લૂક
૧૮ તેઓએ હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને હિંમત ન હારવી જોઈએ, એ વિશે ઈસુ તેઓને એક ઉદાહરણ જણાવવા લાગ્યા; ૨ તેમણે કહ્યું: “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો, જેને ઈશ્વરનો ડર ન હતો અને કોઈ માણસ માટે આદર ન હતો. ૩ એ શહેરમાં એક વિધવા પણ હતી, જે તેની પાસે વારંવાર જઈને કહેતી, ‘ખાતરી કરજો કે મારા ફરિયાદી સામે મને ન્યાય મળે.’ ૪ થોડો સમય તો તે તેને મદદ કરવા તૈયાર ન હતો, પણ પછીથી તેણે મનમાં કહ્યું, ‘ભલે હું ઈશ્વરથી ડરતો નથી કે કોઈ માણસનો આદર કરતો નથી, ૫ પણ આ વિધવાએ મને હેરાન-પરેશાન કરી નાખ્યો છે. એટલે, તેને ન્યાય મળે એનું હું ધ્યાન રાખીશ, જેથી તે વારંવાર મારી પાસે ન આવે અને વિનંતીઓ કરી કરીને મારો જીવ ન ખાય.’”* ૬ પછી, પ્રભુએ જણાવ્યું: “ન્યાયાધીશ ખરાબ હોવા છતાં, તેણે જે કહ્યું એના પર ધ્યાન આપો! ૭ તો પછી, શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને પોકાર કરે છે? તે તેઓ પ્રત્યે ધીરજ રાખીને જરૂર એમ કરશે. ૮ હું તમને જણાવું છું, તે તેઓને જલદી જ ન્યાય અપાવશે. પરંતુ, માણસનો દીકરો આવશે ત્યારે, શું તેને પૃથ્વી પર ખરેખર આવી શ્રદ્ધા જોવા મળશે?”
૯ તેમણે આ ઉદાહરણ એવા અમુકને પણ જણાવ્યું, જેઓ માનતા હતા કે પોતે ન્યાયી છે અને બાકીના કંઈ વિસાતમાં નથી: ૧૦ “બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા, એક ફરોશી હતો અને બીજો કર ઉઘરાવનાર. ૧૧ ફરોશી ઊભો રહ્યો અને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો, ‘હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી; જુલમથી પૈસા પડાવનાર, બેઇમાન, વ્યભિચારી અથવા આ કર ઉઘરાવનાર જેવો પણ નથી. ૧૨ અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું; મને જે મળે છે એ બધી વસ્તુઓનો દસમો ભાગ હું આપું છું.’ ૧૩ પરંતુ, કર ઉઘરાવનાર દૂર ઊભો હતો; તે આકાશ તરફ નજર ઊંચી કરવા પણ તૈયાર ન હતો, પણ તે છાતી કૂટતા કહેતો હતો: ‘હે ઈશ્વર, મારા જેવા પાપી પર કૃપા કરો.’* ૧૪ હું તમને જણાવું છું, આ માણસ પેલા ફરોશી કરતાં વધારે ન્યાયી સાબિત થઈને પોતાના ઘરે ગયો. કારણ કે જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે, પણ જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”
૧૫ હવે, લોકો પોતાનાં નાનાં બાળકોને પણ ઈસુની પાસે લાવતાં હતાં, જેથી તે તેઓને આશીર્વાદ આપે,* પણ એ જોઈને શિષ્યો તેઓને ધમકાવવા લાગ્યા. ૧૬ જોકે, ઈસુએ બાળકોને પોતાની પાસે બોલાવતા કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો અને તેઓને રોકવાનો પ્રયત્ન કરશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવાં લોકોનું છે. ૧૭ હું તમને સાચે જ કહું છું, નાના બાળકની જેમ, જે કોઈ ઈશ્વરના રાજ્યને સ્વીકારતું નથી, તે કોઈ પણ રીતે એમાં પ્રવેશશે નહિ.”
૧૮ યહુદી આગેવાનોમાંના એકે તેમને પૂછ્યું: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?” ૧૯ ઈસુએ તેને કહ્યું: “તું શા માટે મને ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી. ૨૦ તું આજ્ઞાઓ જાણે છે: ‘વ્યભિચાર* ન કર, ખૂન ન કર, ચોરી ન કર, ખોટી સાક્ષી ન આપ અને તારાં માતાપિતાને માન આપ.’” ૨૧ પછી, તેણે કહ્યું: “આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૨ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “હજુ પણ તારામાં એક વાત ખૂટે છે: તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને એ રકમ ગરીબોને આપી દે અને સ્વર્ગમાં તને ખજાનો મળશે; અને મારો શિષ્ય બન.” ૨૩ તેણે આ સાંભળ્યું ત્યારે તે ખૂબ દુઃખી થયો, કેમ કે તે ઘણો ધનવાન હતો.
૨૪ ઈસુએ તેની તરફ જોયું અને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવું કેટલું અઘરું થઈ પડશે! ૨૫ હકીકતમાં, ધનવાન માણસનું ઈશ્વરના રાજ્યમાં જવું, એના કરતાં ઊંટનું સોયના નાકામાં થઈને જવું વધારે સહેલું છે.” ૨૬ જેઓએ આ સાંભળ્યું તેઓએ કહ્યું: “તો પછી કોણ બચી શકે?” ૨૭ તેમણે કહ્યું: “માણસો માટે જે અશક્ય છે, એ ઈશ્વર માટે શક્ય છે.” ૨૮ પરંતુ, પીતરે કહ્યું: “જુઓ! અમારું જે હતું એ છોડીને અમે તમારી પાછળ આવ્યા છીએ.” ૨૯ તેમણે તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું, જે કોઈએ ઈશ્વરના રાજ્યને લીધે ઘર કે પત્ની કે ભાઈઓ કે માબાપ કે બાળકોને છોડ્યાં હોય, ૩૦ તેને આ સમય દરમિયાન અનેક ગણું વધારે અને આવનાર દુનિયામાં* હંમેશ માટેનું જીવન મળ્યા વગર રહેશે નહિ.”
૩૧ પછી, તે બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા અને કહ્યું: “જુઓ! આપણે યરૂશાલેમ તરફ જઈએ છીએ અને માણસના દીકરા વિશે પ્રબોધકોએ લખેલી બધી વાતો પૂરી થશે.* ૩૨ દાખલા તરીકે, તેને બીજી પ્રજાના લોકોને સોંપી દેવામાં આવશે અને તેઓ તેની મશ્કરી કરશે, તેનું અપમાન કરશે અને તેના પર થૂંકશે. ૩૩ અને તેને કોરડા માર્યા પછી તેઓ તેને મારી નાખશે, પણ ત્રીજા દિવસે તે ઊઠશે.” ૩૪ જોકે, પ્રેરિતો આ વાતો સમજી ન શક્યા, કારણ કે આ વાતોનો અર્થ તેઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો.
૩૫ હવે, ઈસુ યરીખોની નજીક આવી પહોંચ્યા ત્યારે, એક આંધળો માણસ રસ્તાની બાજુમાં બેસીને ભીખ માંગતો હતો. ૩૬ તેણે ટોળાનો પસાર થવાનો અવાજ સાંભળ્યો, એટલે તે પૂછવા લાગ્યો કે શું થઈ રહ્યું છે. ૩૭ તેઓએ તેને જણાવ્યું: “નાઝરેથના ઈસુ પસાર થઈ રહ્યા છે!” ૩૮ ત્યારે તે પોકારી ઊઠ્યો: “ઓ ઈસુ, દાઊદના દીકરા, મારા પર દયા કરો!” ૩૯ અને જેઓ આગળ હતા તેઓ તેને ધમકાવવા લાગ્યા અને તેને ચૂપ રહેવા કહ્યું, પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારતો રહ્યો: “ઓ દાઊદના દીકરા, મારા પર દયા કરો!” ૪૦ પછી, ઈસુ ઊભા રહ્યા અને એ માણસને પોતાની પાસે લઈ આવવા આજ્ઞા કરી. તે પાસે આવ્યો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું: ૪૧ “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” તેણે કહ્યું: “પ્રભુ, મને ફરીથી દેખતો કરો.” ૪૨ તેથી, ઈસુએ તેને કહ્યું: “દેખતો થા; તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.” ૪૩ અને તરત તે દેખતો થયો અને ઈશ્વરને મહિમા આપતો તેમની પાછળ ચાલવા લાગ્યો. આ જોઈને બધા લોકોએ પણ ઈશ્વરને મહિમા આપ્યો.