્યારે, તેઓ નવાઈ પામ્યા અને તેમને ત્યાં રહેવા દઈને ચાલ્યા ગયા.
૨૩ એ દિવસે સાદુકીઓ, જેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે, તેઓ આવ્યા અને ઈસુને પૂછ્યું: ૨૪ “ઉપદેશક, મુસાએ કહ્યું છે કે, ‘જો કોઈ માણસ બાળકો વિના મરણ પામે, તો તેની પત્ની સાથે તેનો ભાઈ લગ્ન કરે અને પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’ ૨૫ હવે અમારે ત્યાં સાત ભાઈઓ હતા. પહેલાએ લગ્ન કર્યું અને તે બાળક વિના ગુજરી ગયો; તે પોતાની પત્ની પોતાના ભાઈ માટે રાખી ગયો. ૨૬ બીજા અને ત્રીજા એમ સાતેય ભાઈઓ સાથે એવું જ થયું. ૨૭ સૌથી છેલ્લે, પેલી સ્ત્રી મરણ પામી. ૨૮ એટલે, મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, સાતમાંથી તે કોની પત્ની બનશે? કેમ કે એ બધાએ તેને પત્ની બનાવી હતી.”
૨૯ તેઓને જવાબ આપતા ઈસુએ કહ્યું: “તમે મોટી ભૂલ કરો છો, કેમ કે તમે નથી શાસ્ત્ર જાણતા કે નથી ઈશ્વરની તાકાત; ૩૦ કારણ કે જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવે છે, તેઓમાં માણસો પરણતા નથી કે સ્ત્રીઓને પરણાવવામાં આવતી નથી; પણ, તેઓ સ્વર્ગના દૂતો જેવા હોય છે. ૩૧ મરણ પામેલા જીવતા થશે એ વિશે ઈશ્વરે તમને જે જણાવ્યું છે એ શું તમે નથી વાંચ્યું, જેમણે કહ્યું: ૩૨ ‘હું ઈબ્રાહીમનો ઈશ્વર અને ઇસહાકનો ઈશ્વર અને યાકૂબનો ઈશ્વર છું’? તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે.” ૩૩ એ સાંભળીને ટોળાં તેમના શિક્ષણથી દંગ થઈ ગયાં.
૩૪ ફરોશીઓએ સાંભળ્યું કે ઈસુએ સાદુકીઓને ચૂપ કરી દીધા છે ત્યારે, તેઓ ભેગા થઈને આવ્યા. ૩૫ તેઓમાં એક નિયમશાસ્ત્રનો પંડિત હતો, તેણે તેમની કસોટી કરતા પૂછ્યું: ૩૬ “ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” ૩૭ તેમણે તેને કહ્યું: “‘તારા ઈશ્વર યહોવાને* તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી* અને તારા પૂરા મનથી પ્રેમ કર.’ ૩૮ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે. ૩૯ એના જેવી બીજી આ છે: ‘તું જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.’ ૪૦ આ બે આજ્ઞાઓ આખા નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોના શિક્ષણનો પાયો છે.”
૪૧ હવે, ફરોશીઓ હજુ ત્યાં જ હતા ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું: ૪૨ “તમે ખ્રિસ્ત વિશે શું વિચારો છો? તે કોનો દીકરો છે?” તેઓએ તેમને કહ્યું: “દાઊદનો.” ૪૩ ઈસુએ તેઓને પૂછ્યું: “તો પછી, પવિત્ર શક્તિની પ્રેરણાથી દાઊદ તેને કેમ પ્રભુ કહીને બોલાવે છે અને કહે છે, ૪૪ ‘યહોવાએ* મારા પ્રભુને કહ્યું કે, “હું તારા દુશ્મનોને તારા પગ નીચે ન લાવું ત્યાં સુધી, મારે જમણે હાથે બેસ”’? ૪૫ તેથી, જો દાઊદ તેને પ્રભુ કહીને બોલાવે, તો તે કઈ રીતે તેમનો દીકરો થાય?” ૪૬ અને કોઈ તેમને જવાબમાં એક શબ્દ પણ કહી શક્યું નહિ અને એ દિવસથી તેમને કંઈ પણ પૂછવાની કોઈએ હિંમત કરી નહિ.