લૂક
૧૯ પછી ઈસુ યરીખો આવ્યા અને શહેરમાંથી પસાર થતા હતા. ૨ જાખ્ખી નામનો એક માણસ ત્યાં હતો. તે મુખ્ય કર ઉઘરાવનાર હતો. તે ખૂબ ધનવાન હતો. ૩ તે જોવાનો પ્રયત્ન કરતો હતો કે આ ઈસુ કોણ છે. પણ ટોળાને લીધે તે જોઈ શકતો ન હતો, કેમ કે તે ઠીંગણો હતો. ૪ તે દોડીને આગળ ગયો. તેમને જોવા તે જંગલી અંજીરીના એક ઝાડ પર ચઢી ગયો, કેમ કે એ રસ્તેથી ઈસુ પસાર થવાના હતા. ૫ ઈસુ એ જગ્યાએ આવ્યા ત્યારે તેમણે ઉપર જોયું. તેમણે કહ્યું: “જાખ્ખી, જલદી નીચે આવ. આજે હું તારા ઘરે રહેવાનો છું.” ૬ એ સાંભળીને તે ઝડપથી નીચે ઊતરી આવ્યો. તેણે ખુશીથી ઈસુનો મહેમાન તરીકે આવકાર કર્યો. ૭ એ જોઈને ટોળાના લોકો કચકચ કરવા લાગ્યા: “જુઓ તો ખરા, તે પાપી માણસના ઘરે મહેમાન થયો છે.”+ ૮ પણ જાખ્ખીએ ઊભા થઈને ઈસુને કહ્યું: “માલિક જુઓ! મારી અડધી મિલકત હું ગરીબોને આપું છું. જે કોઈની પાસેથી મેં ખોટી રીતે* પડાવી લીધું હોય, તેને હું ચાર ગણું પાછું આપું છું.”+ ૯ ઈસુએ તેને કહ્યું: “આજે આ ઘરમાં ઉદ્ધાર આવ્યો છે, કારણ કે તું પણ ઇબ્રાહિમનો દીકરો છે. ૧૦ જેઓ ખોવાયેલા છે તેઓને શોધવા અને બચાવવા માણસનો દીકરો આવ્યો છે.”+
૧૧ શિષ્યો આ વાતો સાંભળી રહ્યા હતા. તેઓ યરૂશાલેમની નજીક હતા અને શિષ્યો માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય જલદી જ દેખાશે.+ એટલે ઈસુએ બીજું એક ઉદાહરણ જણાવ્યું. ૧૨ તેમણે કહ્યું: “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો,+ જેથી પોતાના માટે રાજસત્તા* મેળવીને પાછો ફરે. ૧૩ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને દસ મીના* ચાંદીના સિક્કા આપ્યા. તેણે તેઓને કહ્યું, ‘હું પાછો આવું ત્યાં સુધી આનાથી વેપાર કરો.’+ ૧૪ પણ પ્રજા તેને ધિક્કારતી હતી. તેઓએ તેને આમ કહેવા એલચીઓની ટુકડી મોકલી: ‘અમે ચાહતા નથી કે તું અમારો રાજા બને.’
૧૫ “તે રાજસત્તા મેળવીને પાછો આવ્યો. જે ચાકરોને તેણે સિક્કા* આપ્યા હતા તેઓને બોલાવ્યા, જેથી તેને ખબર પડે કે તેઓ વેપાર કરીને કેટલું કમાયા.+ ૧૬ એટલે પહેલા ચાકરે આવીને કહ્યું: ‘માલિક, એક મીના ચાંદીના સિક્કાથી હું બીજા દસ સિક્કા કમાયો.’+ ૧૭ માલિકે કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો. એટલે દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’+ ૧૮ બીજાએ આવીને કહ્યું, ‘માલિક, એક મીના ચાંદીના સિક્કાથી હું બીજા પાંચ સિક્કા કમાયો.’+ ૧૯ માલિકે કહ્યું: ‘તું પાંચ શહેરો પર અધિકારી થા.’ ૨૦ પણ બીજા એક ચાકરે આવીને કહ્યું: ‘માલિક, આ રહી તમારી ચાંદી. એને મેં કપડામાં સંતાડી રાખી હતી. ૨૧ હું તમારાથી ડરતો હતો, કેમ કે તમે કઠોર માણસ છો. જે તમે જમા કર્યું નથી એ લઈ લો છો અને જે તમે વાવ્યું નથી એ લણો છો.’+ ૨૨ તેણે કહ્યું: ‘દુષ્ટ ચાકર, તારા જ શબ્દોથી હું તારો ન્યાય કરું છું. તું જાણતો હતો ને કે હું કઠોર માણસ છું. મેં જમા કર્યું નથી એ હું લઈ લઉં છું અને વાવ્યું નથી એ લણું છું.+ ૨૩ તો પછી તેં શા માટે મારા સિક્કા* કોઈ શાહુકાર પાસે ન મૂક્યા? એમ કર્યું હોત તો મેં આવીને એ વ્યાજ સાથે પાછા મેળવ્યા હોત.’
૨૪ “તેણે પાસે ઊભેલા લોકોને કહ્યું: ‘તેની પાસેથી એક મીના ચાંદીના સિક્કા લઈ લો. જેની પાસે દસ સિક્કા છે તેને એ આપી દો.’+ ૨૫ પણ તેઓએ કહ્યું, ‘માલિક, તેની પાસે પહેલેથી દસ મીના ચાંદીના સિક્કા છે!’ ૨૬ તેણે કહ્યું: ‘હું તમને કહું છું કે જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે. પણ જેની પાસે નથી તેની પાસેથી જે કંઈ છે એ પણ લઈ લેવાશે.+ ૨૭ મારા દુશ્મનોને અહીં લઈ આવો. તેઓ ચાહતા ન હતા કે હું તેઓનો રાજા બનું. મારી સામે તેઓની કતલ કરો.’”
૨૮ આ વાતો કહીને ઈસુ યરૂશાલેમ જવા આગળ વધ્યા. ૨૯ તે બેથફગે અને બેથનિયા પાસે આવ્યા, જે જૈતૂન નામના પર્વત+ પર છે. ઈસુએ બે શિષ્યોને આમ કહીને મોકલ્યા:+ ૩૦ “તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ. એમાં જતાં જ તમને ગધેડાનું બચ્ચું બાંધેલું મળી આવશે. એના પર કદી કોઈ માણસ બેઠો નથી. એને છોડીને અહીં લઈ આવો. ૩૧ જો કોઈ તમને પૂછે, ‘તમે એને કેમ છોડો છો?’ તો તમારે કહેવું, ‘માલિકને એની જરૂર છે.’” ૩૨ એ શિષ્યો ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તેમ, ગધેડાનું બચ્ચું તેઓને મળી આવ્યું.+ ૩૩ તેઓ એને છોડતા હતા ત્યારે, એના માલિકોએ તેઓને પૂછ્યું: “તમે ગધેડાના બચ્ચાને કેમ છોડો છો?” ૩૪ તેઓએ કહ્યું: “માલિકને એની જરૂર છે.” ૩૫ તેઓ એને ઈસુ પાસે લાવ્યા. તેઓએ બચ્ચા પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુ એના પર બેઠા.+
૩૬ તે આગળ જતા હતા તેમ, લોકો પોતાનાં કપડાં રસ્તા પર પાથરવા લાગ્યા.+ ૩૭ તે જૈતૂન પર્વતથી નીચે જવાના રસ્તા પર પહોંચ્યા. તરત જ શિષ્યોનું આખું ટોળું આનંદ કરવા લાગ્યું. તેઓ મોટા અવાજે ઈશ્વરને મહિમા આપવા લાગ્યા, કારણ કે તેઓએ તેમનાં શક્તિશાળી કાર્યો જોયા હતા. ૩૮ તેઓએ કહ્યું: “યહોવાના* નામમાં જે રાજા આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે! સ્વર્ગમાં શાંતિ થાઓ અને સ્વર્ગમાંના ઈશ્વરનો મહિમા થાઓ!”+ ૩૯ ટોળામાંથી અમુક ફરોશીઓએ તેમને કહ્યું: “ગુરુજી, તમારા શિષ્યોને ચૂપ રહેવાનું કહો.”+ ૪૦ તેમણે કહ્યું: “હું તમને જણાવું છું, જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.”
૪૧ ઈસુ શહેર પાસે આવ્યા. તેમણે શહેર પર નજર નાખી અને રડી પડ્યા.+ ૪૨ તેમણે કહ્યું: “જો આજે તું શાંતિની વાતો સમજ્યું હોત તો કેવું સારું! પણ હવે એ વાતો તારાથી સંતાડેલી છે.+ ૪૩ તારા ઉપર એવા દિવસો આવી પડશે, જ્યારે તારા દુશ્મનો તારી ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવશે. તને ઘેરી લઈને ચારે બાજુથી હુમલો કરશે.*+ ૪૪ તેઓ તને અને તારાં બધાં બાળકોને જમીન પર પછાડશે.+ તેઓ તારામાં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેશે નહિ,+ કારણ કે તારો ન્યાય થતો હતો એ સમય તેં પારખ્યો નહિ.”
૪૫ પછી ઈસુએ મંદિરમાં જઈને એમાં વેચનારાઓને બહાર કાઢી મૂક્યા.+ ૪૬ તેમણે કહ્યું: “એમ લખેલું છે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર હશે.’+ પણ તમે એને લુટારાઓનો અડ્ડો બનાવ્યો છે.”+
૪૭ તેમણે દરરોજ મંદિરમાં શીખવવાનું ચાલુ રાખ્યું. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને લોકોના આગેવાનો તેમને મારી નાખવા માંગતા હતા.+ ૪૮ તેઓને એમ કરવાની કોઈ તક મળી નહિ, કેમ કે બધા લોકો તેમનું સાંભળવા તેમની સાથે ને સાથે રહેતા હતા.+