નિર્ગમન
૩૯ પવિત્ર જગ્યામાં* સેવા કરવા તેઓએ ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન અને લાલ દોરીથી+ બારીક વણેલાં વસ્ત્રો બનાવ્યાં. તેઓએ હારુન માટે પવિત્ર વસ્ત્રો પણ બનાવ્યાં.+ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ બનાવ્યું.
૨ તેણે* સોના, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી એફોદ+ બનાવ્યો. ૩ તેઓએ સોનાને હથોડીથી ટીપીને એનાં પાતળાં પતરાં બનાવ્યાં. પછી તેણે એ કાપીને એના તાર બનાવ્યા, જેથી એને ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણ સાથે વણી શકાય અને ભરતકામ કરી શકાય. ૪ તેઓએ એફોદને બે ભાગમાં બનાવ્યો. પછી, આગળનો ભાગ અને પાછળનો ભાગ ખભાએ ઉપર જોડી દીધો. ૫ એફોદને બાંધવા ગૂંથેલો કમરપટ્ટો બનાવ્યો, જે એફોદ સાથે જોડાયેલો હતો.+ એ કમરપટ્ટો પણ સોના, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી બનેલો હતો. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ બનાવ્યું.
૬ પછી તેઓએ ગોમેદના બે કીમતી પથ્થર લીધા અને એને સોનાનાં ચોકઠાંમાં બેસાડ્યા. તેઓએ એના પર ઇઝરાયેલના દીકરાઓનાં નામ કોતર્યાં. જેમ મહોર પર કોતરણી કરવામાં આવે છે, તેમ તેઓએ એ નામ કોતર્યાં.+ ૭ તેણે એ બંને પથ્થરને એફોદના ખભા પરના બંને ભાગ પર લગાવ્યા, જેથી ઇઝરાયેલના દીકરાઓ માટે એ યાદગીરીના પથ્થર બને.+ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેણે કર્યું. ૮ પછી તેણે ભરતકામ કરીને છાતીએ પહેરવાનું ઉરપત્ર+ બનાવ્યું. એ એફોદની જેમ સોના, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન, લાલ દોરી અને બારીક કાંતેલા શણથી બનેલું હતું.+ ૯ એ ઉરપત્ર એવું હતું કે વચ્ચેથી વાળવાથી એ ચોરસ બની જતું, એક વેંત* લાંબું અને એક વેંત પહોળું હતું. ૧૦ તેઓએ એના પર ચાર હરોળમાં કીમતી પથ્થર જડ્યા. પહેલી હરોળમાં માણેક, પોખરાજ અને લીલમ હતા. ૧૧ બીજી હરોળમાં પીરોજ, નીલમ અને યાસપિસ હતા. ૧૨ ત્રીજી હરોળમાં લેશેમ,* અકીક અને યાકૂત હતા. ૧૩ ચોથી હરોળમાં તૃણમણિ, ગોમેદ અને મરકત હતા. એ બધા પથ્થરને તેઓએ સોનાનાં ચોકઠાંમાં જડ્યા. ૧૪ મહોરની જેમ એ ૧૨ પથ્થર પર ઇઝરાયેલના ૧૨ દીકરાઓનાં નામ કોતરેલાં હતાં, એટલે કે એક પથ્થર પર એક નામ. એ ૧૨ નામ ૧૨ કુળોને રજૂ કરતાં હતાં.
૧૫ પછી તેઓએ ઉરપત્ર માટે દોરીની જેમ વણેલી ચોખ્ખા સોનાની સાંકળીઓ બનાવી.+ ૧૬ તેઓએ ઉરપત્ર માટે સોનાનાં બે ચોકઠાં અને સોનાની બે કડીઓ બનાવી. એ બે કડીઓને ઉરપત્રના ઉપરના બે ખૂણા પર લગાવી. ૧૭ પછી તેઓએ ઉરપત્રના ખૂણા પર લગાડેલી બે કડીઓમાં સોનાની બે સાંકળીઓ પરોવી. ૧૮ ત્યાર બાદ તેઓએ સોનાની એ સાંકળીઓના બે છેડા એફોદના ખભા પર લાગેલાં ચોકઠાં સાથે જોડી દીધા. આમ ઉરપત્ર એફોદના આગળના ભાગમાં લટકાવ્યું. ૧૯ પછી તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને એને ઉરપત્રની અંદરની બાજુએ નીચેના બંને છેડે લગાવી. એટલે કે એફોદ તરફના નીચલા ખૂણે લગાવી.+ ૨૦ પછી તેઓએ સોનાની બીજી બે કડીઓ બનાવી અને એફોદના ખભાના બે ભાગ જોડાય એ સાંધાની નીચે લગાવી. એટલે કે એફોદની આગળની બાજુએ એ સાંધાની નજીક, ગૂંથેલા કમરપટ્ટાની ઉપરની બાજુએ લગાવી. ૨૧ છેલ્લે તેઓએ ઉરપત્રની કડીઓને એફોદની કડીઓ સાથે ભૂરી દોરીથી બાંધી. આમ, ઉરપત્ર ગૂંથેલા કમરપટ્ટા ઉપર રહેતું અને એફોદથી છૂટું પડતું નહિ. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું.
૨૨ પછી તેણે એફોદ નીચે પહેરવા બાંય વગરનો ઝભ્ભો બનાવ્યો, જે પૂરેપૂરો ભૂરી દોરીથી વણેલો હતો.+ ૨૩ તેણે ઝભ્ભામાં ગળું બનાવ્યું અને એની કિનારી ગૂંથી લીધી. જેમ બખ્તરના ગળાની કિનારી મજબૂત હોય છે, તેમ એની કિનારી મજબૂત હતી, જેથી ઝભ્ભો ફાટી ન જાય. ૨૪ તેઓએ ભૂરી દોરી, જાંબુડિયા રંગનું ઊન અને લાલ દોરી કાંતીને દાડમ બનાવ્યાં અને એને બાંય વગરના ઝભ્ભાની નીચેની કોરે લટકાવ્યાં. ૨૫ તેઓએ ચોખ્ખા સોનાની ઘંટડીઓ બનાવીને એને બાંય વગરના ઝભ્ભાની નીચેની કોરે લગાવી. બે દાડમની વચ્ચે સોનાની એક ઘંટડી મૂકી. ૨૬ એક સોનાની ઘંટડી પછી એક દાડમ, બીજી સોનાની ઘંટડી પછી બીજું દાડમ. એ રીતે તેઓએ બાંય વગરના ઝભ્ભાની નીચેની કોર ભરી દીધી. એ ઝભ્ભો સેવાના કામ માટે વપરાવાનો હતો. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું.
૨૭ પછી તેઓએ હારુન અને તેના દીકરાઓ માટે બારીક શણના ઝભ્ભા વણીને બનાવ્યા.+ ૨૮ તેઓએ બારીક શણની પાઘડી,+ બારીક શણના સાફા,+ બારીક કાંતેલા શણના જાંઘિયા+ બનાવ્યાં. ૨૯ તેઓએ બારીક કાંતેલા શણ, ભૂરી દોરી, જાંબુડિયા રંગના ઊન અને લાલ દોરીથી ગૂંથીને કમરપટ્ટો પણ બનાવ્યો. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું.
૩૦ છેલ્લે તેઓએ ચોખ્ખા સોનાની ચળકતી પટ્ટી, એટલે કે સમર્પણની પવિત્ર નિશાની* બનાવી. એના પર મહોરની જેમ આ કોતરણી કરી હતી: “યહોવા પવિત્ર છે.”+ ૩૧ એ પટ્ટીને તેઓએ ભૂરી દોરીથી પાઘડીના આગળના ભાગમાં બાંધી. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ તેઓએ કર્યું.
૩૨ આમ મંડપ, એટલે કે મુલાકાતમંડપનું બધું કામ પૂરું થયું. યહોવાએ મૂસાને આપેલી આજ્ઞાઓ પ્રમાણે ઇઝરાયેલીઓએ બધું કર્યું.+ તેઓએ એમ જ કર્યું.
૩૩ પછી તેઓ મૂસા પાસે મંડપ+ અને એનો બધો સામાન લાવ્યા. એટલે એની કડીઓ,+ એનાં ચોકઠાં,*+ એના દાંડા,+ એના થાંભલા અને એની કૂંભીઓ;*+ ૩૪ મંડપ પર નાખવાનો નર ઘેટાના લાલ રંગથી રંગેલા ચામડાનો પડદો,+ એની ઉપર નાખવાનો સીલ માછલીના ચામડાનો પડદો, પ્રવેશદ્વાર માટેનો પડદો;+ ૩૫ સાક્ષીકોશ, એના દાંડા+ અને એનું ઢાંકણ;+ ૩૬ મેજ, એનાં બધાં વાસણો+ અને અર્પણની રોટલી; ૩૭ ચોખ્ખા સોનાની દીવી,+ હરોળમાં ગોઠવેલા એના દીવાઓ, દીવીનાં બધાં વાસણો+ અને અજવાળા માટે તેલ;+ ૩૮ સોનાની વેદી,+ અભિષેક કરવાનું તેલ,+ સુગંધી ધૂપ,+ મંડપના પ્રવેશદ્વાર માટેનો પડદો;+ ૩૯ તાંબાની વેદી+ અને એની તાંબાની જાળી, એના દાંડા,+ એનાં બધાં વાસણો,+ કુંડ અને એને મૂકવાની ઘોડી;+ ૪૦ આંગણાના પડદા,* એ લગાવવા થાંભલીઓ અને એની કૂંભીઓ,+ આંગણાના પ્રવેશદ્વારનો પડદો,+ એનાં દોરડાં, ખીલા+ અને મંડપ, એટલે કે મુલાકાતમંડપમાં સેવા માટેનાં બધાં વાસણો; ૪૧ પવિત્ર જગ્યામાં સેવા કરવા માટે બારીક વણેલાં વસ્ત્રો, હારુન યાજક માટે પવિત્ર વસ્ત્રો+ અને તેના દીકરાઓ યાજકો તરીકે સેવા કરી શકે એ માટે તેઓનાં વસ્ત્રો.
૪૨ યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયેલીઓએ બધું કામ કર્યું.+ ૪૩ મૂસાએ જોયું કે તેઓએ બધું કામ યહોવાના કહ્યા પ્રમાણે જ કર્યું હતું. પછી મૂસાએ તેઓને આશીર્વાદ આપ્યો.