બીજો કાળવૃત્તાંત
૩૦ હિઝકિયાએ ઇઝરાયેલના ઈશ્વર યહોવા માટે પાસ્ખાનો* તહેવાર ઊજવવા ગોઠવણ કરી.+ તેણે આખા ઇઝરાયેલ અને યહૂદાને યરૂશાલેમમાં યહોવાના મંદિરે આવવા સંદેશો મોકલ્યો.+ અરે, તેણે એફ્રાઈમ અને મનાશ્શાને પણ પત્રો લખીને સંદેશો જણાવ્યો.+ ૨ રાજાએ, તેના આગેવાનોએ અને યરૂશાલેમના બધા લોકોએ નક્કી કર્યું કે બીજા મહિનામાં પાસ્ખાનો તહેવાર ઊજવવામાં આવે.+ ૩ તેઓ પહેલા મહિનામાં એ તહેવાર ઊજવી શક્યા ન હતા,+ કેમ કે જોઈએ એટલા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા ન હતા.+ એ સમયે લોકો પણ યરૂશાલેમમાં ભેગા થયા ન હતા. ૪ રાજા અને બધા લોકોને આ ગોઠવણ બરાબર લાગી. ૫ તેઓએ આખા ઇઝરાયેલમાં, બેર-શેબાથી દાન+ સુધી એના વિશે જાહેર કરવાનું નક્કી કર્યું. તેઓએ જણાવ્યું કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા માટે પાસ્ખા ઊજવવા લોકો યરૂશાલેમ આવે. તેઓ બધાએ ભેગા થઈને નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અગાઉ આ તહેવાર ઊજવ્યો ન હતો.+
૬ પછી રાજાની આજ્ઞા પ્રમાણે સંદેશો લઈ જનારાઓ નીકળ્યા. તેઓ રાજા અને આગેવાનો પાસેથી પત્રો લઈને આખા ઇઝરાયેલમાં અને યહૂદામાં ગયા. તેઓએ કહ્યું: “ઓ ઇઝરાયેલના લોકો, ઇબ્રાહિમ, ઇસહાક અને ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાસે પાછા ફરો. એમ કરશો તો જેઓ આશ્શૂરના રાજાઓના હાથમાંથી બચી ગયા છે, તેઓ પાસે ઈશ્વર પાછા ફરશે.+ ૭ તમે તમારા બાપદાદાઓ અને ભાઈઓ જેવા ન બનો. તેઓ પોતાના બાપદાદાઓના ઈશ્વર યહોવાને બેવફા બન્યા હતા. એટલે ઈશ્વરે તેઓની એવી દશા કરી કે એ જોઈને લોકો થથરી ઊઠે અને તમે એ નજરે જુઓ છો.+ ૮ તમે તમારા બાપદાદાઓની જેમ હઠીલા ન બનો,+ પણ યહોવાનું કહેવું માનો. તેમના મંદિરે આવો,+ જે તેમણે કાયમ માટે પવિત્ર કર્યું છે. તમે આવીને તમારા ઈશ્વર યહોવાની ભક્તિ કરો, જેથી તેમનો ભારે કોપ તમારા પરથી દૂર થાય.+ ૯ તમે યહોવા પાસે પાછા ફરશો તો, તમારા ભાઈઓને અને દીકરાઓને કેદ કરનારાઓ તેઓ પર દયા બતાવશે.+ તેઓ આ દેશમાં પાછા આવી શકશે.+ તમારા ઈશ્વર યહોવા દયા અને કરુણાના* સાગર છે.+ જો તમે તેમની પાસે પાછા આવશો, તો તે તમારાથી મોં ફેરવી નહિ લે.”+
૧૦ સંદેશવાહકો એફ્રાઈમ અને મનાશ્શાના વિસ્તારોના દરેક શહેરમાં ગયા.+ અરે, તેઓ ઝબુલોનમાં પણ ફરી વળ્યા. પણ લોકોએ તેઓની મજાક-મશ્કરી કરી.+ ૧૧ પણ આશેર, મનાશ્શા અને ઝબુલોનમાંથી અમુક લોકો નમ્ર બન્યા અને યરૂશાલેમ આવ્યા.+ ૧૨ યહૂદાના લોકો પર સાચા ઈશ્વરની કૃપા હતી. રાજાએ અને આગેવાનોએ યહોવાનું કહેવું માનીને જે આજ્ઞા કરી હતી, એ પૂરી કરવા તેઓ એક થઈને* આવ્યા.
૧૩ યરૂશાલેમમાં બેખમીર રોટલીનો તહેવાર+ ઊજવવા લોકોનું મોટું ટોળું બીજા મહિનામાં+ ભેગું થયું. ત્યાં ઘણા બધા લોકો હતા. ૧૪ તેઓએ ભેગા થઈને યરૂશાલેમમાંથી જૂઠા દેવોની વેદીઓ તોડી પાડી,+ બધી ધૂપવેદીઓ કાઢી નાખી+ અને કિદ્રોન ખીણમાં નાખી દીધી. ૧૫ તેઓએ બીજા મહિનાના ૧૪મા દિવસે પાસ્ખાનું બલિદાન કાપ્યું. લોકોનો આવો ઉત્સાહ જોઈને યાજકો અને લેવીઓને શરમ આવી. એટલે તેઓએ પોતાને શુદ્ધ કર્યા અને યહોવાના મંદિરે અગ્નિ-અર્પણો લઈ આવ્યા. ૧૬ સાચા ઈશ્વરના ભક્ત મૂસાના નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓ પોતપોતાની જગ્યાએ ઊભા રહ્યા. પછી યાજકોએ લેવીઓ પાસેથી બલિદાનોનું લોહી લઈને વેદી પર છાંટ્યું.+ ૧૭ લોકોના ટોળામાં ઘણા એવા હતા, જેઓએ પોતાને શુદ્ધ કર્યા ન હતા. બધા અશુદ્ધ લોકોને યહોવા આગળ શુદ્ધ કરવા પાસ્ખાનાં બલિદાનો કાપવાનું કામ લેવીઓને સોંપાયું હતું.+ ૧૮ ઘણા લોકોએ, ખાસ કરીને એફ્રાઈમ, મનાશ્શા,+ ઇસ્સાખાર અને ઝબુલોનના લોકોએ પોતાને શુદ્ધ કર્યા ન હતા. તોપણ તેઓએ પાસ્ખાનું ભોજન ખાધું, જે નિયમ વિરુદ્ધ હતું. એટલે હિઝકિયાએ તેઓ માટે વિનંતી કરી: “હે યહોવા, તમે ભલા છો.+ તેઓને માફ કરો. ૧૯ ખરું કે પવિત્ર થવાના નિયમ પ્રમાણે તેઓએ પોતાને શુદ્ધ કર્યા નથી.+ પણ તેઓ દરેકે પોતાના બાપદાદાઓના સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરવા પોતાનું દિલ તૈયાર કર્યું છે.”+ ૨૦ યહોવાએ હિઝકિયાની પ્રાર્થના સાંભળી અને લોકોને માફ કરી દીધા.
૨૧ એટલે યરૂશાલેમમાં ભેગા થયેલા ઇઝરાયેલી લોકોએ સાત દિવસ બેખમીર રોટલીનો તહેવાર+ ધામધૂમથી ઊજવ્યો.+ લેવીઓ અને યાજકો દરરોજ યહોવાનો જયજયકાર કરતા હતા. તેઓ યહોવા આગળ મોટેથી વાજિંત્રો વગાડતા હતા.+ ૨૨ લેવીઓ સમજદારીથી યહોવાની સેવા કરતા હતા. હિઝકિયાએ તેઓ બધા સાથે વાત કરી અને તેઓને ઉત્તેજન આપ્યું. તેઓ બધાએ તહેવારના સાતેય દિવસ મિજબાની કરી.+ તેઓએ બાપદાદાઓના ઈશ્વર યહોવાને શાંતિ-અર્પણો ચઢાવ્યાં+ અને તેમનો આભાર માન્યો.
૨૩ પછી બધા લોકોએ એ તહેવાર હજી સાત દિવસ ઊજવવાનું નક્કી કર્યું. એટલે તેઓએ ખુશીથી બીજા સાત દિવસ તહેવાર ઊજવ્યો.+ ૨૪ યહૂદાના રાજા હિઝકિયાએ લોકો માટે ૧,૦૦૦ આખલા અને ૭,૦૦૦ ઘેટાં આપ્યાં. આગેવાનોએ ૧,૦૦૦ આખલા અને ૧૦,૦૦૦ ઘેટાં આપ્યાં.+ ઘણા યાજકોએ પોતાને શુદ્ધ કર્યા.+ ૨૫ આખા યહૂદામાંથી આવેલા લોકો, યાજકો, લેવીઓ, આખા ઇઝરાયેલમાંથી આવેલા લોકો,+ ઇઝરાયેલમાંથી આવેલા પરદેશીઓ+ અને યહૂદામાં રહેતા પરદેશીઓ, એ બધા લોકો ખુશી મનાવતા હતા. ૨૬ યરૂશાલેમમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઇઝરાયેલના રાજા દાઉદના દીકરા સુલેમાનના સમયથી યરૂશાલેમમાં આવી ઉજવણી થઈ ન હતી.+ ૨૭ પછી લેવી યાજકોએ ઊભા થઈને લોકોને આશીર્વાદ આપ્યો.+ ઈશ્વરે તેઓની વિનંતી સાંભળી અને તેઓની પ્રાર્થના તેમના પવિત્ર રહેઠાણ સ્વર્ગમાં પહોંચી.