યશાયા
૮ યહોવાએ મને કહ્યું: “એક મોટી પાટી લે.+ એના પર કલમથી ‘માહેર-શાલાલ-હાશ-બાઝ’* લખ. ૨ મારા માટે ઊરિયા+ યાજક* અને યબેરેખ્યાના દીકરા ઝખાર્યાને બોલાવ, જેથી તેઓ વિશ્વાસુ સાક્ષી તરીકે એનો પુરાવો લખી આપે.”
૩ પછી મેં પ્રબોધિકા* સાથે જાતીય સંબંધ બાંધ્યો. તે ગર્ભવતી થઈ અને સમય જતાં તેણે દીકરાને જન્મ આપ્યો.+ યહોવાએ મને કહ્યું, “તેનું નામ માહેર-શાલાલ-હાશ-બાઝ રાખ. ૪ એ છોકરો ‘પિતા’ અને ‘માતા’ બોલતા શીખે એ પહેલાં, દમસ્કની ધનદોલત અને સમરૂનની લૂંટ આશ્શૂરના રાજા પાસે લઈ જવાશે.”+
૫ યહોવાએ મને ફરીથી કહ્યું:
૬ “આ લોકોએ શિલોઆહના* ધીરે ધીરે વહેતા પાણીનો ત્યાગ કર્યો છે.+
તેઓ તો રસીનથી અને રમાલ્યાના દીકરાથી રાજી છે.+
૭ એટલે યહોવા તેઓ વિરુદ્ધ
યુફ્રેટિસ નદીના પ્રચંડ અને ધસમસતા પાણી લઈ આવશે.
આશ્શૂરનો રાજા+ પૂરી તાકાત સાથે આવશે.
તે સૈન્ય સાથે આવશે અને બધાં નદી-નાળાં ભરી નાખશે,
બધા કિનારાઓ છલકાઈ જશે.
૮ તે આખા યહૂદામાં ફરી વળશે.
તે એવું પૂર લાવશે, જેનું પાણી વધતાં વધતાં ગળા સુધી આવી જશે.+
૯ તમે લોકો ગમે એટલા ધમપછાડા કરો, પણ તમારા ટુકડે-ટુકડા થઈ જશે.
ધરતીને છેડેથી આવનાર લોકો, સાંભળો!
લડવા તૈયાર થાઓ! તમારો ભાંગીને ભૂકો થઈ જશે!+
લડવા તૈયાર થાઓ! તમારો ભાંગીને ભૂકો થઈ જશે!
૧૦ તમે ગમે એટલી યોજના કરો, પણ એ પૂરી થશે નહિ!
૧૧ તેમનો મજબૂત હાથ મારા પર છે. હું એ લોકોના માર્ગે ન ચાલું એ માટે યહોવાએ મને આવી ચેતવણી આપી:
૧૨ “એ લોકો જેને કાવતરું કહે છે, એને તમારે કાવતરું ગણવું નહિ.
તેઓ જેનાથી ડરે છે, એનાથી તમારે ડરવું નહિ,
તમારે કાંપવું નહિ.
૧૩ સૈન્યોના ઈશ્વર યહોવાને જ તમારે પવિત્ર માનવા,+
ફક્ત તેમનો જ તમારે ડર રાખવો,
એકલા તેમનાથી જ તમારે કાંપવું.”+
૧૪ તે પવિત્ર જગ્યા* જેવા બનશે,
પણ ઇઝરાયેલનાં બંને રાજ્યો માટે
તો ઠોકર ખવડાવનાર પથ્થર+
અને ઠેસ પહોંચાડનાર ખડક જેવા બનશે.
યરૂશાલેમના લોકો માટે
તે જાળ અને ફાંદા જેવા બનશે.
૧૫ તેઓમાંથી ઘણા ઠોકર ખાશે અને પડશે, તેઓના ટુકડે-ટુકડા થઈ જશે.
તેઓ ફાંદામાં ફસાઈ જશે અને પકડાઈ જશે.
૧૭ યહોવાએ યાકૂબના વંશજોથી મોં ફેરવી લીધું છે.+ પણ હું તેમની રાહ જોઈશ,+ તેમનામાં આશા રાખીશ.
૧૮ જુઓ, હું અને યહોવાએ મને આપેલાં બાળકો+ ઇઝરાયેલમાં નિશાનીઓ+ અને ચમત્કારો જેવા છીએ. એ નિશાનીઓ અને ચમત્કારો સૈન્યોના ઈશ્વર યહોવા તરફથી છે, જે સિયોન પર્વત પર રહે છે.
૧૯ જો તેઓ કહે, “મરેલા સાથે વાત કરનાર ભૂવાઓની અથવા ભવિષ્ય ભાખનાર જેઓ બડબડ કરે છે અને જાપ જપે છે તેઓની સલાહ માંગો,” તો તમે શું કરશો? શું લોકોએ પોતાના ઈશ્વર પાસે સલાહ ન માંગવી જોઈએ? જીવતા લોકો માટે શું મરેલા લોકોની સલાહ માંગવી જોઈએ?+ ૨૦ તેઓએ તો નિયમ અને પુરાવાના લખાણમાંથી સલાહ લેવી જોઈએ.
જ્યારે તેઓ ઈશ્વરના નિયમ પ્રમાણે બોલતા નથી, ત્યારે તેઓ રોશનીમાં હોતા નથી.+ ૨૧ દરેક માણસ પોતાના દેશમાં દુઃખી અને ભૂખ્યો થઈને ભટકશે.+ તે ભૂખ્યો અને ચિડાયેલો હોવાથી પોતાના રાજાને શ્રાપ આપશે. આકાશ તરફ જોઈને તે પોતાના ઈશ્વરને પણ શ્રાપ આપશે. ૨૨ પછી તેની નજર ધરતી પર પડશે અને તેને બસ વેદના અને નિરાશા દેખાશે. મુસીબતો પર મુસીબતો દેખાશે, ઘોર અંધકારમાં તેને પ્રકાશનું એકેય કિરણ દેખાશે નહિ.