રોમનો
૧૨ તેથી ભાઈઓ, ઈશ્વરની કરુણાથી હું તમને વિનંતી કરું છું કે પોતાના શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો; આમ, તમે પોતાની સમજ-શક્તિથી ઈશ્વરની પવિત્ર સેવા કરી શકશો. ૨ આ દુનિયાની* અસર પોતાના પર થવા દેશો નહિ, પણ પોતાના વિચારોમાં ફેરફાર કરો, જેથી તમે પોતે પારખી શકો કે ઈશ્વરની સારી, પસંદ પડે એવી અને સંપૂર્ણ ઇચ્છા શી છે.
૩ મને અપાયેલી અપાર કૃપાથી હું તમને બધાને કહું છું કે પોતે કંઈક છો એમ ન વિચારો, પણ સમજુ બનો. કેમ કે એ તો ઈશ્વર છે, જે તમારામાંના દરેકને શ્રદ્ધા જાળવી રાખવા મદદ કરે છે. ૪ જેમ આપણા શરીરમાં ઘણા અવયવો છે, પણ બધાનાં કામ એકસરખાં હોતાં નથી, ૫ તેમ આપણે ઘણા હોવા છતાં, ખ્રિસ્ત સાથે એકતામાં એક શરીર છીએ અને આપણે એકબીજા સાથે જોડાયેલા અવયવો પણ છીએ. ૬ આમ, આપણને અપાયેલી અપાર કૃપાને આધારે આપણી પાસે જુદી જુદી ભેટો છે; જો ભવિષ્યવાણી કરવાની ભેટ હોય તો પોતાને મળેલી શ્રદ્ધા પ્રમાણે ભવિષ્યવાણી કરીએ; ૭ અથવા જો સેવાની ભેટ હોય, તો એ સેવામાં લાગુ રહીએ; અથવા જે શીખવતો હોય, તે શીખવતો રહે; ૮ અથવા જે ઉત્તેજન* આપતો હોય, તે ઉત્તેજન આપતો રહે; જે વહેંચી આપતો* હોય, તે ઉદારતાથી વહેંચી આપે; જે આગેવાની લેતો હોય, તે પૂરી ધગશથી* એ કરે; જે દયા બતાવતો હોય, તે રાજીખુશીથી એમ કરે.
૯ તમારો પ્રેમ ઢોંગ વગરનો હોય. જે ખરાબ છે એને ધિક્કારો, જે સારું છે એને વળગી રહો. ૧૦ ભાઈઓની જેમ એકબીજા પર પ્રેમ રાખો. એકબીજાને માન આપવામાં પહેલ કરો. ૧૧ મહેનતુ* બનો, આળસુ નહિ. પવિત્ર શક્તિથી જોશીલા બનો. યહોવાના* દાસ બનીને સેવા કરો. ૧૨ આશાને લીધે આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો. ૧૩ ભાઈઓની જરૂરિયાત પ્રમાણે તેઓને મદદ કરો. પરોણાગત બતાવતા રહો. ૧૪ જેઓ સતાવણી કરે છે, તેઓને આશીર્વાદ આપતા રહો; શાપ નહિ, આશીર્વાદ આપો. ૧૫ આનંદ કરનારાઓની સાથે આનંદ કરો; રડનારાઓની સાથે રડો. ૧૬ પોતાના માટે રાખો છો એવું જ વલણ બીજાઓ માટે રાખો; મોટી મોટી વાતો પર મન ન લગાડો* પણ નમ્ર બનીને ચાલો. પોતાની નજરમાં શાણા ન બનો.
૧૭ ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો. બધાની નજરમાં જે સારું હોય એના પર ધ્યાન આપો. ૧૮ જો શક્ય હોય તો બધા લોકો સાથે હળીમળીને રહેવા તમારાથી બનતું બધું કરો. ૧૯ વહાલાઓ, તમે બદલો લેશો નહિ, ઈશ્વરના કોપ માટે એ છોડી દો; કેમ કે લખેલું છે: “યહોવા* કહે છે, ‘વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.’” ૨૦ પરંતુ, “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને કંઈક પીવા આપ; કેમ કે આમ કરીને તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ.”* ૨૧ ભૂંડાઈ સામે હારી ન જાઓ, પણ સારાથી ભૂંડાઈ પર જીત મેળવતા રહો.