બીજો કાળવૃત્તાંત
૩૧ યરૂશાલેમમાં તહેવારની ઉજવણી પૂરી થઈ. એ પછી તરત બધા ઇઝરાયેલીઓ યહૂદાનાં શહેરોમાંથી બહાર ગયા. તેઓ આખા યહૂદા અને બિન્યામીન તેમજ એફ્રાઈમ અને મનાશ્શામાં+ ફરી વળ્યા. તેઓએ ભક્તિ-સ્તંભોનો ભાંગીને ભૂકો કરી નાખ્યો.+ ભક્તિ-થાંભલાઓ કાપી નાખ્યા.+ ભક્તિ-સ્થળો+ અને વેદીઓ તોડી પાડ્યાં.+ તેઓએ એ બધાનો પૂરેપૂરો વિનાશ કરી નાખ્યો. પછી બધા ઇઝરાયેલીઓ પોતાનાં ઘરે, પોતાનાં શહેરોમાં પાછા ગયા.
૨ પછી હિઝકિયાએ યાજકો અને લેવીઓને તેઓના સમૂહો પ્રમાણે વહેંચી દીધા,+ જેથી તેઓ પોતાને સોંપેલી સેવા કરે.+ તેઓ અગ્નિ-અર્પણો અને શાંતિ-અર્પણો ચઢાવતા. તેઓ યહોવાનાં આંગણાંના દરવાજાઓની અંદર સેવા આપતા અને આભાર-સ્તુતિ કરતા.+ ૩ રાજાએ પોતાની ધનદોલતમાંથી અમુક ભાગ અગ્નિ-અર્પણો માટે આપ્યો.+ એટલે કે યહોવાના નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે સવાર-સાંજનાં અર્પણો માટે,+ સાબ્બાથ,+ ચાંદરાત+ અને તહેવારો+ માટેનાં અગ્નિ-અર્પણો માટે તેણે ભાગ આપ્યો.
૪ હિઝકિયાએ યરૂશાલેમમાં રહેતા લોકોને આજ્ઞા કરી કે યાજકોને અને લેવીઓને તેઓનો હિસ્સો જરૂર આપવો.+ એમ કરવાથી યાજકો અને લેવીઓ યહોવાના નિયમ પર પૂરું ધ્યાન આપી શકશે.* ૫ જેવો હુકમ બહાર પડ્યો કે તરત ઇઝરાયેલીઓએ પોતાની ઊપજની પ્રથમ પેદાશમાંથી* આ વસ્તુઓ પુષ્કળ પ્રમાણમાં આપી: અનાજ, નવો દ્રાક્ષદારૂ, તેલ,+ મધ અને જમીનની બધી ઊપજ.+ તેઓ દરેક ચીજવસ્તુઓનો દસમો ભાગ ઉદાર દિલથી લાવ્યા.+ ૬ યહૂદાનાં શહેરોમાં રહેતા ઇઝરાયેલના અને યહૂદાના લોકો પણ ઢોરઢાંક અને ઘેટાંનો દસમો ભાગ લાવ્યા. તેઓ એ પવિત્ર વસ્તુઓનો દસમો ભાગ પણ લાવ્યા,+ જે પોતાના ઈશ્વર યહોવા માટે પવિત્ર કરી હતી. તેઓ એ બધું લાવ્યા અને એના મોટા મોટા ઢગલા કર્યા. ૭ દાન કરેલી વસ્તુઓના ઢગલા કરવાનું તેઓએ ત્રીજા મહિનામાં+ શરૂ કર્યું, જે સાતમા મહિનામાં+ પૂરું થયું. ૮ હિઝકિયા અને આગેવાનોએ આવીને એ ઢગલા જોયા. તેઓએ યહોવાની સ્તુતિ કરી અને ઇઝરાયેલી લોકોને આશીર્વાદ આપ્યો.
૯ હિઝકિયાએ યાજકો અને લેવીઓને એ ઢગલાઓ વિશે પૂછ્યું. ૧૦ સાદોકના કુટુંબના મુખ્ય યાજક અઝાર્યાએ કહ્યું: “યહોવાના મંદિરમાં તેઓ દાન લાવવા માંડ્યા ત્યારથી+ લોકો ધરાઈને ખાય છે, છતાં હજુ ઘણું વધ્યું છે. યહોવાએ પોતાના લોકોને આશીર્વાદ આપ્યો હોવાથી આટલું બધું વધ્યું છે.”+
૧૧ એ સાંભળીને હિઝકિયાએ તેઓને યહોવાના મંદિરમાં કોઠારો*+ બનાવવા જણાવ્યું અને તેઓએ એ પ્રમાણે કર્યું. ૧૨ તેઓ પૂરી ઈમાનદારીથી દાનો, દસમો ભાગ+ અને પવિત્ર વસ્તુઓ લાવતા રહ્યા. લેવી કોનાન્યાને આ બધાની દેખરેખ રાખવા ઉપરી બનાવવામાં આવ્યો અને તેનો ભાઈ શિમઈ તેના હાથ નીચે હતો. ૧૩ હિઝકિયા રાજાના હુકમ પ્રમાણે કોનાન્યા અને તેના ભાઈ શિમઈને આ ઉપરીઓ મદદ કરતા હતા: યહીએલ, અઝાઝ્યા, નાહાથ, અસાહેલ, યરીમોથ, યોઝાબાદ, અલીએલ, યિસ્માખ્યા, માહાથ અને બનાયા. અઝાર્યા સાચા ઈશ્વરના મંદિરનો ઉપરી હતો. ૧૪ યિમ્નાહનો દીકરો કોરે પૂર્વ તરફનો લેવી દરવાન હતો.+ તે સાચા ઈશ્વરને આપવામાં આવેલાં સ્વેચ્છા-અર્પણોની* દેખરેખ રાખતો હતો.+ તે યહોવાને આપવામાં આવેલાં દાનો અને ખૂબ પવિત્ર વસ્તુઓમાંથી+ વહેંચણી કરતો હતો.+ ૧૫ તેના હાથ નીચે આ લોકો કામ કરતા હતા: એદન, મિન્યામીન, યેશૂઆ, શમાયા, અમાર્યા અને શખાન્યા. યાજકોનાં શહેરોમાં+ તેઓ બધા વિશ્વાસુ માણસો હતા. તેઓ પોતાના ભાઈઓના સમૂહો પ્રમાણે વહેંચણી કરતા હતા.+ તેઓ કોઈ ભેદભાવ રાખ્યા વગર નાના-મોટા દરેકને વહેંચી આપતા હતા. ૧૬ એ સિવાય જેઓનાં નામ વંશાવળીમાં નોંધાયેલાં હતાં, તેઓને પણ એ ચીજવસ્તુઓ વહેંચવામાં આવતી હતી. એટલે કે યહોવાના મંદિરમાં દરરોજ સેવા આપનારા પુરુષો અને પોતાના સમૂહોની ફરજો બજાવનારા પુરુષો. ત્રણ વર્ષ કે એનાથી મોટા દીકરાઓને પણ એ ચીજવસ્તુઓ મળતી હતી.
૧૭ યાજકોની વંશાવળીની નોંધ તેઓના પિતાના કુટુંબ પ્રમાણે થઈ હતી.+ ૨૦ વર્ષ કે એનાથી મોટા લેવીઓની+ નોંધ તેઓના સમૂહોની ફરજો પ્રમાણે થઈ હતી.+ ૧૮ લેવીઓની વંશાવળીની નોંધમાં તેઓનાં બધાં બાળકો, તેઓની પત્નીઓ, તેઓના દીકરાઓ, તેઓની દીકરીઓ અને તેઓનું આખું કુટુંબ હતું. તેઓ પોતાને પવિત્ર સેવા માટે શુદ્ધ રાખતા, કેમ કે તેઓ પર ભરોસો મૂકીને એ સેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ૧૯ વંશાવળીની નોંધમાં હારુનના વંશજો પણ હતા. એટલે કે તેઓનાં શહેરોની આસપાસની ગૌચર જમીનમાં* રહેતા યાજકો.+ એ બધાં શહેરોમાં અમુક માણસો પસંદ કરવામાં આવ્યા હતા. તેઓની જવાબદારી હતી કે યાજકોને ખોરાક વહેંચી આપે. તેમ જ લેવીઓની વંશાવળીની નોંધમાં જેઓનાં નામ હોય, એ બધાને પણ ખોરાક વહેંચી આપે.
૨૦ હિઝકિયાએ આવી ગોઠવણ આખા યહૂદામાં કરી. તેણે પોતાના ઈશ્વર યહોવાની નજરમાં જે સારું ને ખરું હતું એ જ કર્યું અને તેમને વફાદાર રહ્યો. ૨૧ તેણે પોતાના ઈશ્વરની ભક્તિ માટે જે કંઈ કર્યું, એ પૂરા દિલથી કર્યું. ભલે પછી એ સાચા ઈશ્વરના મંદિરની સેવા વિશે હોય+ કે નિયમશાસ્ત્ર અને આજ્ઞા પાળવા વિશે હોય, તેણે એ દિલથી કર્યું. હિઝકિયા જીવનમાં સફળ થયો.