પ્રકટીકરણ
૧૮ એ પછી, મેં બીજા એક દૂતને સ્વર્ગમાંથી ઊતરતો જોયો, તેની પાસે ઘણો અધિકાર હતો અને તેના મહિમાને લીધે પૃથ્વી ઝળહળી ઊઠી. ૨ અને તેણે મોટા અવાજે પોકારીને કહ્યું: “પડ્યું! મહાન બાબેલોન પડ્યું! એ દુષ્ટ દૂતોનું રહેઠાણ બન્યું છે અને દરેક પ્રકારની ઝેરી હવાનું* સ્થાન બન્યું છે અને દરેક પ્રકારનાં અશુદ્ધ અને ધિક્કારપાત્ર પક્ષીઓની સંતાવાની જગ્યા બન્યું છે! ૩ કેમ કે બધી જ પ્રજાઓ તેના વ્યભિચારની* વાસનાના* દ્રાક્ષદારૂનો ભોગ બની છે અને પૃથ્વીના રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો છે અને તેના બેશરમ ભોગવિલાસને લીધે પૃથ્વીના વેપારીઓ* ધનવાન થયા છે.”
૪ અને મેં સ્વર્ગમાંથી બીજો એક અવાજ આમ કહેતો સાંભળ્યો: “ઓ મારા લોકો, તેનામાંથી બહાર નીકળી આવો, જેથી તમે તેનાં પાપમાં ભાગીદાર ન થાઓ અને તેની આફતોમાંની કોઈ તમારા પર આવી ન પડે. ૫ કેમ કે તેનાં પાપનો ઢગલો છેક આકાશ સુધી પહોંચ્યો છે અને તેનાં દુષ્ટ કામોને* ઈશ્વરે યાદ કર્યાં છે. ૬ તેણે બીજાઓ સાથે જે રીતે વર્તન કર્યું એવું તેને ભરી આપો, હા, તેણે જે કર્યું છે એને લીધે તેને બમણું ભરી આપો; તેણે જે પ્યાલામાં મિશ્રણ કરીને આપ્યું, એમાં બમણું મિશ્રણ કરીને તેને આપો. ૭ તેણે જેટલી મોટાઈ માણી છે અને બેશરમ ભોગવિલાસમાં જીવી છે, એટલી તેને પીડા અને વેદના આપો. કેમ કે તે પોતાના મનમાં કહ્યા કરે છે: ‘હું રાણી થઈને બેઠી છું અને હું વિધવા નથી અને કદી શોક કરવાની નથી.’ ૮ એટલે, એક જ દિવસમાં તેના પર આફતો આવી પડશે, મરણ અને વેદના અને દુકાળ આવશે તથા તેને અગ્નિથી પૂરેપૂરી બાળી નાખવામાં આવશે, કેમ કે તેનો ન્યાય કરનાર ઈશ્વર યહોવા* શક્તિશાળી છે.
૯ “અને પૃથ્વીના જે રાજાઓએ તેની સાથે વ્યભિચાર કર્યો અને તેના બેશરમ ભોગવિલાસમાં તેની સાથે રહ્યા, તેઓ જ્યારે તેના બળવાનો ધુમાડો જોશે, ત્યારે તેના માટે રડશે અને છાતી કૂટીને વિલાપ કરશે. ૧૦ તેની પીડાના ડરને લીધે તેઓ દૂર ઊભા રહેશે અને કહેશે: ‘અરેરે! અરેરે! હે મહાન શહેર, હે શક્તિશાળી શહેર બાબેલોન, એક ઘડીમાં તારા પર શિક્ષા આવી પડી છે!’
૧૧ “વધુમાં, પૃથ્વીના વેપારીઓ તેના માટે રડે છે અને વિલાપ કરે છે, કેમ કે તેઓનો બધો માલસામાન લેનાર હવે કોઈ નથી; ૧૨ બધો માલસામાન એટલે કે સોનું, ચાંદી, કીમતી રત્નો, મોતી, બારીક શણનાં તથા જાંબુડિયા રંગનાં કપડાં, ઘેરા લાલ રંગનાં તથા રેશમી કપડાં; અને સુગંધી લાકડામાંથી બનાવેલી બધી વસ્તુઓ; અને હાથીદાંત, મૂલ્યવાન લાકડાં, તાંબુ, લોઢું અને સંગેમરમરથી બનાવેલી દરેક પ્રકારની વસ્તુઓ; ૧૩ અને તજ, મરી-મસાલા, ધૂપ, સુગંધી તેલ, લોબાન, દ્રાક્ષદારૂ, જૈતૂન તેલ, મેંદો, ઘઉં, ઢોર, ઘેટાં, ઘોડા, ઘોડાગાડીઓ, ગુલામો અને માણસો.* ૧૪ હા, તેં* જે સારાં ફળની ઇચ્છા રાખી, એ તારી પાસેથી જતાં રહ્યાં છે અને બધી જ મનપસંદ અને ભવ્ય ચીજો તારી પાસેથી અદૃશ્ય થઈ ગઈ છે અને એ ફરી કદી મળશે નહિ.
૧૫ “જે વેપારીઓએ આ વસ્તુઓ વેચી અને જેઓ તેનાથી ધનવાન થયા, તેઓ તેની પીડાના ડરને લીધે દૂર ઊભા રહેશે અને રડશે અને વિલાપ કરશે ૧૬ અને કહેશે: ‘ઓ મહાન શહેર! બારીક શણનાં, જાંબુડિયા અને ઘેરા લાલ રંગનાં કપડાં પહેરેલાં અને સોનાનાં ઘરેણાં, કીમતી રત્નો અને મોતીથી ભપકાદાર રીતે શણગારેલાં શહેર, તને હાય, હાય! ૧૭ કેમ કે એક જ ઘડીમાં એ જાહોજલાલી બરબાદ થઈ ગઈ છે!’
“દરેક વહાણનો કપ્તાન અને દરિયાનો દરેક મુસાફર અને નાવિકો તથા દરિયાથી રોજી-રોટી મેળવનારા બધા જ દૂર ઊભા રહ્યા ૧૮ અને તેના બળવાથી ઊઠતો ધુમાડો જોઈને તેઓ પોકારી ઊઠ્યા: ‘આ મહાન શહેર જેવું બીજું કયું શહેર છે?’ ૧૯ તેઓએ પોતાનાં માથાં પર ધૂળ નાખી અને રડતા અને વિલાપ કરતા કહ્યું: ‘ઓ મહાન શહેર! સમુદ્ર પરનાં વહાણોના બધા માલિકો જેની સંપત્તિથી ધનવાન બન્યા, એ શહેરને હાય, હાય! કેમ કે તે એક ઘડીમાં બરબાદ થયું છે!’
૨૦ “હે સ્વર્ગ, પવિત્ર લોકો, પ્રેરિતો અને પ્રબોધકો, તેની સાથે જે થયું એના માટે આનંદ કરો, કેમ કે તમારો બદલો લેવા ઈશ્વર તેના પર પોતાનો ન્યાયચુકાદો લાવ્યા છે!”
૨૧ અને એક શક્તિશાળી દૂતે ઘંટીના પથ્થર જેવો પથ્થર ઊંચકીને સમુદ્રમાં નાખ્યો અને કહ્યું: “આવી જ રીતે મહાન શહેર બાબેલોનને ઝપાટાભેર નાખી દેવામાં આવશે અને એ ફરી કદી દેખાશે નહિ. ૨૨ અને વીણા વગાડતા જઈને ગાનારાઓ, સંગીતકારો, વાંસળી વગાડનારાઓ અને રણશિંગડું વગાડનારાઓનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. અને વેપાર-ધંધો કરનાર કોઈ કારીગર ફરી કદી તારામાં મળશે નહિ અને ઘંટીના પથ્થરનો અવાજ ફરી કદી તારામાં સંભળાશે નહિ. ૨૩ કોઈ પણ દીવાનું અજવાળું તારામાં ફરી કદી પ્રકાશશે નહિ અને કોઈ પણ વરરાજા કે કન્યાનો અવાજ તારામાં ફરી કદી સંભળાશે નહિ; કેમ કે તારા વેપારીઓ પૃથ્વીના મહત્ત્વના માણસો હતા અને તારી મેલીવિદ્યાથી બધા દેશો છેતરાયા હતા. ૨૪ હા, પ્રબોધકો અને પવિત્ર લોકો અને પૃથ્વી પર જેઓને મારી નાખવામાં આવ્યા, તે બધાનું લોહી તેનામાં મળી આવ્યું છે.”