પ્રેરિતોનાં કાર્યો
૧૩ હવે, અંત્યોખ મંડળમાં આ પ્રબોધકો અને શિક્ષકો હતા: બાર્નાબાસ, સિમઓન જે નિગર કહેવાતો, કુરેનીનો લૂકિયસ, જિલ્લા અધિકારી હેરોદની સાથે ભણેલો મનાએન અને શાઊલ. ૨ તેઓ યહોવાની* સેવા અને ઉપવાસ કરતા હતા એવામાં પવિત્ર શક્તિએ કહ્યું: “બાર્નાબાસ અને શાઊલને જે કામ માટે મેં પસંદ કર્યા છે, એ માટે તેઓને અલગ રાખો.” ૩ તેઓએ ઉપવાસ અને પ્રાર્થના કર્યા પછી, બાર્નાબાસ અને શાઊલ પર હાથ મૂક્યા અને તેઓને મોકલ્યા.
૪ આમ, પવિત્ર શક્તિથી મોકલેલા આ માણસો સલૂકિયા ગયા અને ત્યાંથી તેઓ સૈપ્રસ જવા વહાણમાં નીકળ્યા. ૫ તેઓ સલામિસ પહોંચ્યા ત્યારે, યહુદીઓનાં સભાસ્થાનોમાં ઈશ્વરનો સંદેશો જાહેર કરવા લાગ્યા. યોહાન પણ સેવક* તરીકે તેઓની સાથે હતો.
૬ તેઓ આખા ટાપુ પર ફરતાં ફરતાં પાફસ સુધી પહોંચ્યા. ત્યાં તેઓ બાર-ઈસુ નામના યહુદી માણસને મળ્યા, જે જાદુગર અને જૂઠો પ્રબોધક હતો. ૭ તે માણસ સર્ગિયુસ પાઊલ નામના રાજ્યપાલ* સાથે હતો. સર્ગિયુસ એક બુદ્ધિશાળી માણસ હતો અને તેણે બાર્નાબાસ અને શાઊલને પોતાની પાસે બોલાવ્યા, કેમ કે તે ઈશ્વરનો સંદેશો સાંભળવા ઘણો આતુર હતો. ૮ પરંતુ, રાજ્યપાલને* શ્રદ્ધામાંથી પાડી નાખવાનો પ્રયત્ન કરતા, જાદુગર એલિમાસ* તેઓનો વિરોધ કરવા લાગ્યો. (એલિમાસ નામનું ભાષાંતર જાદુગર થાય છે.) ૯ પછી, શાઊલ જે પાઊલ પણ કહેવાતો હતો, તે પવિત્ર શક્તિથી ભરપૂર થયો. તેણે એલિમાસ સામે તાકીને જોયું ૧૦ અને કહ્યું: “ઓ શેતાનની* ઓલાદ! દરેક જાતના કપટ અને કાવતરાંથી ભરેલા માણસ, સત્યના દુશ્મન, તું યહોવાના* સીધા માર્ગોને વાંકા કરવાનું ક્યારે છોડીશ? ૧૧ જો! યહોવાનો* હાથ તારી વિરુદ્ધ છે, તું આંધળો થઈ જઈશ અને થોડા સમય સુધી સૂર્યનો પ્રકાશ જોઈ શકીશ નહિ.” તરત જ, તેના પર ગાઢ ધુમ્મસ અને અંધકાર છવાઈ ગયા. અને તેને હાથ પકડીને દોરે એવી કોઈ વ્યક્તિને તે શોધવા લાગ્યો. ૧૨ જે થયું એ જોઈને રાજ્યપાલે* શ્રદ્ધા મૂકી, કેમ કે યહોવાના* શિક્ષણથી તે ઘણો પ્રભાવિત થયો હતો.
૧૩ હવે, પાઊલ અને તેના સાથીઓ પાફસથી દરિયાઈ માર્ગે પમ્ફૂલિયાના પેર્ગા ગયા. પરંતુ, યોહાન તેઓને છોડીને યરૂશાલેમ જતો રહ્યો. ૧૪ તેઓ પેર્ગાથી નીકળ્યા અને પિસીદિયાના અંત્યોખ પહોંચ્યા. પછી, સાબ્બાથના દિવસે* તેઓ સભાસ્થાનમાં જઈને બેઠા. ૧૫ સભાસ્થાનના મુખ્ય અધિકારીએ નિયમશાસ્ત્ર અને પ્રબોધકોનાં લખાણોનું વાંચન કર્યાં પછી, તેઓને સંદેશો મોકલીને પૂછાવ્યું: “ભાઈઓ, લોકોને ઉત્તેજન આપવા જો તમારી પાસે કોઈ વાત હોય, તો જણાવો.” ૧૬ તેથી, પાઊલ ઊભો થયો અને લોકોને શાંત કરવા હાથથી ઇશારો કરતા કહેવા લાગ્યો:
“ઓ ઇઝરાયેલીઓ અને ઈશ્વરનો ડર રાખતા બીજી પ્રજાના લોકો, સાંભળો. ૧૭ આ ઇઝરાયેલી લોકોના ઈશ્વરે આપણા બાપદાદાઓને પસંદ કર્યા. તેઓ ઇજિપ્તમાં પરદેશીઓ તરીકે રહેતા હતા ત્યારે, તેઓને મદદ કરી અને ઈશ્વર પોતાના શક્તિશાળી હાથથી તેઓને ઇજિપ્તની બહાર કાઢી લાવ્યા. ૧૮ અને આશરે ૪૦ વર્ષ સુધી તેમણે વેરાન પ્રદેશમાં તેઓને સહન કર્યા. ૧૯ કનાન દેશનાં સાત રાજ્યોનો નાશ કર્યાં પછી, તેમણે એ દેશ તેઓને વારસામાં આપ્યો. ૨૦ આ બધું આશરે ૪૫૦ વર્ષો દરમિયાન થયું.
“એ પછી, તેમણે પ્રબોધક શમુએલના સમય સુધી તેઓને ન્યાયાધીશો આપ્યા. ૨૧ પણ પછીથી તેઓએ રાજાની માંગણી કરી અને ઈશ્વરે તેઓને બિન્યામીનના કુળના કીશના દીકરા શાઊલ આપ્યા, જે ૪૦ વર્ષ સુધી રાજા રહ્યા. ૨૨ તેમને હટાવી દીધા પછી, ઈશ્વરે દાઊદને રાજા તરીકે ઊભા કર્યા, જેમના વિશે તેમણે સાક્ષી આપી અને કહ્યું: ‘યિશાઈનો દીકરો દાઊદ મને મળ્યો છે, જે મારા દિલને ખુશ કરે છે; હું જે ચાહું છું એ સર્વ તે કરશે.’ ૨૩ ઈશ્વરે પોતાના વચન પ્રમાણે, દાઊદના વંશમાંથી* ઇઝરાયેલીઓ માટે છોડાવનાર, એટલે કે ઈસુને મોકલ્યા. ૨૪ તેમના આવતા પહેલાં, યોહાને ઇઝરાયેલના સર્વ લોકોને પસ્તાવાની નિશાની તરીકે બાપ્તિસ્માનો પ્રચાર કર્યો. ૨૫ પણ, પોતાનું સેવાકાર્ય પૂરું થવા આવ્યું ત્યારે તેણે કહ્યું: ‘હું કોણ છું એ વિશે તમારું શું માનવું છે? તમે જે ધારો છો એ હું નથી. પણ જુઓ! મારા પછી જે આવે છે, તેમના પગના જોડા કાઢવાને પણ હું લાયક નથી.’
૨૬ “ભાઈઓ, ઈબ્રાહીમના કુટુંબના વંશજો અને ઈશ્વરનો ડર રાખનારા બીજા લોકો, ઉદ્ધારનો આ સંદેશો આપણા સુધી મોકલવામાં આવ્યો છે. ૨૭ કેમ કે યરૂશાલેમના રહેવાસીઓ અને તેઓના રાજાઓએ છોડાવનારને ઓળખ્યા નહિ, પણ તેઓએ ન્યાય કરતી વખતે પ્રબોધકોએ જણાવેલી વાતો પૂરી કરી; એ વાતો દર સાબ્બાથે મોટેથી વાંચવામાં આવે છે. ૨૮ ભલે તેમને મારી નાખવાનું તેઓને કોઈ કારણ મળ્યું નહિ, છતાં તેઓએ પીલાત પાસે તેમને મારી નાખવાની માંગણી કરી. ૨૯ જ્યારે તેઓએ તેમના વિશે લખેલી સર્વ વાતો પૂરી કરી, ત્યારે તેમને વધસ્તંભ* પરથી નીચે ઉતાર્યા અને કબરમાં મૂક્યા. ૩૦ પરંતુ, ઈશ્વરે તેમને મરણમાંથી જીવતા કર્યા. ૩૧ જેઓ તેમની સાથે ગાલીલથી યરૂશાલેમ ગયા હતા, તેઓને ઘણા દિવસો સુધી તે દેખાયા. તેઓ હવે લોકો આગળ તેમના સાક્ષીઓ છે.
૩૨ “તેથી, જે વચન આપણા પૂર્વજોને આપવામાં આવ્યું હતું, એની ખુશખબર અમે તમને જણાવીએ છીએ. ૩૩ ઈસુને જીવતા કરીને ઈશ્વરે પૂર્વજોનાં બાળકો માટે, એટલે કે આપણા માટે એ વચન પૂરેપૂરું પાળ્યું છે; જેમ બીજા ગીતમાં લખેલું છે તેમ: ‘તું મારો દીકરો છે; આજે હું તારો પિતા બન્યો છું.’ ૩૪ ઈશ્વરે તેમને મરણમાંથી એવા શરીરમાં જીવતા કર્યા, જે ફરી કદી કોહવાણ પામશે નહિ. એ હકીકત વિશે તેમણે આમ જણાવ્યું હતું: ‘મેં અતૂટ પ્રેમને લીધે દાઊદને જે વચનો આપ્યાં હતાં, એ પ્રમાણે હું તમને આશીર્વાદો આપીશ. એ વચનો ભરોસાપાત્ર* છે.’ ૩૫ એટલે, બીજા એક ગીતમાં પણ લખેલું છે: ‘તમે તમારા વફાદાર ભક્તના શરીરને કોહવાણ લાગવા દેશો નહિ.’ ૩૬ દાઊદે જીવનભર ઈશ્વરની સેવા કરી* અને તે મરણમાં સૂઈ ગયા; તેમને બાપદાદાઓ સાથે દફનાવવામાં આવ્યા અને તેમનું શરીર કોહવાણ પામ્યું. ૩૭ બીજી બાજુ ઈશ્વરે જેમને જીવતા કર્યા, તેમનું શરીર કોહવાણ પામ્યું નહિ.
૩૮ “તેથી ભાઈઓ, તમે એ જાણો કે તેમના દ્વારા તમને પાપોની માફી જાહેર કરવામાં આવી છે. ૩૯ અને એ પણ જાણો કે મુસાના નિયમશાસ્ત્રથી તમે સર્વ વાતોમાં નિર્દોષ ઠરી શકતા નથી, પણ શ્રદ્ધા મૂકનાર દરેક માણસને ઈસુ દ્વારા સર્વ વાતોમાં નિર્દોષ ઠરાવવામાં આવે છે. ૪૦ તેથી, સાવચેત રહો કે પ્રબોધકોનાં લખાણોમાં જણાવેલું તમારા પર આવી ન પડે: ૪૧ ‘ઓ ધિક્કાર કરનારાઓ, જુઓ, આશ્ચર્ય પામો અને નાશ પામો, કેમ કે તમારા દિવસોમાં હું એવું કાર્ય કરું છું, જેના વિશે કોઈ તમને વિગતવાર જણાવે તોપણ તમે એને કદી માનશો નહિ.’”
૪૨ જ્યારે પાઊલ અને બાર્નાબાસ બહાર નીકળતા હતા, ત્યારે લોકોએ તેઓને આજીજી કરી કે એ વાતો વિશે આવનાર સાબ્બાથે પણ જણાવે. ૪૩ સભાસ્થાનમાંથી બધા છૂટા પડ્યા પછી, યહુદીઓ અને યહુદી થયેલાઓમાંના ઘણા ઈશ્વરભક્તો પાઊલ અને બાર્નાબાસની પાછળ ગયા. પાઊલ અને બાર્નાબાસે આ લોકો સાથે વાત કરતી વખતે, તેઓને ઈશ્વરની અપાર કૃપામાં રહેવા અરજ કરી.
૪૪ એ પછીના સાબ્બાથે યહોવાનો* સંદેશો સાંભળવા લગભગ આખું શહેર ભેગું થયું. ૪૫ યહુદીઓએ ટોળાઓ જોયાં ત્યારે, તેઓ ઈર્ષાથી સળગી ઊઠ્યા અને પાઊલ જે વાતો કહેતો હતો, એનો વિરોધ કર્યો અને નિંદા કરવા લાગ્યા. ૪૬ ત્યારે પાઊલ અને બાર્નાબાસે હિંમતથી તેઓને કહ્યું: “ઈશ્વરનો સંદેશો તમને પહેલા જણાવવામાં આવે એ જરૂરી હતું. પણ, તમે એનો સ્વીકાર કરતા નથી અને પોતાને હંમેશ માટેના જીવનને લાયક ગણતા નથી. એટલે જુઓ, અમે બીજી પ્રજાઓ તરફ ફરીએ છીએ. ૪૭ કેમ કે યહોવાએ* અમને આમ કહીને આજ્ઞા કરી છે: ‘હું તમને બીજી પ્રજાઓ માટે પ્રકાશ ઠરાવું છું, જેથી હું કઈ રીતે માણસોનો ઉદ્ધાર કરીશ, એ તમે પૃથ્વીના છેડા સુધી જાહેર કરો.’”
૪૮ બીજી પ્રજાના લોકોએ એ સાંભળ્યું ત્યારે, તેઓ આનંદ કરવા લાગ્યા અને યહોવાના* સંદેશાને મહિમા આપવા લાગ્યા. તેમ જ, હંમેશ માટેનું જીવન આપતું સત્ય સ્વીકારવા તરફ જેઓનું હૃદય ઢળેલું હતું, તેઓએ શ્રદ્ધા મૂકી. ૪૯ વધુમાં, યહોવાનો* સંદેશો આખા દેશમાં ફેલાઈ રહ્યો હતો. ૫૦ પરંતુ, યહુદીઓએ ઈશ્વરનો ડર રાખનારી મોભાદાર સ્ત્રીઓને અને શહેરના મુખ્ય માણસોને ભડકાવ્યા. તેઓએ પાઊલ અને બાર્નાબાસની સતાવણી કરાવીને પોતાની હદમાંથી બહાર કાઢી મૂક્યા. ૫૧ એટલે, તેઓની વિરુદ્ધ પોતાના પગની ધૂળ ખંખેરી નાખીને* તેઓ ઇકોનિયા ચાલ્યા ગયા. ૫૨ શિષ્યોના મન પવિત્ર શક્તિ અને આનંદથી ઊભરાતાં રહ્યાં.