બીજો કાળવૃત્તાંત
૨૮ આહાઝ+ રાજા બન્યો ત્યારે ૨૦ વર્ષનો હતો. તેણે યરૂશાલેમમાં ૧૬ વર્ષ રાજ કર્યું. તેના પૂર્વજ દાઉદે યહોવાની નજરમાં જે ખરું હતું એ કર્યું, પણ આહાઝે એવું કર્યું નહિ.+ ૨ એના બદલે, તે ઇઝરાયેલના રાજાઓના માર્ગે ચાલ્યો.+ અરે, તેણે તો બઆલ માટે ધાતુની મૂર્તિઓ* પણ બનાવી.+ ૩ તેણે હિન્નોમની ખીણમાં* આગમાં બલિદાનો ચઢાવ્યાં અને પોતાના દીકરાઓને આગમાં બાળ્યા.+ યહોવાએ જે પ્રજાઓને ઇઝરાયેલ આગળથી હાંકી કાઢી હતી, તેઓના રિવાજો આહાઝે પાળ્યા. એ પ્રજાઓ એવા રિવાજો પાળતી હતી જેનાથી સખત નફરત થાય.+ ૪ તે ભક્તિ-સ્થળોએ,+ ડુંગરો પર અને દરેક ઘટાદાર ઝાડ નીચે+ પણ આગમાં બલિદાનો ચઢાવતો હતો.
૫ એટલે તેના ઈશ્વર યહોવાએ તેને સિરિયાના રાજાના હાથમાં સોંપી દીધો.+ સિરિયાના લશ્કરે તેને હરાવી દીધો. તેઓ તેની પ્રજામાંથી ઘણાને ગુલામ બનાવીને દમસ્ક લઈ ગયા.+ આહાઝને ઇઝરાયેલના રાજાના હાથમાં પણ સોંપી દેવામાં આવ્યો, જેણે તેના લોકોમાં ભારે કતલ ચલાવી. ૬ રમાલ્યાના દીકરા પેકાહે+ યહૂદામાં એક જ દિવસે ૧,૨૦,૦૦૦ બહાદુર માણસોને મોતને ઘાટ ઉતાર્યા. યહૂદાના લોકોએ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાનો ત્યાગ કર્યો હતો.+ ૭ એફ્રાઈમના એક યોદ્ધા ઝિખ્રીએ રાજાના દીકરા માઅસેયા અને મહેલના કારભારી આઝ્રીકામને મારી નાખ્યા. રાજા પછીના અધિકારી એલ્કાનાહને પણ તેણે મારી નાખ્યો. ૮ ઇઝરાયેલીઓ યહૂદાથી પોતાના ૨,૦૦,૦૦૦ ભાઈઓને ગુલામ બનાવીને લઈ ગયા, જેઓમાં સ્ત્રીઓ અને બાળકો* હતાં. તેઓએ મોટી લૂંટ પણ ભેગી કરી અને એ સમરૂન લઈ ગયા.+
૯ યહોવાનો એક પ્રબોધક ઓદેદ ત્યાં હતો. સમરૂન આવી રહેલા લશ્કર આગળ તે ગયો અને તેઓને કહ્યું: “જુઓ, યહૂદાના લોકો પર તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા ગુસ્સે ભરાયા હોવાથી, તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે.+ પણ તમે તેઓની ભારે કતલ ચલાવીને એટલો ક્રોધ બતાવ્યો છે કે એ આકાશ સુધી પહોંચ્યો છે. ૧૦ હવે તમે યહૂદા અને યરૂશાલેમના લોકોને તમારા દાસ-દાસીઓ બનાવવા માંગો છો.+ જરા વિચારો, શું તમે પણ તમારા ઈશ્વર યહોવા આગળ ગુનેગાર નથી? ૧૧ એટલે મારું સાંભળો. તમારા ભાઈઓમાંથી તમે જેઓને ગુલામ બનાવી લાવ્યા છો, તેઓને પાછા મોકલો. તમારા પર યહોવાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો છે.”
૧૨ એ સાંભળીને એફ્રાઈમના આ મુખીઓ આગળ આવ્યા: યહોહાનાનનો દીકરો અઝાર્યા, મશિલ્લેમોથનો દીકરો બેરેખ્યા, શાલ્લૂમનો દીકરો યહિઝક્યા અને હાદલાઈનો દીકરો અમાસા. તેઓ યુદ્ધમાંથી પાછા ફરી રહેલા સૈન્ય સામે આવીને ઊભા રહ્યા. ૧૩ મુખીઓએ કહ્યું: “આ ગુલામોને અંદર લાવતા નહિ, કેમ કે એના લીધે આપણે યહોવા આગળ ગુનેગાર બનીશું. તમે જે કરવાનો ઇરાદો રાખો છો, એ આપણાં પાપમાં અને આપણા ગુનાઓમાં વધારો કરશે. આમેય આપણો ગુનો કંઈ નાનો નથી અને ઇઝરાયેલ પર ઈશ્વરનો કોપ ઊતરી આવ્યો છે.” ૧૪ એટલે હથિયારબંધ સૈનિકોએ આગેવાનો અને ભેગા થયેલા લોકોને ગુલામો અને લૂંટ સોંપી દીધા.+ ૧૫ પછી જેઓને પસંદ કરવામાં આવ્યા, એ માણસોએ ગુલામો પાસે જઈને મદદ કરી. ઉઘાડે શરીરે હતા એ ગુલામોને તેઓએ લૂંટમાંથી કપડાં આપ્યાં. તેઓએ કપડાં અને ચંપલ આપ્યાં, ખાવા-પીવાનું આપ્યું, શરીરે લગાડવા તેલ આપ્યું. એટલું જ નહિ, કમજોર લોકોને ગધેડાં પર બેસાડ્યા અને ખજૂરીઓના શહેર યરીખોમાં તેઓના ભાઈઓ પાસે લઈ ગયા. પછી એ માણસો પાછા સમરૂન આવ્યા.
૧૬ એ સમયે આહાઝ રાજાએ આશ્શૂરના રાજાઓની મદદ માંગી.+ ૧૭ ફરી એક વાર અદોમીઓએ યહૂદા પર હુમલો કર્યો અને લોકોને ગુલામ બનાવી લઈ ગયા. ૧૮ પલિસ્તીઓએ+ પણ યહૂદામાં આવેલા શેફેલાહનાં+ અને નેગેબનાં શહેરો પર હુમલો કર્યો. તેઓએ આ શહેરો જીતી લીધાં: બેથ-શેમેશ,+ આયાલોન,+ ગદેરોથ, સોખો અને એની આસપાસનાં નગરો, તિમ્નાહ+ અને એની આસપાસનાં નગરો, ગિમ્ઝો અને એની આસપાસનાં નગરો. પછી તેઓ ત્યાં રહેવા લાગ્યા. ૧૯ યહોવાએ ઇઝરાયેલના રાજા આહાઝને લીધે યહૂદાને નીચું જોવડાવ્યું. આહાઝે યહૂદાને મન ફાવે એમ કરવાની છૂટ આપી હતી. એટલે તેઓએ ઘણાં પાપ કર્યાં અને યહોવાને બેવફા બન્યા.
૨૦ આશ્શૂરના રાજા તિગ્લાથ-પિલ્નેસેરે+ આહાઝને મદદ કરવાને બદલે તેના પર ચઢી આવીને મુસીબતો ઊભી કરી.+ ૨૧ આહાઝને યહોવાના મંદિરમાંથી, રાજમહેલમાંથી+ અને આગેવાનોનાં ઘરોમાંથી જે કંઈ મળ્યું એ બધું તેણે ભેગું કર્યું. તેણે એ બધું આશ્શૂરના રાજાને ભેટમાં આપ્યું. પણ એનાથી કંઈ ફાયદો થયો નહિ. ૨૨ એ મુસીબતોમાં આહાઝ રાજાએ હજુ વધારે પાપ કર્યાં અને યહોવાને વધારે બેવફા બન્યો. ૨૩ આહાઝ દમસ્ક સામે હારી ગયો હોવાથી,+ તે એના દેવોને બલિદાન ચઢાવવા લાગ્યો.+ તેણે કહ્યું: “સિરિયાના રાજાઓના દેવો તેઓને મદદ કરે છે. હું તેઓને બલિદાન ચઢાવું, જેથી તેઓ મને મદદ કરે.”+ પણ એનાથી તો આહાઝ અને બધા ઇઝરાયેલીઓ બરબાદ થઈ ગયા. ૨૪ આહાઝે સાચા ઈશ્વરના મંદિરનાં વાસણો ભેગાં કર્યાં અને એ વાસણોના ટુકડે-ટુકડા કરી નાખ્યા.+ તેણે યહોવાના મંદિરના દરવાજા બંધ કરી દીધા.+ તેણે યરૂશાલેમના ખૂણે ખૂણે પોતાના માટે વેદીઓ ઊભી કરી દીધી. ૨૫ તેણે બીજા દેવો આગળ આગમાં બલિદાનો ચઢાવવા યહૂદાનાં બધાં શહેરોમાં ભક્તિ-સ્થળો બાંધ્યા.+ આ રીતે તેણે પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને ભારે કોપ ચઢાવ્યો.
૨૬ આહાઝનો બાકીનો ઇતિહાસ અને શરૂઆતથી લઈને અંત સુધી તેણે જે કંઈ કર્યું, એ બધું યહૂદાના અને ઇઝરાયેલના રાજાઓના પુસ્તકમાં લખેલું છે.+ ૨૭ પછી આહાઝ ગુજરી ગયો. લોકોએ તેને ઇઝરાયેલના રાજાઓને દફનાવવાની જગ્યાએ નહિ, પણ યરૂશાલેમ શહેરમાં દફનાવ્યો.+ તેનો દીકરો હિઝકિયા તેની જગ્યાએ રાજા બન્યો.