યોહાન
૫ એ પછી યહુદીઓનો એક તહેવાર હતો અને ઈસુ યરૂશાલેમ ગયા. ૨ હવે, યરૂશાલેમમાં મેંઢાભાગળ પાસે પાંચ પરસાળવાળો એક કુંડ છે, જે હિબ્રૂ ભાષામાં બેથઝાથા કહેવાય છે. ૩ એ પરસાળોમાં બીમાર, આંધળા, લૂલા અને લકવો થયેલા* ઘણા બધા લોકો હતા. ૪ *— ૫ ત્યાં એક માણસ હતો, જે ૩૮ વર્ષથી બીમાર હતો. ૬ ઈસુએ તેને જોયો. તેમને ખબર હતી કે તે ઘણા સમયથી બીમાર છે. એટલે, તેમણે તેને પૂછ્યું: “શું તું સાજો થવા ચાહે છે?” ૭ એ બીમાર માણસે તેમને જવાબ આપ્યો: “સાહેબ, જ્યારે પાણી હલાવવામાં આવે છે, ત્યારે મને કુંડમાં ઉતારવા માટે કોઈ હોતું નથી; અને હજુ હું કુંડમાં ઊતરવા જાઉં, એટલામાં બીજું કોઈ મારી આગળ ઊતરી જાય છે.” ૮ ઈસુએ તેને કહ્યું: “ઊભો થા! તારી પથારી ઉપાડીને ચાલ.” ૯ એ માણસ તરત જ સાજો થયો અને તેણે પોતાની પથારી* ઉઠાવી અને ચાલવા લાગ્યો.
એ સાબ્બાથનો દિવસ* હતો. ૧૦ તેથી, સાજા થયેલા માણસને યહુદીઓ કહેવા લાગ્યા: “આજે સાબ્બાથ છે અને નિયમ પ્રમાણે તારે પથારી* ઊંચકવી ન જોઈએ.” ૧૧ પરંતુ, તેણે તેઓને જવાબ આપ્યો: “જેમણે મને સાજો કર્યો છે, તેમણે જ મને કહ્યું, ‘તારી પથારી* ઉપાડીને ચાલ.’” ૧૨ તેઓએ તેને પૂછ્યું: “એ માણસ કોણ છે જેણે તને કહ્યું, ‘પથારી ઉપાડીને ચાલ’?” ૧૩ પરંતુ, સાજા થયેલા માણસને ખબર ન હતી કે તે કોણ છે, કેમ કે ઈસુ ત્યાં ટોળામાં ભળી ગયા હતા.
૧૪ પછી, ઈસુ એ માણસને મંદિરમાં મળ્યા અને તેને કહ્યું: “જો, તું સાજો થયો છે. હવેથી પાપ કરતો નહિ, જેથી તારા પર કોઈ મોટી આફત આવી ન પડે.” ૧૫ એ માણસ ચાલ્યો ગયો અને યહુદીઓને જણાવ્યું કે ઈસુએ તેને સાજો કર્યો હતો. ૧૬ ઈસુ આ બધું સાબ્બાથ દરમિયાન કરતા હતા, એટલે યહુદીઓ તેમના માટે મુસીબતો ઊભી કરવા લાગ્યા. ૧૭ પરંતુ, તેમણે તેઓને જવાબ આપ્યો: “મારા પિતા હમણાં સુધી કામ કરે છે અને હું પણ કામ કરતો રહું છું.” ૧૮ એટલે, તેમને મારી નાખવા માટે યહુદીઓ હજુ વધારે પ્રયત્ન કરવા લાગ્યા, કારણ કે તેઓને લાગ્યું કે તે સાબ્બાથ તોડતા હતા, એટલું જ નહિ, પણ ઈશ્વરને પોતાના પિતા કહીને તે પોતાને ઈશ્વર સમાન ગણાવતા હતા.
૧૯ તેથી, જવાબમાં ઈસુએ તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે દીકરો પિતાને જે કરતા જુએ છે, એ જ કરે છે. એ સિવાય તે પોતાની રીતે કંઈ કરી શકતો નથી, કેમ કે પિતા જે કરે છે, એ બધું દીકરો પણ એ જ રીતે કરે છે. ૨૦ પિતાને દીકરા પર પ્રેમ* છે અને પોતે જે કરે છે એ બધું તેને બતાવે છે; અને પિતા તેને આનાથી પણ વધારે મહાન કામો બતાવશે, જેથી તમે નવાઈ પામો. ૨૧ કેમ કે જેમ ગુજરી ગયેલાને પિતા ઉઠાડે છે અને તેઓને જીવન આપે છે, તેમ દીકરો પણ પોતે ચાહે તેને જીવન આપે છે. ૨૨ કેમ કે પિતા કોઈનો ન્યાય કરતા નથી, પણ બધાનો ન્યાય કરવાનું કામ તેમણે દીકરાને સોંપ્યું છે. ૨૩ એ માટે કે જેમ પિતાને બધા માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. જે દીકરાને માન આપતો નથી, તે તેને મોકલનાર પિતાને પણ માન આપતો નથી. ૨૪ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ મારી વાત સાંભળે છે અને મને મોકલનારનું માને છે, તેને હંમેશ માટેનું જીવન મળશે; તે સજાને લાયક ગણાશે નહિ, પણ તે જાણે એવા માણસ જેવો છે, જે મરણ પામેલો હતો, પણ હવે જીવે છે.
૨૫ “હું તમને સાચે જ કહું છું કે એવો સમય આવે છે અને હમણાં આવ્યો છે, જ્યારે મરણ પામેલા લોકો ઈશ્વરના દીકરાનો અવાજ સાંભળશે અને જેઓએ તેની વાત માની છે તેઓ જીવશે. ૨૬ કેમ કે જેમ પિતા પાસે જીવન આપવાની શક્તિ છે, તેમ દીકરાને પણ તેમણે જીવન આપવાની શક્તિ આપી છે. ૨૭ અને તેમણે દીકરાને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે, કારણ કે તે માણસનો દીકરો છે. ૨૮ એ સાંભળીને નવાઈ ન પામો, કેમ કે એવો સમય આવે છે જ્યારે જેઓ કબરમાં* છે તેઓ બધા તેનો અવાજ સાંભળશે ૨૯ અને બહાર નીકળી આવશે; જેઓએ સારાં કામ કર્યાં છે તેઓ હંમેશ માટેનું જીવન મેળવશે અને જેઓએ દુષ્ટ કામો કર્યાં છે, તેઓ સજાને લાયક ઠરશે.* ૩૦ હું મારી પોતાની રીતે એક પણ કામ કરી શકતો નથી. જેમ પિતા મને કહે છે તેમ હું ન્યાય કરું છું અને મારો ન્યાય અદલ છે, કારણ કે હું મારી પોતાની ઇચ્છા નહિ, પણ મને મોકલનારની ઇચ્છા પૂરી કરવા ચાહું છું.
૩૧ “જો હું એકલો મારા વિશે સાક્ષી આપું તો મારી સાક્ષી સાચી નથી. ૩૨ મારા વિશે તો બીજું કોઈ સાક્ષી આપે છે અને હું જાણું છું કે મારા વિશેની તેમની સાક્ષી સાચી છે. ૩૩ તમે યોહાન પાસે માણસો મોકલ્યા અને તેણે મારા વિશે સાચી સાક્ષી આપી. ૩૪ જોકે, હું માણસની સાક્ષી સ્વીકારતો નથી, પણ હું આ વાતો એ માટે કહું છું જેથી તમારો ઉદ્ધાર થાય. ૩૫ યોહાન ઝળહળતા અને સળગતા દીવા જેવો હતો; થોડા સમય માટે તમે તેના પ્રકાશમાં ઘણો આનંદ કરવા તૈયાર હતા. ૩૬ પરંતુ, મારા વિશેની સાક્ષી યોહાનની સાક્ષી કરતાં વધારે મહાન છે. મારા પિતાએ મને જે કામો પૂરાં કરવાનું સોંપ્યું છે, એટલે કે જે કામો હું કરું છું, એ જ સાક્ષી પૂરે છે કે પિતાએ મને મોકલ્યો છે. ૩૭ મને મોકલનાર પિતાએ પોતે મારા વિશે સાક્ષી પૂરી છે. તમે કદી પણ તેમનો અવાજ સાંભળ્યો નથી કે તેમને કોઈ રૂપમાં જોયા નથી ૩૮ અને તમારા દિલમાં તેમનો સંદેશો વસતો નથી, કારણ કે જેને પિતાએ મોકલ્યો છે, તેનો ભરોસો તમે કરતા નથી.
૩૯ “હંમેશ માટેનું જીવન મેળવવાના ઇરાદાથી તમે શાસ્ત્રવચનોમાં શોધખોળ કરો છો; અને એ જ શાસ્ત્રવચનો મારા વિશે સાક્ષી આપે છે. ૪૦ તેમ છતાં, તમે જીવન મેળવવા મારી પાસે આવવા માંગતા નથી. ૪૧ હું માણસો પાસેથી માન સ્વીકારતો નથી. ૪૨ હું સારી રીતે જાણું છું કે તમારામાં ઈશ્વર માટે પ્રેમ નથી. ૪૩ હું મારા પિતાના નામે આવ્યો છું, પણ તમે મારો સ્વીકાર કરતા નથી. જો બીજું કોઈ તેના પોતાના નામે આવ્યું હોત, તો તમે તેનો સ્વીકાર કર્યો હોત. ૪૪ તમે એકબીજા પાસેથી માન મેળવો છો અને જે માન એકમાત્ર ઈશ્વર પાસેથી મળે છે, એ તમે શોધતા નથી; તો પછી, તમે મારું કઈ રીતે માનવાના? ૪૫ એવું ન વિચારો કે હું પિતાની આગળ તમારા પર આરોપ મૂકીશ; તમારા પર આરોપ મૂકનાર તો મુસા છે, જેમનામાં તમે આશા રાખો છો. ૪૬ હકીકતમાં, જો તમે મુસાનું કહેવું માન્યું હોત તો તમે મારું કહેવું પણ માન્યું હોત, કેમ કે તેમણે મારા વિશે લખ્યું છે. ૪૭ પરંતુ, જો તમે તેમનાં લખાણોમાં ભરોસો મૂકતા નથી, તો હું જે કહું છું એમાં તમે કઈ રીતે ભરોસો મૂકવાના?”