એફેસીઓને પત્ર
૨ તમે તમારાં અપરાધો અને પાપોને લીધે મરેલા હતા, તોપણ ઈશ્વરે તમને જીવતા કર્યા.+ ૨ એક સમયે તમે આ દુનિયાની રીતભાત* પ્રમાણે ચાલતા હતા.+ તમે એ શાસકનું માનીને ચાલતા હતા, જે દુનિયાના વલણ પર સત્તા ચલાવે છે.+ એ વલણ+ ચારે બાજુ હવાની જેમ ફેલાયેલું છે અને આજ્ઞા ન માનનારાઓમાં એની અસર દેખાઈ આવે છે. ૩ હા, એક સમયે તેઓની જેમ આપણે પણ આપણા શરીરની પાપી ઇચ્છાઓ પ્રમાણે ચાલતા હતા.+ આપણે પોતાની ઇચ્છાઓ અને વિચારો પ્રમાણે કરતા હતા.+ બીજા લોકોની જેમ આપણે પણ જન્મથી જ ઈશ્વરના ક્રોધને લાયક હતા.+ ૪ પણ ઈશ્વર દયાથી ભરપૂર છે+ અને તેમનો પ્રેમ મહાન છે. તે આપણને ખૂબ ચાહે છે.+ ૫ આપણે અપરાધોને લીધે મરેલા હતા, તોપણ ખ્રિસ્ત સાથે એકતામાં લાવવા ઈશ્વરે આપણને જીવતા કર્યા.+ (અપાર કૃપાથી તમારો ઉદ્ધાર થયો છે.) ૬ આપણે ખ્રિસ્ત ઈસુના શિષ્યો હોવાથી, ઈશ્વરે આપણને ઈસુની સાથે જીવતા કર્યા અને તેમની સાથે સ્વર્ગમાં સ્થાન આપ્યું.+ ૭ ઈશ્વરે એવું કર્યું, જેથી તે ઉદાર બનીને* આવનાર દુનિયામાં* આપણને અપાર કૃપા બતાવે, કેમ કે આપણે ખ્રિસ્ત ઈસુના શિષ્યો છીએ.
૮ તમારામાં શ્રદ્ધા છે એટલે અપાર કૃપાથી તમને બચાવવામાં આવ્યા છે.+ એવું તમારાં કાર્યોથી નથી થયું, એ તો ઈશ્વરની ભેટ છે. ૯ તમારો બચાવ કાર્યોથી નથી થયો,+ એટલે કોઈની પાસે બડાઈ મારવાનું કારણ નથી. ૧૦ આપણે ઈશ્વરના હાથની કારીગરી* છીએ અને ખ્રિસ્ત ઈસુના શિષ્યો છીએ,+ એટલે તેમણે આપણને સારાં કામ કરવા બનાવ્યા છે.+ આપણે એવાં કામ કરીએ એવું ઈશ્વરે પહેલેથી નક્કી કર્યું હતું.
૧૧ યાદ રાખો, એક સમયે તમે જન્મથી બીજી પ્રજાઓના લોકો હતા. માણસોથી સુન્નત* થયેલા લોકો તમને બેસુન્નત કહેતા હતા. ૧૨ એ સમયે તમે ખ્રિસ્ત વગરના હતા. તમે ઇઝરાયેલી પ્રજાથી અલગ અને વચનના કરારથી* અજાણ્યા હતા.+ આ દુનિયામાં તમને કોઈ આશા ન હતી અને તમે ઈશ્વર વગરના હતા.+ ૧૩ એક સમયે તમે ઈશ્વરથી દૂર હતા, પણ હવે ખ્રિસ્ત ઈસુની સાથે એકતામાં હોવાથી તમે ખ્રિસ્તના લોહી દ્વારા ઈશ્વરની પાસે આવ્યા છો. ૧૪ ખ્રિસ્ત આપણા માટે શાંતિ લાવ્યા.+ તેમણે બે જૂથને એક કર્યા+ અને જે દીવાલ* તેઓને અલગ પાડતી હતી એ તોડી પાડી.+ ૧૫ તે પોતાના શરીરના બલિદાનથી દુશ્મનીનો અંત લાવ્યા, એટલે કે નિયમશાસ્ત્રની* આજ્ઞાઓનો અંત લાવ્યા. તે નિયમશાસ્ત્રનો અંત લાવ્યા, જેથી બે જૂથને પોતાની સાથે એકતામાં લાવીને એક નવું જૂથ* બનાવે+ અને એને શાંતિમાં લાવે. ૧૬ એટલું જ નહિ, વધસ્તંભ* પર પોતાની કુરબાની આપીને+ તે દુશ્મનીનો અંત લાવ્યા.+ તે બંને જૂથના લોકોને એકતામાં* લાવ્યા અને ઈશ્વર સાથે તેઓની પાકી દોસ્તી કરાવી. ૧૭ તે આવ્યા અને તમે જેઓ ઈશ્વરથી દૂર હતા અને તમે જેઓ પાસે હતા, એ બંનેને શાંતિની ખુશખબર જાહેર કરી, ૧૮ કેમ કે તેમના દ્વારા આપણે, એટલે કે બંને જૂથના લોકો એક જ પવિત્ર શક્તિથી પિતા પાસે છૂટથી જઈ શકીએ છીએ.
૧૯ તમે હવેથી અજાણ્યા અને પરદેશી નથી,+ પણ તમે પવિત્ર જનોની જેમ નાગરિકો છો+ અને ઈશ્વરના ઘરના સભ્યો છો.+ ૨૦ તમે પ્રેરિતો અને પ્રબોધકોના*+ પાયા પર બંધાયેલા છો અને ખ્રિસ્ત ઈસુ પોતે પાયાના ખૂણાનો પથ્થર* છે.+ ૨૧ આખી ઇમારત તેમની સાથે એકતામાં છે અને એ ઇમારતના બધા ભાગ એકબીજા સાથે બરાબર જોડાયેલા છે.+ એ ઇમારત વધતી જઈ રહી છે, જેથી એ યહોવા* માટે પવિત્ર મંદિર બને.+ ૨૨ ખ્રિસ્ત સાથે એકતામાં હોવાથી તમે પણ એ ઇમારતમાં ચણાતા જાઓ છો, જેથી ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ દ્વારા ત્યાં રહે.+